Search This Blog

02/01/2013

મોદી જીત્યા .... કે કોંગ્રેસ હારી?

‘યે તો હોના હી થા...’ ટીવી-ચેનલ્સવાળા કારણ વગરનો જશ લઇ જવા માંગતા હતા. બધા એક્ઝિટ પોલ્સ ખોટાં પડ્યા. ૧૪૦ કે ૧૩૦ થી નીચે તો કોઇ માનતું નહોતુ. પણ પ્રજાને એટલી ખબર પહેલેથી હતી કે, મોદી બહુમતિથી જીતવાના છે, એ નિર્વિવાદ છે. નિખાલસતાથી કહો તો, ચૂંટણીના એકાદ-બે સપ્તાહ પહેલા નહિ, ઓલમોસ્ટ છેલ્લા એકાદ વર્ષથી તો મોદીના સ્ટોન્ચ દુશ્મનો ય જાણતા હતા કે, ‘આવવાના તો મોદી જ!’ કારણો આ રહ્યા. જોઇ જુઓ.. આમાંના એકે ય કારણ સામે તમારો વિરોધ છે ?

(૧) પક્ષથી ઉપર કોઇ નથી, એવું દરેક પાર્ટીવાળા કહેતા હોય છે, પણ મોદી એમના પક્ષથી ઘણા ઊંચા આવી ગયા છે... માઇનસ-મોદી ભાજપ આટલી સીટો જીતી શકે એમ છે? નાનકડી ય હા પાડતા હો તો ... સોરી માય બૉય.. હોમવર્ક કરીને આવો. ઇવન, ગઇ ચૂંટણી પછી તો ગુજરાત કે બહારના તેમના દુશ્મનો ય જાણતા હતા કે, ‘કમ-સે-કમ, હાલ પૂરતો મોદીનો કોઇ વિકલ્પ નથી,’અર્થાત, કોંગ્રેસ કે ભાજપમાં સહેજ પણ ન માનનારા મોદીને માનતા હતા અને માને છે. રાજકારણમાં સહેજ પણ ઇન્ટરેસ્ટ ન હોય, એમને ય મોદી સામે કોઇ વાંધો નહતો.

(૨) મોદી સ્વીકારે કે ન સ્વીકારે. એમના તોતિંગ વિજયમાં કેશુબાપાનો જંગી ફાળો હતો. બાપાને ઠંડે કલેજે ઉલ્લુ બનાવતા રહેવાની મોદી ને મઝા પડતી હતી. બાપાએ મોદીને ભાંડવાની કોઇ જગ્યા છોડી નથી ને સામે મોદીએ બાપાના અસ્તિત્વનો જ સ્વીકાર ન કર્યો. બાપાની એકે ય ગાળનો મોદીએ જવાબ ન આપ્યો. કંઇક બોલે તો બાપાને ભાષણોના નવા નવા મુદ્દા મળે ને? એમાં ચૂંટણીસભાઓમાં બાપા પાસે બોલવાનું ખૂટવા માંડ્યુ. પેલા કાંઇ જવાબ આપે, તો વાત આગળ ચાલે ને? બાપાએ એમના હૂકમના પત્તાં બહુ પહેલા વાપરી નાંખ્યા... પટેલ-કાડર્સ. એમાં બનવાનું બહુ થયું. સભાઓમાં પટેલો આવ્યા તો ખરા, પણ તમાશો જોવા પૂરતા.

(૩) કેશુબાપા આટલા સીનિયર નેતા અને એ પણ માજી મુખ્યમંત્રી હોવા છતાં, એક જ ઇન્દ્રિયનું જ્ઞાન રાખ્યું ... મોદીને હટાવો. ‘ઓ બાપા... મોદીને હટાવ્યા પછી શું? રાજ કરવા માટે તમારી કોઇ એકાદો મુદ્દો તો હોવો જોઇએ ને? તમે પટેલ-પટેલ કરતા રહ્યા, એ પછી બ્રાહ્મણો, વાણીયાઓ કે ઇવન મુસલમાનો ય તમને વોટ શું કામ આપે? ગુજરાતની વસ્તી સાડા-છ કરોડની છે, એમાં સાડા છ કરોડ પટેલો નથી... બીજા ય રહે છે!’

મોદી ‘જયહિંદ’બોલે તો એમાં ય ‘હિંદ’ની જોડણી ખોટી હોવાના પોરા કાઢવા સિવાય બાપા હખણા ન રહ્યા.

કેવી કમનસીબી આવી કે, એક જમાનાના આટલા સન્માન્નીય નેતા અને તેમના ફોલ્ડરો હવે જાહેર જીવનમાં મોઢું ય બતાવી શકે, એવા મેળના ન રહ્યા ! ‘આશિક કા જનાઝા હૈ બડી ઘૂમ સે નીકલે...’

એમાં ય, બાપાનો જે કાંઇ કચરો કરવાનો રહી જતો હોય એમ, ભવ્ય વિજય પછી મોદી સૌથી પહેલા કેશુબાપાના આશીર્વાદ લેવા ગયા. ફરી એક વાર મોદીએ શોલમાં લપેટીને જુતું માર્યુ. પ્રજા અને પ્રેસ પાસે હાથ મોદીનો ઊંચો રહ્યો. બાપા પાસે મોદીનાં મોંઢામાં મૂકેલી ગોળની વધેલી ગાંગડી પોતાના મોંઢામાં મૂકવા સિવાય બીજો કોઇ ચારો નહતો.
 
(૪) ગુજરાત કોંગ્રેસનું તો જાણે સમજ્યા કે, કૂવામાં હોય તો હવાડામાં આવે ને? ઉપર દિલ્હીનો કૂવો વર્ષોથી અવાવરૂ પડ્યો છે. આપણી કોલમોમાં ગુજરાતના અધરવાઇઝ.. કોંગ્રેસના બુદ્ધિશાળી ટોપ નેતાઓ શક્તિસિંહ, મોઢવાડીયા, સિઘ્ધાર્થ કે શંકરસિંહને કહેતા રહ્યા કે, ‘ચલો મોદી બેકાર છે, નકામા છે, પણ તમે શું છો, એ તો કહો! ગુજરાતનું રાજ સંભળવાની તમારી કોઇ હૈસિયત છે કે નહિ, એ તો કમ-સે-કમ પ્રજાને કહો. સાલો, કોઇની પાસે જવાબ નહી. મોદી જનમ્યા જ ન હોત ને સત્તા તમારી પાસે આવે તો પ્રજા માટે તમે શું કરી શકો એમ છો, એમ છો, એ એકવાર તો કહો...! એને બદલે, ગુજરાત કોંગ્રેસવાળા સાવ નાના બાળકો જેવા સાબિત થયા, ‘હાય રે મોદી હાય હાય... ’સિવાય બીજું કાંઇ આવડ્યુ નહિ. અરે, કોંગ્રેસ સત્તા પર આવી જાત તો મુખ્યમંત્રી બનવાને કોણ લાયક છે, એની એ ત્રિપુટી તો ઠીક, ઉપરે ય કોઇને ખબર નહિ. સિંહની સામે લડવા માટે સામો કોઇ સિંહ તો જોઇએ ને? તમારી પાસે તો કરચલાં ય નહોતા...! ગઇ ચૂંટણીની ધોબીપછાડ પછી શક્તિસિંહનો ભોગ લેવાયો હતો... આ વખતે બધાને એમની પાછળના ભાગ ઉપર ડંડા પડે એવું છે! એ વાત જુદી છે, ડંડો મારનારે ય પોતાની જાતે જાતે ચાર દંડા પોતાની પાછળ મારી લેવા પડે એમ છે!

(૫) શંકરસિંહ વાઘેલા નેશનલ ટીવી પર બોલ્યા કે, આ બધા એક્ઝિટ પોલ્સમાં મને વિશ્વાસ નથી. પરિણામો વખતે તમે જોજો.. કોંગ્રેસ જ બહુમતિથી આવશે, ત્યારે જ્હોની લિવર કરતા એ મોટા કોમેડીયન સાબિત થયા ને દર્શકોને ખૂબ હસાવ્યા હતા. ઉપરથી મળેલી સૂચના મુજબ, તમારે ફેકવી તો પડે પણ કમ-સે-કમ, તમારી હાંસિ ઊડે, એવી મિમિક્રી તો ન કરો! કહે છે કે, જહાજ ડૂબવાનું હોય ત્યારે ઉંદરો પહેલા ભાગે છે... કેવી સિફતથી છેલ્લી ઘડીએ નરહરિ અમિન સર્કસમાંથી છુટા થઇ ગયા ને મોદીની બરોબર બાજુમાં બેસવાને લાયક બની ગયા. શક્તિસિંહ, મોઢવાડીયા અને સિદ્ધાર્થ કારણ વગરના ભરાઇ ગયા. ચૂંટણીસભાઓમાં કે ઘરમાં, ઉપરથી લખાઇને જે સ્ક્રિપ્ટ આવે છે, એ જ બોલવાની હતી... પોતે શું ચીજ છે, એ આ ત્રણે ય બતાવી શકે એમ નહોતા. તમારૂં કાંઇ પણ મૌલિક કર્યું હોત કમ-સે-કમ ... આ ચૂંટણીમાં આટલી ખરાબ રીતે તમે ત્રણ હારત તો નહિ!

(૬) ગુજરાતની ચૂંટણીના જે કાંઇ પરિણામો આવ્યા, પણ તે પહેલા અને તે પછી ય પ્રામાણિકતાથી જવાબ આપવો જરી અઘરો પડે કે, સમગ્ર દેશમાં ય મોદીની બરોબરીએ ઊભો રહી શકે, એવો એકે ય નેતા છે, જેને તમે માનતા હો કે દેશ ચલાવવાને લાયક છે? મોદી લાયક છે કે નહિ, એ જવા દો, પણ બીજા એકે ય ને તમે લાયક ગણો છો ખરા? કોમેડી એ વાતની છે કે, કોંગ્રેસ(કે ઇવન, ભાજપ) માં ચુસ્તપણે માનનારો નાગરિક પણ આનો જવાબ આપી શકે એમ નથી.

(૭) યસ. ગુજરાતના શિક્ષિત નાગરિક તરીકે કોઇ એક વ્યક્તિના હારવાનો અફસોસ થાય તો તે શક્તિસિંહ ગોહિલનો! અત્યંત પ્રતિભાસંપન્ન અને એક ડિસન્ટ પાર્લામેન્ટેરિયન હોવા છતાં,એમનો પરાજય સહન થાય એવો નથી. એ કોઇ ઉદ્યોગપતિના પે-રોલ પર નહોતા, માટે હાર્યા હશે? જાતે હારીને એમણે મોદીને પણ એક સંદેશો આપી દીધો કે, પ્રામાણિક રાજકારણી રહેશો તો મારી જેમ હારશો. આમે ય, ચૂંટાયેલા અનેક ધારાસભ્યોના કપાળ ઉપર ગુન્હાગીરીની મોટી સીરિયલો લખાઇ છે. એ બધા જીતે અને શક્તિસિંહ બાપૂ હારે, એ આપણી લોકશાહીની ખૌફનાક મજાક છે. શક્તિસિંહજીને વિધાનસભામાં બોલતા મેં પણ સાંભળ્યા છે. ભારતનાં બંધારણનો અભ્યાસુ અને સાથે સાથે કોંગ્રેસ ગૌરવ લઇ શકે એવો એક માત્ર સ્વચ્છ રાજકારણી હારે અને ગુન્હેગારોની છાપ ધરાવનારાઓ ચૂંટાઇ જાય, એ સહન ન થાય એવું છે. પોતાના જ સહનેતાઓની જેમ, શક્તિસંિહ કદી ય એલફેલ બોલનારો માણસ નથી.

(૮) સામાન્ય રીતે તો કોઇપણ પ્રજાતંત્રમાં વિરોધપક્ષ મજબુત જ નહિ, બોલકો ય ઘણો હોય છે. કમ્માલની વાત છે કે, ગુજરાત કોંગ્રેસ પાસે પ્રજા સુધી પહોંચી શકે, એવો એકપણ વક્તા હજી સુધી નથી આવ્યો, જે પ્રજાનું ઘ્યાન બટોરી શકે. નસીબદાર હતા કે, મોદી વિરૂદ્ધ એ લોકો જે કાંઇ બોલે, તે બધાને અભૂતપૂર્વ મીડીયા-કવરેજ મળતું, એનો ય લાભ ઉઠાવી શક્યા નહિ. મોદીની વિરૂઘ્ધમાં નહિ, પોતાની તરફેણમાં છાપાની એકે ય હેડલાઇન આ લોકો આપી ન શક્યા. જ્યારે ને ત્યારે એલફેલ બોલવાનું ગુજરાતની શિક્ષિત પ્રજા શું કામ ચલાવી લે ?

(૯) મોદીના અગાઉના તમામ શાસનકાળોથી, તેમના એકપણ મંત્રી કે ધારાસભ્યના નામો ય પ્રજા સુધી પહોચ્યા નથી. મોદીએ બધી ચૂંટણીઓ એકલા મોદીના નામ પર જ લડાવી અને તોતિંગ વિજયો મેળવ્યા, એનો એક અર્થ એ પણ થયો કે, ખુદ એમની પાર્ટીમાં ય એમનો છુપો વિરોધ કરનારા ચૂપ થઇ ગયા. ‘એકમત’ નો મતલબ હવે એ લોકો ય સમજ્યા હશે.

(૧૦) બેશરમીની હદ કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી ‘ચિદુ’ એટલે કે ચિદામ્બરમે વટાવી. ધોબીપછાડ ખાવા છતાં, ચિદુ સ્માઇલો સાથે કહી શકે છે કે, ‘ગુજરાતમાં આ તો અમારો ભવ્ય વિજય થયો કહેવાય...!’

સિક્સર

- એક માણસને જીતાડવા કેટલા લોકો કામે વળગ્યા હતા? સોનિયા, રાહુલ, દિગ્વિજય, શંકરસિંહ વાઘેલા, કેશુબાપા, ગુજરાત કોંગ્રેસ, ઇલેક્ટ્રોનિક મીડીયા....! મોદીએ કદાચ એક પણ પ્રચાર સભા ન યોજી હોત તો ય જીતી જાત!

No comments: