Search This Blog

30/03/2012

આવારા (’૫૧)

ફિલ્મ : આવારા (૫૧)
બૅનર  :  આર. કે. ફિલ્મ્સ
નિર્માતા - દિગ્દર્શક  :  રાજ કપૂર
સંગીત  :  શંકર જયકિશન
ગીતકારો  :  શૈલેન્દ્ર - હસરત
રનિંગ ટાઇમ  :  ૧૮૩ મિનિટ- ૧૯ રીલ્સ
કલાકારો  :  પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર, નરગીસ, દીવાન બશેશરનાથ, શશીરાજ (શશી કપૂર), લીલા ચીટણીસ, કે. એન. સિંઘ, વિશ્વા મેહરા, કક્કુ, બી. એમ. વ્યાસ, બેબી ઝુબેદા, લીલા મિશ્રા, હની ઓબ્રાયન, ખાસ ભૂમિકા  :  પ્રેમનાથ.

ગીતો
૧. નૈયા તેરી મઝધાર, હોંશિયાર હોંશિયાર, સુઝે આર ન પાર.... મુહમ્મદ રફી
૨. પતિવ્રતા સીતામાઇ કો તુને દિયા બનવાસ.... મુહમ્મદ રફી
૩. આવારા હૂં, યા ગર્દિશ મેં હું આસમાન કા તારા હું.... મુકેશ
૪. એક, દો, તીન, આજા મૌસમ હૈ રંગીન.... શમશાદ બેગમ
૫. દમભર જો ઉધર મૂંહ ફેરે, ઓ ચંદા મૈ ઉન સે પ્યાર કર લુંગી.... લતા- મુકેશ
૬. એક બેવફા સે પ્યાર કિયા, ઉસે નઝર કો ચાર કિયા.... લતા મંગેશકર
૭. હમ તુઝસે મુહબ્બત કર કે સનમ, રોતે ભી રે હંસતે ભી રહે.... મુકેશ
૮. આ જાઓ તડપતે હૈ અરમાં, અબ રાત ગુઝરને વાલી હૈ.... લતા મંગેશકર
૯. જબ સે બલમ ઘર આયે, જીયરા મચલ મચલ જાયે.... લતા મંગેશકર
૧૦. તેરે બીના આગ યે ચાંદની, તુ આજા, તુ આજા... લતા મન્ના ડે
૧૧. ઘર આયા મેરા પરદેસી, પ્યાસ બુઝી મોરે અખીયન કી.... લતા મંગેશકર

આ તો આજની જનરેશનને તમે કહી શકો માટે કહી શકાય કે, રાજકપુરે ઠેઠ ૧૯૫૧માં બનાવેલી ફિલ્મ આવારાહજી આજે ય કેમ આટલી હદે પ્રસ્તુત લાગે છે ? એ માણસમાં કંઈક તો એવું હશે ને કે આવારાજેવી કોઈ એકાદી નહિ, એણે બનાવેલી બરસાત’, ‘આહ’, ‘આગ’, ‘શ્રી ૪૨૦’, ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘બુટપોલિશ’, ‘અબ દિલ્હી દૂર નહિ’, ‘જાગતે રહો’, ‘જાગતે રહો’, ‘સંગમકે છેલ્લે છેલ્લે બોબીપણ ક્લાસિકમાં ગણાઈને આજ પર્યંત ભુલાઈ નથી. આ માણસે ઉંચો ટેસ્ટ ધરાવતા ફિલ્મી પંડિતોથી માંડીને થિયેટરની બહાર સાયકલ પાર્ક કરીને ચાર કલાક લાઇનમાં ઉભા રહેતા સામાન્ય ફિલ્મી દર્શકોને પણ એક સરખા ખુશ કર્યા. મૂકેશે આ ફિલ્મમાં ગાયેલા ટાઇટલ સોન્ગ આવારા હૂં, યા ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હુંગીત દરમ્યાન રાજ કપૂર મુંબઈની ઝુંપડપટ્ટીમાં રમતા નાગા, કાળા અને ગરીબ બાળકને તેડી લે છે, એ દ્રષ્યની આખા વિશ્વે નોંધ લેવી પડી હતી. ફિલ્મના લેખક ખ્વાજા એહમદ અબ્બાસ કે ખુદ રાજ કપૂર સામ્યવાદી વિચારસરણી પર ઝૂકેલા હતા, એ બધી વાતો બકવાસ છે. આપણે ત્યાં સાહિત્ય કે ફિલ્મોમાં જ્યાં કંઇક ગરીબ તવંગરની વાત આવે કે, એના વિશે લખનારા કોઈક બહુ મોટું સંશોધન કરી લાવ્યા હોય એમ લખશે, ‘રાજ કપૂરની ફિલ્મોમાં સામ્યવાદની છાંટ હતી...!તારી ભલી થાય ચમના... અલ્યા, ત્રીજા વિશ્વના કોઈ પણ દેશમાં ગરીબ- તવંગરની વાત તો લગ્નવિધિના શ્વ્લોકો સિવાય બધામાં આવવાની... તું હેઠો બેસ, ભાઈ !

આવારાએવી જ ફિલ્મ હતી. ન ગમી હોય એવું કહેનારા તો હજી મળ્યા નથી, પણ કેમ ગમી ?’ એનો જવાબ શોધવા જવું પડે, એવી સત્યજીત રે- બ્રાન્ડની ફિલ્મો એ નહોતો બનાવતો. હકીકત કંઈક એવું કહે છ કે પિટ-ક્લાસના પ્રેક્ષકોને વધારે ગમે ને બોક્સ ઓફિસો છલકાવી દે, એવી મનમોહન દેસાઈ બ્રાન્ડની ફિલ્મો બનાવવી સહેલી છે... થિયેટરમાં માંડ છ- સાત પ્રેક્ષકો બેઠા હોય એવી સત્યજીત રે-બ્રાન્ડની ફિલ્મો બનાવવી તો એથી ય વધારે સહેલી છે. પોતાને કોઈ સમજણ નથી પડી એવું કબૂલ કરનારો વર્ગ આપણા દેશમાં આજથી ૨૦ હજાર વર્ષો પહેલા રહેતો હતો. હવે એવો શુદ્ધ ફાલ તો ક્યાં ઉતરે છે ? જે ફિલ્મ જોઈને કશી ગતાગમ ન પડે એને નેશનલ એવોર્ડ આપી દેવાની પ્રથા આપણા દેશમાં બહુ વખણાઈ છે. રાજ કપૂર બનાવતો એવી ફિલ્મો બનાવવી બહુ અઘરી છે, જે બન્ને વર્ગના પ્રેક્ષકોને એક સરખી ગમે... આવારાભારતમાં રજૂ થઈ, એની લંબાઈ ૧૯૩ મિનિટોની હતી. ઇંગ્લેન્ડમાં ૧૬૮ મિનિટો માટે બતાવાઈ અને અમેરિકામાં તો ગીતો બીતો કાઢી નાખવા પડે, એટલે ત્યાં આખી ફિલ્મ ૮૨ મિનિટમાં પૂરી થઈ ગઈ. પૃથ્વીરાજ કપૂરનો આખો પરિવાર ભગવાન શંકરનો પરમ ભક્ત હોવાથી રાજની ફિલ્મોમાં મહાદેવજીના પૂરા આશીર્વાદ હોય. આર. કે. જ નહિ શશી કપૂરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મોના લોગો જેવા પ્રથમ દ્રષ્યમાં પણ પાપાજીએક વૃક્ષ નીચે મહાદેવજીની આરાધના કરતા દેખાય છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજની બોલબાલા છે. વિલન હોવા છતાં પ્રેક્ષકોને એ ગમ્યા છે. એમના ય ફાધર દીવાન બશેશરનાથ (મૂળ શબ્દ વિશ્વેશ્વર’- વિશ્વના ઇશ્વરનો પંજાબી અપભ્રંશ બશેશર’) પણ ફિલ્મના પ્રારંભે અદાલતના ન્યાયમૂર્તિ તરીક દેખાય છે. રાજ કપૂરના બાળપણના કિરદારમાં શશીરાજ એટલે કે આપણો શશી કપૂર ઇવન નાનપણમાં ય કેવો રૂપકડો લાગતો હતો એ આવારાથી ખબર પડી કે, એ સહેજ પણ આવારા લાગતો નહોતો. આમ જોવા જઈએ તો ભારતના પ્રેક્ષકોએ કોઈ એક ખાનદાનની સળંગ પાંચ પેઢી ફિલ્મી પરદા પર જોઈ હોય તો એ કેવળ કપૂર-ખાનદાન છે. મામાજીતરીકે ઓળખાતા રાજકપૂરના સગા મામા વિશ્વા મેહરા એમની દરેક ફિલ્મોમાં પ્રોડક્શન ઇન્ચાર્જ ઉપરાંત બબ્બે- ત્રણ ત્રણ મિનિટની ભૂમિકામાં હોય. સગા સાળા પ્રેમનાથને પણ નૈયા તેરી મઝધાર, હોંશિયારગીતમાં માછીમાર તરીકે બતાવાયો છે. એ વાત જુદી છે કે, માછીમાર લાગવા માટે પ્રેમનાથને કોઈ નવો મેકઅપ નહી કરવો પડ્યો હોય ! કે. એન. સિંઘ પણ પૃથ્વીરાજની સાથે ૧૯૩૧માં ટૉકી ફિલ્મોની શરુઆતથી દોસ્તો હતા અને બન્ને કિંગસર્કલમાં બાજુ બાજુમાં રહેતા. બહુ ઓછી જાણીતી થયેલી એ એક જમાનાની ચરિત્ર અભિનેત્રી પરવિણ પોલ સાથે સિંઘ સાહેબ પરણ્યા હતા તો ૫૦ના દાયકામાં ઓલમોસ્ટ તમામ ફિલ્મોમાં એકાદ ડાન્સ માટે અચૂક દેખાતી ડાન્સર કુક્કુએ આ ફિલ્મમાં એક દો તીન આજા મૌસમ હૈ રંગીનનો ડાન્સ કર્યો છે. કક્કુની જાહોજલાલી એટલી હતી કે એના બંગલાની દિવાલને ગોળ ફરતે પોતાના જૂતા- ચપ્પલના એણે રૅક બનાવ્યા હતા. આટલા બધા પગરખાનો આંકડો હજારની ઉપર તો ગયો હશે ને ? પણ કમાયેલા પૈસા ઉડાડી મારવામાં કક્કુ આખરે ખાલી અને ખલાસ એવી થઈ ગઈ કે, રીતસર ભીખારણ બનીને એ મૃત્યુ પામી, નહિ તો હેલન તો પછી આવી... જમાનો આખો કક્કુને નામે લખાઈને આવ્યો હતો. એના જેવી કમ્મો, શીલા વાઝ કે ફિલ્મ નવરંગમાં આ દિલ સે દિલ મિલા લે...ગાતી તવાયફનો રોલ કરનાર વંદના’ (સાચું નામ આશા નાડકર્ણી) પછી ક્યાં ખોવાઈ ગયા તેની કોઈને ખબર પણ નથી. ગીતકાર ભરત વ્યાસના સગા ભાઈ બી. એમ. વ્યાસ એક જમાનામાં ચિત્રા- આઝાદવાળી ટારઝન- ઝીમ્બો બ્રાન્ડની ફિલ્મોમાં ખૌફનાક જાદુગર, રાક્ષસ કે ખુંખાર ખલનાયક તરીકે આવતા, આવારામાં પૃથ્વીરાજના જજ દોસ્ત તરીકે છે. (વ્યાસએટલે ગુજરાતી નહિ. આ લોકો રાજસ્થાની બ્રાહ્મણો હતા.) આમ તો, વધારામાં લીલાબાઈ ચીટણીસને બાદ કરતા આ ફિલ્મમાં મહત્ત્વના બીજા કોઈ પાત્રો નથી, છતાં નરગીસના પાત્રને રાજ કપૂરે ફક્ત શો-પીસ હીરોઇન રાખવાને બદલે ફિલ્મની વાર્તાને જરૂરી રોલ પણ આપ્યો છે. બહુ ઓછાને ખબર હશે કે નરગીસ રાજની ફક્ત પ્રેમિકા નહોતી... આર. કે. સ્ટુડિયોની નહિ પણ આર. કે. ફિલ્મ્સની બરોબરની ભાગીદાર પણ હતી. બન્ને વચ્ચે પ્રેમસંબંધના કારણે નરગીસે બીજા કોઈ હીરો સાથે કામ કરવાનું બંધ કરી દીઘું હતું. એ બંનેની સળંગ કોઈ ૧૩- ૧૪ ફિલ્મો આવી હતી, પણ રાજ કપૂરે પોતાના માટે બહાર કામ કરવાની છૂટ રાખી હતી.

એક દ્રષ્યમાં રાજ કપૂર નરગીસને સટસટસટ ૩- ૪ તમાચા મારી દે છે. ઘણાને આ દ્રષ્ય અસ્વીકાર્ય લાગ્યું હતું. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એક પુરુષ તરીકે રાજ કપૂર પૂરેપૂરો male chauvinist હતો (વપરાઉ ઉચ્ચાર શૉવિનિસ્ટથાય છે. ઓક્સફોર્ડ ડિક્શનૅરી મુજબ ચાઉવિનાઇસ્ટછે, જેનો અર્થ થાય છે, પોતાને બીજાથી સુપિરીયર ને બીજાને ઉતરતા માનતા સ્ત્રી કે પુરુષ.) લતા મંગેશકરનું આખું ખાનદાન આવું શૉવિનિસ્ટ છે, જે ગર્વથી માને છે કે, એમના સિવાય બીજા કોઈને ગાતા જ આવડતું નથી. કોઇ મંગેશકરે બીજી ગાયિકાના વખાણ કરેલા સાંભળ્યા હોય તો અચકાઈ- અચકાઈને માનજો ખરા કે, ગરબડ તમારી સમજમાં છે ! જો કે, રાજ કપૂર માટે સ્વ. દેવયાની ચૌબલ જેવી ફાયરબ્રાન્ડ પત્રકાર પણ ખોટો શબ્દ વાપરી બેઠી હતી. ક્યાંક એણે રાજનો ઉલ્લેખ મેસોચિસ્ટ’ (masochist) તરીકે કર્યો હતો. એ જે કહેવા માંગતી હશે, તેનો અર્થ સેક્સ દરમ્યાન સામેના પાત્રને શારીરિક ફટકારીને પીડા આપવી એવો થાય. રાજની ફિલ્મોમાં થોડા ઘણા એવા દ્રષ્ટાંતો છે, જેમાં એ હીરોઇનને તમાચા- બમાચા મારતો હોય જે માનસિક પીડા આપતો હોય પણ મેસોચિસ્ટના શબ્દાર્થ મુજબ આવી વ્યક્તિઓ પોતે માર ખાઈને સેક્સનો આનંદ લેનારી હોય છે, જે સામેની વ્યક્તિને ફટકારીને નહિ ! અહીં આવારામાં પણ નરગીસ એને મજાકમાં જંગલીકહે છે, એથી ધાગધાગા થઈને રાજ નરગિસને ૪- ૫ તમાચા ઠોકી દે છે. બહુ બહુ તો રાજને પરપીડક કહી શકાય... મેસોચિસ્ટ નહિ !

ચાર્લી ચેપ્લિનની દસ- બાર ફિલ્મો જોઈ ચૂકેલાઓ સમજ્યા- જાણ્યા વગર બાફી મારે છે કે રાજ કપૂર એની નકલ કરતો હતો. ચેપ્લિનનું તકીયાકલામ પાત્ર એક ટ્રેમ્પ (રખડુ)નું હતું, જે કોઈ પણ દેશના સામાન્ય માણસનું પ્રતીક હતું. રાજ કપૂરે ચેપ્લિનનો ગેટ-અપ બેશક લીધો હતો, પાત્રની જેમ આ પાત્રની રાજે પ્રેરણા ચોક્કસ લીધી કહેવાય પણ એને નકલ ન કહેવાય. મેં ખુદ ચાર્લીની ઇવન ૧૯૧૮ના ગાળામાં બનેલી શોર્ટ ફિલ્મોથી માંડીને બધી ફિલ્મો જોઈ છે. કોઈ માઇલ્ડ અપવાદને બાદ કરતાં એકેયમાં રાજે ચાર્લીની ક્યાંય નકલ કરી હોય, એવું જણાયું નથી. આ જ ફિલ્મની વાત કરીએ તો, સજ્જન પરિવારમાં સુશીલ અને ખરાબ પરિવારમાં ખરાબ બાળકો જ જન્મે છે, એવું નિશ્ચિતપણે માનતા જજ રઘુનાથ શંકાના આધારે ગર્ભવતી પત્નીને તરછોડી મૂકે છે, જેને ઝુંપડપટ્ટીમાં પોતાના બાળકોનો ઉછેર કરવો પડે છે. ગરીબીને કારણે એ બાળક આવારા બને છે ને ખૂનના આરોપ હેઠળ જેલમાં જાય છે. હજી એ જ જીદ્દી ખયાલાતના કૈદી એવા ન્યાયમૂર્તિ રધુનાથને છેલ્લે ખબર પડે છે કે એ આવારા અને ખૂની એમણે જ ત્યજી દીધેલી પત્નીનું સંતાન છે, ત્યારે પસ્તાવો પૂરો કરી લીધા પછી પુત્રને સ્વીકારે છે.

શંકર- જયકિશનનું સંગીત સર્વોત્તમ હોય, એમાં નવાઈ શેની ? ને એમાં ય પાછી આ તો રાજ કપૂરની ફિલ્મ. ઘૂનો તો આર. કે. ફિલ્મના નેરેટીવ મુજબ રાજ કપુરીયન જ બને. રાજે બનાવેલી એની ફિલ્મોની તમામ ઘૂનોમાં રાજની એક ચોક્કસ પેટર્ન દેખાય. શંકર- જયકિશન બીજા બધાની ફિલ્મોમાં મનફાવે તેટલા પૈસા માંગતા અને મળતા. અહીં આર. કે. સ્ટુડિયોમાં તો બન્ને પગારદાર નોકરો હતા. વર્ષે ફિલ્મ બને કે ન બને. એમને દર મહિને પગાર મળી જાય. કમાલની વાત એ છે કે, આ બન્ને સંગીતકારોએ તેમની કોઈ પણ ફિલ્મમાં શમશાદ બેગમનો કંઠ કદી લીધો નથી, એક માત્ર આ ફિલ્મમાં અપવાદ છે, ‘એક દો તીન આજા મૌસમ હૈ રંગીન...તો ય ક્યાંય કશી ગરબડ તો હશે , કારણ કે શમશાદને કામ આપ્યા પછી ચાલુ ગીતે પાર્ટીના મહેમાનોના અવાજો અને હાહાહીહી ઉમેરીને ગીત જાણી જોઈને ડીસ્ટર્બ કર્યું હોય એવું લાગે. એ વાત જુદી છે કે, પાછળથી કરાવેલા નવા રેકોર્ડિંગમાં એ હાહાહીહી કાઢી નંખાયેલા છે. આવો જ કિસ્સો ગીતાદત્તનો છે, જેને નૌશાદે કદી ચાન્સ ન આપ્યો, સિવાય એક માત્રગીત પૂરતો, ફિલ્મ સન ઓફ ઇન્ડિયામાં. ‘‘મુઝે હુઝુર તુમ સે પ્યારા હૈ. ’’ રાજકારણ કોણ રમી ગયું, એ તો રમનારા જાણે પણ આ ગીત રેડિયો પર ન વાગે કે એની રેકોર્ડસ ન વેચાય, એની તમામ તરકીબો સફળ થઈ. નૌશાદે તો કિશોરકુમાર પાસે પણ એક જ ગીત છેલ્લે છેલ્લે ગવડાવ્યું, રાજેન્દ્ર કુમાર- હેમા માલિનીની ફિલ્મ સુનહરા સંસારમાં.. રામ જાણે ઇવન કિશોરના ય કેટલા ચાહકોએ એ સાંભળ્યું હશે.

રાજ સ્ટાઇલ મુજબ, એની ફિલ્મોમાં વાગતા બ્રેકગાઉન્ડ મ્યુઝિકનો એ આવનારી કોઈ ફિલ્મમાં ઘૂન તરીકે ઉપયોગ કરી લે છે, એમ અહીં આવારામાં ઓ બસંતી પવન પાગલ, ના જા રે ના જા, રોકો કોઈ..ની ઘૂન વાગતી રહે છે. પછી એ ઘૂન કઈ ફિલ્મમાં વપરાઈ, તેની તમને ખબર છે.

ફિલ્મની વાર્તાના બે મોરલ છે એક તો જરૂરી નથી કે ઉચ્ચ પરિવારના સંતાનો ઉચ્ચ વિચારોના જ બને કે તેથી ઉલટું ! અને બીજું, દેશમાં ગુન્હાખોરી ગરીબી અને શિક્ષણના અભાવને કારણે પેદા થતી રહે છે.

યસ, એક માઠા સમાચાર ખાસ કરીને અમદાવાદના ફિલ્મચાહકોને એ આપવાના કે, યાદ હોય તો શહેરના પાનના ગલ્લે ફિલ્મી હીરો-હીરોઇનના સુંદર અને પરફેક્ટ સ્કેચ બનાવનાર બહુ મોટા કલાકાર સ્વ. પૃથ્વીનું અવસાન થયું છે જૂનાથી માંડીને આજના હીરો- હીરોઇનના એમણે બનાવેલ સ્કેચ એક મિસાલ છે. હિંદી ફિલ્મ સંગીતકારોના મારા પુસ્તક ફિલ્મ સંગીતના એ મઘુરા વર્ષોના ટાઇટલ પૅઇજ ઉપરાંત પુસ્તકમાં પણ ઘણા સ્કૅચ સ્વ. પૃથ્વીએ એક પણ પૈસો લીધા વિના બનાવી આપ્યા હતા. પૃથ્વીરાજ કપૂરનો એમણે બનાવેલો સ્કૅચ જોઈ રાજ કપૂર આભા બની ગયા હતા ને પૃથ્વીને શાબાશી સાથે કહ્યું હતું કે, કોઈ ચિત્રકાર આટલું પરફેક્શન લાવી શકે, તે માની શકતો નથી. 

આવા મહાન કલાકાર માટે આપણા સહુની શ્રદ્ધાંજલિ કે પરમેશ્વર એમના આત્માને શાંતિ આપે... એ તો આપશે જ, કારણ કે ઉપર ગયા પછી સ્વ. પૃથ્વી તમામ દેવી- દેવતાઓના પણ એવા જ આબેહૂબ સ્કૅચ બનાવશે.

No comments: