Search This Blog

09/01/2013

ઍનકાઉન્ટર 06-01-2012

1 તમને ક્યારેય આંગળી ચીંધવાનું પુણ્ય પ્રાપ્ત થયું છે ?
- પુણ્ય તો નહિ, પણ માર પડ્યો છે. ‘‘મારી ગેરહાજરીમાં મારે ઘેર કોણ આવતું હતું ?’’ એવું પડોશીએ પૂછ્‌યું તો, જે આવતું’તું એની સામે આંગળી ચીંધીને મેં બતાઈ દીધો ... પછી પેલો મને છોડે ?
(લલિત ઓઝા જૂનાગઢ)

2 રાત્રે સાહિત્યનું વાંચતા હોઈએ ત્યારે વાઈફ ઘાંટો પાડીને ઘોંટાઈ જવાનોગુસ્સો કરે ત્યારે શું કરવું ?
- સાહિત્યનું શું કામ...? કંઈક સારૂં વાંચન રાખો, તો કોઈ ના ખીજાય !
(કેશવ કટારીયા, રાજકોટ)

3 જાહેરસભામાં નેતાઓ એકબીજાના હાથ પકડીને ઊંચા કરે છે,એ શું ?
- ‘‘....આમ જ અમે એકબીજાના પગ ઊંચા કરીશું...!’’
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા)

4 સોનિયાજી ડૉ. મનમોહનસિંઘને જોઈને ક્યું ગીત ગાતા હશે ?
- ‘‘મનમોહના, બડે જૂઠે, હાર કે હાર નહિ માને... હોઓઓઓ !’’
(મોહિની પોરસ બૂચ, મુંબઈ)

5 અત્યારથી મોદીને દિલ્હીની ગાદીની હવા કેમ ફેલાઈ રહી છે ?
- હવાનું પ્રદૂષણ.
(મોહન વી. જોગી, ગાંધીનગર)

6 તમે ૪૦-વર્ષથી લખો છો, પણ અમે તમને ૨૫-વર્ષથી જ વાંચીએ છીએ.. આ હિસાબે અમારા ૧૫ વર્ષનું શું ?
- એ ૧૫-વરસો ખેંચી નાંખ્યા હોત તો આ દહાડા જોવાના ન આવ્યા હોત !
(ડૉ. પ્રવિણગીરી ગોસ્વામી, પોરબંદર)

7 શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું, ‘‘તું યુદ્ધ નહિ કરે, તો દ્રૌપદીને શું જવાબ આપીશ ?’’ અને અર્જુન યુદ્ધ માટેતૈયાર થયો. આપનું મંતવ્ય ?
- આમાં અર્જુને કૃષ્ણનું માન્યું કહેવાય કે દ્વૌપદીનું, એ સવાલ છે !
(કપિલ પી. પરજીયા, અમદાવાદ)

8 ઍમ્બ્યુલન્સ વાનની આગળ ઈંગ્લિશમાં ઊંઘું ‘એમ્બ્યુલન્સ’ કેમ લખે છે ?
- આટલી મોટી વૅન પાછળથી ઊંધી ચલાવતા ના ફાવે માટે !
(રાજેન્દ્ર પ્રજાપતિ, મહેસાણા)

9 જમાઈને સાસરામાં આટલું બઘું માન કેમ અપાય છે ?
- ઉલ્લુ બનાવવા.
(હિતેશ એસ. દેસાઈ, તલીયારા)

10 ‘ઈ-મેલ’ અને ફીમેલ વચ્ચે શું તફાવત ?
- ૧૨-વર્ષના થઈ જાઓ...પૂછવાની જરૂર નહિ પડે !
(ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ- વિસાવદર)

11 મોટા ભાગના પુરૂષો સ્ત્રીઓ સાથે આંખમાં આંખ મિલાવીને વાત કેમ કરી શકતા નથી ?
- પુરૂષો તો કરે.
(સંઘ્યા પુરોહિત, અમદાવાદ)

12 ભગવાન આપણા ઘેર આવવાના હોય તો કઈ તૈયારીઓ કરવી પડે ?
- એ પછી તો બધી તૈયારીઓ ઘરવાળાઓ કરે... આપણે તો સુતા ના હોઈએ ?
(રોહન શેઠ, ગોધરા)

13 હીરોઈનો અંગ-પ્રદર્શન કેમ કરતી હશે ?
- મારાથી કોઈના કામમાં માથું ન મરાય !
(પલક નાણાવટી, ઓખા)

14 લોકો વાહનની પાછળ પોતાની જાતિ-જ્ઞાતિની ઓળખાણો ક્યા હેતુથી લખાવે છે ?
- એટલી જ એમની સિદ્ધિ હોય છે.
(સુનિલ દવે, કલોલ)

15 શું આપણા નૅકસ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હશે ?
- હોય તો સારૂં, પણ એ માણસે એકવાર પણ એની હિન્ટ નથી આપી. મીડિયા લઈ બેઠું છે. મોદી સ્પષ્ટતાથી કહે છે, ‘‘હું ગુજરાતનો પુત્ર છું ને ગુજરાતની સેવા માટે કટિબદ્ધ છું.’’
(પાર્થિવી એસ. પટેલ, આણંદ)

16 આ ચૂંટણીમાં કોઈના હારવાનો તમને વિશેષ અફસોસ ?
- ખાસ ત્રણનો. એક શક્તિસિંહજી, બીજા જયનારાયણ વ્યાસ અને ત્રીજા પ્રફુલ્લ પટેલ. લક્ષ્મી સાથે સરસ્વતિ પરાજીત થાય, તે સ્વીકાર્ય ન હોય.
(કૌશલ્યા બિમલ શાહ, અમદાવાદ)

17 ‘‘ફ્‌લાઈંગકિસ’’ બાબતે આપ શું માનો છો ?
- કંઈ જ નહિ.
(કિશોર વ્યાસ, ઘોઘા)

18 કાયદો એક ખૂન માફ કરે, તો તમે કોને પ્રાધાન્ય આપશો ? રાજકારણી, ક્રિકેટર કે ફિલ્મસ્ટાર ?
- કાયદામાં સુધારો લાવો. વાત મશિનગનથી પતવી જોઈએ.
(જયેશ અંતાણી, ભાવનગર)

19 કસાબને તો ફાંસી અપાઈ ગઈ... હવે શું ?
- એમાં મારી સામે આમ ડાઉટથી શું કામ જુઓ છો ?
(ઉષ્મા એચ.ઓઝા, ભાવનગર)

20 બજારૂ લોભામણી જાહેરાતોમાં ગ્રાહકો કેમ આટલા લલચાય છે ?
- મારાથી આમાં કાંઈ બોલાય એવું નથી. વર્ષો પહેલા હું ય લગ્નવિષયક ટચુકડી જા.ખ.માં પરણી ગયેલો, બોલો !
(જયેશ કે. સંપટ, મુંબઈ)

21 ધર્મસ્થાનો પર કરોડો રૂપિયા ખર્ચવાને બદલે એટલા પૈસા દેશના કામ માટે વપરાય તો ?
- એક આપણો જ દેશ એવો છે, જેની પ્રજા પાસે ધર્મદાઝ છે, દેશદાઝ નથી... એમાં ય, ચુસ્તપણે ધર્મમાં ડૂબેલાઓ પાસે તો નામની ય દેશદાઝ નથી. 
(રમેશ પી. શાહ, વડોદરા)

22 શું તમારે ડૉકટર પાસે જવાનું કદી બનતું જ નથી ?
- થાય એ તો કોકવાર.. મારૂં છાપું લઈ ગયા હોય ને મહિના સુધી પાછું ન મોકલાવે તો જઈએ ય ખરા ! આપણને ખોટું અભિમાન નહિ !
(સ્વપ્નિક મોદી, મુંબઈ)

23 અશોક દવે, તમે બધા વાચકો પાસેથી મોબાઈલ નંબર માંગો છો, પણ તમારો આપતા નથી. સુઉં કિયો છો ?
- કાંઈ નહિ ને બ્રાહ્મણ પાસે કંઈક માંગો છો ?
(રતનશી ભાનુશાળી, વાપી)

24 શું પૈસા અને સત્તા આવતા જ માણસ અભિમાની બની જાય છે ?
- બન્ને ન હોય તો અભિમાન કરવું શેમાં ?
(અફરોઝબેન મિરાણી, મહુઆ)

25 મેં અગાઉ મોકલેલા એકે ય સવાલને ‘ઍનકાઉન્ટર’માં સ્થાન મળ્યું નથી.. શું કારણ હોય ?
- કારણ પતી ગયું.
(ચિન્મય વસાવડા, રાજકોટ)

***
સવાલોનું સરનામું
‘એનકાઉન્ટર’માં સવાલ 
સાદા પોસ્ટકાર્ડ પર મોકલવા. 
સરનામું : ‘એનકાઉન્ટર’, 
ગુજરાત સમાચાર, ખાનપુર, 
અમદાવાદ- ૩૮૦ ૦૦૧.
(પ્રશ્ન પૂછનારે પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.)

No comments: