Search This Blog

17/04/2013

મોબાઈલ મચડુઓ

જૅમ્સ બૉન્ડની બહુ શરૂઆતની કોઈ ફિલ્મ (બનતા સુધી ફિલ્મ 'From Russia With Loveમાં બૉન્ડ ચાલુ ગાડીમાં ફોન કરે છે. માનવામાં આવતું નહોતું. આપણા તો ઘરોમાં ય ફોન હોય, એ ટેબલ પર જડેલા. લાંબા દોરડાં નંખાવવા પરમિશનો લેવી પડતી ને બોન્ડ ત્યાં ગાડીમાં બેઠા બેઠા ફોનો કરે? ચાલુ ગાડીએ એ ચુંબનો કરે, એનો વાંધો નહતો, પણ ફોનો કરે એ માનવામાં આવતું નહોતું. ને સહન પણ નહોતું થતું. અમે ચાલુ સાયક્લે કરી લેશું, (ફોનો નહિ, ચુંબનો...!) એવી હૈયાધારણ રહેતી, પણ ચાલુ ગાડીએ કાંઇ થઇ શકતું નહોતું ! 'ક્યા કરતે? હમારે દોનોં હાથ બંધે હુએ થે' ! (સમાજમાં જરા સારું દેખાય, એટલા માટે અમે સાયકલ પણ 'ગાડી' જ કહેતા!) અમને તો આખો બોન્ડ જ બોગસ લાગતો.

મૂળ તો '૬૦ના એ દાયકામાં આપણામાથી કોઈના ઘરે ફોન નહિ ને જેના ઘરે હોય, એને ત્યાં ફોનીયાઓની ભીડ ચાલુ રહેતી. કરનારાઓ ય પ્રામાણિક કે ફોન કરવાના ૧૫ પૈસા મૂકી દેવાના. ના મૂકે તો જાય બી ક્યાં? બીજી વાર એને ય કરવાનો હોય! અમદાવાદના ગાંધી રોડ પરની અમારી આખી ખત્રી પોળમાં એક માત્ર ફોન સ્વ. નટવરલાલ પંચને ત્યાં હતો. આજે ૪૫ વર્ષ પછી ય એમનો ફોન નં. યાદ છે, ૫૩૫૧૬.

બાય ધ વે, નામ 'ખત્રી' પોળ, પણ પોળના ઇતિહાસમાં એક પણ 'ખત્રી' અટકધારી રહેવા આવ્યો નથી. જોકે, એમ તો બરોબર સામે 'પાડા પોળ' પણ છે... એમાં ક્યાં એકે ય પાડો રહેતો'તો...?

પંચ ફોનના મામલે ઘણા દયાળુ હતા. ઘણીવાર તો એ લોકોને ફોન કરવો હોય તો એ લોકો લાઈનમાં ઊભા રહેતા... આઈ મીન, બેસી રહેતા. એ જમાનામાં વાત ગમે તેટલી લાંબી કરો, એક ફોનનું બિલ ૧૫ પૈસાનું આવે, એટલે બીજાના ફોનો ઉપર લાંબી વાતો કરનારાઓ ગીલ્ટી ફીલ નહોતા કરતા. હા, ફોન મૂક્યા પછી એમનામાં સ્માઈલોવાળી નમ્રતા ખૂબ આવી જતી. 'શ્યોરી હોં શ્યોરી... મધુ માસીને ફોન કરવાનો હતો, એટલે જરા વાર થઈ...!' ઘણીવાર તો નટવરભાઈના ઘરના લોકો ય ભૂલી જતા કે, ફોન અમારો છે કે, પોળવાળાઓનો? એક ફોનને કારણે અમારી આખી પોળ ભારે વિવેકી અને ખોટા ખોટાં સ્માઈલો આપતી થઈ ગઈ હતી. સ્વમાનના વિચારો અને ઊંચી વાતો અમારે બધાએ પડતી મૂકવી પડતી હતી. પંચ પાછા પંદર પૈસા લે નહિ અને વિના મૂલ્યે વારંવાર ફોન કરવામાં લજ્જાથી શરમના શેરડાં પડી જતા. સહુ ઝૂકીને સ્માઈલ સાથે રીકવેસ્ટ કરે, 'એક... ફોન કરવો છે...' (હજી એ દિવસોમાં 'ઍક્સક્યૂઝ મી' બોલીને ઘુસ મારવાની પ્રથા ચલણી બની નહોતી.)

એ દિવસોમાં એક 'વેસ્પા' સ્કૂટર અને બીજો ફોન... આ બન્ને આવે, એટલે બહુ મોટી વાત કહેવાતી. વેસ્પા સ્કૂટર હોવું એક સ્ટેટ્સ કહેવાતું. કંપનીની પ્રાઈસ રૂ. ૨,૫૦૦ હતી પણ એના 'ઑન' બોલાતા છ-સાત હજાર અને તો ય મળતું નહોતું. ફોન પણ નોંધાવ્યા પછી 'છ વર્ષે' આવતો. મને યાદ છે, એ સમયે કોઈ પત્રકારે મારો ઈન્ટરવ્યૂ લીધો ને મને પૂછ્યું, 'તમારી જિંદગીમાં તમે સૌથી વધુ ખુશ ક્યારે થયા હતા?' ત્યારે કોઈ પણ મજાક વગર મેં કહી દીધું હતું, 'મારા ઘરે બાબો આવ્યો ત્યારે.' પેલો બાબાને બદલે 'ફોન' સમજ્યો. એણે તરત બીજો સવાલ પૂછ્યો, 'કેટલામાં પડયો?' પ્રજાના મનમાં ફોન અને વેસ્પા એટલી હદે ભરાઈ ગયા હતા કે, કોઈ 'લોન' બોલ્યું હોય તો ય ફોન સંભળાય...!

ઓહ, કમ ઑન...! બહારગામના એસટીડી ફોન કરવાની તો વાત જ ભૂલી જવાની. આમે ય, બહારગામોના સગાઓ પાસે ય ક્યા વળી ફોનો હતા તે કરીએ? પણ ધીમે ધીમે ઘણાના ઘેર ફોન આવવા માંડયા, પણ એસટીડી કરવા અમારે ખત્રી પોળથી ભદ્ર-તાર ઓફિસ જવું પડતું. બાકીનાઓ હાલનું નવરંગપુરા બસ સ્ટેશન છે, તેની ઉપર જતા. લાઈનો બહુ લાંબી અને એમાં તો ફોન પર ચીપકેલાને કાંઈ કહેવાય પણ નહિ કે, 'ભ'ઈ, જરા જલ્દી કર.' કહેવા જઈએ તો એનો ફોન આપણને પકડાઈ દે, 'લો... મારા બદલે તમે વાત કરી લો...!' સાત સાગર પાર કરીને જવાના હો, એમ લાઈન પૂરી થતા આપણો નંબર આવે ત્યારે આપણાવાળો ફોન જ એન્ગેજ્ડ આવે. બહુ સારો કર્મચારી બેઠો હોય તો એન્ગેજ્ડ ફોન છતાં બીજી એક વાર ટ્રાય મારવા દે, નહિ તો જે શી ક્રસ્ણ... પાછા ફરી વાર લાઈનમાં ઉભા રહેવા પાછળ જાઓ. હજી જરા હિંમત કરીને બીજી વાર લાઈનમાં ઊભા રહેવા જાઓ ને ફરી એન્ગેજ્ડ આવે, એના અઠવાડીયા પછી સુરેન્દ્રનગરથી કાકા પાછા આવે ત્યારે ખબર પડે કે, એમનો હજી ચાલુ નથી થયો...! તારી ભલી થાય ચમના... પોસ્ટ કાર્ડ લખીને કહેવાડીએ નહિ કે, ફોન બંધ મૂવો છે!

...અને આજની પેઢીના છોકરા-છોકરીઓને તો ખબરે ય નહિ પડે કે, આજે તમે પટપટપટપટ મોબાઈલ જોડે રાખો છો, એ અગાઉ વિચારી પણ શકાતું નહોતું. આજે તમે લોકો ધીમા ધીમા છપછપ અવાજે પેલી, 'ઓહ, જસ્ટ શટ અપ સમીર... કોઈ સાંભળી જશે'વાળી વાતો કલાકો સુધી મોબાઈલ પર કરે જાઓ છો, એવી અમારી તો વાતચીતો ય સલામત નહોતી, બીજા રૂમમાં બીજા ફોનથી બા ય સાંભળે. તમારી તો લાઈફો પણ 'વોટ્સ એપ', વાઈબર, ઈ-મેઈલ્સ, SMS, ટિવટર, સ્કાયપી અને ફેસ-બૂકની મોહતાજ થઈ ગઈ છે. (આજે કોઈ આખું ફેસ-બૂક બોલે તો ગામડીયો ગણાય છે... આપણે તો ખાલી FB જ બોલવાનું!) 

પૈસા પાપાએ ખર્ચવાના છે, એટલે તમે હવે એન્ડ્રોઈડ, ઍપલ કે સ્માર્ટફોન સિવાયનું ડબલું હાથમાં પકડતા નથી. એમાં ય આજકાલ 'ટેમ્પલ-રન' નામની ગેઈમ તમારા ઈગોને સોલ્લિડ હર્ટ કરે છે, એટલે રમે રાખો છો. મોબાઈલમાં તો સેંકડો સગવડો છે, પણ તમે વાપરો છો ભાગ્યે જ બે-પાંચ. અડધીમાં સમજ પડતી નથી ને અડધી સગવડો આપણા ફોનમાં છે કે નહિ, તેની ખબર નથી. દરેકની પાસે લેપટોપ કે ટેબ્લેટ હોવા છતાં (ઘરે તો કમ્પ્યૂટર ખરું જ!) મોબાઈલમાં 'ગૂગલ'ને 'યાહૂ' જોઈએ જ. શહેરની કલબોમાં આજ સુધી દેખાદેખી નવી ગાડી માટે થતી. 'ચાર બંગડીવાળી' પેલી 'આઉડી' કાર એ સ્ટેટસ સિમ્બોલ ગણાતી હતી, એ ય હવે લગભગ બધા ચમન, રમણ ને મહેશ-ફહેશ પાસે આવી ગઈ એટલે એમાં ય કોઈ કમ્પીટિશન રહી નહિ. 'લેમ્બોર્ગિની' હજી સુધી તો અમદાવાદમાં નથી આવી. 'ફેરારી' બધાના બાપાની તાકાત નથી. કોણ પહેલું લઈ આવે છે, એના ઉપર દાવ લાગ્યા છે.

પણ હરિફાઈ મોબાઈલ ફોનોમાં બતાવી શકાય છે. Vertu નામના મોબાઈલ તો શરૂ જ રૂ. એક કરોડથી થાય છે, એટલે કલબોના કાર્ડ-રૂમ્સમાં પહેલો 'વર્ટુ' કોણ લઈ આવે છે, એની રાહો જોવાય છે.

ફોનનો ઉપયોગ કેવળ વાતચીત કરવા માટે થાય, એવા રૂ. પાંચસો/હજારના ફોનની કોઈને જરૂરત લાગતી નથી. એવું તો આ લખનાર માને છે, કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આજ સુધી મોબાઈલ ફોન જેવી માનવ ઉપયોગી બીજી બહુ ઓછી શોધો થઈ છે. ખરી ક્ષણે તમારી જીંદગી એક માત્ર મોબાઈલ ફોન બચાવી શકે છે. હાઈ-વે પર એક્સિડેન્ટ કે કોઈ જંગલમાં બહુ બુરી હાલતમાં ફસાઈ ગયા હો, ત્યારે મોબાઈલ જેવું કામ કોઈ કરી ન શકે. ઘરના વડિલોની છાતીએ ૨૪ કલાક મોબાઈલ લટકાડેલો હોવો જ જોઈએ. સ્પીડ-ડાયલનું એકમાત્ર બટન દબાવવાથી ઈમરજન્સીમાં તમે એમની પાસે પહોંચી તો શકો!

પણ મોબાઈલ ફોનો બદમાશીઓ પણ પકડી પાડે છે. ખુદ મારા સર્કલમાં એવા અનેક દોસ્તો-સંબંધીઓ છે, જે સાલા મીસકોલ મારીને ફોન મૂકી દે. બસ, તમારે સામે કરવો હોય તો કરો. કામ એમનું હોય તો ય પૈસા બચાવવા આ લોકો સામો ફોન આપણી પાસે કરાવે. અંગત રીતે, હું બહુ ચીડીયો છું, ફક્ત ફોન ડીસન્સીના મામલે કે, મારા મીસકોલનો કોઈ જવાબ (આજે નહિ તો કાલે) ન આપે, તો મારી ફોન ડિરેક્ટરીમાંથી એનું નામ કાયમ માટે નીકળી જાય છે. આવા સંબંધીઓ ન હોય, એમાં વધુ ફાયદો છે. વાત કન્ફર્મ છે કે, તમારે ઈમર્જન્સીમાં એમનું કામ પડે, તો એ લોકો પોતાના ફોનના ૫૦ પૈસા બગાડવાના નથી.

... અને મારી ડિરેક્ટરીમાં હવે માંડ કોઈ ૧૫-૨૦ નામો રહ્યા છે...! 

સિક્સર

ઘણા મોંઘા ભાવની ફિલ્મો ગાડીના કાચ પર લગાવનારાઓને પૈસે એ ફિલ્મો પોલીસે કઢાવી. હવે કાયદો-બાયદો બધું ભૂલાઈ ગયું છે. હવે પોલીસવાળા ફિલ્મ ઉતરાવતા નથી... એક વખત આપણી 'ઉતારી લીધી...' આપણા પૈસા ગયા, એ પોલીસ પાછા આપશે?

No comments: