Search This Blog

12/01/2013

દિલ દિયા દર્દ લિયા

ફિલ્મ : ‘દિલ દિયા દર્દ લિયા’ (’૬૬)
નિર્માતા- દિગ્દર્શક : એ. આર. કારદાર
સંગીત : નૌશાદ
ગીતકાર : શકીલ બદાયુની
રનિંગ ટાઇમ : ૧૭ રીલ્સ
થીયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : દિલીપકુમાર, વહીદા રહેમાન, પ્રાણ, રહેમાન, શ્યામ, જ્હોની વૉકર, ટુનટુન, અમર, દુલારી, એસ.નઝીર, સજ્જન, રાની, સપ્રૂ, મુરાદ, શાહ આગા, કાબુલી, અજીત બેંગાલી, બેબી ફરીદા, બિહારી, ખુરશીદ ખાન અને પરસરામ 


દિલીપકુમારો રોજ પેદા નથી થતા. પેદા થઈ ગયેલાઓ એની નકલ કરતા રહ્યા, પણ દિલીપ આખરે દિલીપ છે. આ એક માણસની ઉપસ્થિતિથી સાવ ફાલતુ ફિલ્મ ‘દિલ દિયા દર્દ લિયા’ જોવા પ્રેક્ષકો જતા હતા, એટલું જ નહિ, દિલીપની કરિયરમાં આ ફિલ્મ સીમાચિહ્‌ન લેખાઈ... અફકોર્સ, ફિલ્મની ગુણવત્તાને કારણે નહિ, એક માત્ર દિલીપકુમાર એનો હીરો હતો માટે. એમ તો, બીજો એવો જ યશ તમારે ખલનાયક પ્રાણને આપવો પડે અને નૌશાદના હરદિલઅઝીઝ સંગીત માટે પણ આપવો પડે. પ્રાણ માટે દિલીપકુમારે દિલના દરવાજા ઊઘાડીને કહ્યું છે કે, ‘દિલ દિયા...,ના રોલ માટે પ્રાણ સાહેબ સિવાય બીજા કોઈ અદાકારનો વિચાર પણ ન થાય !’

પ્રાણ સાહેબે પણ એમની ડોક્યુમેન્ટરીમાં (સૌજન્ય : શ્રી ચંદુભાઇ બારદાનવાલા- જામનગર) પોતાના સ્વમુખે કહ્યું છે કે, ‘એ જમાનો કોઈ ઓર હતો. દિલીપ સા’બને આ ફિલ્મમાં મારે ખૂબ નફરત કરવાની હતી.. એ કહેતા, ‘પ્રાણ સા’બ ઔર ગુસ્સા દિખાઇયે... ઔર ગુસ્સા દિખાઇયે... !’ આજના હીરો તો બીજાના રોલ કપાવવા માટે આમાદા હોય છે, ત્યારે દિલીપ સા’બ મને ઉજળો કરી બતાવતા હતા...!’ 

અને દિલીપનો ભરોસો કોઈ ખોટો નહોતો. પ્રાણે- તમે એને (દિલીપના બચાવમાં) સિનેમાના પરદા ઉપર જઈને મારી આવો એવા ઝનૂનો એક સામટા ઉપડે, એવી નફરત પેદા કરી છે. આ ફિલ્મમાં પ્રાણે દિલીપ માટેની નફરતમાં સાતત્ય રાખ્યું છે.. જો બીજો દિલીપ નહીં થાય તો બીજો પ્રાણ પણ નહિ થાય.. દિલીપ અભિનયનો પ્રાણ હતો, તો પ્રાણ ખલનાયકીનો ‘યૂસુફ’ હતો...! (‘યૂસુફ’ એક અતિ સુંદર પયગમ્બરનું નામ છે.) શંકર (દિલીપ) ઠાકૂર (પ્રાણ)ના મહેલમાં નોકર છે. એને ગાળો દેતો ઠાકૂર મહેલના દરવાજે આવે છે, ત્યારે શંકર ઘોડાની લગામ પકડીને ઉભો છે, ત્યારે કેવળ નફરત બતાવવા ઘાંટો પાડીને કહે છે, ‘‘લગામ છોડ ઔર ફંદા બના બેવકૂફ...’’ ઠાકૂરના જુલ્મ-ઓ-સિતમ કેટલી હદે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બેઠા હતા એ દર્શાવવા શંકર ઉપર બેતહાશા જુલ્મો કરતો રહે છે. સ્ટોરી અને ડાયલોગ્સ : કૌશલ ભારતી.

અફ કૉર્સ, સ્ટોરી કોઈ ઍન્ગલથી ગળે ઉતરે એવી નહોતી. એની ઘટનાઓમાં કોઈ લૉજીક ન મળે, એ સમજાવવા એક જ દલિલ કાફી છે કે, પ્રાણે દિલીપને મારી નાખ્યા પછી વહિદા રહેમાન જેને માટે રહેમાન સાથે લગ્ન કરી લે છે, એ ‘ખાનદાન કી ઇજ્જત’ દિલીપ પાછો આવે છે અને વહિદાનો હાથ માંગે છે, ત્યારે ફરી પાછી કઈ રીતે જતી રહે, એ ફક્ત વાર્તાલેખકના ભેજાની કમાલ છે. દિલીપ નાનપણથી રાબેતા મુજબ પ્રાણનો માર શું કામ ખાધે રાખે છે, તે બીજો સવાલ. રાતોરાત દિલીપ ભિખારીમાંથી અબજોપતિ રાજાસાહેબ કેવી રીતે બની જાય છે ? શરદ પવાર તો આ ફિલ્મમાં હતા નહિ ! 

પ્રાણની ડોક્યુમેન્ટરીમાં એ વાત પણ કન્ફર્મ થઈ છે કે, દિલીપકુમારની ફિલ્મોમાં દિગ્દર્શન એનું જ હોય છે. આ ફિલ્મમાં દિગ્દર્શક તરીકે નામ અબ્દુલ રશિદ કારદારનું છે, પણ ફિલ્મ દિલીપે દિગ્દર્શિત કરી છે... એની મોટા ભાગની ફિલ્મોની જેમ ! આ ફિલ્મ માટે ’૬૭-ની સાલનો ‘ફિલ્મફેર’નો બેસ્ટ એક્ટરનો એવોર્ડ દિલીપ હારી ગયો. ધર્મેન્દ્ર ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ માટે નોમિનેટેડ હતો, એ પણ હારી ગયો... આખરી વિજેતા હતો, ફિલ્મ ‘ગાઇડ’નો દેવઆનંદ.

પ્રાણ પણ આ ફિલ્મ માટે ‘બેસ્ટ-સપોર્ટિંગ એક્ટર’નો ખિતાબ હારી ગયો, જે અશોકકુમારને ફિલ્મ ‘અફસાના’ માટે મળ્યો. વહિદાને અડધી ફિલ્મમાં હસ હસ કરવાનું અને બાકીની અડધીમાં રડ રડ કરવાનું હોવાથી એવા એવોર્ડ્‌સ તો ફિલ્મફેરમાં નહોતા અપાતા. અલબત્ત, એને અહીં પોતાની કમાલ બતાવવાનો ચાન્સ મળ્યો નથી. 

જો કે, કોઈનો ચાન્સ ઝૂંટવી લેવામાં વહિદા રહેમાને એકવાર પૂરી કમાલ બતાવી હતી. ફિલ્મ ‘રામ ઔશ શ્યામ’ની મુકર્રર હીરોઇન વૈજયંતિ માલા હતી. વહિદા આમે ય દિલીપની ઘણી નજીક હતી. આવી મહત્ત્વની ફિલ્મ હાથમાંથી જતી રહે, એ બર્દાશ્ત નહિ થયું હોય, એટલે પછી તો જે કાંઈ થયું... દિલીપે વૈજુને પડતી મુકાવીને વહિદાને લીધી. ઘુંઆફુંઆ થયેલી વૈજુના ફાધર સીધા કોર્ટમાં ગયા ને વાત વધી પડી. રસ્તો તો પછી જે કાંઈ નીકળ્યો, વહિદા ઇન... વૈજુ આઉટ ! 

દિલીપે જેને આવી જ કોઈ રીતે આઉટ કરી હોય તો તે સુરૈયા હતી. ગામ આખું જાણે છે કે દિલીપને કોઈ પણ ભોગે દેવ આનંદના હાથમાંથી સુરૈયાને છોડાવવી હતી. એણે કે. આસીફને વાત કરી. આસીફે સુરૈયા- દિલીપને લઈને એક ફિલ્મ જાહેર કરી દીધી, ‘જાનવર.’ સુરૈયાને આની પાછળના રાજકારણની આમ તો ગંધ ન આવત, પણ ફિલ્મના એક દ્રષ્યમાં સુરૈયાને ગાલે સાપ કરડે છે. દિલીપે ગાલ ચૂસીને ઝેર ગળી જવાનું હતું. એક્ટંિગનો આ બેતાજ બાદશાહ આ દ્રષ્ય બરોબર આપી શકતો નહોતો. સુરૈયાનો ગાલ ચૂસતા રહેવામાં એક દિવસ, બે દિવસ... ત્રણ દિવસ... ઓહ ઠેઠ ચોથા દિવસે સુરૈયાએ મીજાજ ગુમાવ્યો. એને ખબર પડી ગઈ કે, જાણી જોઈને દિલીપના કહેવાથી આસીફે આ દ્રષ્ય ફિલ્મમાં ધૂસાડ્યું છે અને રીટેકના બહાને દિલીપ વધારે પડતો રૉમેન્ટિક પણ થઈ રહ્યો છે. સુરૈયા સેટ છોડીને સીધી ઘેર જતી રહી અને પોતાના મામાને વાત કરી. મામા તરત જ સેટ પર દિલીપને રીતસર ફટકારવા જ આવ્યા... આસીફ અને અન્ય વચ્ચે પડ્યા ને વાત અટકી ગઈ. સહુ જાણે છે કે, દિલીપ- સુરૈયાએ એક ફિલ્મમાં કદી સાથે કામ કર્યું નથી. 

મુહમ્મદ રફી સાહેબના સુપુત્ર સ્વ. ખાલીદની પત્ની યાસમિને રફી સાહેબ માટે હમણાં એક પુસ્તક લખ્યું છે, જે મને વડોદરાના શ્રી હરેશ જોશીએ આપ્યું છે. એમાંથી કેટલીક તો ચોંકાવનારી હકીકતો સામે આવી કે રફી સાહેબે અગાઉ પણ એકવાર લગ્ન કર્યા હતા. પત્ની બેગમ બશિરાન રફી સાહેબના સગા કાકાની દીકરી હતી. એ બન્નેને એક પુત્ર પણ થયો મુહમ્મદ સઈદ, જે ’૬૧ની સાલમાં લંડન જતો રહ્યો, તે પહેલા રફી સાહેબના ઘેર જ રહેતો હતો. જો કે, સારા જમાનાથી આ વાત ગુપ્ત રાખવામાં આવી હતી. 

દુલારીએ આ ફિલ્મમાં નાનો રોલ કર્યો છે... સમજો ને, કોઈ મહત્ત્વ વગરનો. આમે ય, આ ચરિત્ર અભિનેત્રીની ફિલ્મી કરિયર પણ મહત્ત્વ વગરની રહી. નહિ તો એક જમાનામાં એ હિરોઇન તરીકે આવતી. સી. રામચંદ્રનું ખૂબ જાણીતું ગીત, ‘આના મેરી જાન, મેરી જાન સન ડે કે સન ડે...’ દુલારી ઉપર ફિલ્માયું હતું કે, પણ ફિલ્મોમાં આવ્યા પછી ‘રાજદુલારી’ને છેવટે રાજપાટ જતા પહેલા જ રાજ નીકળીને એકલું ‘દુલારી’ રહી ગયું. જૂના શોખિનો તો જાણે જ છે કે, દુલારીએ મુંબઈમાં દેશી નાટક સમાજ અને આર્ય નાટક સમાજના ગુજરાતી નાટકોમાં કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’ અને ‘ચુંદડી અને ચોખા’ના ગીતો આજે ઘણાને કંઠસ્થ છે. દુલારીએ કોઈ એક- બે નહિ, પૂરી ૩૫ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. કાન્યકુબ્જ બ્રાહ્મણ પિતા પાસે દહેજ આપવાના પૈસા ન હોવાથી દુલારીને ‘જગન્નાથ ભિખાજી જગતાપ’ નામના મરાઠી ક્ષત્રીય સાથે પરણાવવામાં આવી હતી. આજે ૮૫ વર્ષની ઉંમરે દુલારી મહારાષ્ટ્રના કોઈ ગામમાં ‘ઘરડાના ઘર’માં અલ્ઝાઇમર્સના કરૂણ રોગ સાથે એકલી રહે છે.

એ તો આપણી આ કૉલમમાં અગાઉ પણલખાઈ ચૂક્યું છે કે, ‘દિલ દિયા...’ની સેકન્ડ લીડ રોલ કરતાં રહેમાને પણ પુષ્કળ ગરીબીમાં છેલ્લા શ્વાસો લીઘા હતા. એમનું સાસરૂં અમદાવાદના દરિયાપુરમાં હતું. બહુ સારો એક્ટર. મોટે ભાગે કરોડપતિના રોલ જ કર્યા છે. ફિલ્મ ‘વક્ત’માં ચિનોય શેઠનો રોલ આખા ભારતને યાદ રહી ગયો છે. 

આ ફિલ્મમાં દિલીપકુમારની બેવકૂફ પ્રેમિકા બનતી શ્યામા ય હજી જીવિત છે. મુંબઈમાં ફ્રુટની લારી ફેરવતા એક ગરીબ ફળવાળાની દીકરી ખુરશિદ અખ્તર બેગમ વિશે આ કોલમમાં અગાઉ ઘણું લખાઈ ગયું છે. 

એક યુઝવલ, ખરી કમાલ નૌશાદ સાહેબે આ ફિલ્મના એકએક ગીતને બેનમૂન બનાવીને કરી છે. કેવી હથોટી બેસી ગઈ હતી, મઘુરાં ગીતો પણ શાસ્ત્રીય રાગો પર આધારિત બનાવવાની ! રફી સાહેબના ચારે ગીતો જુઓ : ‘ગુઝરૈ હે આજ ઇશ્ક મેં હમ...’ રાગ દરબારી કાનડો, કોઈ સાગર દિલ કો બહલાતા નહિ... રાગ કલાવતી, દિલરૂબા મૈને તેરે પ્યાર મેં ક્યા ક્યા ન કિયા.., રાગ સારંગ. અને આશા ભોંસલે સાથેનું ‘સાવન આયે યા ન આયે, જીયા જબ ઝૂમે..’ પણ રાગ સારંગમાં જ. લતા મંગેશકર મોટા ભાગે તો પાર્ટી-સોંગ્સ નથી ગાતી અને એ જ સારું છે. એમાં એ કદી આશાની બરોબરી ન કરી શકે. અહીં નૌશાદે કેમ જાણે પરાણે એની પાસે, ‘ક્યા રંગે મહેફિલ હૈ, દિલદારમ, ઓ જાને આલમ...’ ગવડાવ્યું છે.. ઓહ, શું કામ ગવડાવ્યું હશે ? અહીં આશાએ ત્રણ ગીતો ગાયા છે, એમાં બે મુજરા. તો પછી લતાની જેમ નૌશાદને ય આશા સાથે બગડ્યું હશે, એટલે છેલ્લે કહેતા ગયા, કે ‘આશાના અવાજમાં તવાયફીપણું વધારે છે.’ 

દરેક સંગીતકારનું કોઈ એક વાજિંત્ર ફેવરીટ હોય છે, એમ નૌશાદે આ ફિલ્મના લગભગ તમામ ગીતોમાં સિતાર વગાડી છે. શંકર-જયકિશને તો રાજ કપૂરની ફિલ્મ ‘અનાડી’ના બધા ગીતોની જેમ ઘણી ફિલ્મોના તમામ ગીતોમાં ઍકોર્ડિયન વગાડ્યું છે. ઓ. પી. નૈયરે ‘એક મુસાફિર એક હસીના’ના તમામ ગીતોમાં હાર્મોનિયમ વગાડ્યું છે. 

જ્હોની વૉકરે કદાચ દિલીપકુમારની શરમમાં આવી જઈને આ ફિલ્મ કરી હશે, નહિ તો આવા સારા કોમેડીયન માટે આ ફિલ્મમાં કોમેડી તો જાવા દિયો... રોલ પણ એક એકસ્ટ્રા જેવો છે.

યસ. આ ફિલ્મમાં વેમ્પનો રોલ કરતી ડાન્સ અભિનેત્રી ‘રાની’ વિશે કાંઈ જાણવા મળતું નથી. ઘણી સારી ડાન્સર હતી, જેણે હેલનની સાથે અનેક ફિલ્મોમાં જુગલબંધી કરી છે. એસ. નઝીર દિલીપકુમારની લગભગ ઘણી ફિલ્મોમાં હોય જ. માથે સફાચટ રાખતો આ કલાકાર પણ ગુમનામીમાં ધકેલાઈ ગયો. અહીં એ દિલીપકુમારના સેક્રેટરીના રોલમાં છે. ફિલ્મ‘દોસ્તી’થી ભારતના ઘર ઘરમાં જાણીતી થયેલી ચાઇલ્ડ-આર્ટિસ્ટ બેબી ફરીદા પણ દિલીપની લાડકી હતી. પણ એકે ય અપવાદ વિના હિંદી ફિલ્મોમાં બનતું આવ્યું છે તેમ, ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે ઘૂમ મચાવતા છોકરાઓમાંથી એકે ય મોટા થઈને નામ ન કમાયા. 

એ દિવસોમાં એટલે કે ’૬૬ની સાલમાં ‘દિલ દિયા’ની સાથે સાથે અમદાવાદના કયા થીયેટરોમાં કઈ ફિલ્મો ચાલતી હતી, તે તમારી જાણ સારૂ : 

અનુપમા (મોડેલ), આયે દિન બહાર કે (કૃષ્ણ), લવ ઇન ટોક્યો (રીગલ), છોટા ભાઈ (પ્રકાશ), ડાકુ મંગલસિંહ (અશોક), દિલને ફિર યાદ કિયા (રીલિફ), દુલ્હન એક રાત કી (રૂપમ), દસ લાખ (લક્ષ્મી), મુહબ્બત ઝીંદગી હૈ (અલંકાર), નીંદ હમારી, ખ્વાબ તુમ્હારે (લાઇટ હાઉસ), તીસરી મંઝીલ (નોવેલ્ટી) 

ગીતો 
૧ દિલરૂબા મૈને તેરે પ્યાર મેં ક્યા ક્યા ન કિયા... મુહમ્મદ રફી 
૨ સાવન આયે યા ના આયે, જીયા જબ ઝૂમે સાવન હૈ ... આશા- રફી 
૩ ક્યા રંગે મહેફિલ હૈ દિલદારમ, ઓ જાને આલમ ... લતા મંગેશકર 
૪ ફિર તેરી કહાની યાદ આઇ, ફિર તેરા ફસાના... લતા મંગેશકર 
૫ દિલ હારનેવાલે ઔર ભી હૈ, ... સરકાર દીવાને ઔર આશા ભોંસલે 
૬ ગૂઝરે હૈ આજ ઇશ્ક મે, હમ ઉસ મકામ સે... મુહમ્મદ રફી 
૭ કોઈ સાગર દિલ કો બહેલાતા નહીં, બેખુદી મેં... મુહમ્મદ રફી 
૮ હાય હૈ રસિયા તુ બડા બેદર્દી... આશા ભોંસલે 

No comments: