Search This Blog

03/03/2012

રૂપ કી રાની, ચોરોં કા રાજા

ફિલ્મ : રૂપ કી રાની, ચોરોં કા રાજા (૬૧)
નિર્માતા-દિગ્દર્શક : એચ.એસ.રવૈલ
સંગીતકાર : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ
થીયેટર : મોડેલ (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, વહિદા રહેમાન, જીવન, રાજેન્દ્રનાથ, રણધીર, સુંદર, હીરાલાલ, જગદિશ રાજ, સાહિરા, શીલા કાશ્મિરી, મનોરમા, ઇફ્‌તેખાર, ગૌતમ મુકર્જી

ગીતો 
૧. સુનો ભાઈ હમને પા લી હૈ થોડી..... તલત મહેમુદ
૨. જાઓ ના સતાઓ રસીયા..... આશા ભોંસલે
૩. આજા રે આજા રે આજા, આજા નૈન દ્વારે..... આશા-સુબિર સેન
૪. તુમા રી આમા રી પ્રેમ રી જાવાર..... મહેન્દ્ર કપૂર-લતા મંગેશકર
૫. તુમ તો દિલ કે તાર છેડ કર, હો ગયે બેખબર..... તલત મહેમુદ
૬. તુમ તો દિલ કે તાર છેડ કર, હો ગયે બેખબર..... લતા મંગેશકર
૭. તુ રૂપ કી રાની, મૈં ચોરોં કા રાજા, તેરા મેરા પ્યાર..... લતા-તલત
૮. ઐસી હી અગર મરઝી હૈ તેરી..... લતા મંગેશકર
૯. આજા રે આજા રે આજા, આજા નૈન દ્વારે..... સુબિર સેન 

દેવ આનંદની કમનસીબે ઘણી એવી ફિલ્મો આવી, જેની નોંધો આજ સુધી ક્યાંય લેવાઈ નહિ, એમાંની બીજી એક એટલે રૂપ કી રાની, ચોરોં કા રાજા’. રાજ કપૂર કે દિલીપ કુમારને આવો પ્રોબ્લેમ નડતો નહોતો કારણ કે, એ બન્ને એક વર્ષમાં ફક્ત એક જ ફિલ્મ સ્વીકારે... રાજ હોય તો બહુ બહુ તો બે. એટલે સારી ફિલ્મની પસંદગીના મોકા એમની પાસે અકબંધ પડ્યા હતા. દેવ આનંદ એ એરીયામાં બદનસીબ ખરો કે, ભાગ્યે જ એની ફિલ્મો સળંગ મેદાનો મારે. એની સરહદ’, ‘કિનારે કિનારે’, ‘મંઝિલ’, ‘મિલાપ’, ‘તમાશા’, ‘કહીં ઔર ચલકે શરાબીજેવી તો ઘણી ફિલ્મો આવી અને ગઈ ને પ્રેક્ષકોને એ ફિલ્મો સારી હતી કે બંડલ, એ ચકાસવાનો ટાઈમ મળે, એટલા સપ્તાહો પણ થીયેટરોમાં ચાલતી નહિ. ઇવન, આ ફિલ્મ રૂપ કી રાની...હું એમ નહિ કહું કે બહુ મોટી ક્લાસિક હતી, પણ તમને દેવ આનંદ જોવો ગમતો હોય તો ફિલ્મ એટલી ફાલતુ પણ નહોતી. શંકર-જયકિશનનું સંગીત હોય એટલે ફિલ્મ જોતા જોતા ઘરનું તો તમારે કાંઈ કાઢવાનું નહિ... પૈસા વસૂલ જ હોય !

આ ફિલ્મ ૬૧-માં રીલિઝ થઈ, એટલે દેવ એની ધગધગતી જુવાનીમાં માંડ કોઈ ૩૮-૩૯ વર્ષનો હતો. એ સોહામણો ખૂબ હતો અને ખાસ તો સ્ટાઈલિશ હતો. આજના હીરોઝ જેવું કસાયેલું અને સ્નાયુબદ્ધ શરીર તો એ જમાનાના એકે ય હીરોનું નહોતું ને કદાચ એની જરૂરે ય નહોતી. આ બધી શરૂઆતની ફિલ્મોમાં તો દેવ શર્ટ કાઢી નાંખતો, પણ છાતી અને પેટનું ફક્ત પાટીયું બનતું. ૠત્વિક રોશન કે સલમાન ખાન જેવા V શેઈપના છાતી કે પેટ રાજ-દિલીપ-દેવ કોઈના નહિ. પણ એટલે જ કદાચ એ બધાને કપડાં સરસ લાગતા. રૂપ કી રાની, ચોરોં કા રાજા...નામ પ્રમાણે જ દેવ આનંદ ચોર બને છે, એટલે કપડાં મુફસીસીના હોય, પણ એના સપ્રમાણ શરીર અને અદાઓને કારણે દેવ જોવો બહુ ગમતો. આખી ફિલ્મમાં દેવ આનંદને ફક્ત એક જ કપડાં પહેરવા મલ્યા છે. શણ (જ્યુટ)નું પહોળું શર્ટ અને એ જમાનાની ફેશન પ્રમાણેનું કોથળા જેવું હરફર-હરફર થયે રાખતું ખૂબ પહોળું પૅન્ટ. એક્ટિંગમાં રાજ-દિલીપ જેટલો જ ઊંચો ચઢી શકતો... જો ફિલ્મનો ડાયરેક્ટર કાબેલ મળે ! અહીં હરનામસિંઘ રવૈલ એટલે જેમણે સાધના-રાજેન્દ્રકુમારની ફિલ્મ મેરે મહેબૂબબનાવી હતી, તેમનું દિગ્દર્શન છે. ફિલ્મ સારી બનાવવા માટેના તેમના પ્રયાસો ખાલી પેટ નથી ગયા. એમનો જ દીકરો રાહુલ રવૈલ શરૂશરૂમાં ઘણો સારો દિગ્દર્શક પૂરવાર થયો. યાદ હોય તો ધર્મ-પુત્ર... એટલે કે ધર્મેન્દ્રનો પુત્ર સની દેવલને હીરો બનાવનાર આ રાહુલ હતો. રાહુલ તદ્દન ફેંકાઈ ગયો, તેના તામસી અને બદતમીઝ મીજાજને કારણે.

આ ફિલ્મમાં મીજાજ તો દેવ આનંદનો ય સત્તર ખાંડીનો બતાવાયો છે, પણ એ ફક્ત આપણા જીવન ઉર્ફે જીવણઉપર. બન્ને ચોર ભાગીદારીમાં લૂંટધાડ પાડતા હોય છે ને ઝગડો થયા પછી દુશ્મનો બની જાય છે. પહેલી ખબર લાવનાર જીવન કે, શિવસાગરની યાત્રાએ જઈ રહેલી બોટમાં એક મારવાડી શેઠીયો (જગદિશ રાજ અને તેની પત્ની ઇંદિરા બંસલ) પ્રભુને ચઢાવવા માટે કિંમતી હીરો લઈ જઈ રહ્યો છે. દેવ એ બોટમાં ધૂસીને પોતાનો પેંતરો અજમાવે, તે પહેલા જ બોટમાં સફર કરી રહેલી નાચનારી-ગાનારી વહિદા રહેમાન સાથે ઇશ્કબાજી શરૂ કરી દે છે, જેથી ખોટો ટાઈમ ન બગડે. દેવને સામનો ફક્ત જીવનનો જ નહિ, મહાપાપી અને કપટી સાઘુ (હીરાલાલ), તેમજ એવા જ ગામને ઉલ્લુ બનાવતા ફરતા સુંદર અને રાજેન્દ્રનાથની ટોળકીઓનો ય સામનો કરવાનો હોય છે. આ બધાં વચ્ચે ડાયરેક્ટરે કોમેડીના પીસ મજાના મૂકી દીધા છે, એટલે ફિલ્મ ક્યાંય સીરિયસ ન બની જાય.

રૂપ કી રાની, ચોરોં કા રાજા...ની વાર્તા કોણે લખી છે, એ જાણશો તો મેં ધારી રાખ્યો છે, એવો કોઈ આંચકો તમને નહિ આવે કારણ કે, તમને તો અમથું ય સુહ્રિદ કરનું નામ ન સાંભળ્યું હોય ને ? પણ આ એ માણસ હતો જેણે પોતાની કરિયરમાં ફિલ્મોની વાર્તાઓ તો ઘણી લખી, પણ સંગીત એક જ ફિલ્મ કાંચ કી ગુડિયામાં આપ્યું ને એનું ય ફક્ત એક જ ગીત આજ સુધી લોભામણું રહ્યું, આશા-મુકેશનું સાથ હો તુમ ઔર રાત જવાં, નીંદ કીસે અબ ચૈન કહાં, કુછ તો સમજ અય ભોલે સનમ...

ગીતો તો જાણીએ જ છીએ કે, સુપરડૂપર હિટ જ હોય, પણ શંકર-જયકિશનની કોઈ પણ ફિલ્મ શરૂ થાય, એટલે એનું ટાઈટલ મ્યુઝિક મસ્તીથી સાંભળવાની ય મસ્તી ચઢી જાય. કમનસીબે, શંકર-જયકિશન આ ફિલ્મમાં સરિઆમ નિષ્ફળ ગયા હતા. કોઈ ગીત આજ સુધી યાદ રહી જાય એવું નથી બન્યું. (... પછી, એ વાત જુદી છે કે, મારા/તમારા જેવા એમના ડાય-હાર્ડ ફૅન્સને તો શંકર-જયકિશનની કિસ્મત કા ખેલજેવી ફિલ્મોના ગીતો ય મોંઢે હોય અને પાછા ગમે... કારણ કે, શંકર-જયકિશને બનાવ્યા છે !) બહુ ઓછાને ખબર હશે કે, આસિસ્ટન્ટ્‌સમાં સેબેસ્ટિયન અને દત્તારામ જેવા ખેરખાંઓ હતા, છતાં ફિલ્મનું બેકગ્રાઉન્ડ અને ટાઈટલ-મ્યુઝિક એકલો જયકિશન જ સંભાળતો. સેબેસ્ટિયન તો ફક્ત એરેન્જર હતો-એરેન્જર એટલે સંગીતકાર જે ઘૂન બનાવે, એના સ્વરાંકનો (નોટેશન્સ) એટલે કે, ગીતની લિપી... ગમપગ રે સા...વગેરે વગેરે... લખી લખીને તમામ વાજીંત્ર-વાદકોને આપવાના, કયા ગીતમાં કયા કયા વાજીંત્રો વગાડવાના છે, એ નક્કી કરીને એમના રીહર્સલો લેવડાવવાના, રીહર્સલ કે રેકોર્ડિંગ વખતે કોણે ક્યાં બેસવાનું છે-ખાસ તો વોયોલિનવાદકો કેટલી સંખ્યામાં જોઈશે (શંકર-જયકિશનમાં તો કોઈપણ સંગીતકાર કરતા સૌથી વઘુ વોયોલિનિસ્ટ્‌સ રહેતા... ક્યારેક તો ૭૫-૮૦ પણ થઈ જાય... મિનિમમથી તો ઘણા ઓછામાં બાકીનાઓનું કામ પતી જતું. અનિલ બિશ્વાસ કે સી.રામચંદ્રમાં તો હાર્ડલી કોઈ ૧૫-૧૭ વોયલિનિસ્ટ્‌સ બેઠા હોય. 

આમાં ૫૦-૬૦-ના દાયકાના હિંદી ગીતો રેગ્યુલર સાંભળનારાઓ તો ફક્ત વોયોલિન સાંભળીને આરામથી કહી શકે કે, આ ઘૂન કોની છે ? પ્રભાવ એ જમાનાના સંગીતકારોનો હતો કે, દરેકની કોઈ ને કોઈ પેટર્ન રહેતી, એટલે આ ગીતના સંગીતકાર કોણ છે, એ ધારી લેવામાં મોટા ભાગે તો એ લોકો ખોટા ન પડે. આવી પોતાની પેટર્ન પર સંગીત આપનારો હિંદી ફિલ્મોનો છેલ્લો સંગીતકાર રાજેશ રોશન હતો, જેનું કોઈ પણ ગીત વાગતું હોય તો સંગીતકારનું નામ જાણ્યા વગર કહી શકાતું, કે આ રાજેશની ઘૂન છે. પણ એ પછી અત્યાર સુધીના એકપણ સંગીતકારનું ફક્ત ગીત વાગતું હોય તો તમે તો જાવા દિયો.... ખુદ એ પોતે ય કહી ન શકે કે, ‘આ લ્લે.... લે... આ ઘૂન તો મેં બનાવેલી છે !

અહીં શંકર-જયકિશને એક ચાન્સ પણ લીધો છે. દેવ સાહેબના ચાહકોને ખબર છે કે, મહેન્દ્ર કપૂર દેવની આખી કરિયરમાં એકેય વાર દેવને પ્લેબેક આપી શક્યો નથી. અહીં તુમારી આમારી પ્રેમ રી જાવાર...ગીતમાં મહેન્દ્રભઈ પહેલી અને છેલ્લી વાર દેવને પ્લેબેક આપે છે. એક ઝટકો લાગે ખરો કે, બહુ રેર કેસમાં સંગીત આ બન્નેનું હોય ને સાથે મુહમ્મદ રફી ન હોય... અહીં નથી. કારણ ખબર નથી. નવાઈ તો બીજી એ પણ લાગે (અહીં નવાઈશબ્દ છેકી નાંખીને ઝાટકોમૂકવો) કે, કઈ કમાણી ઉપર શંકર-જયકિશન દેવના પ્લેબેક માટે તલત મહેમુદને ઉપાડી લાવ્યા છે. એ હજી બર્મન દાદા લઈ આવે તો જાયે તો જાયે કહાં...જેવું વર્લ્ડ-ક્લાસ ગીત બને, પણ તલતના અવાજની મર્યાદાઓ છતાં શંકર-જયકીશને તેની પાસે દારૂડીયા દેવ આનંદનું ગીત લથડતા સ્વરોમાં ગવડાવ્યું છ, ‘સુનો ભાઈ હમને, પા લી હૈ થોડી...એટલે હેમંત ચૌહાણ હાથમાં ગીટાર પકડીને માઈકલ જેક્સનનું ગીત ગાતા હોય એવું લાગે. ભૂલ પકડાઈ ગઈ હોવી જોઈએ. એટલે આ ગીત ફિલ્મમાં પા લી હૈ થોડી...અર્થ વગરના શબ્દો લાગે છે, એટલે પાછળથી રેકોડ્‌ર્સમાં સુધારીને પી લી હૈ થોડીકરી લેવામાં આવ્યું છે.

જોવાની મસ્તી એ વાતની છે કે, ચોર બનતા દેવ આનંદનું આ ફિલ્મમાં નામ છગનછે. આવું નામ છેલ્લા ૫૦-વર્ષથી તો ભારતભરમાં કોઈનું પડ્યું નથી, એટલે માની લઈએ કે, આ જ છેલ્લું હશે. વળી પડદા પર ડાન્સ કરવો કે ફાઈટ કરવી દેવ આનંદનું કામ નહિ. એ ડાન્સ કરે ત્યારે એક જ આવડત... બન્ને ઢીંચણ વારાફરતી ઊંચા કરતા રહીને, એક ખભો આગળ લઈ જવાનો અને બીજો પાછળ. મોઢું હસતું રાખવાનું. છેલ્લે છેલ્લે તો-આઈ મીન, એને માટે પહેલ્લે-પહેલ્લેથી ડાન્સો કરવાને બદલે એ ઝીણી આંખો મૂન્ડી હલાય-હલાય કરીને કરી લેતો. એક જરા અમથી મૂન્ડી હલાવે એમાં તો દુનિયાભરની હેલનો, બિંદુઓ કે કક્કુઓના ડાન્સો આવી ગયા કહેવાય.

દેવ આનંદને તો ફાઈટિંગ કરતા ય નહોતી આવડતી. એની કોઈપણ ફિલ્મનું ફાઈટ-દ્રશ્ય યાદ કરો. એ ફેંટ મારે છે કે, સામેવાળાને ગલીપચી કરે છે, એ ખબર ન પડે. પ્રાણ જેવા ખૂંખાર ગુંડાને એ ફટકારી શકે, એ માનવામાં ન આવે. આ આપણા શમ્મી કપૂર જેવો પડછંદ હીરો પ્રાણ, જીવણ કે કે.એન.સિંઘને ફૂંક મારે ને આ લોકો પડી જાય તો ય વાત ગળે ઉતરે ખરી.

હીરોઈન વહિદા રહેમાનને દેવ આનંદ સાથેની મોટા ભાગની ફિલ્મો ફળી છે. ઇન ફેક્ટ, એ ફિલ્મોમાં આવી, એ પહેલાની ઓટોગ્રાફ લેવા માટે નોટબૂક લઈને દોડતી એક ચાહક હતી, એ તો હજી હમણાના એના કોઈ ટીવી-ઈન્ટરવ્યૂમાં ય કહ્યું છે. વહીદા સી.આઈ.ડી.માં આવી, તે પછીની તમામ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોમાં અત્યંત ખૂબસૂરત લાગી છે, આમાં પણ. હેમા માલિનીની જેમ પહેલા એ ડાન્સર અને પછી હીરોઈન હતી, એટલે હેમાની જેમ પોતાની દરેક ફિલ્મોમાં બાકાયદા એક ડાન્સ તો રખાવે જ. ફિલ્મ ગાઈડમાં સપેરાનો દિલડોલ ડાન્સ યાદ તો છે ને ?

એમ પાછું જોવા જઈએ, તો એ જમાનામાં વહિદા અને વૈજ્યંતિમાલા-બે જ હીરોઈનો એવી હતી કે, એ જમાનાના લગભગ તમામ હીરો સાથે કામ કર્યું હતું. મીનાકુમારી તો એ બન્ને કરતા ય એક અભિનેત્રી તરીકે વઘુ સારી, છતાં રાજકપૂર અને દેવ આનંદ સાથે બબ્બે-ચાર ચાર ફિલ્મોમાં માંડ કામ કર્યું હતું. નૂતન દિલીપ કુમાર સાથે કદી ય ન આવી. અલબત્ત, ‘રૂપ કી રાની, ચોરોં કા રાજાઆમ તો હજી માર્કેટમાં હજી મળે એમ નથી. પાકિસ્તાનમાં આપણી અનેક અપ્રાપ્ય જૂની ફિલ્મો મળી રહેતી, તે અમને ભાવનગરના શ્રી રાજેશ વૈષ્ણવ દ્વારા પ્રાપ્ત થઈ માટે લખી શકાયું. 

No comments: