Search This Blog

26/04/2013

હલચલ ('૫૧)

ફિલ્મ : હલચલ ('૫૧)
નિર્માતા : કે.આસિફ
દિગ્દર્શક : એસ.કે.ઓઝા
સંગીત : સજ્જાદ-મુહમ્મદ શફી
ગીતકાર : ખુમાર બારાબંકવી
રનિંગ ટાઇમ : સર્ટિફિકેટ પર રીલ્સ લખ્યા નથી.
કલાકારો : દિલીપ કુમાર, નરગીસ, બલરાજ સાહની, સિતારાદેવી, જીવન, કે.એન.સિંઘ, નીલમ, કક્કુ, ગીતા નિઝામી, બલરાજ (નાના કે.એન.સિંઘ તરીકે) બેબી અનવરી અને યાકુબ. 
***
ગીતો
૧. લગી હૈ આગ દિલ મૈ, કિસ્મત કે સિતારે ડૂબ ગયે...લતા મંગેશકર-મુહમ્મદ રફી
૨. એક જૂઠી સી તસલ્લી વો મુઝે દે કે ચલે, મેરા દિલ લેકે ચલે.. લતા મંગેશકર
૩. ઓ બિછડે હુએ સાથી, જીયું કૈસે યે બતા દે.... લતા મંગેશકર
૪. આજ મેરે નસીબ ને, મુઝકો રૂલા રૂલા દિયા... લતા મંગેશકર
૫. હાય સદકે તેરે ઓબાંકે મેરે, હર બાત તેરી મતવાલી હૈ...લતા મંગેશકર
૬. કોઇ કીસ તરહ રાઝ-એ-ઉલ્ફત છુપાયે... રાજકુમારી દુબે
૭. પ્રીત જતાકે, મિત બનાકે ભૂલ ન જાના... લતા-રફી
૮. સો રહે હૈ બેકરાર, સોનેવાલે ગાંવ મેં... શમશાદ બેગમ
૯. લૂટા દિલ મેરા હાય આબાદ હોકર... લતા મંગેશકર
ગીત નં.૨,૪ અને ૬ સજ્જાદ હુસેને કમ્પોઝ કર્યા છે, બાકીના મુહમ્મદ શફી 
***

હવે ટેન્શનમાં આવવાનો વારો દિલીપ કુમારનો હતો, કે કે.આસિફ સજ્જાદ હુસેનનો પક્ષ લેશે કે મારો ? ઝગડો કોઇ નાની વાતનો નહોતો. ગીતના રીહર્સલ વખતે સજ્જાદ હાર્મોનિયમ પર ધૂન બેસાડતો હતો ને દિલીપે રાબેતા મુજબની ખણખોદ કરી, ''સજ્જાદ મીયાં, ઇસ મુખડે કો થોડા બદલો... યે નહિ ચલનેવાલા...!''

અને જન્મ્યા પહેલાનો ત્રિતાલી મગજનો સજ્જાદ કોઇ નહિ ને દિલીપ કુમારનું કાંઇ સાંભળે ? કાચી સેકંડમાં પલાંઠી છોડી એમાં ધક્કો હાર્મોનિયમને વાગ્યો ને તરત તાડુક્યો, ''દેખો યુસુફ મીયાં.... અભી સજ્જાદ કે યે દિન નહિ આયે, કિ મશવરા તુમ સે લેના પડે...! મૈ તુમ્હે એક્ટિંગ સીખાને નહિ આતા... તુમ મુઝે મૌસિકી મત સીખાઓ...!''

આટલો જ ઝગડો, પણ બન્ને ઇગોના શહેનશાહો. દિલીપ કુમાર સીધો પ્રોડયુસર કે.આસિફ પાસે પહોચ્યો, 'આસિફ સા'બ..આપ કી ફિલ્મ મેં યા સજ્જાદ રહેગા યા મૈં રહુંગા...''

ચેઇન-સ્મોકર આસિફ હંમેશા પહેલી બે આંગળીની વચ્ચે ભરાવીને સિગારેટ પીતો. રાખ ખંખેરતા પહેલા એણે જવાબ આપી દીધો, 'દેખો યુસુફ... ઇસ ફિલ્મ મેં મૈં તુમ્હારે બિના ચલા સકતા હૂં... સજ્જાદ કે બિના નહિ. તુમ જાના ચાહતે હો... જા સકતે હો...!'

સોય ભરાવેલી દોરી છાતીની આરપાર નિર્દયતાથી ખેંચી લીધી હોય. એવું આ અપમાન હતું. આજ સુધી દિલીપની સામે થવાની કોઇની હિંમત નહોતી ને એકસામટા બે ફૂટી નીકળ્યા. દિલીપ ગમ ખાઇ ગયો. બલરાજ સાહનીએ ત્રણેને સમજાવ્યા, પણ સજ્જાદ માને ? કમાલ કોની કામ કરી ગઇ કે હકાલપટ્ટી સજ્જાદની થઇ ને ફિલ્મ 'હલચલ'ના બાકીના સંગીત માટે મુહમ્મદ શફી આવ્યા. આ શફી નૌશાદના આસિસ્ટન્ટ સંગીતકાર, ઉપરાંત ઉસ્તાદ વિલાયતખાન સાહેબના સગા ભાઇ અને ત્રીજું ગાયક મુહમ્મદ રફીના સૌથી નાના દીકરા શાહિદ રફીના કાકા-સસરા. સજ્જાદ હુસેન જીનિયસ હતો, એમાં તો એનો દાનો દુશ્મન પણ ઇન્કાર કરી શકે એમ નથી. એ જમાનાના આટઆટલા સંગીતકારોમાંથી એક માત્ર સજ્જાદ સાથે લતા મંગેશકરને, એ જીવ્યો ત્યાં સુધી કામ વગર પણ આવવા-જવાના સંબંધો રહ્યા. બાકી લતા સાથે પર્મનેન્ટ તો ખુદ લતાને ય નથી બન્યું. સજ્જાદ સાથે ઘરવટ રહી, એનું એકમાત્ર નહિ... બે-માત્ર કારણોમાંનું એક તો, એ સંગીતનો સાચો તાનસેન હતો અને બીજું, હૃદયનો અણીશુધ્ધ ચોખ્ખો હતો. એક વખત તો રીહર્સલમાં સ્વયં લતા સરખો સુર પકડી શકતી નહોતી. ત્યારે લતાને ય સંભળાવી દીધુ, ''લતાજી, ઠીક તરહ સે ગાઇયે...યે નૌશાદ કી ધૂન નહિ હૈ..!''

નૌશાદ સાથે સજ્જાદને બાપના માર્યા વેર.એ નૌશાદને સંગીતકાર જ માનતો નહતો. બધ્ધી દાઝ ઉતારવા અને નૌશાદનું રોજ અપમાન કરી શકાય, એ માટે સજ્જાદે પોતાના પાળેલા કૂતરાનું નામ 'નૌશાદ'રાખ્યું હતું...''લે નૌશાદ...યહાં આ ઔર મેરે જૂતે ચાટ...!''તલત મેહમુદને એ 'ગલત'મેહમુદ કહેતો અને કિશોર કુમારને 'શોર'કુમાર. તલતે ગાયેલા સજ્જાદના સુપ્રસિધ્ધ ગીત 'યે હવા યે રાત યે ચાંદની, તેરી ઇક અદા પે નિસાર હૈ'ગીતની મદન મોહને બેઠ્ઠા મીટરથી કોપી કરીને 'તુઝે ક્યા સુનાઉ મૈં દિલરૂબા, તેરે સામને મેરા હાલ હૈ', એનાંથી છંછેડાયેલા સજ્જાદ પાસેથી મદન મોહન બેકસ્ટેજમાં એક પ્રોગ્રામ દરમ્યાન પસાર થયો ને સજ્જાદ તરત બોલી ઉઠયો, ''આજકલ તો પર છાંઇયાં ભી ઘુમને-ફિરને લગી હૈ..!''ભાગ્યે જ કશું ભણેલા સજ્જાદની સાહિત્યિક ઊંચાઇ જોઇ...? લતા મંગેશકર માટે તો એ શેક્સપિયર-લેવલનું બોલ્યો છે, Lata sang and others made miserable efforts...!'

મીના કુમારીના પિતા અલી બખ્શે સજ્જાદને પહેલો ચાન્સ મેન્ડોલિન વાદક તરીકે આપ્યો. એ પછી ૩૪-વર્ષની કરિયરમાં 'મગરૂર'અને 'દોસ્ત'જેમાં નિર્માતા-દિગ્દર્શક શૌકત રિઝવીએ સંગીતકાર તરીકે સજ્જાદને બદલે શૌકતની પત્ની નૂરજહાનું નામ ઠોકી બેસાડતા સજ્જાદે જીંદગીભર નૂરજહાં પાસે એક પણ ગીત નહિ ગવડાવવાની પ્રતિજ્ઞા લઇ લીધી. સજ્જાદ હુસેનના સંગીતમાં બીજું ય એક 'ઓબ્સેશન'હતું એના મોટા ભાગના ગીતોમાં એક શબ્દ તો રિપિટ થાય જ. 'દિલ મેં સમા ગયે સજન, ફૂલ ખીલે 'ચમન ચમન'', 'માજંદરાન... માજંદરાન...' ફિર તુમ્હારી યાદ આઇ અય સનમ અય સનમ...'', ''આજ મેરે નસીબ ને,મુઝકો રૂલા રૂલા દિયા...''''યે કૈસી અજબ, દાસ્તાં હો ગઇ હૈ, છુપાતે-છુપાતે બયાં હો ગઇ હૈ...'' 'કાલી-કાલી રાત રે, દિલ બડા સતાયે...'(આ તો અત્યારે લખતા લખતા જેટલા યાદ આવ્યા, એ લખ્યા છે, નહિ તો યાદી લાંબી થાય એમ છે.)

આ લેખના લખનાર પણ રાત્રે સુતા પહેલા વગર વ્હિસ્કીએ નશામાં ડૂબવા માંગે ત્યારે સજ્જાદ હુસેનના (ખાસ તો લતા મંગેશકરના) ગીતોની સીડી સાંભળતા હાલાં કરી જાય છે. લેખ ફિલ્મ 'હલચલ'નો ને અડધો સજ્જાદમાં વપરાઇ ગયો, છતાં ય કોઇ ગમ નથી. એ સર્જક જ એવો પૂરબહાર હતો કે, મૂળ ખેતીવાડીનું પુસ્તક લખવા બેસું તો ય અડધું પુસ્તક સજ્જાદના નામે લખાઇ જાય... ફિકર નહિ ! એવો જ બીજો મનગમતો 'એક્ટર'(હીરો નહિ...એક્ટર) હતો બલરાજ સાહની. મૂળ નામ તો 'યુધિષ્ઠિર સાહની, હતું..(એના સગા નાના ભાઇ અને લેખક 'ભીષ્મ'સાહની').

પાકિસ્તાનમાં જન્મેલા બલરાજે ત્યાં જ બે વખત માસ્ટર્સ ડીગ્રી મેળવી અને ઇન્ડિયા આવીને પત્નિ દમયંતિ સાહની સાથે કવિવર ટાગોરના શાંતિનિકેતનમાં અનુક્રમે ઇંગ્લિશ અને હિંદીના પ્રોફેસરો તરીકે જોડાયા. ફિલ્મ 'મેરા નામ જોકર'માં નાનો રાજ કપૂર (રીશી કપૂર) તેની ક્લાસ ટીચર સિમીના પ્રેમમાં પડી જાય છે, તે જ વાસ્તવિક જીવનમાં આ દમયંતિ સાહની. યસ, રાજ દમયંતિના એકતરફા પ્રેમમાં પડી ગયો હતો. બલરાજ તો મહાત્મા ગાંધીની સલાહથી લંડનમાં બીબીસીના એનાઉન્સર તરીકે ય બે વર્ષ કામ કરી આવ્યો હતો. દમયંતિના અવસાનના બે જ વર્ષ પછી બલરાજ એના સગા મામાની દીકરી સંતોષ ચંડોક સાથે પરણી ગયો.

ગુરૂદત્તે બનાવેલી દેવ આનંદની ફિલ્મ 'બાઝી'ની વાર્તા બલરાજ સાહનીએ લખી હતી. જ્હોની વોકરને ફૂટપાથના ફેરીયામાંથી ફિલ્મોમાં લઇ આવનાર પણ બલરાજ હતો.

પોતાની છેલ્લી ફિલ્મ 'ગર્મ હવા'ના એના છેલ્લા સંવાદનું આખરી રેકોર્ડિંગ પૂરૂં કરીને બલરાજ ઘેર આવ્યો અને હાર્ટ-એટેકમાં અચાનક ગૂજરી ગયો. એણે બોલેલો છેલ્લો સંવાદ હતો, 'ઇન્સાન કબ તક અકેલા જી સકતા હૈ...?'ફિલ્મ એક્ટર પરિક્ષિત સાહનીના આ પિતાથી પોતાની દીકરી શબનમનું મૃત્યુ સહન નહોતું થયું, એ કારણે થયેલા અવસાનને ડોક્ટરોએ માસિવ કાર્ડિયાક એરેસ્ટનું નામ આપ્યું હતું.

આપણી આજની ફિલ્મ 'હલચલ'ના શૂટિંગ દરમ્યાન આ પ્રખર સામ્યવાદી માણસ રીતસર જેલમાં હતો. ફક્ત 'હલચલ'ના શૂટિંગ પૂરતી (અને તે ય પોલીસોના બંદોબસ્ત હેઠળ) છૂટ મળી હતી...

નિર્માતા તરીકે કે.આસિફ ભવ્યતાનો માણસ. 'મુઘલ-એ-આઝમ'ની જેમ આ ફિલ્મના સેટ્સ પાછળ પણ એણે એ સમયમાં તોતિંગ ખર્ચા કર્યા હતા. કરોડપતિના મહેલ જેવા બંગલાના વિશાળ દીવાનખાનાનો દાદર પણ એક બંગલાની કિંમતનો બની શકે છે, એ શહેનશાહી વિચાર મેહબૂબખાન અને રાજ કપૂરને આવ્યો હતો. મેહબૂબની ફિલ્મ 'અંદાઝ'જુઓ કે રાજ કપૂરનું 'આવારા'. પણ કે.આસિફ જેવા નિર્માતાઓ ય બેધ્યાન બની શકે છે. દિગ્દર્શક એસ.કે.ઓઝા તો નવાસવા હતા, પણ નૃત્ય-ગીત, 'સો રહે હૈ બેકરાર, સોનેવાલે ગાંવ મેં...'માં ડાન્સર કક્કુની પાછળ કોરસ ડાન્સરો વચ્ચે કોઇ તાલમેલ જ નથી. આવું તો મેં પહેલી વાર જોયું. ન તો એ લોકો લાઇન જાળવીને ડાન્સ કરે છે, ન એમની અંગમુદ્રાઓ વચ્ચે કોઇ તાલમેલ છે ! દિલીપ કુમારે વળી કોઇ મેજીક શર્ટ પહેર્યું છે. નરગીસ-દિલીપ આખી રાત ગામના બગીચામાં ગાળે, છતાં કોઇ ઘટના ન બને, એ માનવું જરા વધારે પડતું છે, પણ સવારે એ જ બગીચામાં નરગીસનો ભાઇ કે.એન.સિંઘ એવું માનતો નથી કે, આખી રાત બન્નેએ બગીચામાં એકલા ગાળીને ફક્ત અંતકડી કે થૂઇ-થપ્પા જ રમતા હશે ...સિંઘ દિલીપને ફટકારે છે, પણ મુક્કાઓથી જ. નથી કોઇ ખેંચતાણ કે નથી ઝપાઝપી ને એમાં દિલીપને સિંઘ ખાબોચીયામાં ફેંકી દે છે, એ વખતે સીન ફ્રીઝ કરી કરીને જોયો, ક્યાંય દિલીપનું શર્ટ ટાંકા કે ગાજ-બટનમાંથી ય ફાટતુ નથી, પણ ઊભો થઇને પાછો નરગીસના ઘેર મળવા જાય છે, ત્યારે બન્ને ખભેથી ફાટેલું હોય છે. એનો ય વાંધો નહિ. પણ આગળના દ્રષ્યમાં એ ફાટલું શર્ટ આખું થઇ જાય છે. ફરી પાછો, 'નવી ગિલ્લી નવો દાવ'ના ધોરણે ત્રીજા દ્રષ્યમાં ખલનાયક જીવન સાથેની મારામારીમાં શર્ટ માત્ર ખભેથી અને એટલા ચીરામાં જ ફાટે ને કાચી સેકંડમાં એ પછીના તરતના દ્રષ્યમાં ચીરા સરખા થઇ જાય.. તારી ભલી થાય ચમના... આવા શર્ટો બજારમાં હજી મળતા હોય તો આપણે ૫૦-૫૦ કીલોના ભાવે લેવા છે ! તાજ્જુબી એ વાતની છે કે, કે.આસિફ મૂળ તો મુંબઇના ભેન્ડી બજારની ફૂટપાથ પર લાકડાની નાનકડી કેબિનેટમાં છૂટક દરજી કામ કરતો...એટલે આ ખભાવાળો જાદુ ભેન્ડી બજારનો તો નહિ હોય ને ?

ફિલ્મ 'હલચલ'ની જ ૯૦-ટકા સ્ટોરી ઉપરથી કારદારે ફિલ્મ 'દિલ દિયા દર્દ લિયા'બનાવ્યું હતું. એક તો દ્રષ્ય પણ બેઠું જ ! જે દ્રષ્યમાં હીરોઇન વહિદા રહેમાનનો ભાઇ પ્રાણ ઘોડો લઇને ઉભેલા દિલીપ કુમારને કહે છે, 'લગામ છોડ ઓર ફંદા બના, બેવકૂફ..'એ જ બેઠ્ઠું દ્રષ્ય અહી કે.એન.સિંઘ અને દિલીપ ભજવી બતાવે છે... કદાચ, બન્ને ફિલ્મોના ઘોડાઓએ એક્ટિંગ જુદી કરી હતી, એવું ઊંઝા-સિધ્ધપુર બાજુ વાતો થઇ રહી છે...!

દિલીપ કુમાર તો બસ દિલીપ કુમાર જ હતો. કોઇ વ્યક્તિ એનાથી ઇમ્પ્રેસ ન થાય, એવું ઇવન આજે એની ૯૦-પ્લસની ઉંમરના ય બન્યું નથી. ફિલ્મી પરદા ઉપર એની હાજરી માત્ર કાફી હતી, બાજુમાં ઊભેલા અન્ય કોઇપણ કલાકારને ઢાંકી દેવાની. ૪૦-૫૦ પછી આપણા બધાના માથેથી વાળ ઉતરવા માંડે છે, જ્યારે દિલીપના માથે વાળનો જથ્થો હજી બરકરાર છે. વ્યક્તિગત ધોરણે એ અત્યંત પ્રભાવશાળી અને જ્ઞાની પુરૂષ છે. અમદાવાદના એક મિલમાલિક સાથે ગુજરાતના હાઇવે પર આ બન્ને પસાર થઇ રહ્યા હતા, ત્યારે શ્રીમદ ભગવદગીતા ઉપર એ બન્ને વચ્ચે થયેલી વાતોમાં મિલમાલિક કેવળ શ્રોતા હતા. એ એટલા પ્રભાવિત થઇ ગયા કે, માની નહોતા શકતા કે એક પઠાણ ભગવત-ગીતા વિશે આટલું ઊંડું જ્ઞાન ધરાવે છે ! એક્ટિંગનો તો એ શાહજાદો હતો, એમાં તો ઇન્કાર થઇ શકે એમ નથી. ફિલ્મ આખેઆખી બંડલ હોઇ શકે... દિલીપ કદી નહિ. રહી વાત લાઉડ-એક્ટિંગની...તો એ સમયની ત્રિમૂર્તિ, રાજ-દિલીપને દેવ, ત્રણેય ઓવરએક્ટિંગના ય નવાબજાદાઓ હતા. વાત ફક્ત એક્ટિંગની કરવાની હોય તો એ જમાનાના અશોક કુમાર અને આજના સુપર-એક્ટરો નસીરૂદ્દીન શાહ કે ઇવન વિનય પાઠકની સરખામણીમાં તો પેલા ત્રણેય ઓવર-એક્ટરો કહેવાય ! પણ દિલીપની એક છટા હતી. પર્સનાલિટીનો વૈભવ હતો. સંવાદો બોલવાની એની પોતાની આગવી સ્ટાઇલ હતી, તે એટલે સુધી કે પરદા ઉપર આવ્યા પછી મિનીટો સુધી એ એક સંવાદ પણ ન બોલે, તો ય એની હાજરી આખા દ્રષ્ય ઉપર છવાઇ જતી. ફિલ્મ 'હલચલ'એનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

નરગીસ પણ નોન-સ્ટોપ અને છટાદાર ઇંગ્લિશ બોલતી એક્ટ્રેસ હતી. એનો અલગ એક પ્રભાવ હતો કે ઇંગ્લિશમાં જેમ કહે છે કે,ટોમ, ડિક એન્ડ હેરી...એની પાસે જઇ શકે નહિ. ટોમ-ડિક તો બહુ દૂરની વાત છે, દેવ આનંદ કે દિલીપ કુમારની કક્ષાના ટોચના હીરો કે દિગ્દર્શકોએ પણ નરગીસ પાસે અદબથી વાત કરવી પડતી. પ્રોબ્લેમ દિલીપ કુમારને થતો કે, નરગીસ અને સુરૈયા બન્ને હિંદુ રાજ કપૂર-દેવ આનંદના પ્રેમમાં હતા. એ ગમતું નહોતું. એ ચોકડીને છૂટી પાડવા દિલીપ કુમારે મહેબૂબ ખાન, એમ.સાદિક અને કે.આસિફનો સક્રિય ટેકો લીધો હતો, મતલબ આ ફિલ્મ 'હલચલ'માં નરગીસ અને દિલીપ એકબીજા સાથે કમ્ફર્ટેબલ નહોતા.. માત્ર ધંધાદારી સંબંધ પૂરતી ''એક્ટીંગ''કરવાની હતી. કક્કુનું સાચું નામ તો વળી હમણાં જાણવા મળ્યું. ''કક્કુ મોરે''. આ છોકરી એટલી હદે ગુમનામીમાં જીવી ગઇ કે '૫૦-ના દાયકામાં એક વ્હી.શાંતારામને બાદ કરતા એકપણ ફિલ્મ સર્જક એવો નહોતો જેણે કક્કુ પાસે પોતાની ફિલ્મમાં ડાન્સ ન કરાવ્યો હોય. ફિલ્મી પત્રકારત્વ તો એ સમયે પણ બુલંદીઓ પર હતું. પણ આ બુલંદી કેવી કે કક્કુ વિશે અન્ય ડીટેઇલ તો ઠીક, એનું સાચું નામ શું હતું, એ ય કોઇને ખબર પડી નથી. યસ, હિંદી ફિલ્મોમાં અઝુરી પછી એ પહેલી કેબરે ડાન્સર અને ફિલ્મ 'શબિસ્તાન'માં હેલનને પહેલો ચાન્સ કક્કુએ અપાવ્યો હતો. કક્કુ ખૂબ એટલે બહુ ખૂબ પૈસા કમાઇ, પણ નિરક્ષરો પૈસા કમાય એટલે વાપરતા ન આવડે... ઊડાડતા આવડે. કક્કુનો બંગલો મોટો હતો અને જૂતાનો શોખ એવો કે એના ગોળ આકારના બંગલાની બહાર સમગ્ર દિવાલને અડીને પોતાના જૂતા-સેન્ડલના કબાટો બનાવી રાખ્યા હતા. જમાનો હેલનનો આવ્યો એમાં કક્કુ પંખો ચાલુ કરો ને છાપું ઊડી જાય, એટલી ઝડપથી ફેંકાઇ ગઇ. એ મરી ત્યારે તદ્દન ભિખારી અવસ્થામાં મરી. દવાદારૂ તો બહુ દૂરની વાત છે, ફૂટપાથ પર એના છેલ્લા શ્વાસો વખતે પાણીનો ગ્લાસ આપનારે ય કોઇ નહોતું.

''હલચલ''ની વાર્તા કંઇક આવી હતીઃ નાનપણથી એકબીજાના પ્રેમમાં પડેલા નરગીસ-દિલીપનો સંબંધ નરગીસના ભાઇ કે.એન.સિઘને પસંદ ન હોવાથી, ''જ્યાં સુધી હું કંઇક બનીને પાછો નહિ આવું, ત્યાં સુધી અમે મળીશું નહિ.' એવી પ્રતિજ્ઞા લઇને દિલીપ ગાંવ છોડીને શહેરમાં આવે છે. એક સર્કસવાળી (અભિનેત્રી-ડાન્સર સિતારાદેવી)ના સંપર્કમાં આવતા ધીમે ધીમે દિલીપની આર્થિક સ્થિતિ સુધરે છે, પણ સિતારાદેવી દિલીપના ઝનૂની પ્રેમમાં પડી જાય છે, એ જાણવા છતાં કે દિલીપને એનામાં કોઇ રસ નથી ને નરગીસના પ્રેમમાં છે. દિલીપ પોતાનો ન થઇ શકે તો કોઇનો ન થવા દઉં, એ ઝનૂનથી દિલીપનું ખૂન કરવાની સોપારી વિલન જીવનને આપે છે. જીવનથી છૂટેલી ગોળીથી સિતારા મૃત્યુ પામે છે અને દિલીપને જેલ થાય છે. ત્યાં ખબર પડે છે કે, એની પ્રેમિકા નરગીસ તો જેલર (બલરાજ સાહની)ની પત્ની બની ચૂકી છે, એના આઘાતમાં દિલીપ મૃત્યુ પામે છે.

સિતારાદેવીને કવિવર ટાગોરે 'કથ્થક સામ્રાજ્ઞી'નું બિરૂદ આપ્યું હતું. 'ઝનક ઝનક પાયલ બાજે'ના હીરો અને વિશ્વવિખ્યાત નૃત્યકાર ગોપીકૃષ્ણની સિતારાદેવી સગી માસી થાય. કે.આસિફ સાથે લગ્ન કરવા સિતારા મુસ્લિમ બની, પણ આસિફના લફરા ચારેકોર હોવાથી તલ્લાક લઇને સિતારા પ્રતાપ બારોટને પરણી, જેનો દીકરો રણજીત બારોટ ફિલ્મોમાં થોડુંઘણું નામ કમાયો હતો.

ફિલ્મ કે.આસિફ જેવા મજેલા સર્જકની હતી માટે વાર્તાલક્ષી સવાલો ઊભા થાય કે, નરગીસ ઉપર બલરાજ સાહની સાથે લગ્ન કરી લેવાનું ફિલ્મમાં ક્યાંય કોઇ દબાણ નહોતું, છતાં એ કેમ પરણી ગઇ ? બીજુ, 'દિલ દિયા દર્દ લિયા'માં દિલીપ પ્રાણના હાથે અને અહી કે.એન.સિંઘના હાથે માર કઇ કમાણી ઉપર ખાધે જ રાખે છે ? રફી સાહેબના દરિયાપુરના આજીવન ચાહક શ્રી ઇકબાલભાઇ મનસુરી આ વીસીડી બનાવનાર કંપનીને માફ નહિ કરી શકે કે, લતા-રફીનું બેનમૂન ડયૂએટ,''ઓ બિછડે હુએ સાથી જીયું કૈસે બતા દે'' નું ફક્ત મુખડું અપાયું છે ને લતાનું ''એક જુઠી સી તસલ્લી વો મુઝે દે કે ચલે'' આખે આખું નથી આ જ આખું ગીત રોશનનાં સંગીતમાં મૂકેશે ફિલ્મ 'શીશમ'માં ગાયું હતું.

No comments: