Search This Blog

14/04/2013

ઍનકાઉન્ટર

* શું ભારતમાં ફક્ત બે જ પ્રકારની ફિલ્મો બને છે? એક ખરાબ ને બીજી બહુ ખરાબ?
- આવું આઈ.એસ. જોહર કહેતો હતો. સ્ત્રીઓ માટેના પણ તેના વિચારો આવા જ હતા...!
(રમેશ આર. સુતરીયા 'ટ્રોવા', મુંબઈ)

* તમારી પ્રેમિકા કોઈ બીજાના પ્રેમમાં પડે તો તમારા રીઍક્શન્સ કેવા હોય?
- સારા. જેણે અશોક દવેની જગ્યા લીધી હોય, એ ય કોઈ સાધારણ માણસ તો નહિ જ હોય ને?
(પૂર્વા મહેશ મહેતા, મુંબઈ)

* મોરના ઈંડા ચીતરવા ન પડે, એવી કહેવત પડી છે. ઈંડા ઢેલના હોય કે મોરના?
- મોર સદરહૂ ઈંડાની જવાબદારી સ્વીકારે છે, એ જ મોટી વાત નથી? માટે જે છે, એ બરોબર છે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* હું 'ઍનકાઉન્ટર' ભાગ્યે જ વાંચું છું. આપ નારાજ થશો?
- હવે પછી આપના જવાબો ભાગ્યે જ આપીશ... આપ નારાજ થશો?
(જાકેરાબાનુ પાનારા, ધોળકા)

* સાથી પક્ષોની દાદાગીરીથી ફફડતા ડો. મનમોહનસિંહને 'સિંહ' કહેવા કે 'બકરી'?
- 'બકરી' સ્ત્રીલિંગ છે. ગ્રામર સુધારીને જે કહેવું હોય એ કહો.
(ચેતન કે. વ્યાસ, રાજકોટ)

* સ્કૂટરો ઉપર બુરખા બાંધીને ફરતી હોવા છતાં પુરુષો એમની સામે ટગર ટગર જોયે કેમ રાખે છે?
- 'જોયાથી' આગળ તમારે શું વધારવું છે?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* 'પરસ્ત્રી માતા સમાન' ગણાય, પણ આજની યુવતીઓ જે વસ્ત્રો પહેરે છે તે જોતાં સમજવું શું?
- તમે ખૂબ સંસ્કારી યુવાન છો... કે હજી તમારી દ્રષ્ટિ એમના વસ્ત્રો ઉપર જ પડે છે!
(સુરેશ પ્રજાપતિ, નવસારી)

* ૨૦૧૦માં માયાવતિની આવક રૂ. ૮૭ કરોડની હતી. ૨૦૧૨માં રૂ. ૧૧૧ કરોડની થઈ ગઈ...!
- આ આંકડા તમે એના રસોઈયાની આવકના આપ્યા છે!
(આનંદ વાઢાળા, ગારીયાધાર)

* 'અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઈ જા...' આ પ્રાર્થના આજના ભ્રષ્ટ નેતાઓને લાગુ પડે છે?
- ચોક્કસ પડે છે... આ પ્રાર્થના આપણે એમને સંબોધીને ગાવાની છે!
(ચંદ્રવદન પટ્ટણી, ભુજ)

* વકીલ અને ન્યાયાધિશ, બેમાંથી તમે કોને પસંદ કરો?
- સવાલ, જરૂર પડે ત્યારે એ બન્નેમાંથી મને કોણ પસંદ કરે છે, એનો હોય!
(સપન પરીખ, ગોધરા)

* તમે જ લખ્યું હતું કે, દેવી-દેવતાઓના મંદિર ૨૪ કલાક ખુલ્લા રહેતા નથી... તમારું મંદિર?
- મારા ત્રણ રૂમ-રસોડાના મંદિરીયામાં નહાવાના બાથરૂમ સિવાય બધા બારણાં ખુલ્લા જ રહે છે!
(મેઘાવી હેમંત મેહતા, સુરત)

* ગાંધીનગર ભૂતપ્રેતથી ખદબદતું હોય તો દિલ્હીનું શું થશે?
- એકવાર કેસરીયા બાલમ દિલ્હી જાય તો ત્યાંના ભૂતપલિતોની દશા બહુ બુરી થશે!
(હુસેન હુઝેફા મર્ચન્ટ,નાસિક)

* રાહુલ ગાંધીને પરણવાની સલાહ કેમ કોઈ આપતું નથી?
- ક્યાંથી આપે? સલાહ આપનારા બધા ય પરણેલા મૂવાઓ છે...!
(પ્રબોધ જાની, વસઈ-ડાભલા)

* દુનિયાનું સૌથી મોટું જૂઠ ક્યું છે?
- સત્ય.
(અઝીઝ માડકીયા, જામનગર)

* સ્ત્રીઓ ઉંમર કેમ છુપાવે છે?
- છુપાવવા જેવું ઘણું બધું હવે છુપાવવા જેવું રહ્યું હોતું નથી, માટે!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* તમે હાસ્યલેખક ન હોત તો શું હોત?
- ફૂટપાથો ઉપર અગરબત્તીના પડીકાં વેચતો હોત...! હાસ્યલેખક થયા પહેલા એ કામ કરતો હતો.
(ઈમરાનખાન જે. પઠાણ, વિંછીયા-જસદણ)

* કોઈપણ સ્ત્રીનો સ્વાર્થ શરૂ થાય, ત્યાં તમે પૂરા થઈ જાઓ. આપ શું કહો છો?
- પોતાનું મૂલ્ય ન જાણતો માણસ સ્ત્રીને એટલું મહત્વ આપે તો ભોગવે વળી...!
(ભરત ડી. સાંખલા, ડીસા)

* અમારા પરિવારમાં એકબીજા સાથે મતમતાંતરો બંધબેસતા નથી. શું કરવું?
- રાધે રાધે રાધે...!
(જયેશ કે. સંપટ, મુંબઈ)

* ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦... હવે?
- હવે ક્રિકેટ રમાશે.
(અમિષા નીતિન સોમૈયા, મુંબઈ)

* શું તમે હિંદી ફિલ્મ જગત પર પી.એચ.ડી. કર્યું છે? આટલી બધી જાણકારી ક્યાંથી મેળવો છો?
- નાનપણથી અમારા ખાડીયાના દરેક છોકરાને ત્રણ વિષયમાં માસ્ટરી... ક્રિકેટ, ફિલ્મો અને છોકરીઓ! મને ફક્ત ફિલ્મો ફાવી...!
(ફિઝઝા આરસીવાલા, મુંબઈ)

* તમને ઓચિંતા રૂ. ૧૦-કરોડ મળી જાય તો શું પ્લાન છે?
- કંઈ શુભ શુભ બોલો, બેન! ધારવાનું જ છે તો રકમ જરા તગડી કરો અને ઓચિંવાળું રહેવા દો...!
(ભાવના અનિલ કારીયા, મુંબઈ)

* બાળકોને ડરાવવા માટે મમ્મી પાસેનું હાથવગું હથિયાર ક્યું?
- મમ્મીએ કહેવાનું, 'સુઈ જા... નહિ તો હું ગાઈશ...!'
(ચંદ્રકાંત જાની, જામનગર)

* આજે ગાંધીજી કેટલા પ્રસ્તુત છે?
- બસ. નવા સ્ટેચ્યુ ક્યાંય બનતા નથી.
(રોશન આઈ. ત્રવાડી, લીંબડી)

* બન્ને રાહુલ વચ્ચે ફરક શું? રાહુલ દ્રવિડ અને રાહુલ ગાંધી.
- દ્રવિડને રીટાયર ક્યારે થવું, એની ખબર હતી!
(રમેશ આશર, કાલાવડ)

* લગ્ન કરતી વખતે સ્ત્રીઓની કઈ બાબતોને મહત્વ આપવું જોઈએ? રૂપ કે ગુણ?
- બહુ લાલચુ છો... ચાલુ લગ્ને, જેની સાથે લગ્ન થતા હોય, એના રૂપ-ગુણ જોવાના હોય... ભેગી થઈ હોય, એ બધીઓના નહિ!
(સાહિલ એમ. જોશી, સુરત)

No comments: