Search This Blog

27/02/2013

કાળાં કપડાંના શોખિનો...

એક હતું જંગલ... બે નાનકડા ગામોને જોડતું જંગલ. ટોપી વેચતો એક ફેરીયો બપોરના તાપથી કંટાળીને એક ઝાડ નીચે માલ ભરેલો થેલો બાજુમાં મૂકીને સુઈ ગયો. ઝાડ ઉપર વાંદરા બેઠા હતા...

ઓય હોય હોય...! હું આખી સ્ટોરી તમને શું કામ કહું છું ? બધાને ખબર છે. ધૅટ્સ ફાઈન, વાતનો ફક્ત સાર કહી દઉં કે, ટોપીવાળો બુધ્ધિશાળી હતો (સાબિતી : એ કદી 'બુધવારની બપોરે' નહતો વાંચતો !) સમજી ગયો કે, હું જે કાંઈ કરૂં છું, એની વાંદરાઓ કેવળ નકલ કરે છે... પોતાની બુધ્ધિ દોડાવતા નથી. એટલે વાંદરાઓએ ચોરી લીધેલી ટોપીઓ પાછી મેળવવા પોતાની પહેરેલી ટોપી ફેરીયો જમીન પર પછાડે છે. કાચી સેકંડમાં તમામ વાંદરાઓ બધી ટોપીઓ પાછી ફેંકી દે છે. (સાબિતી નં. ૨ : એ વાંદરાઓ રાજકારણમાં નહોતા...!)

એ પછી આગળ વધેલી વાતમાં નવી માહિતી એ છે કે, એક જમાનામાં આપણો 'જાની' રાજકુમાર ઑફ-વ્હાઈટ પૅન્ટ અને સફેદ શૂઝ અને મોજાં પહેરતો. માની ન શકાય એવું એનું શરીર સૌષ્ઠવ, ગુલાબી સ્કીન, ખૂબ્બ જ હૅન્ડસમ અને અદભૂત ચાલને કારણે એને આવું બધું ધોળું-ધોળું શોભતું ય હતું. બસ. આપણે ય રાજકુમાર જેવા લાગીશું, એમ માનીએ આપણા જીતુભ'ઈ એટલે કે ફિલ્મસ્ટાર જીતેન્દ્ર અને વિશ્વજીતો ય સફેદ પૅન્ટ ને સફેદ બૂટ-મોજાં પહેરવા માંડયા હતા. (સાબિતી નં. ૩ : ટોપી પહેરવાથી રાજકુમાર ન બની શકાય ને લંગોટ પહેરવાથી દારાસિંઘ ન બની શકાય.)

(સંસારની સર્વોત્તમ જોક : વિશ્વજીતે હમણાં કોક ઇન્ટર્વ્યુમાં કહ્યું છે કે, સફેદ પૅન્ટ અને શૂઝની શરૂઆત એણે કરી હતી.... મતલબ, રાજકુમાર વિશ્વજીતની નકલ કરતો હતો...! જય અંબે)

એ દિવસોમાં તો આખેઆખું રાજકોટ ને જામનગરેય ઉપડયું હતું... લંગોટ પહેરવા નહિ, સફેદ શૂઝ અને સફેદ પૅન્ટ પહેરવા ! હું તો આ બન્ને સ્થળે ઉછર્યો છું, એટલે ખબર કે દર ત્રીજો માણસ આ જ લિબાસમાં જોવા મળે... ભલે ને પાનના ગલ્લે ઊભો હોય કે દીકરીના લગ્નમાં ! પાનને ગલ્લે વધારે એટલા માટે ઊભા હોય કે, સફેદ શૂઝને ડાઘા જલ્દી પડી જાય તો તાબડતોબ એની ઉપર પાનમાં ખાવાનો ચૂનો ચોપડી શકાય... પછી જીતેન્દ્રની માફક ''મસ્ત બહારોં કા મૈં આશિક, મૈં જો ચાહે યાર કરૂં...'' ની અદાઓ સાથે સાયકલ પર બેસી જવાય ! રાજકોટમાં તો ઈવન આજે ય તમને આવા કાઠીયાવાડી જીતેન્દ્રોને વિશ્વજીતો જોવા મળશે.

તો આ સારૂં છે કે, રાજકુમાર લાલ બૂટ, લાલ પૅન્ટ ને લાલ ચડ્ડી-લેઘા નહોતો પહેરતો !

એવું રામ જાણે મિથુન ચક્રવર્તીનો કેટલો પ્રભાવ કે, ફિલ્મોમાં એણે બ્લૅક-શર્ટ-પૅન્ટ પહેરવાના શરૂ કર્યા કે આપણા સ્થાનિક મિથુનો ય ઉપડયા ભેળાભેળા કાળા કપડાં પહેરવા ! આ તમારી રેખાએ દ'ઈ જાણે કઈ ફિલ્મમાં કાળી સાડી પહેરી (કે કાઢી) હશે કે ભારતભરની કાળી ડીબાંગ સ્ત્રીઓ, ''હવે આપણાથી ય કાળી સાડી પહેરાય...!'' ના ધોરણે કાળી સાડી કે કાળા ડ્રેસો પહેરતી આજ સુધી બંધ નથી થઈ !

ઓ બેન... તું તારો કલર તો જો, બેન... (પંખો તો પછી ચાલુ કરૂં છું...!) 'તારા કાળા રંગમાં વાંક ઈશ્વરનોય નથી... એ તલ બનાવવા ગયો, ને સ્યાહિ ઢોળાઈ ગઈ !' રેખાએ પહેરી ને તને સારી લાગશે, એટલે તું પહેરે ને ફક્ત રેખાને સારી લાગવાની હોય, તો તને માફ છે, બેન... પણ તને કાળી સાડી પહેરેલી જોવાની છે અમારે, એમાં તારી સ્કીન ક્યાં પૂરી થાય છે ને સાડી ક્યાંથી શરૂ થાય છે, એની તો ખબર પડવી જોઈએ કે નહિ ? હજી કાંઈ બાકી રહી જતું હોય તેમ તું પૂરા ધોળા થઈ ગયેલા વાળ કાળા કરી આઈ છું, એટલે સમગ્ર અસ્તિત્વમાં અમારે તો તું હસે ત્યારે તારા સફેદ દાંત સિવાય ધોળું ધોળું કાંઈ જોવાનું જ નહિ ? હવે તો ડર લાગે છે કે, તારા ઘરે ચા-પાણી માટે આઈશું, ત્યારે તારી ભીંતો ય કાળી ન નીકળે...! આ તો એક વાત થાય છે...

ઓહ દેસી મિથુનજી, કાળો રંગ આપનો કસૂર નથી. જન્મથી જે પૅકેજ આવ્યું હોય, એ જ વાપરવું પડે. આ લેખ લખનારે ય કાળો ધબ્બ છે, પણ શ્યામળા હોવાનો કોઈ રંજ કે લઘુતાગ્રંથિ તો માય ફૂટ...! હું તો સાલો સફેદ કપડાંમાં ય કાળો લાગું છું. દુનિયાભરના કાળા ગોરધનોને વાઈફો તો ગોરી જ મળે છે, એટલે કદાચ મને ય બંધ પડેલા ટીવીના સ્ક્રીનના રંગનો બનાવ્યો હશે. પણ બાય ગૉડ, મને એનું ય ગૌરવ છે... કારણ કે દુનિયાભરમાં મારા કરતા ય વધારે કાળીયાઓ રૂપિયાના છ અડધાને ભાવે જોઈએ એટલા મળે છે... આફ્રિકા-વેસ્ટ ઈન્ડીઝમાં તો આજે ય હું 'ગોરો' ગણાઉં છું. પણ આપણા ઘણા સ્થાનિક કાળિયાઓ કરતા હું નોખો એટલા માટે પડું છું કે, હું ડામરછાપ છું, તો મને ક્યા રંગના કપડાં ઓછા ખરાબ લાગે, એનું મને ભાન છે. સ્કૂલમાં એક નાટકમાં મને બ્લૅક-પ્રિન્સનો રોલ મળ્યો હતો. બધાનો મૅઈક-અપ થઈ ગયો, એટલે હું ય લાઈનમાં બેઠો, તો મૅઈકઅપમૅને મને કહી દીધું, ''છોકરા, તારે નવો મૅઈક-અપ કરાવવાની જરૂર નથી.''

પણ આપણા લોકલ મિથુનો કે રેખાઓને નથી ખબર પડતી. એમાં ય કાળી જરસી પહેરી હોય ત્યારે તો કાળા ગૉગલ્સ ખાસ પહેરે. તાજ્જુબીની વાત તો એ છે કે, જેઓ રંગે કાળા નથી હોતા, એ ય એમ માની બેઠા છે કે, કપડાં તો કાળા જ પહેરવાના, હઓ ! ...આપણે એમાં ટોપ લાગીએ છીએ...! તારી ભલી થાય ચમના... ટોપ તું કપડાંના રંગને કારણે નથી લાગતો... તારી પોતાની પર્સનાલિટીને કારણે લાગે છે...! કાલ ઉઠીને કોઈ તને એવો ય ભરાવી દે કે, હાથમાં ભાલો, માથે અને કમર ઉપર લાંબા પીંછા અને બાંવડા અને ગળામાં ઘુંઘરૂ ને પગમાં સ્લીપર પહેર્યા પછી તું ટાકુમ્બા સ્ટૅટના પ્રિન્સ ગોગુમ્બા જેવો લાગે છે, એટલે તું ગામમાં પીંછા પહેરીને ફરવાનો ? અને ફરીશ તો અમે બધા તો જાવા દિયો... તારી બા ય નહિ ખીજાય ?

હું તો થોડો ઘણો સંગીત સાથે સંકળાયેલો છું, એમાં એ વર્ષોથી જોઉં છું કે, સ્ટેજ પરના ઘણાં કલાકારો કાયમ કાળા કપડાં પહેરીને હાઈલાં આવે છે ! કૉમિક એ વાતનું છે કે, મોટા ભાગે તો બૅક-સ્ટેજનો પરદો ય કાળો ધબ્બ હોય ને ઉપરથી આ આખી ટીમ કાળા સાબુથી નહાઈને આવી હોય. કફોડી હાલત આપણી થઈ જાય કે સાલો ગાય છે ગુલાબી ગીત, પણ આપણા ઉપર કાળું ગીત ફેંકાય છે !

એવું ય નથી કે, કાળા કપડાં ખરાબ જ લાગે...! પ્રસંગોચિત તો ઘણીવાર ઘણાને સારા ય લાગતા હોય છે. ઈવન, કાળાઓને ય કાળા કપડાં સારા લાગી શકે છે, પણ પછી એ વાઘાં કાયમી થઈ જાય પછી તકલીફ આપણને. પહેરેલા કપડાં એ લોકોને પોતાને વાંકા વળી વળીને જોવા નથી પડતા... આપણે જોવા પડે છે...! આમાં મને શપોર્ટ કરવા કેમ કોઈ કાંય કે'તું નથ્થી...?

આપણા દેશમાં કાળા કપડાં અપશુકનનું પ્રતિક મનાય છે. કોકના લગ્નપ્રસંગે અજાણતામાં ય કોઈ બ્લૅક પહેરીને આવ્યું હોય, તો ગુસપુસ થતી, ''સાલો લગ્ન ભંગાવવા આયો છે...!'' જૂની ફિલ્મોમાં યાદ હોય તો કેવળ ગુંડા-મવાલીઓ કાળા કપડાં પહેરતા. દેવ આનંદ કદાચ પહેલો હીરો હતો કે ફૂલ-ડ્રેસ કાળો પહેરતો, પણ એમાં ય એ પોતે ગુંડો કે મિકેનિક બન્યો હોય તો! ત્યાં સુધીની ફિલ્મો જ નહિ. સમગ્ર સમાજમાં પણ કાળાં કપડાં પહેરનારાઓ તરફ ખાસ કોઈ માનની નજરે ન જોતું. ''આ શું આવા સારા પ્રસંગે કાળું પહેરીને આયો છું ?'' એવી ડાંટ વડિલો આપતા.

ઍની વૅ... આ આખા લેખનો સારાંશ... મલ્લિકા શેરાવત, પૂનમ પાંડે કે સની લિયોનને કાળા કે ધોળા કપડાં... કાંઈ લાગુ પડે છે ?... જય અંબે.

સિક્સર

દૂર કોઈ વેરાન હાઈ-વે પર પાનનો સાવ સામાન્ય ગલ્લો જોઈને સલિમભાઈ સિગારેટ લેવા ગાડીમાંથી ઉતરતા હતા. અજીતસિંહ 'બાપુ' એ પૂછ્યું, ''...ઓળખાણ વગર આપશે ?'' ચોંક્યા સલિમભાઈ, ''અરે આમાં શેની ઓળખાણ-ફોળખાણ...?''

''કોઈ વાંધો નહિ. તમે ત્યારે મારૂં નામ આપજો... સિગારેટ આપી દેશે.''

સલિમભાઈના ગળે હજી ઉતરતું નથી કે, 'અજીતસિંહ'નું નામ ન દીધું હોવા છતાં, વગર ઓળખાણે પેલાએ સિગારેટ આપી કેવી રીતે ?

No comments: