Search This Blog

14/03/2012

રસ્તા વચ્ચે વાંદરું

રોડ નાનો ને એમાં બારમાની પરીક્ષાઓને કારણે સ્કૂલોની બહાર મા-બાપોની ભીડ. અમદાવાદમાં રહેવું ને ટ્રાફિકને નડવું નહિ, એ સાલું ડીસન્ટ બનીએ તોય પહોંચી વળાય એવું હોતું નથી. રોડ બ્લૉક કરીને ભણેલા-ગણેલા મા-બાપો વચ્ચે ઊભા રહી ગયા હતા. હજી નામની શહેનશાહીને કારણે મને જરી અભિમાન ખરું કે, રથ લઈને રાજા અશોક નીકળી રહ્યા છે, તો પ્રજા અદબપૂર્વક ખસીને મારગડો મોકળો કરી આપે. પણ હવે ક્યાં પહેલા જેવા માનમોભા રહ્યા છે ? પહેલા જેવા રાજા-મહારાજાઓ તો આ રહ્યા... ઠેબે ચડે છે, પણ હવે પહેલા જેવી પ્રજા ક્યાં થાય છે ? હું રણશીંગા ફૂંકતો રહ્યો (એટલે કે, ગાડીનું ટૉંટૉંટૉં કરતો રહ્યો,) પણસવાલ વહાલા દીકરા-દીકરીની એક્ઝામ્સનો હતો... એમ કાંઈ ટૉંટૉંટૉં કરવાથી પ્રશ્નો ઉકલી જતા હોય તો દેશભરમાં ટ્રાફિકના પ્રોબ્લેમ્સો જ ન રહે ! (એકલા પ્રોબ્લેમથી વાતમાં ઉઠાવ નહોતો આવતો... પ્રોબ્લેમ્સોકરી નાંખ્યું તો વાત કેવી વજનદાર થઈ ગઈ ? આમ પાછી ઇંગ્લીશમાં આપણી માસ્ટરી ખરી...!)

તમે આવો નઝારો જોયો હોય તો ખ્યાલ હશે કે, પૅપર પૂરું કરીને દીકરો/દીકરી બહાર આવે, એની સ્કૂલના કમ્પાઉન્ડની બહાર રાહ જોતા ઊભા રહેવું મસ્ત મજાનું પોશ્ચર હોય છે. પેપર પતે, એ સાથે જ સ્કૂલના સ્ટાફને ધીબેડી નાંખવા જવાનું હોય, એમ પેરેન્ટ્‌સ-લોગ અદબ વાળીને, એક ટાંટીયો જરા આગળ લંબાવીને રોડ ઉપર ઊભા રહે છે. રોડના ડામરે-ડામરે એમના પિતાશ્રીઓના નામ લખેલા હોય છે. કોઈ હટતું નહોતું, એના કારણોય મળી ગયા. સત્યાગ્રહ છાવણી પાછળ સેટેલાઈટ પોલીસ-સ્ટેશનની ગલીમાં આવેલી દેવાશિષ સ્કૂલની બહારનો આ નજારો હતો. આ વાલીઓ ઉપર તો સત્યાગ્રહની સીધી અસર હતી-ગાંધી માર્ગે પણ રસ્તા રોકોથઈ શકે. ગાંધીજીથીય ઉપરની સત્તા, એટલે કે એમને દેવના ડાયરેક્ટ આશિષ મળેલા હતા અને તે પણ પોલીસની નિગેહબાની હેઠળ...! આ લોકોને તો ઉપરવાળો ય ઉપાડી લઈ ન શકે.

કોક મમ્મી-પપ્પાના દિલમાં દયા પ્રગટી અને મને જવા દીધો. મેં મહીં પરીક્ષા આપી રહેલા છોકરાઓ કમ-સે-કમ પાસથઈ જાય, એવી પ્રાર્થના કરી. મારો ઇરાદો કેવો ઊંચો કે, હાળા નાપાસ થાય તો આવતા વર્ષે એના મા-બાપો અહીં જ ફરી પાછા ગુડાવાના છે ને ફરી રસ્તા-રોકો શરૂ કરશે ને ફરી હું અટવાઈ જઈશ. જુઓ. આપણાથી કોઈનું સારું ન વિચારાય તો વાંધો નહિ, પણ કદી કોઈનું ખરાબ ન વિચારવું. (મારા દાખલામાં સારું કે ખરાબ તો જાવા દિયો, હું વિચારી શકું છું’, એ જ મુદ્દે મને ઘણાં અભિનંદનો મળે છે.)

મુસીબત આગળ પણ ખડી હતી. એમનાથી કોઈ ૨૫-૫૦ ફૂટ જ દૂર થોડે આગળ બીજો ખતરો હતો. રસ્તો તો કેવો સાંકડો છે, એ તો ગયા હો તો ખબર પડે. ત્યાં વાંદરાઓનું ઝૂંડ રસ્તા વચ્ચે બેઠું હતું. આવાઓમાં ડઘાઈ તો જવું પડે. ડઘાઈ જવામાં હું ઘણો આત્મનિર્ભર. ગમે ત્યાં ડઘાઈ ગયો હોઉં, ઘેર ફોન કરીને હકીને કદી કીઘું નથી કે, ‘સાંભળ... ૪૦-વર્ષ પહેલાની મારી પેલી ( )ને આજે ઢમઢોલ થઈને જતી જોઈ. હાલીય નહોતી શકતી. હું ખૂબ ડઘાઈ ગયો છું, પણ અત્યારે મારી પાસે ડઘાવાનો ટાઈમ નથી... થોડી તું ડઘાઈ જા... પણ હવે તારે ચિંતા કરવા જેવી નથી.પહેલા તો ૪૦-૪૦ વર્ષોથી પેલીનું નામ પડતા હકી બહુ ડઘાઈ જતી. આજે સ્વયં હું ડઘાઈ ગયો. મેં કહી દીઘું, ‘આપણું લગ્નજીવન સલામત છે... હઓ !

મને શક પણ થયો કે, વાંદરાનાં બચ્ચાઓ ય અહીં ભણતા હશે ? , એક્ઝામ્સ છે... ટૅન્શન માણસોને થાય તો વાંદરાઓને ન થાય ? બીજી શંકા એ થઈ કે, મારા આવવાની જાણ આ લોકોને કેવી રીતે થઈ ગઈ ? ઇન ફૅક્ટ, ચહેરાની સુંદરતાના ધોરણે વાંદરાઓ સાથે મારો સદીઓથી ૠણાનુબંધ ગોઠવાયો છે. નારણપુરા ચાર રસ્તે મારા ફલેટમાં આ લોકો અંગત પરિચયની લાજ રાખીને ઘરમાંય આવી જાય છે. મહેમાનો કહીને/જણાવીને આવે.. ઘરના કે ઘરના કોઈ કહેવડાવીને ન આવે ! મહેમાનો ઘરની કોઈ ચીજવસ્તુને ન અડે, એ ભારતીય સંસ્કૃતિ છે પણ વાંદરાઓ આવતા વહેંતબધી તોડફોડ કરી નાંખે, એ ઈવન મારી પોતાની પ્રકૃતિ છે. આ જ કારણે, અમારા સર્કલમાં કોઈ મને પોતાના ઘરે બોલાવતું નથી. સાવ વાંદરા જેવો જ છે’, એવું મેં લક્ષણના ધોરણે નાનપણથી બહુ સાંભળ્યું છે. આ તો એક વાત થાય છે...!

એ લોકો અદબ-બદબ ન રાખે, તો આપણે રાખવી, એ હિસાબે રસ્તાની બરોબર વચ્ચે બેઠેલા બે વાંદરાઓને કારણે મેં ગાડી ઊભી રાખી દીધી. બારી ઉપર કોણી અને ગાલ ઉપર હાથ ટેકવીને હું, ફિલ્મ જાગતે રહોના રાજકપૂર જેવી લાચારીથી બેઠો છું. મને બધે ઘ્યાનથી જોવાની બહુ ટેવ, એમાં ખબર પડી કે, એ બન્ને વાંદરા નથી. શક્ય છે કે, એ બેમાંથી એકની દાનત મારા ઉપર બગડી પણ હોય કારણ કે, એ સતત મારી તરફ ઘર આયા મેરા પરદેશી, પ્યાસ બુઝી મોરી અખીયન કીઈઈઈ, હોઓઓઓ !ના રોમેન્ટિક ભાવો સાથે જોતી હતી. મને વાંદરાઓ વાંદરાવેડાં કરે, એ સહેજ પણ ન ગમે. એ લોકોએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. એક વાંદરી કૂદકો મારીને ગાડીના બૉનેટ ઉપર આવી ગઈ. કાચમાંથી મને જોઈને દાંતીયા કરે. આપણને એમ કે, સ્ત્રીઓ સાથે શું મગજમારી કરવાની ? (હવે તમને ખ્યાલ આવ્યો હશે કે, એ બન્ને વાંદરીઓ સ્ત્રી હતી, એની મને કેવી રીતે ખબર પડી ગઈ ?) કોઈ પંખો ચાલુ કરો...!

એક બીજું રણશીંગું ફૂંકીને એને કાઢી. અને ફરી એકવાર હું આ ફાની દુનિયામાં નીકળી પડ્યો.

આપણને જ્યારે મોડું થતું હોય, ત્યારે વધારે મોડું થાય, એવી વ્યવસ્થાઓ આપણે ત્યાં છે. ટ્રાફિક વધવાની સાથે ભીડ પણ વધે છે અને બે વાહનવાળાઓ વચ્ચે તારા બાપની...ને તારી માંની...સાંભળવા જાણે રહી ગયા હોય, એમ જેમને આ સો-કોલ્ડ એક્સીડેન્ટ સાથે કોઈ લેવા-દેવા ન હોય, એ લોકો, ‘શું થયું... ? શું થયું...?’ જોવા પોતાના વાહનો રોકીને ઉભા રહી જાય છે. મને એ નથી ખબર પડતી કે, રસ્તા વચ્ચે કોઈનો ઝઘડો ચાલતો હોય, એ જોવાનું કુતૂહલ કઈ કમાણી ઉપર થતું હશે ? (જો કે, મને તો એવું બઘું જોવાની પેલ્લેથી હૉબી છે...! બીજા ફાઈટ કરતા હોય, એ જોવાનો મને જલસો પડી જાય છે...! મારે કોઈની સાથે ઝઘડો થાય તો રીઝલ્ટ પહેલેથી નક્કી હોય, એટલે કે હું હારું જ. જરાક અમથો ઝઘડો થાય તો પેલાના ખભે બચકું ભરી લેવામાં આપણી માસ્ટરી ખરી. ઘણા પાસે ૧૪-૧૪ ઇન્જેક્શનો લેવડાવ્યા છે...!)

એટલે... આગળ બે જણા અથડાયા હતા, એમાં ટ્રાફિક જામ ! મને થયું કે, ગાડીમાં નવરો બેઠો છું, તો એકાદાને બચકું ભરી આવું,પણ સારા કામમાં સો વિધ્નો, યૂ નો...? આજુબાજુ ગોઠવાઈ ગયેલી બીજી ગાડીઓ મારી ગાડીના દરવાજા ખોલવા દે એમ નહોતી. અને મેં તો ચોંકી ચોંકીને હજ્જારો વખત જોયું છે કે, આવે વખતે બાજુની ગાડીમાં આપણું ભવિષ્ય સુધરે, એવું કાંઈ આવતું જ નથી હોતું. મારે ભાગે તો બધે ઝંડે-ઝંડા જ આવતા હોય છે. બાજુવાળો મારી સામે જોતો હતો. મેં પૂછી જોયું, ‘પત્તા-બત્તા લાયા છો ? રૂપીએ રૂપીએ તીનપત્તી રમી નાંખીએ...!સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહી ગયા છે કે, સમયનો હંમેશા સદુપયોગ કરવો... આ તો એક વાત થાય છે !

અલબત્ત, એણે મને જવાબ આપ્યો, એ સાંભળીને ઘટનાસ્થળ ઉપર જ મને ગાડી સાથે સીતામાતાની માફક ધરતીમાં સમાઈ જવાની બીકો લાગવા માંડી. એ હાળો કવિ મૂવો હતો. મારી તીનપત્તીના જવાબમાં મને નમ્રતાથઈ કહે, ‘આપ ભાવક લાગો છો... હું શાયર છું... પેશ-એ-ખિદમત હૈ...’ ‘અવનિની અગમ્ય ગગનમણિકા, વ્યોમના પાર્થિવ નિરભ્ર નયનો...!’ ‘એક તીનપત્તીનું પૂછ્‌યું એમાં ગાળો શેની બોલો છો...? ના રમવું હોય તો ના રમો...મને યાદ છે, એ માણસ મિનીટો સુધી મારી સામે જોયે રાખતો હતો.

મેં હકીને મોબાઈલ કરી દીધો. રોજની આદત મુજબ, એણે પૂછી લીઘું, ‘ક્યારે આવો છો ?’

મેં ઘણી સ્વસ્થતા રાખીને જવાબ આપ્યો, ‘હું ટ્રાફિકમાં ફસાયેલો યુવાન છું, હકી ! હવે મારી આશા મૂકી દેજે. બને તો કોક સારો છોકરો જોઈને દીકરીના લગન-બગન તમે જ પતાવી દેજો. જોઉં છું, એના સિમંત વખતે આવી જવાય તો ટ્રાય કરું છું. બસ ડાર્લિંગ... હવે તો આગલા ભવે કોક ટ્રાફિક-જામમાં જ મળીશું....!

ફોન મૂકતાં હકી કોકને એવું કહેતી સંભળાઈ હતી, ‘અસોકનો ફોન હતો.. માણહ તરીકે ઈ બહુ સારા માણહ હતા, હોં...!

સિક્સર
- કેમ બેટા, આ પાણી-પૂરી ફેંકી દીધી...?
- ફેંકી જ દે ને... ! ટીવી પર એની જાહેર ખબરમાં સચિન તેન્ડુલકર આવે છે...!

No comments: