Search This Blog

25/01/2013

ધીરૂભ'ઇ ધારે બહુ...!

''હું ધારૂં છું કે...'' 

એમની વાત આ તકીયા કલામથી શરૂ થાય. નામ એમનું ધીરૂભ'ઇ, પણ વાતવાતમાં ધારધાર બહુ કરે, એટલે ઘણા તો એમને ધીરૂને બદલે 'ધારૂભ'ઇ કહેતા. કહે છે કે, ધારવા ઉપર એમનો સારો હાથ બેસી ગયો હતો, તે એટલે સુધી કે તેઓશ્રી કાંઇ પણ ધારી શકે છે, એવું અમે પણ ધારી શકતા. એ વિચારવાને બદલે ધારવાનું કામ વધારે કરે. કોકે એમને પૂછ્યું હશે કે, ''આ બેબી તમારી...?'' ત્યારે પણ એ ધારવા બેઠા હતા, ''મારા ધારવા પ્રમાણે ચુન્નીનો જનમ થયો ત્યારે હું જામનગર હતો. પણ હું ધારૂં છું કે...'' નસીબયોગે, એમને ખ્યાલ તરત આવી ગયો કે, દીકરી પોતાની હોય એ ધારવાનો વિષય નથી. આમાં તો સીધું બ્લડ-ગુ્રપ જ મેળવી જોવાનું હોય... અલબત્ત, આ સબ્જેક્ટમાં ઘણાખરાને ધારીને જવાબ આપવો પડતો હોય છે....!

''મારા ધારવા પ્રમાણે''... થી દરેક વાત શરૂ કરનારા લોકો હેર કટિંગના ધંધામાં પડેલા હોવા જોઇએ, કારણ કે ફક્ત આ બન્ને લોકોનો ધંધો 'ધાર ઉપર' ચાલે છે. સુઉં કિયો છો?

ધારવાના કામમાં ધીરૂભ'ઇ એટલી ચોક્સાઇ રાખતા કે, એમને ઓળખતા કેટલાક સ્નેહીઓ ખાસ એમની પાસે ધરાવવા જતા, એટલે કે એ લોકોને પોતાને કાંઇ ધારવું હોય, તો આપણને બહુ નહિ ફાવે, આમાં તો ધીરીયો ધારી આલે તો જ કામ થાય, એવી ધારણાએ જ્યોતિષીઓના ઘરની જેમ આમને ઘેરે ય લાઇનો લાગતી. 

''ધીરૂભ'ઇ'સાહેબ...મારે દીકરા માટે કન્યા જોવા પોરબંદર જવું છે... જવાય? જરા ધારી આપો ને...!'' 

પેલાનું કામ અડધી કલાકમાં પતી જાય. ધીરૂ ધ્યાનની મુદ્રામાં ધારવા બેસે અને બધું ધારી લીધા પછી-એટલે કે, કપાળ ઉપરથી કાંડુ નીચે ઉતાર્યા પછી કહે, ''મારા ધારવા પ્રમાણે, પોરબંદરમાં પડાય એવું નથી. ત્યાં ખારી જમીનમાં રોકાણ કરવા કરતા... આ બાજુ- સુરત બાજુ પડો! '' 

''ખોટું ધાર્યું, ધીરૂભ'ઇ... મારે જમીનમાં નહી, જમાઇમાં રોકાણ કરવાનું છે.''

વાચકોએ પણ ધારી લીધું હશે કે, ધીરૂભ'ઇનો અસલી ધંધો જ્યોતિષનો... એટલે ધારવાનો ધંધો જ થયો ને? બન્ને ધંધામાં વાગે તો તીર નહિ તો તુક્કો. એ વાત નોખી છે કે, નામ ધીરૂ અને ધંધો ધારવાનો, એટલે ઘણાને મતે એમનો ધંધો 'ધીરધાર'નો થયો! 'હું ધારૂ છું કે' કહેનારાઓ અચૂક નિશાનબાજ હોઇ શકે, કારણ કે, એમણે 'ધાર્યુ' નિશાન પાર પાડવાનું હોય છે. નિશાનોની માફક આ માણસ બધા કામો ધારીધારીને કરતો હશે. એવું પ્રજા માની શકે.

આપણે ત્યાં આવા ધારવાવાળા ધીરૂભ'ઇઓ હજારો છે, 'હું ધારૂ છું કે..' થી વાત શરૂ કરે. એમાં ય ધ્રાસકો આપણી છાતીમાં પડે કે, આણે વળી ધારવાનું ક્યારથી શરૂ કર્યું.. ? આજે ધારવા ઉપર ચઢ્યો છે તો કાલે વિચારવા ઉપર ચઢી જશે. ઘણા માણસો વગર વિચાર્યું કરે,એમાં સમાજને ફાયદો છે. તો કેટલાક લોકો વિચારવાનું ચાલુ કરી દે, એ બહું સ્ફુર્તિજનક ઘટના નથી હોતી. આપણે કાંઇક પૂછીએ એના જવાબમા એ, 'મારા ધારવા પ્રમાણે..' થી વાત શરૂ કરે, ત્યારે આપણા શર્ટના કોલર પાછળ લાંબી ઇયળ ભરાઇ ગઇ હોય, એવી અકળામણ થવા માંડે છે. ''અરે ભ'ઇ, તુ ધારે છે, એવું તારી બા નથી ધારતી ... ને તારા ધારવા પ્રમાણે આજ સુધીનું એકે ય કામ થયું નથી. કઇ કમાણી ઉપર તું ધારવા માંડયો છે?'' 

મોટા ભાગે આવા 'ધારૂઓ' બે પ્રકારના હોય છે. એક તો, આદત પડી ગઇ હોય, કોઇપણ વાત શરૂ કરતા પહેલા 'મારા ધારવા પ્રમાણે'થી બોલવાની. એમાં ધારવાનો અર્થ કાંઇ ન નિકળતો હોય. યાદ હોય તો, ટીવી પર જે કોઇ સેલિબ્રિટીઓના ઇન્ટરવ્યૂઝ આવે છે, એ બધા વાત અથવા દરેક વાતની શરૂઆત I thinkથી કરે છે. મેચ પત્યા પછી ક્રિકેટના કેપ્ટનો ખાસ. બોલતા પહેલા શબ્દો ઉપર કમાન્ડ ન હોવાથી યા એમની આ નર્વસનેસ હોય છે અથવા તો આદત પડી ગઇ હોય છે. I think બરાબર છે, પણ તે think કરવાની નેટ-પ્રેક્ટિસ કરી હોત તો આપણે મેચ હાર્યા ન હોત, મારા વીરા! તો બીજા કેટલાક 'હું ધારૂ છું કે... 'પોતાનું મહત્વ વધારવા બોલતા હોય છે. અહી ભાર 'હું' ઉપર હોય છે. ધારવા ઉપર નહિ. પણ એમાં ય, આત્મવિશ્વાસનો અભાવ તો હશે જ ને? જો એમની વાત નિવેદનસ્વરૂપ હોય તો સીધીસટ મૂકાવવી જોઇએ કે, ''પાકિસ્તાન ઉપર હૂમલો આપણે જ કરવો જોઇએ.'' એમાં ધારવા-ફારવાનું શેનું હોય? સ્વ.વડાપ્રધાન શ્રી.મોરારજી દેસાઇને '૬૯-ના પાકિસ્તાન સામેના યુધ્ધમાં કોક પત્રકારે પૂછ્યું હતું, ''શું આપ ધારો છો કે, પાકિસ્તાન સામે યુધ્ધ આપણે છેડવું જોઇએ?''ત્યારે કાકાએ પળનો ય વિલંબ કર્યા વિના કહી દીધુ હતું, ''એમાં ધારવા-ફારવાનું શેનું? આપણે એના કરતા બહુ મોટા અને શક્તિશાળી છીએ... ત્યાં એના ઘેર જઇને મુઠ્ઠીમાં મસળી નાંખવાનું હોય..!'' 

જૂના જમાનાના અમારા કવિ-લેખકોને છત તરફ સ્થિર દ્રષ્ટી રાખી, લમણા ઉપર પેનની અણી અડાડીને ફોટા પડાવવાના ધખારા ઉપડતા. આવો ફોટો પડાવતી વખતે, તેઓ કોઇ ગહેરા ચિંતનમાં ઉતરી ગયા હતા અને એમની નવી વાર્તા કે ગઝલ વિશે કંઇક ધારતા હતા, એવો સંદેશો સમાજને આપવા માંગતા હોય. આપણને શક પડે કે, આ હિસાબે એમની છત ઉપર ઘણું બધું વિદેશી સાહિત્ય ચોંટાડી રાખ્યું હશે. 

તો કેટલાક ''મારા ધારવા પ્રમાણે'' બોલીને આપણને બીવડાવી મારવા માંગતા હોય કે, હવે એમણે ધારવાનું ય ચાલુ કરી દીધું છે. આવું એમનાથી બોલાય? આપણા ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે કે, ધીરૂભ'ઇએ ધારવાનું શરૂ કરી દીધુ, તો હવે એમના ઘર તરફથી ગાડી લેવી કે નહિ? ક્યાંક રસ્તામાં મળી જાય, આપણે ગાડી ઊભી રાખીએ ને આ બાજુ એ ધારવાનું શરૂ કરી દે, ''મારા ધારવા પ્રમાણે આપ અશોક દવે છો અને આપ મ્યુનિસિપાલિટીના સફાઇ ખાતામાં વર્ગ-૪ ના કામદાર તરીકે કામ કરો છો... બરોબર ને, રાજ્જા..?'' એમ કહીન ધબ્બો આપણા ખભે મારે. ડઘાઇ જવાય કારણ કે, એમનું અડધું ધારવું સાલું બિલકુલ સાચ્ચું હતું, પણ બેમાંથી ક્યા પાર્ટનું સાચું હતું, એ આપણે કેવી રીતે ધારવું ? મારા દેખાવ, લક્ષણ, કપડા અને લખાણો પરથી એમણે મને વર્ગ-૪ નો સફાઇ-કામદાર ધારી લીધો હોય, એવું ય મારાથી ધરાય એવું નહોતું, કારણ કે આ ચારમાંથી એકે ય નિરિક્ષણો મને લાગુ પડતા નથી. તો પછી હું અશોક દવે છું, એવી મજાક એમણે ક્યા ધોરણે કરી હશે? મને હેબતાઇ જવાની મોટી હોબી છે, એટલે હું હેબતાયો. હેબતાવાનું પૂરૂ થયું અને ન રહેવાયું એટલે પૂછી નાખ્યું, ''ધીરૂભાઇ સાહેબ, મને સફાઇ કામદારનો દરજ્જો આપી આપે મારૂં સોશિયલ સ્ટેટસ ઊંચુ કરી આપ્યું છે, એ બરોબર છે પણ ક્યા એન્ગલથી હું આપને અશોક દવે જેવો લાગ્યો ? મારા ખ્યાલથી, આવું ધારતા પહેલા આપે જરા વિચાર કરવો જોઇએ.... આમાં તો કોઇની કેરિયર બગડી જાય...!'' 

''હું ધારૂં છું કે, મેં કાંઇ ખોટું કહ્યું નથી. આપ 'બુધવારની બપોરે'માં જે કક્ષાના લેખો લખો છો, એ જોતા મને 'કચરાપટ્ટી' શબ્દ યાદ આવ્યો... અને એ જ ધોરણે મેં આપનો વ્યવસાય પણ ધારી લીધો...'' અમે રસ્તાની વચ્ચે ઊભા હતા તો ય, આ વખતે એમણે મને પૂછ્યું, ''પંખો ચાલુ કરૂં...?'' 

સિક્સર

- દેશ માટે સૌથી ખતરનાક નફરત કઇ કહેવાય? 
- ફુટપાથ પર ભૈયાના હાથની પાણી-પુરી ખાઇને મિનરલ વોટરની બોટલમાંથી પાણી પીવું.

No comments: