Search This Blog

04/01/2013

નરમ ગરમ

ગીતો
૧...મેરે અંગના આયે...... આશા ભોંસલે
૨...હમેં રાસ્તોં કી જરૂરત નહિ હૈ.... આશા ભોંસલે
૩...મેરે ચેહરે મેં છુપા હૈ માં તેરા ચેહરા... આશા ભોંસલે
૪...એક બાત સુની હૈં...... શત્રુધ્ન સિંહા - પૂર્ણિમા
૫...નરમ ગરમ રાત...... સપન ચક્રવર્તી- આર.ડી. બર્મન



ફિલ્મ : ‘નરમ ગરમ’ (’૮૧)
નિર્માતા : સુભાષ ગુપ્તા
દિગ્દર્શક : ૠષિકેશ મુકર્જી
સંગીત : આર.ડી.બર્મન
ગીતો : ગુલઝાર
રનિંગ ટાઈમ  : ૧૪-રીલ્સ 
થીયેટર : શ્રી (અમદાવાદ)
કલાકારો : અમોલ પાલેકર, સ્વરૂપ સંપટ, ઉત્પલ દત્ત, શત્રુધ્ન સિન્હા, કિરણ વૈરાલે, પદ્મા ચૌહાણ, એ.કે. હંગલ, સુરેશ ચટવાલ, આનંદ, ટી.પી. જૈન, જાવેદખાન, સુંદર, બિશન ખન્ના, બિજોય ઘોષ, સરલ મુકર્જી, આદર્શ ટંડન, મુકુંદ દાદા, દેવીચંદ અને ચંદ્રમોહન. (ખાસ ભૂમિકામાં : મીના રૉય, ઓમપ્રકાશ, દીના પાઠક અને નીલુ ફૂલે.)

અમોલ પાલેકરનો એક આભાર ભારતમાં હિંદી ફિલ્મો શરૂ થઈ, ત્યારથી આજ સુધીના પ્રેક્ષકોએ માનવો પડશે. તમે ય સમજી શકો છો કે, તમામ હિંદી ફિલ્મોના હીરો વાસ્તવિક જીંદગીથી ઘણા મોટા હોય છે, જેને માટે ઈંગ્લિશમાં કહેવાય છે, larger than life એટલે કે, વાસ્તવમાં આપણાં ઘરમાંથી કોઈએ રાજ કપૂર કે નૂતને જે કામો ફિલ્મી પરદા પર કર્યા હોય, એવા કામો કર્યા ન હોય. આપણને વળી ક્યે દહાડે ઘોડા ઉપર બેસીને દોડતી જીપનો પીછો કરવાનો આવ્યો હોય, તે ધર્મેન્દ્રની માફક, ‘‘કૂત્તેએએએ...મેં તેરા ખૂન પી જાઉંગા...’’ કહેવું પડે ?

’૭૦-ના દશકમાં અમોલ પાલેકરની ઍન્ટ્રી થઈ, એ પછી ભલે થોડા વર્ષો માટે ફિલ્મી હીરો આપણા ઘરના જ કોઈ મૅમ્બર જેવો લાગ્યો. એ જ મિડલ-કલાસ મૅન્ટલિટી, એ જ ધોઈને ઈસ્ત્રી કરેલા કપડાં પણ બહુ મોંઘા નહિ. કોઈ પણ ફિલ્મમાં, એ રહેતો હોય કે ઑફિસમાં જતો હોય, તો એવું ઘર અને એવી ઑફિસ આપણી હોય.

મતલબ... અમોલ પાલેકર એની પહેલાના કે એની પછીના કોઈપણ હીરો કરતા વઘુ વાસ્તવિક લાગ્યો... એનું પાત્ર લાઈફમાંથી સીઘું ઉતરી આવ્યું. ૠષિકેશ મુકર્જી અને બાસુ ભટ્ટાચાર્ય જેવા ગણ્યાગાંઠ્યા દિગ્દર્શકોએ આપણને એવી ફિલ્મો આપી, જેમાં વાત આપણી હોય...

‘નરમ ગરમ’ એવી જ ફિલ્મ. બાસુની ‘રજનીગંધા’ કે ‘છોટી સી બાત’ અને ‘બાતોં મેં’ કે ૠષિકેશ મુકર્જીની તો સમજો ને લગભગ બધી જ. ‘ગોલમાલ’ અને ‘રંગબિરંગી’ પણ ખરી અને બીજી એવી એ. ભીમસિંઘની ફિલ્મ ‘ઘરૌંદા’ ય ખરી. ઈવન, રાજ કપૂરને લઈને ‘અનાડી’ જેવી ફિલ્મો બનાવી એ પણ હતી તો મિડલ-ક્લાસના જ સમાજની, પણ ત્યાં ગમે તેમ તો ય રાજ કપૂર હતો. આપણે ય જાણતા હતા કે, બધી વાત બરાબર, પણ આપણે રાજ કપૂર જેવા નથી લાગતા, તો નથી જ લાગતા...! તમારા ભાભી ય એવું જ કહે છે...! પણ અમોલ પાલેકરના કૅસમાં એવું ન બન્યું. આપણાંમાંથી તો ઘણાં ય અમોલ પાલેકર જેવા દેખાતા હતા અને એની જેમ ઑફિસમાં લોચા ય એવા જ મારતા’તા...! માટે અમોલ આપણને પોતાનો લાગ્યો.

સાલું...હટ્ટ...! આવો પરફૅક્ટ ઍક્ટર (હીરો નહિ) અચાનક જ બંધ થઈ ગયો. એને દિગ્દર્શનની ઘૂન એવી ચઢી કે, હીરો તરીકે મજૂરી કરવાની જ બંધ કરી દીધી...! એમાં આપણે એક ઍક્ટર સારો ગૂમાવ્યો ?

મૂળ તો નાટ્યવિદ સત્યદેવ દૂબેના બહુ જામેલા મરાઠી નાટક, शांतता कोर्ट... चालु आहे  માં ચમક્યા પછી  હિંદી ફિલ્મોમાં તો મોડો આવ્યો. એનો મૂળ શોખ સ્ટેજનો અને પૅઈન્ટિગ્સનો.  જે.જે. સ્કૂલ ઑફ આટ્‌ર્સનો એ વિદ્યાર્થી અને મુંબઈની બૅન્ક ઑફ ઈન્ડિયાનો કર્મચારી.

ફિલ્મની હીરોઈન સ્વરૂપ સંપટની ઓળખાણ આપણા ગુજરાતી સદાબહાર ઍક્ટર પરેશ રાવળની પત્ની તરીકે આપીએ, એથી ય મોટો પરિચય એ કે, સ્વરૂપ એક સમયની ‘મીસ ઈન્ડિયા’ (’૭૯) પણ ખરી. ‘મીસ યુનિવર્સ’ની સ્પર્ધામાં સ્વરૂપે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બહુ વર્ષો પહેલા સ્વરૂપને ઈન્ટરવ્યૂ લેવા, હું અમદાવાદના ઍલિસબ્રીજમાં તેના પિતાશ્રી બચુભાઈ સંપટ સાથે, એમના કોઈ સગાના ઘેર હું મળ્યો હતો. એમનું નામ યાદ નથી આવતું ! બહુ ઓછાને ખબર હશે કે, સ્વરૂપ ઈંગ્લેન્ડની વૂસ્ટર યુનિવર્સિટીમાં પી.એચ.ડી. થઈ છે, ખાસ કરીને બાળકોને ભણતરની અક્ષમતાને દૂર કરવાના તેના અભિયાનને જાણકાર જગતે વધાવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ સ્વરૂપ સંપટને બાળશિક્ષણ કાર્યક્રમોની સર્વેસર્વા બનાવી છે. હવે યાદ આવ્યું હોય તો દેશમાં નવું નવું ટીવી આવ્યું ત્યારે આટલી બધી ક્યાં, ‘દૂરદર્શન’ સિવાય બીજી કોઈ ચૅનલ નહોતી ને એમાં ખૂબ પ્રસિઘ્ધ થયેલી સીરિયલ ‘યે જો હૈ જીંદગી’ની એ હીરોઈન. મુંબઈમાં મોટા સ્થાને પહોંચ્યા પછી, ગુજરાતી હોવાનું ગર્વ અને ગૌરવ અનુભવનારા બહુ ઓછા છે, તેમાની એક સ્વરૂપ અને બીજા તેના વરજી, પરેશ રાવળ.

ઉત્પલ દત્તનું તો નામ આવતા જ ચેહરો આપણો હસુહસુ થઈ જાય કે નહિ ? એમને માટે કૉમેડિયન શબ્દ બહુ છિછરો પડે. એમને ખૂબ ઊંચા ગજાના ‘ઍક્ટર’ કહેવાય. સંવાદો બોલવાની એમની ઢબ અને અભિનયમાં ક્યારે એ શું કરશે, એની સમજ પડે, તે પહેલાં તો પ્રેક્ષકોને ધોધમાર હસાવી મૂક્યા હોય.

શત્રુધ્ન સિંહાએ ઍઝ યુઝવલ, (ૠષિકેશ મુકર્જીની ફિલ્મ હોવા છતાં) ઘણી લાઉડ ઍક્ટિંગ  કરી છે. આમ તો, આખી ફિલ્મમાંથી એનું પાત્ર કાઢી નાંખો તો ય વાર્તાને કોઈ અસર થાય એવું નથી. ૠષિદાએ આમે ય આ ફિલ્મ ‘નરમ ગરમ’ એમની અન્ય ફિલ્મો જેવી સમૃઘ્ધ નથી બનાવી. કૉમેડી એમના પોતાના સ્વભાવમાં હતી ને એમાં ય અમોલની સાથે ઉત્પલ હોય, એટલે રાબેતા મુજબનું હસવું તો આવવાનું જ, પણ આપણા જેવા ૠષિદાના મજબુત ચાહકોને ખબર પડે ખરી કે, એમણે પોતે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ન હોવાથી અનેક સમાધાનો કરવા પડ્યા હશે, નહિ તો એમની ફિલ્મોનું એક પણ ગીત વાર્તાને રોકનારૂં ન હોય, વાર્તાની સાથે જતું હોય. અર્થાત, અહીં ગીત મૂકવું પડે એમ છે, એવા પ્રોડ્યુસરના આગ્રહને અહીં ૠષિદા માન્યા છે... ને વધારે પડતું માન્યા છે.

નહિ તો એમના કાયમી સલિલ ચૌધરીને બદલે રાહુલદેવ બર્મને આ ફિલ્મમાં શું કામ લે ? આ એ જમાનો ચાલતો હતો, જ્યાં આર.ડી. બર્મન જેવા દિગ્ગજ સંગીતકાર ભીંત ભૂલ્યો હતો ને જેટલી આવે એટલી ફિલ્મો લેવા માંડ્યો હતો, પરિણામ તમે આ ફિલ્મમાં ય જોઈ (ને સાંભળી) શકો છો કે, કોઈ બરકત એના સંગીતમાં નહિ. ગજાં બહારની ફિલ્મોમાં સંગીત સ્વીકાર્યું હોવાનો અંજામ એ આવ્યો કે, એક વર્ષની ૧૦૦-ફિલ્મોમાં સંગીત આપવાનું. એક એક ફિલ્મમાં સરેરાશ ૫-ગીતો ગણીએ તો એક વર્ષમાં ૫૦૦-ગીતોની ઘૂન તૈયાર કરવાની, રીહર્સલો કરાવવાના, હૉલીવૂડની ફિલ્મોમાંથી ઉઠાંતરી કરવા માટે એ ફિલ્મોના સંગીતો ય સાંભળવાના... આમાં ક્વૉલિટી ક્યાંથી આવે ?

આ તો જો કે, અમારા જેવા જૂનાં ગીતોના રસીયાઓ પૂરતી ખબર હોય કે, એના ફાધર સચિનદેવ બર્મન પાસે પોતાની ફિલ્મમાં સંગીત અપાવવું હોય તો નિર્માતાને રીતસર આજીજીઓ કરવી પડતી.

ને તો ય, ‘નરમ ગરમ’એ સમયની કે આજની ઘણી ફિલ્મો કરતા ઘણી સારી. ૠષિદાની ફિલ્મ હતી ને !

કુસુમ (સ્વરૂપ સંપટ) તેના ગરીબ પિતા (એ.કે.હંગલ) સાથે નાના ગામડાંમાં રહે છે. જુવાનજોધ થઈ જવા છતાં ક્યાંય ગોઠવાતું ન હોવાથી હંગલ રામપ્રસાદ (અમોલ પાલેકર)ને બહાનું બતાવીને ગામ બોલાવે છે, ને સ્વરૂપને પરણવાની દરખાસ્ત મૂકે છે. અમોલ પાસે નોકરી-ધંધાના ઠેકાણાં ન હોવાથી સ્વરૂપ ગમતી હોવા છતાં- લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી શકતો નથી. એ નોકરી કરે છે, કંજૂસ પણ ધનવાન ભવાનીશંકર (ઉત્પલ દત્ત) ને ઘેર, જે ખૂબ મહેનત અને ચતુરાઈથી ભવાનીનો ૫૩ વર્ષ જૂનો અદાલતી કૅસ જીતી આપીને શાબાશી ઉપરાંત પગારમાં રૂ. ૫/-નો વધારો પામે છે ને સાથમાં ગામડાની જે કોઠી અદાલતમાં જીતી ગયા હતા, તેનું સમારકામ અમોલને સોપે છે અને અમોલને ત્યાં જ રહેવા ફરમાવે છે. આ બાજુ, લેણદારો હંગલ પાસે તેનું ઝૂંપડું ખાલી કરાવતા, બાપ-દીકરી અમોલવાળી કોઠીમાં, ‘માન ન માન, મૈં તેરા મહેમાન’ના ધોરણે રહેવા જ આવી જાય છે. અમોલનો મૅનેજર (સુરેશ ચતવાલ)ની નજર કુસુમ પર બગડે છે અને કોઠી ખાલી નહિ કરાવવાના બદલામાં કુસુમને પરણવા માંગે છે, કુસુમના પ્રેમમાં પડી ચૂકેલો અમોલ સુરેશને કઢાવવા ઉત્પલ દત્તના નાના ભાઈ શત્રુધ્ન સિન્હાને ફરિયાદ કરે છે, તો એ ય સ્વરૂપની પાછળ ગાન્ડો થાય છે. એને છોડાવવા અમોલ ઉત્પલ દત્તને વાત કરે છે તો દાદા પોતે ય આશિકમિજાજ થઈ જાય છે. છેવટે અનેક હાંધાહલાડા કરીને અમોલ સ્વરૂપને પાછી મેળવે છે.

વચમાં ૠષિદાએ લેવાદેવા વગરના પાત્રો ય મૂક્યા છે. સ્વરૂપનો-ઘર છોડીને ભાગી ગયેલો ભાઈ (આનંદ) ફૂટપાથછાપ નાટક કંપનીમાં જોડાય છે, જ્યાં એના ગુરૂજી (નીલુ ફૂલે) સલાહ આપે છે કે, કંપનીની માલકીન (પદ્મા ચૌહાણ) પાસેથી કામ અને વધારાના પૈસા માંગ. કોક અગમ્ય કારણસર દારૂની લતે ચઢી ગયેલી પદ્મા આનંદને પોતાના ખોવાયેલા ભાઈ સ્વરૂપે જુએ છે. આપણને નવાઈ એ લાગે છે, ફિલ્મની વાર્તાને આ ત્રણે કેરેક્ટરોની ક્યાં જરૂર હતી ? નૉર્મલી, ૠષિદાની ફિલ્મોમાં કૅમેરામૅન વર્ષોથી જયવંત પઠારે જ હોય, એમ કલાકારોમાં ય આ સુરેશ ચતવાલ, આનંદ, મીના રૉય કે લલિતા પવાર હોય જ. લલિતા સાથે ફિલ્મ ‘આનંદ’ દરમ્યાન પૅમૅન્ટ બાબતે ઝગડો થઈ જતાં, લલિતાને કાયમ માટે દાદાએ રૂખ્સત આપી દીધી હતી. એ જમાનામાં કિરણ વૈરાલે નામની બટકી છુટક છુટક ફિલ્મોમાં નાનકડાં રોલમાં આવતી. એ કોઈ સંસદ સભ્યની દીકરી હતી. પદ્મા ચૌહાણ આમ તો ઠેઠ ’૫૭-માં બનેલી ફિલ્મ ‘મિસ્ટર ઍક્સ’માં પહેલી વાર આવી. હીરોઈન ક્યારેય ન બની શકી, પણ હર્યુંભર્યું ભરાવદાર અને સૅક્સી બૉડી હોવાને કારણે તમામ ફિલ્મોમાં એને એવા જ રોલ મળવા લાગ્યા. માંડ કોઈ ૨૦-૨૫ ફિલ્મોમાં કામ કર્યું હશે.

પણ એક ગજબનો ઍક્ટર અવતાર કિશન હંગલ વૃઘ્ધ હોવા છતાં તમામ વર્ગના પ્રેક્ષકોનો ઘણો માનિતો હતો. મૂળ ‘ઈપ્ટા’નો આ કલાકાર બહુ સ્વાભાવિક અભિનયનો માસ્ટર હતો. કમાયેલા પૈસા રામ જાણે ક્યાં નાંખ્યા કે, મરતી વખતે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાસે દવાના પૈસા ય માંગવાનો વખત આવ્યો. રાજેશ ખન્નાનો ખૂબ માનિતો હોવાને કારણે ખન્નાની ૧૬-ફિલ્મોમાં હંગલને કામ મળતું રહ્યું. ‘શોલે’માં પ્રજ્ઞાચક્ષુ મૌલવીના પાત્રમાં રોલ નાનો હોવા છતાં કાકા, ‘‘યે સન્નાટા ક્યું હૈ, ભ’ઈ...?’’ જેવા નાનકડા સંવાદથી જાણીતા બની ગયા હતા.

આજકાલના છોકરાઓ કોઈ ફિલ્મ જોઈ આવે ને આપણને પૂછીએ તેનો અનોખો જવાબ આપે છે, ‘‘એક વાર જોવા જેવી ખરી...!’’ આ એક વાર જોવાનો શું અર્થ થાય, તેની મને તો ખબર પડતી નથી. આ હિસાબે, બીજી બધી ફિલ્મો તો ૧૫-૧૫ કે ૨૦-૨૦ વખત જોવાતી હશે ને ?

એવું જ હોય તો આ ‘નરમ ગરમ’ એક વાર જોવા જેવી ખરી...!

No comments: