Search This Blog

10/02/2013

કિશોર કુમારનું પોતાનું દૂર ગગન કી છાંવ મેં

ફિલ્મ : 'દૂર ગગન કી છાંવ મેં' ('૬૪)
નિર્માતા-નિર્દેષક : કિશોર કુમાર
વાર્તાલેખક : કિશોર કુમાર
સંગીતકાર : કિશોર કુમાર
ગીતકાર : શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ :૧૬-રીલ્સ
થીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકારો : કિશોર કુમાર, સુપ્રિયા ચૌધરી, અમિત કુમાર, રાજ મેહરા,સજ્જન, નાના પળશીકર, ઈફ્તેખાર, લીલા મીશ્રા, હીરાલાલ, મોની ચૅટર્જી, એસ.એન.બૅનર્જી, જીવનકલા, શમશેરસિંઘ અને નંદકિશોર. 


ગીતો
૧...રાહી તુ મત રૂક જાના, તુફાં સે મત ઘબરાના....હેમંત કુમાર
૨...કોઈ લૌટા દો મેરે બીતે હુએ દિન, બીતે હુએ દિન વો...કિશોર કુમાર
૩...છોડ મેરી બૈંયા, બલમ બેઈમાન, આતે જાતે દેખ લેગા...આશા ભોંસલે
૪...જીન રાતોં કી ભોર નહિ હૈ, આજ ઐસી હી રાત આઈ...કિશોર કુમાર
૫...આ ચલ કે તુઝે, મૈં લેકે ચલૂં, એક ઐસે ગગન કે તલે...કિશોર કુમાર
૬...ખોયા ખોયા ચંદા, ખોયે ખોયે તારેં, સો ગયે તુ ભી સોજા...આશા ભોંસલે
૭...પથ ભૂલા એક આયા મુસાફિર લેકે મેરા મન દૂર ચલા...આશા ભોંસલે
૮...ઓ જગ કે રખવાલે, હમેં તુઝ બીન કૌન સમ્હાલે...મન્ના ડે-કિશોર
ગીત નં. ૫ ના ગીતકાર પણ કિશોર કુમાર છે.

મુંબઈના સાન્તાક્રુઝમાં હસનાબાદ લૅન આવેલી છે. મૅઈન રોડ ઉપર સોમુ મુકર્જીનો વિશાળ બંગલો છે. સોમુ તનૂજાના પતિ અને કાજોલના પિતા. આ બંગલાને અડીને એક જ દિવાલના બીજા બંગલામાં ઉપર જૉય મુકર્જી અને નીચે દેબુ મુકર્જી રહે. અને નાનકડા કમ્પાઉન્ડ પછીનો બંગલામાં સૌથી નાનો મુકર્જી શુબિર રહે. શુબિર સુરતના આપણા અજીતસિંહનો ખાસ દોસ્ત. સોમુના બંગલામાંથી શુબિરના બંગલામાં જવા માટે જે પતલી ગલી જેવું આવે, એ ગલીની ડાબી બાજુના ફલૅટના પહેલા માળે કાદરખાન રહે.

શુબિરે એક વાત શરૂ કરી છે. સમય સવારનો હતો અને ચા-નાસ્તા અમારે કરવાના પણ પોતાના (સોમુ સિવાયના બધા) ભાઈઓની જેમ શુબિર પણ જરાક નવરો પડે, એટલે આપણી દેશી કસરતો કરવા મંડી પડે છે. અત્યારે એ જમીનથી એના પેટ જેટલું ઊંચુ લાકડાનું ભારેખમ મગદળ ખભાની પાછળ ફેરવતા ફેરવતા વાત માંડી રહ્યો છે :સુબોધ મુકર્જીએ '૬૪ની સાલમાં સાયરા બાનુ અને વિશ્વજીતને લઈને એ જમાનામાં ભાગ્યે જ કલરમાં બનતી ફિલ્મો પૈકીની એક 'ઍપ્રિલ ફૂલ' બનાવીને તૈયાર રાખી, જેને રીલિઝ કરવા મુંબઈના ફૉકલૅન્ડ રોડ પાસે આવેલી અલંકાર સિનેમા એમણે બૂક કરાવી રાખી હતી. ફિલ્મમાં બ્યુટી-ક્વીન સાયરા બાનુ, સંગીત શંકર-જયકિશનનું અને એમાંય આ તો પાછી કલર ફિલ્મ...! ૨૫-અઠવાડીયા તો નાંખી દેતા ય ખેંચી નાંખશે...! ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ લાઈન લગાડે, આવી ફિલ્મ રીલિઝ કરવા.

આ બાજુ, 'ઍ ગ્રૅટ કૉમેડિયન હીરો'ની સફળ છાપ છતાં કિશોર કુમાર કાંઈ નહિ ને એક કરૂણ ફિલ્મ બનાવી બેઠો હતો. 'દૂર ગગન કી છાંવ મેં'. બીજા બધા તો ઠીક, ખુદ એ ય જાણતો હતો કે, કોઈ ચમત્કાર થાય તો પણ ફિલ્મ બીજું વીક તો ચાલવાની જ નથી. ડિસ્ટ્રીબ્યુટર્સ બધા ઘસીને ના પાડી બેઠા હતા આ ફિલ્મને હાથ પણ લગાવવા માટે. કિશોર લિટરલી દરદર ભટક્યો, એક થીયેટર શોધવા માટે. એકે ય ના મળ્યું, એટલે નજીકના સગા હોવાને દાવે, સુબોધ મુકર્જીને હાથ જોડીને રીક્વેસ્ટ કરી જોઈ, ''વધારે નહિ... એક વીક માટે તમારૂં 'ઍપ્રિલ ફૂલ' પાછું ઠેલો ને મને મારૂં 'દૂર ગગન કી છાંવ મેં' રીલિઝ કરવા દો.'' સગપણ-ફગપણ ફિલ્મોમાં નથી ચાલતા. સુબોધે ય ના પાડી દીધી. કિશોર પર કેવી વિતી હશે એ તો કિશોર જાણે, પણ ક્યાંકથી કોઈ ચમત્કાર થયો. એક જ વીક માટે સુબોધે હા પાડી અને અલંકાર સિનેમામાં આ ફિલ્મ રીલિઝ થઈ. જાણતા તો બધા હતા કે ફિલ્મ આખું વીક તો ઠીક છે, ૭-૮ શો પણ નહિ ચાલે... ના ચાલ્યા. ઘણા ય પ્રેક્ષકો બગાસાં ખાતા અડધી ફિલ્મે અકળાઈ-અકળાઈને બહાર નીકળવા માંડયા.

પણ સૌથી વિરાટ ચમત્કાર ત્રીજા દિવસે થયો. હવા ક્યા રંગની મુંબઈમાં ફરી વળી કે, ફિલ્મ જોઈ ગયેલા સારા ઘરના પ્રેક્ષકોએ ખૂબ વખાણી, એમાં ચોથા દિવસથી 'હાઉસફૂલ'...! કિશોરે ઘેર બેઠા પસીનો પોંછવા માંડયો. બીજા વિક પહેલા તો ફિલ્મ ઉતારી લેવાની હતી, ડિસ્ટ્રીબ્યુટરે ના પાડી કે, હવે તો હું જ ના ઉતારૂં... એક પછી એક તમામ શો હાઉસફૂલ જવા માંડયા છે. ટિકીટોના બ્લૅક બોલાય છે... સુબોધ મુકર્જીને હસવું આવી ગયું... ઓકે... 'ઍપ્રિલફૂલ' નૅકસ્ટ વિક... સૉરી મુકર્જી બાબા... ત્રીજું, ચોથું આઠમું... સોળમું વિક ને ફિલ્મ હજી હાઉસફૂલ...! એ ત્રીજા વિકમાં તો કિશોર પાસે રીતસર દોડયા હતા કે, ''ભ'ઈ, હવે તું તારી ફિલ્મ ઉતારી લે...''

ઉતારી લેવી કિશોરના ય હાથમાં નહોતી, ડિસ્ટ્રીબ્યુટર્સના હાથમાં હતી... ફિલ્મ એ જ થીયેટરમાં પૂરા ૨૫-વિક્સ ચાલી... દેશભરના અનેક થીયેટરોમાં ય સિલ્વર-જ્યુબિલી...!

શુબિરવાળી વાત પૂરી... આપણી ચાલુ.

અમદાવાદના ઘી-કાંટા ઉપર એ જમાનામાં થીયેટરો જ થીયેટરો...! રીલિફ રોડ પરના કૃષ્ણ, રૂપમ, અશોક અને રીગલને બાદ કરતા ઘી-કાંટાના નાકા પછી તરત જ નોવેલ્ટી, એલ.એન., લક્ષ્મી, પ્રકાશ, મધુરમ... એમાં લાઈટ હાઉસમાં આ ફિલ્મ આવી. ખૂબ સારૂં ચાલી.

બહુ નસીબદાર હો અને '૬૦ના દાયકાથી તમારો ટેસ્ટ ક્લાસિક સ્તરે ઊંચો ગયો હોય તો આ ફિલ્મ 'દૂર ગગન કી છાંવ મેં' જોઈ હોય. ચમત્કારો કરવા કિશોર માટે રમત વાત હતી, એ ધોરણે માત્ર કૉમેડી માટે જાણીતા કિશોરે આટલી ગંભીર ફિલ્મ બનાવી, એની વાર્તા લખી, સંગીત આપ્યું, હીરો બન્યો, દિગ્દર્શન કર્યું, નિર્માણ કર્યું, એકાદું ગીત પણ લખ્યું. અને એથી ય મોટી વાત, પ્રેક્ષકોને એનું આવું અનોખું સર્જન મન ભરીને ગમાડવું પડયું.

શું હતું એની આ ફિલ્મમાં ? શંકર (કિશોર) લશ્કરમાંથી ગામ પાછો આવે છે, ત્યારે એક અકસ્માતમાં એનું ઝુંપડું બળીને ખાખ થઈ ગયું હોય છે, એના પિતા અને પત્નીને લઈને ! એકમાત્ર ૭-૮ વર્ષનો પુત્ર રામુ (અમીતકુમાર) બચી તો જાય છે, પણ નજર સામે સળગી ગયેલ માં અને દાદાને જોઈને એને પ્રચંડ આઘાત લાગે છે, એમાં એ મૂંગો થઈ જાય છે. શંકર પાછો આવે છે ત્યારે કુદરતની આવી ક્રૂર મજાક માની નથી શકતો અને ઈલાજ માટે રામુને શહેર લઈ જવા માંગે છે, એ સફરના માર્ગમાં ગામના હલકટ બાપ (રાજ મેહરા) અને તેના બે દીકરાઓ (સજ્જન અને ઈફ્તિખાર) એની ઉપર હુમલો કરે છે. બેભાન શંકરને પરગજું ગ્રામકન્યા મીરાં (સુપ્રિયા ચૌધરી) પોતાના ઘેર લાવે છે. રામુનો ઈલાજ કરાવવા શંકર મુંબઈ જાય છે, પણ તમામ ડૉક્ટરો રામુના સાજા થવાની શક્યતાને ના પાડી દે છે. નિરાશ થઈને ઘેર પાછા આવ્યા બાદ રાજ મેહરા અને તેના દીકરાઓ સાથેની મારામારીમાં અજાણ શંકર ઉપર કુહાડી વડે હૂમલો કરવા જતા ઈફ્તિખારને જોઈને ખૂબ ગભરાઈ ગયેલો રામુ ''બાપુ'' બોલી ઉઠે છે ને ફિલ્મનો સુખાંત આવે છે.

ફિલ્મ તો બેશક બડી ખૂબસુરત બની છે, પણ આપણને સાતમાં આસમાને બેસાડી દે છે એનું કર્ણપ્રિય સંગીત... માયમાયમાય...! નવાઈ મને આજે ફિલ્મ જોયાના ૪૮-વર્ષ પછી પણ એટલી જ લાગે છે કે, ઉમદા ફિલ્મી સંગીતની ચર્ચાઓમાં કેમ કદી 'દૂર ગગન કી છાંવ મેં'નો ઉલ્લેખમાત્ર આવતો નથી ? એક એક ગીત મનોહર બન્યું છે, ગવાયું છે, લખાયું છે, ફિલ્માયું છે. અને એ ય, એના સંગીતકાર કિશોર દા પોતે.

અફ કૉર્સ, ફિલ્મના ગીત-સંગીતમાં તમને સંગીતકાર સચિનદેવ બર્મનની છાંટ દેખાતી હોય, તો તમારા કાન તૈયાર થયેલા કહેવાય. એકાદું ગીત જાણે હેમંત કુમારે બનાવ્યું હોય, એવું ય તમારૂં નાક સુંઘશે. ક્યાંક ગડબડીની ગંધ આવતી હોય તો તમારો શંકાશીલ સ્વભાવ કામમાં આવશે કારણ કે, તમે થોડા તો સાચા છો જ. કિશોરની પોતાની મોટા ભાગની ફિલ્મોમાં હીરો, નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર, (આ ફિલ્મના એક ગીત, 'આ ચલ કે તુઝે મૈં લેકે ચલૂં...'નો તો ગીતકાર પણ એ જ) અને ગાયક એ પોતે હોય, એમાં ઘણી વાર તો એ ફિલ્મ જોનારે ય થીયેટરમાં એકલો કિશોર જ હોય. કિશોર ગાયક તરીકે ધી ગ્રેટ, ગ્રેટ અને હજી એક વાર ગ્રેટ, પણ સંગીત એનો સબ્જૅક્ટ નહતો. એટલે સુધી કે, ફિલ્મ 'ઝૂમરૂ'ના તમામ ગીતો હૉલીવૂડના ગાયક-સંગીતકાર બિંગ ક્રોસબીના ગીતોની સીધી ઉઠાંતરી હતી. આ ફિલ્મમાં જે સ્તરના (લગભગ ક્લાસિક લૅવલે પહોંચેલા) ગીતો બનાવાયા છે, તે બધા સચિનદેવ બર્મન કલ્ચરના છે. કિશોર બર્મન દાદાને રાહુલ જેટલો જ વહાલો હતો ને !

પણ સચિનદેવ બર્મન એના માટે પિતાતુલ્ય હોવાથી બન્ને વચ્ચેનું બૉન્ડિંગ ઘણું પવિત્ર અને અતૂટ હતું. ભલભલા દાદા બર્મનથી ડરતા (ખુદ એમનો સુપુત્ર રાહુલદેવ પણ ખરો !) પણ કિશોરને તો આ ઉંમરે પણ દાદાના ખોળામાં રમવાની પણ છુટ હતી... અને એ એવી છુટ લેતો પણ ખરો ! દાદાને પણ કિશોર માટે અનન્ય પ્રેમ. દાદાની છેલ્લી ફિલ્મ 'મિલી'ના કિશોરે ગાયેલા ભરપૂર ભાવનાત્મક ગીત 'બડી સૂની સૂની હૈ, જીંદગી યે જીંદગી...'નું રૅકૉર્ડિંગ પૂરૂં થયા પછી રડી પડેલા દાદા ત્યાં જ બેભાન થઈને પડી ગયા હતા. સ્વાભાવિક છે, કિશોર ખૂબ ઊંચા ગજાનો ગાયક પણ સંગીત એનો ગઢ નહતો. એના ગઢવી દાદા બર્મન હતા. વળી, કિશોરની અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મ ''હોહોહીહીહૂહૂહાહા'' છાપની નહોતી. ગીતો વેદનાભર્યા બનાવવાના હતા. હવે બાકીનું તમે સમજી ગયા હો, તો લાઈફમાં ધારી લેવાની બાબતમાં તમારૂં બહુ મોટું નામ થશે. લોકો પોતાના ભાગનું ધરાવવા (એટલે કે, ધારી લેવાનું) તમને સોંપવા આવશે.

હેમંત કદાચ કદી આટલો મીઠો નહિ લાગ્યો હોય, એવું બૅકગ્રાઉન્ડમાં ગવાતા તેમના ગીત 'રાહી તુ મત રૂક જાના...' સાંભળીને મનમાં એ મુસ્કુરાહટ કાનની જાહોજલાલી સાથે ખીલતી રહે.

ફિલ્મનું સંગીત કન્ડક્ટ કર્યું હતું સંગીતકાર ભોલા શ્રેષ્ઠએ, જે કિશોરની પહેલી પત્ની અને એના પ્રથમ પુત્ર અમિત કુમારની મા રૂમાદેવીના પિતાતુલ્ય સંબંધી સંગીતકાર હતા. ઘરના જ સભ્ય કહેવાયા. આ ભોલા શ્રેષ્ઠ શમ્મી કપૂર-રાજેશ ખન્નાવાળી ફિલ્મ 'અંદાઝ'માં 'હૈ ના, બોલો બોલો' ગાનારી બાળગાયિકા સુષ્મા શ્રેષ્ઠના પિતા, જે પાછળથી નામ બદલીને 'પૂર્ણિમા' નામની ગાયિકા તરીકે મશહૂર થઈ.

ફિલ્મની હીરોઈન સુપ્રિયા ચૌધરી હિંદી ફિલ્મોમાં તો ન ચાલી (એટલે કે, એ પોતે જ ચાલવા નહોતી માંગતી), પણ બંગાળી ફિલ્મોમાં નામ મોટું. ખાસ કરીને ત્યાંના બન્ને સુપરસ્ટાર્સ ઉત્તમ કુમાર અને સૌમિત્ર ચૅટરજી સાથે સુપ્પીએ બહુ ફિલ્મો કરી છે. એનો જન્મ બર્મા (આજના મ્યાનમાર)ના મીચકિના શહેરમાં થયો હતો, જ્યાં એનું ફૅમિલી સૅટલ થયું હતું. પછી ઈન્ડિયા આવ્યા. ચોંકવાની જરા ય જરૂર નથી. ઉંમર અને સગવડ હોય તો તમે ય સુપ્રિયાના ફાધર જેવી સિધ્ધિ મેળવી શકો છો. એના ફાધરને આઠ પુત્રીઓ અને ત્રણ પુત્રો હતા, એટલે હજી વધુ અભ્યાસાર્થે ઈન્ડિયા આવ્યા હોય, એવું કાંઈ ન હોય. આપણે એમ રાજી થવાનું કે, ૧૧-૧૧ બાળકોના પિતાને તો ઘરની બહારનું ય કેટલું કામ રહેતું હશે ?... આ તો એક વાત થાય છે.

ફિલ્મની વાર્તના સંદર્ભમાં એક સવાલ ઉઠે છે જરૂર. માણસ મૂંગો હોય તો એ બહેરો પણ હોય, જન્મથી કે અકસ્માતથી મૂંગો થયો હોય તો પણ એ બહેરો બને. કાન અને જીભના અવયવો એકબીજા સાથે જોડાયેલા હોવાથી આ વેદના સહન કરવી પડે છે.

કિશોર કુમારની પોતાની માલિકીની અસલી મૂછો હતી જ, પણ આપણને નવાઈ એ વાતની લાગે કે, ફિલ્મે-ફિલ્મે એણે ચોંટાડેલી મૂછો જ વાપરી છે. આમાંય ખોટી મૂછો ચોંટાડેલી દેખાય છે અને તે પણ મૂછ લાગે એવા વાળની નહિ, સાચા અર્થમાં થિગડું માર્યું હોય એવી કાળી પટ્ટી કિશોરે હોઠ ઉપર પહેરી છે. આવી સ્ટુપિડીટી કેમ ?

હિંદી ફિલ્મોમાં હીરો ફૌજી જવાન બને ત્યારે દિગ્દર્શક એક જ ભૂલ મોટી કરે છે. સેનાનો જવાન ફિલ્મી ઝૂલ્ફાં કદી રાખી શકતો નથી. ફલાણા-કટ કે ઢીકણાં-કટ તો દૂરની વાત છે, સૈનિક કે સેનાપતિએ બન્ને બાજુના લમણેથી વાળ છોલાવી નાંખવા પડે છે. આટઆટલી હિંદી ફિલ્મો બની, એમાંથી એકમાત્ર ગુલઝારની 'અચાનક'માં વિનોદ ખન્ના પાસે સૈનિક જેવી લાગે, એવી હૅરસ્ટાઈલ કરાવી હતી.

અલબત્ત, આટલી વાસ્તવિકતા ઉપર દરેક દિગ્દર્શકે સમાધાન કરવું પડે છે, એમાં કોઈનો દોષ નથી. હીરોને અન્ય ફિલ્મોમાં પણ કામ કરવાનું હોવાથી, માથા પરના વાળ એટલાને એટલા જ કાયમ રાખવા પડે છે.

ગામડાંના દ્રષ્યો ફિલ્માવવામાં કેવી અદભૂત કમાલ કિશોરે કરી / કરાવી છે ! એક સાદો દાખલો લઈએ. પ્રારંભમાં જ, પપ્પાની રાહ જોતો ગુંગો પુત્ર રામુ (અમિત કુમાર) ગામઠી રસ્તાની ખુલી આબોહવામાં ચાલતો ચાલતો નદી કિનારે પપ્પાની હોડી આવવાની પ્રતિક્ષામાં આવતો જતો દેખાય કે, ક્યારેક તો અમસ્તું જ બસ... કિશોર ગામના પાદરે દીકરાને શોધવા આવતો/જતો ફિલ્માય, તે દ્રષ્યો ફિલ્મની પટ્ટી પર કંડારવાનું કિશોરને સૂઝે, એ આંખનો જલસો છે. આપણને એમ કે કોઈ ઘટના બનશે, પણ બનતી નથી. માત્ર એને જતો આવતો શોટ કરવાનું કિશોરને સૂઝે, ત્યારે કેવું મનોરમ્ય લાગે છે, એ ફિલ્મ જુઓ તો વધુ ખ્યાલ આવે.

આશા ભોંસલેની લોરી તમે એના નાનકડાં બાળક હો, એવી મધુરતાથી ગવાઈ છે. શૈલેન્દ્રભાઈના શબ્દોની કમાલ તો વાંચો, ગુરૂજી, ''કહીં કોઈ ગીત ગાયે, કોઈ બંસી બજાયે, ઔર કોઈ ઢોલ લે, ધિના ધિન તક સુનાયે, સબ સે એક રંગ પડે, કોઈ ભી બચ ન સકે, પ્યાર ઔર મેલ કા ગુલાલ યું ઊડે, ખિલે મિલે દિલ કોઈ જીતે કોઈ હારે, ખોયા ખોયા ચંદા, ખોયે ખોયે તારે, સો ગયે તૂ ભી સોજા ચાંદ હમારે...'' શૈલેન્દ્રભાઈને અહીં ગીત નહિ, કવિતા કરવાનું ઢાળવાળું મેદાન મળી ગયું છે, પછી એના જેવો કવિ ઝાલ્યો રહે ? એમને એકલાને અહીં ગીતો લખવાના મળ્યા છે, એટલે તમામ ગીતોમાં આવી જ કવિતાઓ પૂજાના ફૂલોની થાળીની જેમ સજાવી છે. સલામ શૈલેન્દ્રભાઈ.

No comments: