Search This Blog

20/02/2013

સ્ત્રીઓનું પાર્કિંગ-બાર્કિંગ...

રિતુ.

રિતુ પટેલ.

ઉંમર કહેવાની ના પાડી છે પણ બાય ગૉડ... ૩૫-થી વધારે એક મહિનો ય નહિ! બંગલો બોપલમાં અને અમદાવાદની સમજો ને, ઑલમોસ્ટ દરેક ક્લબમાં એ મૅમ્બર. ધૂમધામ ખાતી હોવા છતાં કમર પર ક્યાંય ચરબીનો થર નહિ. શરીરની ઉપરનો અને પાછળનો ભાગ ચપ્પુથી ચીઝના ટુકડાના બે સરખા ભાગ કર્યા હોય એવા ચારે ય એક સાથે નાનપણથી ઉછરેલા. સાડી ન દેખાય તો નો પ્રોબ્લેમ, પણ ડૂંટી દેખાવી જોઈએ, એવી આજની ફેશન રિતુને નડી નથી કારણ કે, ડૂંટી દેખાય તો જ સૅક્સી લાગીએ, એવી બેવકૂફી રિતુમાં નહિ. ચેહરો લિસ્સો લિસ્સો પણ ચીકણો ન કહેવાય. હથેળી ફેરવો તો મુલાયમ લાગે. આજ સુધી કોઈને નહિ લાગ્યો હોય કારણ કે, રિતુને અડી જોવાનું, તો બહુ દૂરની વાત છે... સૅલો-ટૅપની જેમ કોક હૅન્ડસમની નજર એની ઉપર ચીપકી ગઈ, તો પેલાને સાંજ સુધી પસ્તાવો થયે રાખે, એવી તીખાશ રિતુની એક નજરમાંથી પિચકારીની માફક છુટે. ઓહ હા... એના વાળની જેમ એની હાઈટની વાત કરવાની રહી ગઈ. ૫'-૮'' ઇન્ડિયામાં અધધધ કહેવાય. એના વાળ યોગાસનમાં માને, એટલે વાળનું શીર્ષાસન કમર સુધી. વાળનો પાછળનો ઝૂલ રિતુનો ગુલામ થઈને રહેતો હોવાથી, એ ચાલે ત્યારે એના હૂકમ મુજબ ફરફરતો અથવા ફફડતો રહે! ...અને તો ય, ભા'આ...ય ભા'આ...ય, એના વાળનો ફૉલ નાયગ્રાના ધોધ જેવો નહિ... એ તો તૂટક-તૂટક લાગે... રિતુના વાળનો ફૉલ અને ચાલે ત્યારે લહેરાવાનો લય મકાનની ટેરેસ પર સૂકવેલી બ્લૅક સાડી પવનમાં ઝૂલે જાય એવો! શૅમ્પૂ તો રૂમના ટાઈલ્સ ધોવાના ઍસિડમાંથી બને છે અને વાળના ધીમે ધીમે ટુકડા કરતું જાય, એટલે રિતુએ આજ સુધી શેમ્પૂ નથી નાંખ્યું.

...અને રિતુના સાલા લાલ હોઠ...? ઓકે. જાવા દિયો... આપણે બીજા ય કોઇ કામધંધા હોય કે નહિ?

રિતનો બસ... એક જ પ્રોબ્લેમ. ગાડી નવીનક્કોર જોઈએ. ક્લબમાં તો રોજ જવાનું પણ કાર્ડ-રૂમમાં કોઈ સખી નવી કારની પાર્ટીનું પ્રોમિસ આપે, એ પુરૂં થાય તે પહેલા બીજા જ વિકમાં રિતુ પાસે એનાથી મોંઘી કાર આવી જ જાય! કાર માટે પઝેસિવ... બહુ પઝેસિવ! કારના બદન પર તો રિતુની લિપસ્ટીકનો દાગ પણ બર્દાશ ન થાય... રિતુથી... કે એ દાગ જોનારા યુવાનોથી... કે દાગ ખોટી જગ્યાએ પડયો! હમણાં હજી બોપલની બહાર નીકળતા કોક રીક્ષાવાળાએ સહેજ અમથી અડાડી દીધી, એમાં તો રિતુ શહેરના પોલીસ-કમિશ્નરને થપ્પડ મારી આવશે, એવો ફફડાટ ત્યાં ઊભેલા ફરજ પરના ટ્રાફિક-પૉલીસવાળાને થવા માંડે. રિતુ આખું વાતાવરણ તંગ કરી નાંખે.

બસ. લોચો એક જ વાતનો. રિતુને ગાડી રીવર્સમાં લેતી કે પાર્ક કરતી જુઓ, એ જોવા માટે દર વખતે ૪૦-૫૦ માણસો તો ઊભા રહી જ જાય. આ ૪૦-૫૦નો આંકડો રિતુને ગાડી પાર્ક કરતી જોવાનો નથી લખ્યો. એનું પાર્કિંગ-બાર્કિંગ થઈ ગયા પછી (સૉરી, બાર્કિંગ કાઢી નાંખવું!) જે ૮-૧૦ વટેમાર્ગુઓ ઘવાયા હોય કે, જેની જેની ગાડીઓ ઉપર રિતુએ ગોબા પાડી દીધા હોય, એ બધા હોહો કરતા આવે... બે-પાંચ મિનિટની ચડભડ ને રિતુનું ''સૉરી'' એવું મીઠડું, કે કોઈ વાત આગળ ન વધારે. કમ્પાઉન્ડમાં રિતુની ગાડી આવતી દેખાય, એ જ ક્ષણે બધા ફ્લૅટોમાં જાગૃતિ આવે. ઊંઘમાંથી ઊભા થઈ ગયેલાઓના દાખલા છે. કાચી સૅકન્ડમાં બાલ્કનીઓ ભરાવા માંડે, રમતા બાળકોની મમ્માઓ ચીસાચીસ કરીને એમને અંદર બોલાવી લે અને આજે કોની ગાડીનો ભૂક્કો બોલવાનો, એ વાત ઉપર કીડીયારાંની માફક ધારણાઓ ઊભરાવા માંડે. કહે છે કે, રિતુના પાર્કિંગોને કારણે ઍપાર્ટમેન્ટ્સમાં અનેક નાસ્તિકો પ્રભુમાં શ્રધ્ધા રાખતા થઇ ગયેલા. એ તો શ્રધ્ધાળુઓ એવું માને કે કમ્પાઉન્ડમાં મંદિર હરિભક્તો એ બનાવેલું... ખોટી વાત... સાવ ખોટી વાત...! રિતુના પાર્કિંગથી બચી ગયેલાઓએ બંધાવેલું મંદિર છે. જો કે, એ મંદિરનો પાછળનો કેટલોક ભાગ રિતુની ગાડીથી છુટો પડેલો...!

રિતુનો એવો તે કેવો પ્રભાવ હતો કે, કમ્પાઉન્ડમાં નુકસાની તો રોજ થતી, પણ એકાદ-બે મિનીટની હોહા સિવાય કોઈ એનું નામ ન લે. બી-બ્લૉકમાં રહેતા મહેતાની ગાડી પછડાઈ પછડાઈને અત્યારે તો લૉડિંગ-ટૅમ્પો જેવી લાગે છે. જો કે, ગ્રાઉન્ડ ફ્લૉરવાળા જીજી માસીને ફાયદો ય થયો. ૧૩-૧૩ વર્ષો પહેલાનો એમનો ઢીંચણનો વા રિતુની ગાડીની રીવર્સની એક ટક્કરે મટાડી આપ્યો. એવો જ ફાયદો પરેશ દલાલને થયો. સાલી એની સાસુ તત્તણ મહિનો રહેવા છતાં ઘેર પાછી જતી નહોતી. એ તો બાજુના ફ્લૅટમાં રહેતા'તા, પણ રિતુની ડ્રાયવિંગ સિધ્ધિઓની જાણ થઇ એટલે, રિતુના ફ્લૅટે પૂજાના ટાઈમે પહોંચી ગયો, ''બેન... બસ, એક ચક્કર અમારા કમ્પાઉન્ડમાં ય મારી જાઓ... મમ્મી રોજ સાંજે તમારા આવવાના ટાઈમે જ ચાલવા નીકળે છે... પ્લીઝ... પ્લીઝ કહું છું...!'' પરેશની સાસુ આજે એના ઘરના બાથરૂમમાં ય ઊભી ઊભી ચક્કરો મારી શકતી નથી. બોલો રિતુબેનના નામની મોટ્ટેથી ''જય અંબે.''

ગાડી ચલાવતી ગુજરાતની ૯૮-ટકા લૅડીઝનો ગુજરાતના મિનિમમ ૪૩.૮ ટકા પ્રજાજનોએ, પોતે હજી જીવિત છે, એ માટે સહૃદય આભાર માનવો જોઈએ. (પ્રસ્તુત આંકડામાં, પોતાના કોઈ વાંકગુન્હા વગર અક્ષરવાસી થઈ ચૂકેલા નાગરિકોનો સમાવેશ થતો નથી.) ગાડી ચલાવવાની શોખિન આ માતાઓ અને બહેનોને ગાડીની બ્રેક ન મારવાની હોય, ટર્ન ન લેવાના હોય તેમ જ રસ્તાઓ ઉપર પબ્લિક ન હોય, તો દેશની ઉત્તમ ડ્રાયવરો બની શકે તેમ છે.

આપણી સ્ત્રીઓ નસીબદાર છે કે, ચાલવામાં એમને રીવર્સ લેવું પડતું નથી કે પગે ચાલતા ક્યાંય એમને 'પાર્ક' થવું પડતું નથી. ચાલવામાં એમને રીવર્સ લેવું પડતું હોત તો ગૅરન્ટી કોઈ નહિ જનાબ... કે પાછળ કોઈને નહિ ઊડાડયો હોય! ઉત્તર ગુજરાત બાજુ તો કહે છે કે, ત્યાંની 'લૅડીઝો' ગાડીમાંથી ઉતર્યા પછી આદતના જોરે, ચાલતા ચાલતા ય સાઈડ બતાવીને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે છે. (ઉચ્ચાર સમજુતિ : અહીં આપવા 'લે'વાવાળો 'લે' ઉચ્ચાર્યા પછી વધારાનો એક 'એ' ઉમરવો અને 'ઝ' માટે 'ઝટપટ'વાળો 'ઝ' વાપરવો.) શહેરભરના જે કોઈ મોટા બંગલાઓના કમ્પાઉન્ડ પણ મોટા હોય તો સમજી લેવું કે, સદરહુ પાર્કિંગ ખાસ બેનની પાર્કિંગ કે રીવર્સ માટે બનાવાયું છે, જેથી મઁઈન બંગલાને ઓછામાં ઓછું નુકસાન થાય. અમારા નારણપુરા ચાર રસ્તા ખાતેની એક સોસાયટીના એક બંગલામાંથી બેનજી ગાડી લઈને નીકળે. ત્યારે પડોસીઓમાં 'ટનટનટનટન... ટનટનટનટન' કરતી થાળીઓ વગાડવાનો રિવાજ છે જેથી, વટેમાર્ગુઓમાંથી એકાદો કદાચ બચી ય જાય.

થોડાક વર્ષોમાં પાર્કિંગ ન કરવું પડે કે રીવર્સમાં ન લેવી પડે, એવી ગાડીઓ પણ શોધાય. તો તમે શું એમ માનો છો, ગાડીઓ બનાવતી દુનિયાભરની મોટર કંપનીઓએ ઍર-બૅગની શોધ મહીં બેઠા બેઠા ફૂગ્ગા ફુલાવવા કરી છે? એક ટચુકડી મજાક સાંભળવામાં મસ્તી કરાવી દે એવી છે. એક વાઈફે ઓફિસમાં એના ગોરધનને ફોન કર્યો, 'ડાર્લિંગ, આપણી નવી કારની ઍરબૅગ પરફૅક્ટ ચાલે છે, હોં...!' (કારથી બહુ ટેવાયેલા ન હોય એમને માટે જાણકારી પૂરતું : હવેની ગાડીઓમાં ઍક્સિડૅન્ટ થતાની સાથે કાચી સેકન્ડમાં આગળ બેઠેલા બન્ને મોટા ફૂગ્ગાઓથી ઢંકાઈ જાય ને ગાડીઓનો ભૂક્કો બોલી જવા છતાં, નસીબ હોય તો આ ઍર બૅગને કારણે બન્ને બચી જાય છે. કેટલાક ગઠીયા કિસમના ગોરધનો કંપનીમાં લાગવગો દોડાવીને પોતાની ફક્ત ડ્રાયવિંગ સાઈડમાં જ ઍરબૅગ નંખાવે છે. કોક વળી એક સાથે તત્તણ વાઈફો લઈને નીકળ્યું હોય, એ ધારણા ઉપર હવે તો પાછળની ય બન્ને સીટો સામેથી ઍર-બૅગ ખુલી જાય, એવી સવલત નવી અને મોંઘી ગાડીઓમાં મળવા લાગી છે.)

અમારા સૌરાષ્ટ્રમાં ગાડીની વાંહે માતાજીની લાલ ચુંદડી લટકાવવાનો રિવાજ છે, જેથી માતાજી રક્ષા કરે. પરતુ સૌરાષ્ટ્રનો એક જ આંટો મારી આવી, એમાં શહેરના બચ્ચેબચ્ચાઓ ગળામાં લાલ ચુંદડી ખોસતા થઈ ગયા... એટલે સુધી કે, દુકાનો ઉપર ઠેરઠેર તમને લાલ ચુંદડીઓ ફરકતી દેખાય તો શ્રદ્ધાળુઓ આભાર બેન રિતુનો માને!

તો મૂળ વાત 'ગતાંકથી ચાલુ'ના ધોરણે પાછી શરૂ કરીએ તો, ઍટલીસ્ટ અમદાવાદમાં આજકાલ ફલૅટોના કમ્પાઉન્ડ માટે વૉચમૅનો નથી મળતા ને મળે છે તો પગારની સાથે ઈન્શ્યોરન્સ-ભથ્થું ય માંગે છે. રિતુ જેવી બાહોશ કાર-ડ્રાયવરોએ વિશ્વની ઉત્તમોત્તમ પાર્કિંગ વ્યવસ્થાની... 'હમણાં કહું એ...' કરી નાંખી છે. આવી રિતુઓ જે કોઈ સ્થળે પાર્કિંગ કરવા માંગતી હોય, આ સ્થળની આસપાસ ઉપસ્થિત મોટો ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ, ડૉક્ટર કે વર્ષે દહાડે સો-સવા સો કરોડનો ધંધો કરતો વેપારી ય ૨૦-૨૫ મિનીટ માટે વૉચમૅન બની જાય છે. 'બેન, તમે આમથી રીવર્સમાં જરી આવવા દો. આવવા દો, હું પાછળ ઊભો છું.' એવી મદદ આપવા ઊભેલા ને એ જ બિલ્ડિંગમાં સાતમા માળો ૩,૦૦૦ સ્કવેર ફીટની ઑફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના હમણા ઓળેલા વાળ ઝનૂનપૂર્વક ખેંચવા માંડે છે કારણ કે, બરોબર એ જ ક્ષણે ગાડીની પેલે પાર... દૂર જ્યાં સૂરજ ઊગી રહ્યો છે, વાદળા મોર્નિંગ-વોકમાં નીકળ્યા છે ને ભમરા ગુંજારવ કરી રહ્યા છે, ત્યાં એટલે કે રિતુની ગાડીની પેલે પાર ફૂલના કૂંડાઓ તૂટવાનો નાનકડો ધ્વની સંભળાશે. પોતાના કામધંધા છોડીને, એ બાજુ ઊભા રહીને રિતુને રીવર્સનું માર્ગદર્શન આપતા શહેરના પ્રતિષ્ઠિત ઍડવૉકેટશ્રીએ ફૂલના કૂંડા તૂટવાની જ ક્ષણે ફાઈલો પોતાના માથા ઉપર પછાડી હશે. વૉચમૅનને તો આ રોજનું થયું, એટલે હથેળીમાં તમાકુ ઘસતો દૂર પેલા કદમ્બના વૃક્ષ નીચે ઊભો ઊભો મુસ્કુરાતો હશે.

કારણ ખબર છે? આટલા વર્ષોની વોચમેનીમાં એ એક જ કાળા માથાનો માનવી છે, જેણે રોડ કરતા કમ્પાઉન્ડોમાં ગાડીઓના શરમજનક સંહારો થતા જોયા છે. નોકરી શરૂ કરતા પહેલા બાહોશ વૉચમૅનો પોતાની સાયકલ એ કમ્પાઉન્ડમાં નહિ, બિલ્ડિંગના ટૅરેસ ઉપર મૂકી આવે છે. સાયન્સ એટલું આગળ હજી વધ્યું નથી કે, રિતુઓ ટૅરેસ પર જઈને પાર્કિંગો કરી આવે... આ તો એક વાત થાય છે! ' વૉચમૅનો કી ઝીંદગી ભી ક્યા ઝીંદગી હૈ...? કભી ઇસ પથ પર, કભી ઉસ પથ પર, ફરતા હી રહા હૂં મૈં...હોઓઓઓ!'

******

સિક્સર

- સંગીતમાં પર્કશન્સ (રિધમ-સૅક્શન)માં મુંબઈના જીનિયસ પલ્લવ પંડયા મોટિવેશનલ પ્રોગ્રામો ય કરે છે. મતલબ, કોઈ આત્મહત્યા કરવા માંગતું હોય, તો પંડયા એમને રોકી શકે...!

''... પણ કોઈની પાસે આત્મહત્યા કરાવવી હોય તો...?''

''... તો એમને એ 'બુધવારની બપોરે' વાંચવાની સલાહ આપે છે...!''

No comments: