ફિલ્મ : 'દુલારી' (૪૯)
નિર્માતા-દિગ્દર્શક : અબ્દુલ રશિદ કારદાર
સંગીત : નૌશાદઅલી
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ : ૧૪ રીલ્સ
કલાકારો : ગીતાબાલી, મધુબાલા, સુરેશ, જયન્ત શ્યામકુમાર, અમર, પ્રતિમાદેવી, નવાબ, રમેશ, આગા મીરાજ, આમિર અને બૅબી શોભા.
ગીતો :
૧. દો દિન કી બહાર પ્યારે દો દિન કી બહાર ... લતા-કોરસ
૨. તકદીર જગાકર આઈ હું, મૈં એક નઈ દુનિયા ... લતા મંગેશકર
૩. અય દિલ તુઝે કસમ હૈ, હિમ્મત ન હારના તુ ... લતા મંગેશકર
૪. આંખો મેં આજા દિલ મેં સમા જા, મેરી કહાની ... લતા મંગેશકર
૫. ન વો હમસે જુદા હોંગે, ન ઉલ્ફત દિલ સે નીકલેગી ... લતા મંગેશકર
૬. મુહબ્બત હમારી, જમાના હમારા, તુ ગાયેજા ... લતા મંગેશકર
૭. કૌન સુને ફરિયાદ હમારી, કૌન સુને ફરિયાદ ... લતા મંગેશકર
૮. રાત રંગીલી, મસ્ત નઝારે, ગીત સુનાયે, ચાંદ સિતારેં ... લતા-રફી
૯. મિલ મિલ કે ગાયેંગે હો હો દો દિલ યહાં, એક મેરા ... લતા-રફી
૧૦. સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે ... મુહમ્મદ રફી
૧૧. ચાંદની આઈ બનકે પ્યાર ઓ સાજના ઓ સાજના ... શમશાદ બેગમ
૧૨. ના બોલ પી પી મોરે અંગના પંછી જા રે ... શમશાદ બેગમ
આજથી કોઈ ૨૦-૨૫ નહિ, પૂરા ૬૩ વર્ષો પહેલા ઉતરેલી ફિલ્મ 'દુલારી' આજે ય મુલ્કમશહૂર હોય તો દુલારીરાણીના સર પર તાજ હોવા માટે ખુદ દુલારી ઉર્ફે મધુબાલા નહિ, બીજા પણ મહારથીઓના જ નામ લેવાય, નૌશાદઅલી, મુહમ્મદ રફી અને લતા મંગેશકર. આ લોકોએ શિલ્પી બનીને કંડારેલું એકએક ગીત હૃદયને મધુરી-મધુરી સંગીતમય છરીથી ચીરી નાંખે છે. નૌશાદ માટે ફિલ્મના ગીતો હિટ બનાવવા કોઈ મોટી વાત નહોતી. પણ મોટી વાત એમણે જ બે તબક્કે બનાવી. એક તો, ફિલ્મનગરીમાં હજી હમણાં જ આવેલા... અને વર્ષો સુધી રાજ કરવાના બે મહાન ગાયકો ધી ગ્રેટ લતા મંગેશર અને ધી ગ્રેટ મુહમ્મદ રફીને પહેલીવાર પોતાની ફિલ્મ માટે ભેગા કર્યા અને બન્નેનું પહેલું યુગલ ગીત 'રાત રંગીલી, મસ્ત નઝારે, ગીત સુનાયે, ચાંદ સિતારે...' ગવડાવ્યું અને હિંદી ફિલ્મોમાં પહેલી જ વાર ચીરંજીવ યુગલ ગીતોની શરૂઆત થઈ.
ટેકનિકલી, લતા-રફી પાસે એમનું પહેલું યુગલ ગીત '૪૯ની સાલમાં બનેલી ફિલ્મ શાદી સે પહેલેમાં પં. મુખરામ શર્માએ લખ્યું, બે સંગીતકારો પેન્ગણકર અને કર્નાર્ડે સંગીત આપ્યું અને ગીત બન્યું, 'ચલો હો ગઈ તૈયાર જરા ઠહેરો જી, ચલો બઢીયા સી ચપ્પલ દિલા દો હમે...' હતું (માહિતી સૌજન્ય : શ્રી યશવંત વ્યાસ-જામનગર અને શ્રી ઉમેશ માખીજા-અમદાવાદ) પણ વચ્ચેના બે વર્ષોમાં આવેલી ફિલ્મો 'અંદાઝ' અને 'બાઝાર'માં લતા-રફીએ ગાયેલા ગીતો આજે અનેક ચાહકોને કંઠસ્થ છે, એ સમયે આટલા મશહૂર નહોતા થયા.
અને બીજા સિંહાસન પર નૌશાદે મુહમ્મદ રફીને બેસાડયા, રફીના પોતાના કહેવા મુજબનું એમણે આખી કરિયરમાં ગાયેલું સર્વોત્તમ ગીત, 'સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે...' ગવડાવીને. તો લતા મંગેશકર પણ હજી ફ્રેશ-ફ્રેશ હતી. એની પાસે જરા જુઓ તો ખરા, એક પછી એક કેવા મનોહર ગીતો ગવડાવ્યા છે?
કમનસીબે, આપણી આ કોલમ જે તે ફિલ્મના ગીત-સંગીત માટેની નથી, એટલે મારું ચાલત તો 'દુલારી'ના કેવળ ગીતો ઉપર દોઢ-બે હજાર પાનાનો લેખ લખું. આટલો ઉમળકો એટલા માટે કે, સાચું પૂછો તો આ જ ફિલ્મના ગીતોથી લતા-રફી જ નહિ, અન્ય પ્લેબેક સિંગરોના યુગલ ગીતોની હવા શરૂ થઈ. યુગલ ગીતો પહેલા ય બનતા હતા, પણ કારણ કોઈ બી હો, જોયા નહોતા. એ વખતે જામ્યું તો આ 'રાત રંગીલી, મસ્ત નઝારે...' કે લતા-રફીનું બીજું યુગલ ગીત 'મિલ મિલ કે ગાયેંગે દો દિલ યહાં...' પણ નહોતું. પણ મેલડીવાળા યુગલ ગીતોનો પવન શરૂ થઈ ગયો.
નૌશાદ માટે તો બીજો ય એક પ્રોબ્લેમ શરૂ થયો હશે. નૂરજહાં તો સમજ્યા કે, પાકિસ્તાન જતી રહી, પણ અધરવાઈઝ એમની પ્રિય ગાયિકાઓ જોહરા અંબાલેવાલી, અમીરબાઈ કર્ણાટકી, સુરૈયા કે શમશાદ બેગમને એકી ઝાટકે પડતી મુકીને સીધી લતા મંગેશકરને જ પોતાની કાયમી ગાયિકા બનાવી દીધી, ત્યારે ઉહાપોહ તો થયો હશે પેલી ગાયિકાઓમાં!
'દુલારી' આમ તો પાછી અત્યંત ફાલતુ ફિલ્મ હતી. જોવા હાથમાં લીધી પછી બરાબરના ભરાઈ ગયેલા લાગીએ. આમેય કારદારે પોતે દિગ્દર્શન કર્યું હતું. એટલે ફિલ્મ શરૂ થયા પહેલા, પડનારા મારનો અંદાજ તો આવી જાય, પણ કારદારે તો આ ફિલ્મ ગજાં બહારની થર્ડ-કલાસ બનાવી હતી. યસ, કારદારની ફિલ્મોમાં વખાણવા પડે, એવા એના સેટ્સ હતા. એની ફિલ્મોમાં સેટ્સ ભવ્ય હોય. આ ફિલ્મમાં તો દ્વારકાદાસ દિવેચાની ફોટોગ્રાફી પણ આંખને ગમે એવી હતી. વાર્તા, સંવાદ, અભિનય કે જોવા ગમે એવો (જયંત સિવાયનું) એકે ય મોંઢું આખી ફિલ્મમાં નહિ. મધુબાલા કે બધુમાલા ભૂલી જવાની. આપણે જે મધુબાલાને આજ સુધી ચાહીએ છીએ, એ મધુ હજી આ ફિલ્મ સુધી ખીલી નહોતી. સુદરતા... માય ફૂટ... નવટાંક પણ નહિ. એમ કહેવાય કે તાજમહલ હજી બની રહ્યો હતો. ગીતાબાલી તો આપણા સહુની પૂરજોસ લાડકી, તો એને ય ભૂલી જવાની. એ ય નવી નવી હતી એટલે જેવો મળે એવો રોલ લઈ લેવાને કારણે કોઈ ધડ-માથાં વગરનો કિરદાર એણે કર્યો છે. ફિલ્મનો હીરો સુરેશ તો જો કે, જમતી વખતે યાદ આવે તો ઘરની ૪૦૦ ગ્રામ દાળઢોકળી બગડે, એવો ફાલતુ એક્ટર અને એનાથી ય 'ફાલતુ-ગુણ્યા-બે' બ્રાન્ડનો દેખાવમાં. કોમેડીયન મેહમુદની બગડેલી આવૃત્તિ જેવો હાસ્યાસ્પદ લાગતો સુરેશ પણ પેલા લમ્બુ શેખ મુખ્તારની માફક ભારતમાં રહીને ભારતને નફરત કરતો અને પાકિસ્તાન જતો રહ્યો. ત્યાં બે ફિલ્મો 'દો કિનારે' અને 'ઈદ'માં કામ કર્યું, પણ ઍઝ યુઝવલ, પાકિસ્તાન ગયેલાઓને ગયા પછી ભારત વહાલું લાગવા માંડે, એમ શેખ મુખ્તારની માફક આ ભ'ઈય પાછા આવ્યા. સુરેશને નામે એક ઊલટો રેકોર્ડ ખરો. કહેવાય છે કે, હિંદી ફિલ્મોનો એ સહુથી પહેલો હોમો-સેક્સ્યુઅલ હતો. દેવ આનંદની ફિલ્મ 'દુનિયા'માં કે બલરાજ સાહનીની 'સટ્ટા બાઝાર'માં એ હતો. આપણો જીવ ત્યાં બળે કે રફી સાહેબનું ઓલટાઈમ ગ્રેટ સોન્ગ, 'સુહાની રાત ઢલ ચૂકી...' સુરેશ ઉપર ફિલ્માયું છે. હાથમાં મેન્ડોલિન કે એ જે કાંઈ સમજ્યો હોય એ વાજીંત્ર પકડીને આખું ગીત (અરે, ફિલ્મના એણે ગાયેલા બધા ગીતો) ગાય છે. પણ હરામ બરોબર જો એકે ય વાર તાર ઉપર ચોંટાડી રાખેલી એકે ય આંગળી એણે હલાવી હોય તો! તારી ભલી થાય ચમના... આખી ફિલ્મમાં તું ઘોડેસવારી કે પોલો રમવા વપરાતા હોલ-શૂઝ પહેરીને શેનો ફરફર કરે છે?
એ વખતની ફિલ્મોમાં લોજીક તો આમે ય જોવાતું. ઘરમાં બિમાર ડોહા માટે ડોક્ટર આવ્યા હોય, એને બહાર મૂકવા જતી વખતે હીરો એના હાથમાંથી બેગ લઈ જ લે. (આમાંનો એકે ય ડોક્ટર પોતાના ઘેર પહોંચતો હશે, ત્યારે... એક સામટી ૫૦ મૅટાસિનની સૌગંદ... એની વાઈફ એ બેગ લઈ લેતી હોય, તો શરતમાં આપણે ૨૦૦ કોમ્બિફ્લામ હારી જવા તૈયાર છીએ...!) એ ફિલ્મોમાં હીરો-હીરોઈનને ઉંમરમાં મોટા થઈ જતા બતાવવા માટે રસ્તા ઉપર દોડતા પગ બતાવવાના અને એ જ દ્રષ્યમાં ચડ્ડીમાંથી પાટલૂન આવે, એટલે પ્રેક્ષકોએ સમજી લેવાનું કે, હવે એ મોટો થઈ ગયો છે. ફિલ્મી હીરોઈનોને સપના ય રાત્રે સુતી વખતે જ આવે. એ સપનું છે એ બતાવવા એના મોંઢા ઉપર કાચબાછાપ મચ્છર અગરબત્તીના કૂંડાળા જેવું ફરતું કૂંડાળું બતાવવાનું, એટલે એ સપનું છે, એમ આપણે માનવાનું. ફિલ્મની વાર્તામાં કરુણ પ્રસંગ આવે, એટલે બહુ દુઃખો પડયા છે, એ બતાવવા ભારે દુઃખી મોંઢા કરીને લમણા ઉપર ઊંધો હાથ મૂકવો જ પડે. બાપ સાથે ઝગડો કરીને હીરો ઘર છોડીને જતો હોય, ત્યારે એની માં પેલો એક્ઝેક્ટ દરવાજે પહોંચે ત્યારે જ, 'બેટાઆઆઆ...રૂક જા, બેટાઆઆઆ...' નામની રાડું નાંખે. વહેલી એટલા માટે ન પાડે કે પેલો જવાનું માંડી વાળે તો ફિલ્મ આગળ ન ચાલે. કોઈ પણ જૂની ફિલ્મ લઈ લો, વાર્તામાં કોઈ પણ સમાચાર છાપામાં છપાવાના આવે, એટલે ગમે તે પ્રેસમાં ફરતા ચકરડાં અને ધમ ધમ નીકળી કોપીઓ બતાવવાની જ. એ તો જો કે, ધ્યાનથી જોનારાઓને જ ખબર પડે કે, ફિલ્મોમાં જે સમાચાર છાપામાં છપાયેલા બતાવે, એ અલગ સફેદ કાગળ પર છાપા ઉપર ચોંટાડેલા હોય. એ જ રીતે, 'દુલારી'નો જમાનો ૪૦ના દાયકાનો હતો, મતલબ... હજી અંગ્રેજોની ગુલામી ગઈ નહોતી. ફિલ્મમાં હરતા-ફરતા લોકો બતાવવાના હોય, એટલે શૂટ-ટાઈ તો જોઈએ જ. માથે ફૅલ્ટ હૅટ પહેરી હોય તો તે બહુ સુધરેલા લોકો માનવાના... ભલે આવા 'વૈભવી' કપડાં પહેર્યા પછી રસ્તાની ફૂટપાથ ઉપર ચાલતો મદારીનો ખેલ જોવા ઊભો હોય... અહીં પણ હીરો સુરેશ સુટેડ-બૂટેડ થઈને, માથે ફૅલ્ટ-હૅટ અને પગમાં હોલ-શૂઝ પહેરીને ફૂટપાથ પર ચાલતો મધુબાલાનો ડાન્સ પોતાના ઘોડા ઉપર બેસીને જૂએ છે. સાલો ઘોડો અસલી ઔલાદનો નહિ હોય, નહિ તો માલિકની આવી બેવકૂફી પછી ય ભડકે નહિ? (જવાબ : ના ભડકે. ઘોડો ય મધુબાલાને જોવામાં મસ્ત હતો! જવાબ પૂરો)
યસ. 'દુલારી'ના મસ્ત ગીતો મસ્ત હતા, એ અલગ વાત છે, પણ ફિલ્મમાં એ શેને માટે મૂક્યા છે, એ નહિ પૂછવાનું. સારા દિગ્દર્શકો ગીત એવી રીતે મૂકે કે, એ વાર્તાનો ભાગ લાગે. અહીં ગીતો તો જાવા દિયો... મધુબાલા કે ગીતાબાલીના ડાન્સ જોઈને હસવું ન આવે, ખૂન્નસ ઉપર ખૂન્નસો ચઢે કે, સાલું હાથ-પગની બે ફૂદરડી આમ અને બે ફૂદરડી તેમ, એમાં ડાન્સ આવી ગયો? કોરિયોગ્રાફી જેવું કોઈ નામ જ નહિ. ગીતના ફિલ્માંકનમાં મજા પડે એવું દરેક ગીતે થયું છે. કેમેરા એક જ સ્થાને સ્ટેડી હોય. ગીતનું મુખડું કે અંતરો શરૂ થઈને પૂરો થયા ત્યાં સુધી મજાલ છે કેમેરાની કે હીરોઈનની કે પોતાની જગ્યાથી હાલી શકે? નહિ તો લતા મંગેશકરના મારા જેવા ચાહકો માટે 'તકદીર જગાકર આઈ હું...' મંદિરના પ્રસાદ જેવું ગળચટ્ટું ગીત કહેવાય, પણ ફિલ્મમાં મધુબાલાનો ડાન્સ કે ગીતનું નિરસ ફિલ્માંકન જોઈને પ્રસાદની સાથે સાથે ગીત પણ બહાર ઓટલા નીચે ગાયને નાંખી આવવાનો ભાવ ઉપડે.
લેખની શરૂઆતમાં કીધું તેમ નૌશાદ, રફી કે લતાની મહેનત પર કારદારે ઠંડા પાણીનું ડબલું ઢોળી દીધું. જો કે, આ ફિલ્મમાં નૌશાદના આસિસ્ટ્ન્ટ સંગીતકાર ગુલામ મુહમ્મદના ચમકારા દરેક ગીતે જોવા... આઈમીન, સાંભળવા મળે છે. બધાને ખબર છે કે, હિંદી ફિલ્મોમાં ગુલામ મુહમ્મદ જેવો કોઈ ઢોલકબાજ નહિ. રિધમ-સેક્શનમાં પર્ક્શન્સના આ માસ્ટરે હિંદી ફિલ્મોમાં તબલાં-ઢોલક ઉપરાંત પણ અનેક તાલવાદ્યો આપ્યા છે. સદીની કોઈ બે-ચાર ઉત્તમ ફિલ્મો પૈકીની એક 'પાકિઝા'ના સંગીતકારએ ૧૯૪૩માં પોતાની પહેલી ફિલ્મ 'મેરા ખ્વાબ'માં સંગીત આપ્યું. એ ફિલ્મની હીરોઈન ઝેબુન્નિસા હતી. આ ઝેબુ કોણ ખબર છે? ફિલ્મ 'રામ ઔર શ્યામ'માં પ્રાણની ખતરનાક માં બને છે એ અને બીજી ઓળખાણ... હવે તદ્ન ભૂલાઈ ગયેલી પણ સાધના-રાજેન્દ્રકુમારની ફિલ્મ 'આરઝૂ'માં સાધનાની સખી બનતી અત્યંત નમણી છોકરી નાઝીમાની આ ઝેબુન્નિસ દાદી થાય.
શંકર-જયકિશનના કાયમી આસિસ્ટન્ટ દત્તારામ પણ ઢોલક-તબલાંના મહારથી, એમ નૌશાદે પણ મહારથીઓ બદલ્યા. અગાઉ પણ ગુલામ મુહમ્મદ, પછી એનો જ સગો ભાઈ મુહમ્મદ ઈબ્રાહીમ અને છેવટે મુહમ્મદ શફી (જે મુહમ્મદ રફી સાહેબના સુપુત્ર શાહિદ રફીના સસુરજી પક્ષમાં થાય!) પણ એ જમાનાના સંગીતકારો કે ગાયકો વચ્ચે વેરઝેર નહોતા. પોતાની પહેલી જ ફિલ્મમાં સંગીત આપી રહેલા શંકર-જયકિશનને ફિલ્મના થીમ-સોંગ 'બરસાત મેં તુમસે મિલે હમ સજન, હમસે મિલે તુમ...' ગીત માટે ગુલામ મુહમ્મદ જ ઠેકો વગાડે, એવી જીદ હતી. યાદ છે ને એ ખૂબ ફેમસ ઠેકો, 'તકધિનાધિન...?' એ ગુલામ મુહમ્મદે વગાડયો હતો.
યસ. આ શબ્દો, 'આસિસ્ટન્ટ સંગીતકાર' ઉપર સંગીતકાર પ્યારેલાલ ખૂબ ખીજાયા હતા. એ કહે, 'આસિસ્ટન્ટ સંગીતકારનું મહત્વ મૂળ સંગીતકારથી સહેજે ઓછું ન હોય. એ કોઈ સંગીતકારનો સેક્રેટરી કે જી-હજૂરીયો નથી. ગીતની ધૂન બનવામાં એનો ય (અને ઘણીવાર તો એનો એકલાનો) ફાળો હોય છે. ગીતની ધૂન સંગીતકાર હાર્મિનિયમ પર બેસાડે, ત્યારે આસિસ્ટન્ટ તબલાં ઉપર સંગત કરે. ધૂનમાં ફેરફારો ય સૂચવે અને આખી ધૂન નામંજૂર કરવાની ય સત્તા ખરી. મતલબ, ઉંમરમાં નૌશાદથી ૧૨ વર્ષ મોટા અને નૌશાદને ઉસ્તાદ ઝંડેખાન પાસે લઈ જઈને ફિલ્મોમાં પ્રવેશ અપાવનાર જ ગુલામ મુહમ્મદ... સમયની બલિહારી છે. નામ જ ગુલામ હતું, એટલે પોતાનો માલ વેચતા આવડયો નહિ, એમાં આવો સત્વશીલ સંગીતકાર દરેક પરીક્ષામાં નાપાસ થતો રહ્યો... થર્ડ-ક્લાસ પરીક્ષાઓમા પણ ઉત્તમ સંગીત આપવા છતાં...!
જાણકારો તો બિનધાસ્ત કહે છે, નૌશાદના નામે ચઢેલી ઘણી રચનાઓ ગુલામ મુહમ્મદે બનાવી હતી. 'દુલારી'ની એવી કઈ કઈ ધૂનો હતી, એ તો કોણ જાણે?
No comments:
Post a Comment