Search This Blog

16/03/2012

‘તીસરી મંઝિલ’ (’૬૬)

ફિલ્મ : તીસરી મંઝિલ’ (’૬૬)
નિર્માતા : નાસિર હુસેન
દિગ્દર્શક :  વિજય આનંદ
સગીત :  રાહુલદેવ બર્મન
ગીતો :  મજરૂહ સુલતાનપુરી
રનિંગ  ટાઈમ :  ૧૮ રીલ્સ- ૧૪૫ મિનિટ્‌સ
થીયેટર : નોવેલ્ટી (અમદાવાદ)
કલાકારો :  શમ્મીકપૂર, આશા પારેખ, હેલન, પ્રેમનાથ, પ્રેમ ચોપરા, સલિમખાન, રશિદખાન, ઇફતેખાર, રામ અવતાર, એસ.એન.બેનર્જી, નીતા, રાજ મહેરા, લક્ષ્મી છાયા, સબિના, ઇન્દિરા બંસલ અને કે. એન. સિંઘ

ગીતો 
૧ ઓ હસિના ઝૂલ્ફોંવાલી જાનેજહાં, ઢુંઢતી હૈ કાફિર આંખે રફી-આશા
૨ દીવાના મૂઝ સા નહિ, ઇસ અંબર કે નીચે મુહમ્મદ રફી
૩ આજા આજા, મૈં હૂં પ્યાર તેરા, અલ્લાહ અલ્લાહ રફી-આશા
૪ દેખીયે, સાહેબો, વો કોઈ ઓર થી, ઔર યે નાઝનીન રફી-આશા
૫ તુમને મુઝે દેખા, હોકર મહેરબાં, રૂક ગઈ યે ઝમીં મુહમ્મદ રફી
૬ ઓ મેરે સોના રે સોના રે, દે દૂંગી જાન જુદા મત રફી-આશા

૧૯૬૬-માં શમ્મી કપૂરની ફિલ્મ અમદાવાદના નોવેલ્ટી સિનેમામાં આવી, ત્યારે અમારી કોઈ ૧૪-૧૫ વર્ષની ઉંમરનું પાગલપન છાનુંછૂપું નથી રાખવું... ભલે ગણતરી ઇમ્મેચ્યોરમાં થઈ જાય. ખબર હતી કે, નોવેલ્ટીમાં આવવાનું છે, એટલે આજે મોટા અંબાજીને કારણે  હિંમતનગર કે ઇડર પણ અમારા માનીતા શહેરો થઈ ગયા છે, એમ ખાડીયાથી ઠેઠ નોવેલ્ટી સુધીનો રસ્તો, અમારું ચાલત તો આખો ચૂનાથી ધોળાવવાનો મનસૂબો હતો. અત્યારથી સંબંધો બાંધી રાખ્યા હોય તો, ટિકિટ ના મળતી હોય ત્યારે કામમાં આવે, એ ભ્રષ્ટ ઇરાદાથી ફિલ્મ રીલિઝ થવાના મહિના પહેલા નોવેલ્ટીની આજુબાજુના સિંગ -ચણાવાળા કે પાનના ગલ્લાવાળાઓની ચમચાગીરી શરૂ કરી દીધેલી. એ લોકોને થિયેટરના લાલાઓ સાથે જરી વઘુ ઓળખાણ હોય... આ એ ઉંમર અને જમાનો હતો, જ્યાં અમારે મન કોઈ મોટા ડોક્ટર, નેતા કે ઉદ્યોગપતિ કરતા થીયેટરના લાલાઓ સાથેની ઓળખાણ મોટી સિદ્ધિ કહેવાતી...!

એમાં ય, ફિલ્મ શમ્મી કપૂરની હોય, એટલે આખું ખાડીયા હિલોળે ચઢ્‌યું હોય. આજે માનવામાં આવે કે નહિ, દિવસો એ હતા કે, રાજ-દિલીપ કે દેવ કરતા શમ્મીનો ક્રેઝ એની ચરમસીમાએ હતો. છોકરીઓ દેવઆનંદ તરફ ફંટાતી...! અમે જ નહિ, મોટા ભાગના યુવાનો શમ્મી પાછળ પાગલ હતા. વાળ કે કપડાં પહેરવામાં એ તદ્દન કેઝ્‌યુઅલ.. શર્ટ ઇન્સર્ટ કરવું સહેજ બી જરૂરી નહિ, એક બટનનું અડધી બાંયનું સફેદ શર્ટ પણ એને રૂપકડો બનાવે અને પોણીયા બાંય ચઢાવેલી એની જર્સીઓમાં એ કાતિલ હેન્ડસમ લાગે...! હીરોઈન ગમે તે હોય, અમને એ લોકોની સાથે કોઈ મતલબ નહિ... જોવાનો માત્ર શમ્મીને જ ! યસ. એ જરા આઘોપાછો થાય, તો મોટું મન રાખીને થીયેટરમાં બેઠા બેઠા એ જ હીરોઈનો સાથે ચક્ષુવિવાહો પણ કરી લઈએ... હઓ ! ત્યાં પછી, જાતિ, જ્ઞાતિ, ધર્મ કે લિંગ ભેદો નહિ રાખવાના. બા ખીજાય ...!

પણ ૬૬-ની એ સાલમાં તીસરી મંઝિલમાં શમ્મી હતો, એ ઉપરાંત પણ એક નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો હતો.

સચિનદેવ બર્મનની ફેક્ટરી તો ધમધોકાર ચાલતી હતી, પણ મહેમુદની પહેલી જ ફિલ્મ છોટે નવાબમાં લતાજીનું ઘર આજા ઘિર આયે, બદરા સાંવરીયા...જેવા અન્ય સુરીલા ગીતો છતાં બર્મન-સુપુત્ર પંચમ એટલે કે, આર.ડી.બર્મનનો ગલ્લો ખાલી પડ્યો રહેતો હતો. ઘરાક તો દૂરની વાત છે, દસના છૂટા માંગવા આવનારે ય કોઈ નહિ. બર્મન દા ના ખારમાં ધી જેટનામના બંગલામાં દાદાના સાથી સંગીતકાર દોસ્તોની અવરજવર રહેતી, એમાં ચિત્રગુપ્ત આવ્યા ને જોયું તો ઘરની બારીમાં પંચમ મોઢું લટકાવીને બેઠો હતો. ચિત્રગુપ્તે ચોંકીને પૂછ્‌યું, ‘કેમ ભઈ.... નવરા બેઠા છો ?’ પૂછવાનો હેતુ એટલો કે, ‘છોટે નવાબની ધાંયધાંય સફળતા પછી તો પંચમ પાસે બસ... કામ જ હોવું જોઈએ, એવું ચિત્રગુપ્ત પણ માનતા હતા !

શું કરું ? કોઈ કામ જ નથી.. નવરો છું સાવ...!

ચિત્રગુપ્તે બર્મન દાને મળવા જવાનું બાજુ પર રાખીને પંચમ સાથે બેઠક જમાવી, જેનો ટુંકસાર એટલો જ હતો કે, ‘આજે તારી પાસે કામ નથી ને ટાઈમ જ ટાઈમ છે... તો સંગીતની ઘૂનો બનાવવા માંડ... આજે નહિ તો કાલે બધી કામમાં આવશે... વખત એવો આવશે કે, પછી તારી પાસે કામ જ કામ હશે ને ટાઈમ નહિ હોય...! અત્યારે કરી રાખેલું એ વખતે બઘું ખપમાં આવશે.

ને એક્ઝેક્ટ એવું જ બન્યું. ગોલ્ડીતરીકે ફિલ્મી દુનિયામાં જાણિતા વિજય આનંદ પાસે ય બહુ વખતે કોઈ સારો પ્રોજેક્ટ આવ્યો. નાસીર હુસેનની ફિલ્મ ડાયરેક્ટ કરવા મળે, એટલે કામ મોટું કહેવાય. નાસીરે ફિલ્મ તીસરી મંઝિલના હીરો તરીકે દેવ આનંદને ઓફર કરી, પણ એની પાસે શૂટિંગની તારીખો નહોતી, એટલે વાત શમ્મી કપૂર પાસે ગઈ. એ ય પોતાની વાઈફ ગીતા બાલીને થયેલા જીવલેણ શીતળાના રોગને કારણે બારે માસ ગમગીન રહેતો, પણ ગોલ્ડીએ સમજાવ્યો કે, ‘ફિલ્મ બહુ લાઈટ (હળવી) છે... તારું થોડું ઘ્યાન પણ ડાયવર્ટ થશે... આ ફિલ્મ કરવાની તને મઝા બહુ આવશે...!સંગીતકાર તરીકે ગોલ્ડીએ આર.ડી.બર્મનનું નામ સૂચવ્યું, કારણ કે ગોલ્ડીની ફિલ્મ ગાઈડમાં સંગીત ભલે સચિનદેવનું હતું, પણ એમની સતત નાદુરસ્ત રહેતી તબિયતને પ્રતાપે કામ બઘું આર.ડી. કરતો. 

બરોબર ઐન મૌકે પર... આર.ડી.ને ચિત્રગુપ્તની પેલી સલાહ કામ લાગી ગઈ. સાવ બેકારી પછી મળેલી તદ્દન નવી ફિલ્મ તીસરી મંઝિલમાટે, પેલો છેલ્લા ચાર વર્ષોથી બચાવી રાખેલો પેટીનો માલ કાઢવા માંડ્યો. બઘું પરફેક્ટ પાર ઊતર્યું ને એમાં ય વિજય આનંદે છૂટ આપી કે, ‘તું તારે તારી મરજી મુજબની ઘૂનો બનાવ... અમે કોઈ માથું નહિ મારીએ...

ફિર ક્યા...? કોઈ હળી કરવા દે, તો પંચમને હિંદી ફિલ્મ સંગીતને જોરદાર વેસ્ટર્ન-ધમાકા સાથે નવી ઉંચાઈઓ પર લઈ જવું હતું...! અહીં દોડવું હતું ને ઢાળ મળ્યો... ને  હિંદી  ફિલ્મોનો બ્રાન્ડ ન્યુ અવતાર આર.ડી.ના નામ સાથે શરૂ થયો. એક પછી એક એવા ગીતો આ ફિલ્મના બન્યા કે, આજ સુધી સ્ટેજ પર લાઈવ-શોમાં ગવાય છે. એક જમાનામાં શમ્મી કપૂર એના ફેવરિટ શંકર-જયકિશન સિવાય કોઈને ઊભા નહોતો રાખતો ને સામે છેડે ય... સવારને બદલે ઠેઠ બપોરે ઉઠતા જયકિશનના બંગલે લિટરલી નિર્માતાઓ રાહ જોઈને બેઠા હોય કે, ક્યારે સાહેબ ઉઠે ને ક્યારે એમની ફિલ્મમાં સંગીત આપવાનું સ્વીકારે...! ને જયકિશન આંખો ચોળતો ચોળતો બહાર આવીને સીઘું જ પૂછે, ‘તમારાથી શમ્મી કપૂર અને રાજેન્દ્ર કુમારની ફિલ્મોવાળા કોણ છે ? એ લોકો પહેલા અંદર આવી જાય...!પહેલો ચાન્સ આ બંને હીરોની ફિલ્મોને મળતો.

આર.ડી.એ શરૂઆત જ ધમાકાથી કરી. યાદ હોય તો, ફિલ્મ જ્વેલ થીફનું ટાઈટલ-મ્યૂઝિક આજે પણ આપણા જેવાને તો કંઠસ્થ છે, તેમ તીસરી મંઝિલનું ટાઈટલ-મ્યૂઝિક પણ લાજવાબ બન્યું. સમગ્ર ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ આર.ડી.એ એકની એક પેટર્ન જાળવી રાખી, જે થ્રૂ-આઉટ અસરકારક બની ગઈ. પ્રારંભમાં રફી-આશાનું જે ગીત સાવ પછી આમ કૂતરા હાંફતા હોય એમ ઓહ આજા, આઆ આજા... આઆ આજા...એવા અવાજોવાળું ગીત તે કાંઈ ગીત છે ? પણ એ જ રીતે આજ સુધીના ફિલ્મ સંગીતની આખી તાસીર બદલી નાંખી. ઢંગધડા વગરનું લાગે, દેખીયે સાહેબો, વો કોઈ ઓર થી...ફિલ્મમાં જોયા પછી એ જ એના ખૂબ મઘુરા બનેલા અંતરાઓને કારણે રહી રહીને સહુને મીઠડું લાગવા માંડ્યું. ઓ હસિના ઝુલ્ફોં વાલી...અને આજા આજા, મૈં હૂં પ્યાર તેરા...તો   હિંદી  ફિલ્મ સંગીતમાં આજ સુધી કોઈએ કર્યા ન હોય, એવા નવતર પ્રયોગો હતા. આજે એ.આર.રહેમાનો કે અનુ મલિકો જે કાંઈ કરતા હોય, એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક રાહુલદેવ બર્મન છુપાયેલો છે.

...ને તો ય... આ તો ફિલ્મી દુનિયા છે. એકવાર તીસરી મંઝિલનું સંગીત સુપરહિટ ગયું, એટલે ખુદ શમ્મી કપૂરે પોતે બનાવેલી ફિલ્મ મનોરંજનમાટે શંકર-જયકિશનને બદલે આર.ડી.બર્મનને લીધો. અહીં દોસ્તી-ફોસ્તી જેવું કાંઈ ન મળે... જેનો ઘોડો ચાલે, દાવ એની ઉપર જ હોય.

આંમે ય, નાસીર હુસેનની એકોએક ફિલ્મ આમ તો ઢંગધડા વગરની જ હોવા છતાં, સાલી બોક્સ-ઓફિસ ઉપર એની તમામ ફિલ્મો ધમધોકાર બિઝનેસ લાવી આપતી. તિસરી મંઝિલેતો રીલિઝ થતાની સાથે દેશભરમાં તહેલકો મચાવી દીધો. ફિલ્મમાં બધે ગોલ્ડીવિજય આનંદનો ટચ જોવા મળ્યો. કમનસીબે, પૈસા ચૂકવવામાં નાસીર હુસેને ગોલ્ડી સાથે પૂરી બદમાશી કરી. એના આવા અદ્‌ભુત ડાયરેક્શનનો એક પણ પૈસો વિજય આનંદને ન ચૂકવ્યો... ક્યાંક કાયદો નડતો હશે, એટલે પૈસા નહિ તો ફિલ્મના દિગ્દર્શક તરીકે ફિલ્મના ટાઈટલ્સમાંથી મારું નામ પણ કાઢી નાંખજો, એવી ગોલ્ડીની સૂચના પણ અમલમાં ન મૂકાઈ... વગર પૈસે નાસીરને ગોલ્ડીના નામનો ફાયદો અને દિગ્દર્શન વાપરવા મળી ગયા !

તીસરી મંઝિલમાં પ્રેમનાથનો ય મોટો કમબેક હતો. ગોલ્ડીનો એ માનીતો હોવાને કારણે, વર્ષોથી ફેંકાઈ ગયેલા પ્રેમનાથને ગોલ્ડીએ આ અને ફિલ્મ જ્હૉની મેરા નામમાં નવું નામ અપાવ્યું, એક વિલન તરીકેનું... એ પ્રેમનાથ જે આજ સુધી બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોનો હીરો હતો. અહીં હેલન માટે ય બે વાતો મોટી બની રહી હતી. એક તો  દારાસિંઘો ને બાદ કરતાં આટલી રૂપાળી છોકરીને કોઈ હીરોઈન તો નહોતું બનાવતું, પણ ફિલ્મોમાં એની જરૂરત એકાદ ડાન્સ-સોંગ પતાવી લેવાથી વિશેષ કાંઈ નહોતી. એ હેલનને અહીં ફિલ્મી વાર્તામાં નિર્ણાયક બને એવો રોલ ગોલ્ડીએ અપાવ્યો. અને બીજી વાત, એ જમાનાની ઝેડ-ક્લાસની ફિલ્મોમાં પ્રિન્સ સલીમ તરીકે પોતાને ઓળખાવતા હીરો સલિમખાન અને હેલન આ ફિલ્મમાં સાથે હતા, ત્યારથી બન્ને વચ્ચે પ્રેમ ફૂટવા માંડ્યો ને છેવટે બન્નેએ લગ્ન કરી લીધા. આજના હીરો સલમાનખાનના આ ફાધર શમ્મીના ય લાડકા હોવાથી ફિલ્મ પ્રોફેસરજેવી ફિલ્મોમાં પણ સલિમને સાઈડી રોલ મળી જતા.

અને હા...! તમને ડાન્સ-ફાન્સની સમજણ હોય કે ન હોય, એક વાત તમારે બાકાયદા સ્વીકારી જ લેવાની કે  હિંદી  ફિલ્મોમાં આજ સુધી હેલન જેવી બીજી કોઈ ડાન્સર આવી નથી... (ને તમે લખવાની છુટ આપતા હો, તો એ ય લખી નાંખું કે, ‘હવે આવશે પણ નહિ !’) વર્ષોનો વર્ષો સુધી આ છોકરીએ પોતાનું શરીર-સૌષ્ઠવ કેવું જાળવી રાખ્યું છે, એ તો આજની પાછળ મોટા મોટા ઢગરાઓ ઉચકીને માંડ ચાલી શકતી, એક જમાનાની સુંદર ગુજરાતણોને યાદ કરો, તો ખબર પડે ! હેલન કમિટેડ પણ એટલી હતી. નિર્માતા પૈસા આપે કે નહિ, એ પરદેશ ગઈ હોય ત્યાંથી પોતાના માથામાં કે કમર પાછળ ભરાવવાના મનમોહક અને રંગીન પીંછા પોતાના ખર્ચે લઈ આવતી. ભાગ્યે જ કોઈ ડાન્સમાં હેલને પીંછા નહિ પહેર્યા હોય ! એ જો કે, હજી સમજાય એવું નથી કે, હેલન દેવ આનંદ કે શમ્મી કપૂર સાથે ભરપુર ફિલ્મોમાં આવી છે, પણ કોઈને યાદ છે ખરું, એ કેટલી ફિલ્મોમાં રાજ કપૂર કે દિલીપ કુમાર સાથે આવી...? નથી યાદ આવતું ને ...? એકાદ બે ફિલ્મ હશે, મારા ભઈ!

તીસરી મંઝિલસસ્પેન્સ ફિલ્મ હોવાને કારણે એની વાર્તા કે પ્લોટ કહી દેવાનો કોઈ અર્થ નથી... જો કે, બધાને વર્ષોથી એ સસ્પેન્સ ખબર જ છે... (પાછું... આટલા વર્ષો પછી ય તીસરી મંઝિલનો સસ્પેન્સ એ લોકોએ એનો એ જ રાખ્યો છે... બદલ્યો નથી કે, પહેલા ખૂની કોઈ દાઢીવાળો હોય ને હવે આટલા વર્ષો પછી લોકો દાઢીવાળાથી કંટાળ્યા હોય એટલે ચલો બદલીને મંદિરના પૂજારીને અસલી ખૂની બનાવી દઈએ...!)
પણ નાસીર હુસેનની ફિલ્મો આટલી કેમ ચાલી, એનું એક રહસ્ય એ પણ હશે કે, એની ફિલ્મો ટોટલ મનોરંજનની હતી. કોમેડી ભલે ને તદ્દન સ્થૂળ કક્ષાની હોય, તમને હસવું તો આવે જ. નાસીરની તમામ ફિલ્મોના પર્મેનેન્ટ સાઈડ-કોમેડિયન રામ અવતાર (ખૂબ જાડીયો) પાસે શમ્મી કપૂર અને આશા પારેખ સાથે ટ્રેનમાં નાસીરે સારી એવી હસમહસી કરાવી છે. એક સંવાદ પણ જરા તીખો છે કે, રેલવેની બૂકિંગ-વિન્ડોમાં બેઠેલા મિર્ઝા મુશર્રફને શમ્મી કપૂર ટોણો મારીને કહે છે, ‘મેં રેલવે કા મુલાઝિમ (કર્મચારી) નહિ હૂં કે બગૈર ટિકીટ સફર કરું...!

યસ. આ જ્વેલ થીફકે તીસરી મંઝિલએવી ફિલ્મો હતી કે, દસ-દસ વાર જુઓ તો ય કંટાળો ન આવે, પણ મઝા એવી ને એવી આવતી રહે.

No comments: