Search This Blog

13/02/2013

ગીર લાયન્સ વેલકમ યૂ

એ તો કોકે પૂછ્યું ત્યારે મારે કહેવું પડયું કે, ''આ શનિ-રવિ તો હું નથી... સાસણ-ગીરના જંગલોમાં જઉં છું... અમારા બધા સગાં ત્યાં રહે છે, તે મેં કુ... એક આંટો મારી આઇએ... !''

એમને હસવું ન આવ્યું, મને કહે, ''એમાં નવું શું છે ? તમને જોઇને-મળીને તો જંગલનો રાજા સિંહ જ યાદ આવે..!''મને એમની સત્યપ્રિયતા માટે માન થયું.

મનમાં આપણે ય જાણતા હોઇએ કે, 'ભ'ઇલા, ઘેર આઇને જોઇ જા..કે અમે ક્યા બ્રાન્ડના સિંહ છીએ..' છતાં ય, કોક આપણને જંગલના રાજા સાથે સરખાવે, તો ઝાઝો વિરોધ ન કરવો, એ મારા મૂળભૂત સંસ્કાર..!

ગુજરાતીઓ સાહસિક પ્રજા છે. સિંહો બનવા કરતા સિંહો જોવાનું વધુ પસંદ કરે છે. માણસ અને સિંહ વચ્ચે એટલો જ તફાવત કે, સિંહને ય એક વાઇફ હોય છે, જે સિંહણ કહેવાય છે અને આપણા ભાગે પડતી આવેલી વાઇફો ય સિંહણ કહેવાય છે... પણ આપણે સિંહ નથી હોતા, એટલો તફાવત !

ગુજરાતીઓને સિંહો સાથે ફોટા પડાવવાના બહુ ધખારા છે. ગીરનાં જંગલમાં અસલી સિંહ સાથે ઉભા રહીને ફોટા ન પડાવે, કારણ કે આમને જોઇને સિંહોની ફાટે... અને આમે ય, પૂરા સાસણ ગીરમાં પાટીયાં મારેલા છે કે, સિંહોને કોઇકનડગત કરવી નહી. માટે અહીના સિંહ-સદનમાં મૂકેલા સિંહણના પૂતળાંની બાજૂમાં ઊભા રહી હસતે મોંઢે ફોટા પડાવીને ગુજરાતીઓ આવનારા છ મહિના સુધી ઘેર આવેલા મેહમાનોના લોહીઓ પી જાય છે, ''જુઓ, મેં સિંહની બિલકુલ બાજુમાં ઊભા રહીને ફોટો પડાવ્યો છે... સિંહ સહેજ બી ડરેલો દેખાય છે ? સિંહમાં ને તમારા ભા' આયમાં આટલો ફરક..!'' એને આજ સુધી ખબર પડી ન હોય કે, એની બાજુમાં સિંહણનું પૂતળું હતું... સિંહનું નહિ !

અહી સિંહ સદનમાં સિંહો કદી આવતા નથી, પણ દીપડા ઓલમોસ્ટ રોજ એકાદો આંટો મારી જાય છે, એવું ત્યાંના વોચમેન બકુલભાઇએ એમને કીધું, એમાં અમારા બધાની હવા ટાઇટ થઇ ગઇ. આ બકુલભાઇ ઉપર સિંહનો મોટા પ્રભાવ હતો. એમની મૂછો ક્યાં પૂરી થાય છે ને દાઢી ક્યાંથી શરૂ થાય છે. એ કેવળ માન્યતાનો પ્રશ્ન છે. એવા બીજા વોચમેન રહેમાનભાઇ હતા.જે સાત ફૂટની હાઇટમાં અડધોએક ફુટ જ ચૂકી ગયા હશે. સિંહ કરતાં એમની ચામડીનો કલર બિલકુલ ઉલટો હોવાથી રાત્રે અંધારામાં રહેમાનભાઇ એમના ઓવરકોટ અને હાથમાં ડંડો અને ટોર્ચ લઇને આવતા દેખાય તો સિંહોની ખોટી છાપ પડે કે, સિંહોએ વળી કે'દી થી ઓવરકોટું પે'રવા માંઇડા..?'' પણ બન્ને માણસો બહુ સારા. પ્રવાસીઓ સાથે પૂરા વિવેકથી વાતો કરે... સાવ પ્રવાસીઓ જેવા નહોતા.!

લગભગ રોજ રાત્રે દિપડો અહીં સદનમાં એકાદ આંટો મારી જાય છે, એ જાણ્યા પછી બંધ બારણે ય અમારી હવા ટાઇટ થઇ ગઇ. અમારા ગ્રુપમાં મોટા ભાગે જૈનો હતા ને તમે તો જાણો છો કે, જૈનો ખોટી મારામારીઓમાં ન પડે... સાચીમાં ય ન પડે, એટલે સામો આવે તો દીપડાંને બે થપ્પડ મારવાની વાત રદબાતલ થઇ. તો શું કરવું ? મને અંગત રીતે ગાળો બોલતા મસ્ત આવડે છે. એટલે મેં એ માર્ગે જવાનું નક્કી કર્યું. એ સામો આવીને ઊભો રહે ત્યારે એકે ય ગાળ યાદ ન આવે, તો આપણી છાપ ખોટી પડે, એ ધોરણે મેં મંત્રની કક્ષાએ ગાળો ગોખવાનું શરૂ કરી દીધું. અજીતસિંહ 'બાપુ'એ કીધું, 'અમે ખુદ સિંહ છીએ. સિંહો પોતાનાથી નબળા ઉપર કદી હૂમલો ન કરે, એટલે દીપડો તો જાણે અમે નહિ મારીએ.' રાજકોટનો કલાકાર સુનિલ ગઢીયા ડરનો માર્યો કિશોર કુમારના ગીતો ઉપર ચઢી ગયો. એને એવો ભરોસો કે, કિશોર દા ના ગીતો સાંભળીને ભલભલા તાનમાં આવી જાય છે. એ વાત જુદી છે કે, કાતિલ ઠંડી અને ભયથી એનો ધ્રુજતો અવાજ કિશોર નહી, પણ તલત મેહમૂદ જેવો બની ગયો હતો.

સિંહ સદનમાં દીપડો આવે, પણ સિંહ નથી આવતો, એ બધી વાતો સાચી પણ આ ફેરફારને લીધે આપણાં ભયમાં કોઇ ફેરફાર કરી શકાતો નથી. અંગત રીતે હું બહુ બીકણ માણસ છું. વરૂ બાળક રામુની જેમ મારો ઉછેર વરૂઓ કે સિંહો વચ્ચે નથી થયો, એટલે વગર ઓળખાણે કાંઇ સંબંધ-બંબંધ ન બંધાય...અને અહીં સુધી સિંહ કોઇ'દિ આવતો નથી, એનો મતલબ એ ય નહિ કે ન જ આવે. હું પ્રવાસનો પેલ્લેથી શોખિન, એટલે મારા હોટેલ-રૂમના વોશ-રૂમમાં જવાનું આયોજન કર્યું. અલબત્ત, મારા પસંદીદા તમામ પ્રવાસોમાં એક આ જ પ્રવાસ એવો છે, જ્યાં આયોજન કરીને જવાતું નથી. બહુ લાગી'તી, એટલે શક્ય છે, આયોજનમાં કચાશ રહી ગઇ હોય. ફફડાટને કારણે બાથરૂમ સમજીને પહેલા તો બે-ચાર કબાટના બારણા ખોલી નાંખ્યા.ત્યાં જવાય એવું નહતું. છેવટે વૉશરૂમનો દરવાજો ખોલ્યો તો, ભડકી જવાયું. અંદર એક ડાલામથ્થો સિંહ બેઠો હતો... અંદર કોઇ ગયું હોય તો આપણાથી ન જવાય, એવા સંસ્કાર મારામાં પહેલેથી...! મને તરત પાછો આવેલો જોઇને મારી સાથેના સહુએ પૂછ્યું, ''સુઉં થીયું ?'' મેં કીધું, ''કાંય નંઇ..માઇલી કોર શીંહ બેઠો'તો...મેં જ શીંહને કય દીધું, ''મારે તો થઇ ગઇ...તું જઇ આવ..!'''

ખૈર, આ તો જાણિતી જોક મારા નામે ચઢાવી દીધી. કબુલ એટલે કરી નાખ્યું કે, કોઇને મારા માટે ખોટી છાપ ન પડે કે, આવું, કાંઇક થાય તો અમારો બ્રાહ્મણ અંદર બેઠો હોય ને બહાર સિંહ લાઇનમાં ઉભો હોય ! હું એટલો બધો સ્ટ્રૉંગ બ્રાહ્મણ નથી...સિંહ તો દૂરની વાત છે...બાથરૂમની છત પર ગરોળી ચીપકેલી હોય તો ય હું ન જાઉં. બાથરૂમની ગરોળીઓને કોઇના અંગત કામોમાં તાંક-ઝાંક કરવાની બૂરી આદત હોય છે.

ગીર અભયારણ્યમાં જવા માટે જીપ્સીમાં બેસીને જવાનું હોય છે. એમાં ડ્રાયવર અને ગાઇડ બન્ને સલામત બંધ કેબિનમાં હોય ને આપણે પાછળ ખુલ્લી સીટો પર બેસવાનું, એનો એક મતલબ એ થયો કે, સિંહોને ય ખબર છે કે, મારવા તો કોને મારવા ! હવે એ સરહદ શરૂ થતી હતી કે, સિંહ ગમે ત્યાંથી ગમે ત્યારે આવી શકે. ખુલ્લી જીપ્સીમાં મેં સમજીને વાઇફને બહારની તરફ બેસાડી, બીજી બાજુ પાર્થિવ પરીખને બેસાડયા, જેથી વચ્ચે હું સલામત રહું. ગાઇડે કીધું ય ખરૂં કે, ''સિંહ નજીક આવે ત્યારે બોલવાનું કાંય નંઇ...ઇ તમને સુંઘીને જતો રહેશે. બીવાનું નંઇ !''

એણે આ, 'બીવાનું નંઇ' એ સિંહ માટે કીધું હતું કે મારી વાઇફ માટે, એની ખબર ન પડી. પણ એટલી ખબર મને પડી ગઇ કે, સિંહ આટલો નજીક આવવાનો હોય તો એ બાજુ વાઇફોને જ બેસાડાય...! સુઉં કિયો છો ? (જવાબઃ તમામ પરણેલા પુરૃષ વાચકોએ જવાબમાં, 'એકદમ સાચું કિયો છો', એમ કહેવાનું છે : જવાબ પુરો)પરણેલા પુરૂષ વાચકો પાસે આવા જવાબની અપેક્ષા એટલા માટે રાખી છે કે, જે કામ પરિણિત જીવનના ૨૫-૩૦ વર્ષોમાં આપણે ન કરી શક્યા, એ સિંહ એક જડબામાં પતાવી આપે.

જીપ્સી આગળ વધતી હતી ને અમે એકીધારે મટકું ય માર્યા વગર સિંહની તલાશમાં નીકળ્યા હતા. ખૌફ એટલો જ બાકી રહી ગયો હતો કે, સિંહ આપણી તલાશમાં નીકળવો ન જોઇએ.

અચાનક ગાઇડે ચિતલ, હરણ કે નીલગાયના ભાંભરવાનો અવાજ સાંભળ્યો ને કહ્યું, ''થંભો...સાવજ આટલામાં જ કિયાંક છે...''આને કાંઇ કોઇ આનંદના સમાચાર ન કહેવાય. વાઇફે તરત ઊભા થઇ જઇ, મને ખભેથી ખેંચીને બહારની બાજુ બેસાડી દીધો. પોતે વચ્ચે બેસી ગઇ. લાઇફમાં પહેલી વખત મારે બન્ને બાજુથી બીવાનું આવ્યું ! (ને હજી સ્ત્રી-વિચારકો બૂમો પાડે જાય છે, કે સ્ત્રીઓને સમાન હક્ક આપો...આવા ?)

''જુઓ...ત્યાં જુઓ'' ગાઇડના કહેવાથી અમારાથી કોઇ ૪૦-૫૦ ફુટની દૂરી પર એક નાનકડી ટેકરી ઉપર સિંહણ ઊભેલી જોઇ. નીચે નીલગાય ઊભી હતી, તેની ઉપર સિંહણ ત્રાટકી. અમારા બધાના ગળામાંથી સાઉન્ડ વગરની એક ટીસ નીકળી ગઇ. નીલગાય ભાગી ગઇ, પણ સિંહણે એનો પીછો ન કર્યો, એ મોટી ઘટના કહેવાય એવું ગાઇડે કીધું. અમારી સાથેના જૈન પ્રવાસીઓ નીલગાયના બચી જવાથી બહુ ખુશ થઇ ગયા... સિંહણ ભૂખી રહી ગઇ, એનાંથી અમે દુઃખી થયા.

થોડે આગળ ગયા, ત્યાં સિંહોનું નસીબ વળી સારૃં હતું કે, અમે એમને દેખાઇ ગયા. અમને જોવાની એ લોકોને તો પરમિટ-ફરમિટ કાંઇ કઢાવવું પડયું નહોતું...ભ્રષ્ટાચાર બધે સરખો ! સારા કપડાં પહેરીને જીપ્સીમાં અમે હખણા બેસીએ, તો અમે ય જોવા ગમે એવા લાગીએ છીએ. પણ બદતમીઝ સિંહોએ અમારા આવવાની નોંધ પણ લીધી નથી. મને યાદ છે, મોટા ભાગે તો અમદાવાદથી અમે બધા નાહીને નીકળ્યા હતા. એમાંનો એક સિંહ એની સિંહણના કાન ચાટતો હતો. સાલું સિંહોમાં ય આવુ જ હોય છે. એ જાણીને બહુ દુઃખી થઇ જવાયું.

ક્લોઝ એનકાઉન્ટરનો સાદો નિયમ છે કે, તમે કોઇ ખાસ વ્યક્તિને મળવા બેતાબ હો, ત્યારે તમારી સાથે એવા જ લોકો હોય, જેની સાથે હોવાનું તમે કદી ય પસંદ ન કરો... અમે હવે શું કરી શકવાના હતા...? બધા વાઇફોઝ લઇલઇને આવ્યા હતા...! આવ્યા તો ભલે આવ્યા, પણ એમના આવવાનો અમને કોઇ ફાયદો સિંહોએ ય કરાવી ન આપ્યો! કદાચ, સિંહોમાં અમારી છાપ બહુ સારી પડી નહોતી !

અમારા બધામાંથી એક માત્ર પાર્થિવ પરીખ બે રીતે ખુશનશીબ સાબિત થયા....એમનાથી માત્ર છ ફૂટ દુર ડાલામથ્થો સિંહ આવીને ઉભો રહ્યો. બન્ને એકબીજાથી કેવા થરથરતા હશે, એ ધારણાનો વિષય છે. પણ ડર્યો સિંહ હશે, કારણ કે ઘટના સ્થળ છોડીને જતો એ રહ્યો હતો.

પ્રવાસના સાથી પુરૂષો બહુ ખિન્ન થયા કે, ગીર ફોરેસ્ટના ખૂબ અનુભવી દોસ્ત રવિ આડતીયાએ અમને જણાવી દીધું હતું કે, સિંહો કદી માણસો ઉપર હૂમલો કરતા નથી...એટલે જરા દુઃખ થયું કે, સિંહો હવે અમારામાંથી અડધાને નહિ છોડે ! મૂવી બધાએ ઉતારી હતી, ફોટા ય બધાએ પાડયા હતા... પણ રૃમ પર આવીને જોયું ત્યારે ખબર પડી કે, જંગલના ફોટા ને મૂવી તો અફલાતૂન આવ્યા હતા... જ્યાં સિંહો સામે આવીને ઊભા, એ તમામ ફોટા અને મૂવી હાલી ગયા હતા ! અમે એ ફોટા ધ્રુજતા ધ્રુજતા જોઇએ તો જ સીધા દેખાય એવું હતું.

સિક્સર

આપણા ઘરનું ગીઝર, ઑવન, કમ્પ્યુટર કે એવું કોઇપણ સાધન રીપેર કરનારો આવે, ત્યારે કોઇપણ અપવાદ વગર એવું તો બને જ છે કે, આપણે એને ફૉલ્ટ બતાવવા જઇએ, ત્યાં જ એ ચાલુ થઇ જાય...ને એના ગયા પછી બંધ ?!

No comments: