Search This Blog

29/04/2013

ડેડી.. યૂ આર સ્માર્ટ !

વાતમાં કાંઇ માલ નહોતો. મોબાઇલ ફોનની પાછળ બેટરીના બૉક્સનું જસ્ટ ઢાંકણું ઢીલું પડી ગયું હતું, તે વખાતું નહોતું. વાખીએ ને નીકળી જાય, વાખીએ ને નીકળી જાય. ફોન સમ્રાટનો, તે મેં કુ, લાય... હું નાંખી દઉં.. બે મિનિટનું કામ છે. મારો છોકરો થઇને મને ડરાવતો હોય એમ કહે, ‘‘ડેડ, હું છેલ્લા બે મહિનાથી ટ્રાય કરૂં છું. નથી વખાતું.’’ (‘Dad'નો ઉચ્ચાર ખોટો કરે છે અને ઘરમાં બધાને Dead સંભળાય છે! શરૂઆતમાં તો સાચું માનીને હકી તરત જ મહીં જઇને ધોળો હાડલો પહેરી આવતી ને બહાર આવ્યા પછી ચૅક કરતી કે, એમને થયુંતું શું?) 

આમ ઘરમાં મારી છાપ આખી ચીજવસ્તુઓને તોડવાની. ખાસ તો તુટેલી ચીજો સંધાઇ જવાની અણી ઉપર હોય ને એને ફાઇનલ ટચ આપવા જતા મારાથી એ આખી તૂટી છે. વૉશ બૅસીનનો નળ ટપકતો હતો, તે મેં કુ લાય રીપેર કરૂં, એટલે બેસિનની ધાર પર પગ મૂકીને થોડો ખેંચ્યો, એમાં આખું બેસિન પડયું. અને આજકાલ બાથરૂમના ટાઇટલ્સ તો કેવા આવે છે, એ તમે ક્યાં નથી જાણતા...! પાંચ ટાઇલ્સ તૂટયા ને ખાડો પડયો. હસ્તમેળાપ વખતે હું અણવર (બેસ્ટમેન) હતો ને વારંવાર છેડા છુટી જતા હતા, તે મેં કૂ લાય અતુટ ગાંઠ મારૂં. પછી તો છ આ બાજુ ને છ આ બાજુ, એમ થઇને બારેક માણસોએ બાજઠ ઉપર પગ ભરાઇ ભરાઇને બંને બાજુથી છેડા ખેંચ્યા ત્યારે છૂટાછેડા થયા. 

આમ આપણે કાંઇ ટેકનિકલ-સ્કીલના માણસ નહિ, પણ એટલી ખબર કે, આવું કાંઇ ઢાંકણું- બાંકણું વખાતું ન હોય, ત્યારે બહુ માથાકૂટ નહિ કરવાની- સાઇડમાં પટ્ટી-બટ્ટી ભરાઇ દેવાની. એટલે શું કે, બઘું ફીટમફીટ થઇ જાય. બે-ચાર મહિના સુધી તમારે એ ખૂલે નહિ. આ રીપેરિંગનો સીધો હિસાબ. 

‘‘તમે રહેવા દેજો. તમે તો અડતા જ નહિ. આખો મોબાઇલ તોડી નાંખશો.’’ હકીએ મારી સામે જોયા વિના મારી આવી કદર કરી. 

વિશ્વમાં જ્યારે જ્યારે ક્રાંતિઓ થતી અટકી જાય છે, ત્યારે એનું પહેલું, વચલું અને છેલ્લું કારણ વાઇફોની કચકચ હોય છે. હું જગતમાં નવો મોબાઇલ તો ન શોધી શક્યો- આળસ, પણ શોધાયેલા મોબાઇલને રીપેર કરવાની અદ્યતન આવડત મેં વગર પ્રયત્ને હાંસિલ કરી હતી, જેના અહીં ભૂકાં બોલી રહ્યા હતા. 

‘‘સમ્રાટ, પપ્પા પાસેથી તારો ફોન લઇ લે...’’ ૨૭ વર્ષની થવા આવી છતાં, મારાથી એક પણ વાર ઇમ્પ્રેસ નહિ થયેલી મારી દીકરી ઉત્સવીએ ભાઇની માલમિલ્કત બચાવી લેવાના ઇરાદે કહ્યું. ‘‘મારી સાયકલની સીટ એમણે ઊંધી ફિટ કરી દીધી હતી.. પાછળ જોતા જોતા તો સાયકલ ચલાવવી કેવી રીતે ફાવે?’’ 

સમ્રાટના પુત્ર અભિનયને નવડાવતા નવડાવતા એના ગળામાં મારાથી ભૂલમાં સાબુની નાનકડી ગોટી ધૂસી ગઇ હતી, ત્યારથી એની પત્ની શીતલ પણ મારો વિશ્વાસ નથી કરતી. તે મેં કૂ, ‘‘અરે, બે મિનિટમાં જ મોંઢામાં સાણસી ખોસીને ગોટી કાઢી આપું.’’ પણ એમ કોઇ માને? (જવાબઃ ના માને. જવાબ પૂરો) 

પ્રયત્નો એ લોકોએ પણ કરી જોયા, પણ આ કોઇ અ.મ્યુ.કો.ની ગટરનું ઢાંકણું નહોતું- મોબાઇલનું ઢાંકણું હતું, એ હિસાબે મોબાઇલમાં ઉતરીને તો રીપેર ન થાય! હકીનો આઇડિયા એવો કે, સખત ચોંટી જાય પછી ઉખડે જ નહિ, એવું કોઇ સોલ્યુશન ધારી ઉપર લગાવી દો. જીંદગીભર ના ઉખડે. પણ સમ્રાટ બાકીની જીંદગીમાં બીજી વાર પણ એ ફોનનો ઉપયોગ કરવા માંગતો હતો, એટલે એ ઉપાય કેન્સલ ગણવામાં આવ્યો. મારો સખત વિરોધ કે, એમ કાંઇ સોલ્યુશનો વેડફી ન નંખાય. બાકી વધેલું સોલ્યુશન ક્યાં ચોંટાડવું? ખોટી વાત હતી મારી? ધાર્મિક કારણોસર પણ મારો વિરોધ. સીતાજીનું ધનુષ શ્રીરામે તોડયું હતું, પછી આખા રામાયણમાં ક્યાંય એ ધનુષ સાંધવાનો કોઇ ઉલ્લેખ આવે છે? મહાન ઇતિહાસ રચાવાનો હોય ત્યાં આવી તોડફોડો તો થવાની. સુઉં કિયો છો

તમે મોબાઇલ ફોનોના ઢાંકણા જોયા હોય તો ખબર હશે કે, એ બહુ જીદ્દી હોય છે. ખોલતી વખતે બહુ નખ ભરાય ભરાય કરો તો ય હલતા નથી. આપણને એમ કે કોણ મગજમારી કરે? એનું ઢાંકણું ખોલવા માટે ય તમારામાં વીર અર્જુનનું લક્ષ્ય, મહાત્મા ગાંધી જેવી સત્યપ્રિયતા અને આંગળીઓમાં વાંદરા જેવા નખ હોવા જરૂરી છે. કેટલાક મિત્રોએ પૂછાવ્યું છે કે, આમાં હિંમતની જરૂર પડે ખરી? તો સ્માઇલ સાથે એ મિત્રોને અમારો જવાબ છે કે, આમાં હિંમતની જરૂર ન પડે. આશા છે, અમારા ખુલાસાથી એમને સંતોષ હશે. 

ઇનફેક્ટ, મોબાઇલની બેટરીનું ઢાંકણું ખોલવા માટે ઉત્તમ બનાવટના નખ (હાથના નખ, પગના નહિ) જરૂરી છે, પણ એમાં તમારૂં ટાઇમિંગ જોઇએ, નહિ તો ઘણાને નખ અંદર રહી જાય છે અને ઢાંકણું બહાર આવે છે. લગભગ ત્રણ વીક સુધી દુઃખાવો રહે છે, લોકો પૂછપૂછ બહુ કરે છે, ‘‘કેમ કરતા નખ ઉખડી ગયો?’’ આવું થયા પછી, સમાજને મોંઢું બતાવી શકાય છે, પણ નખ બતાવી શકાતો નથી. એ મોબાઇલમાં પડયો હોય છે. આવું વારંવાર થાય તો દુનિયાભરના ઢાંકણાઓ ઉપર આપણને નફરત થઇ જતી હોય છે. 

મારૂં કેવું છે કે, ઘણી બધી કલાઓ ઉપર મારો હાથ બેઠો નથી. મને જરા મીઠી મીઠી ગલીપચી થાય અને હલ્લુહલ્લુ લાગે, એવી કાનમાં હળી કરતા બરોબર નથી ફાવતું. ઘણા જુવાનીયાઓ એકસાથે બબ્બે પગથીયા સીડી ઉતરી જાય છે, એ મને નથી આવડતું. પગના નળા બે-ત્રણ વખત છોલાઇ ગયા છે. મને સિસોટી વગાડતા વગાડતા દાઢી કરતા નથી આવડતું. આને ડ્રાફ્ટ કહેવાય કે ચેક’, એની મને સમજ પડતી નથી. વિમાનમાં ટોઇલેટ જેવું હોય તો બાજુમાં બેઠેલાને કઇ સાઇન કરવાની, તેની મારામાં ફાવટ ન હોવાથી, મિનિટો સુધી એને વિવિધ ઇશારાઓ દ્વારા સમજાવવાના ટ્રાયો મારૂં છું, પણ એમાં એ એવો મૂંઝાયો હોય કે, મારા બદલે એ ટૉઇલેટ જઇ આવે છે અને પાછા આવ્યા પછી, કેમ જાણે મારા કારણે એને જવું પડયું હોય, એવા ઇશારે મને, ‘‘ખુશ... હવે?’’ એવું મોઢું કરે છે. 

જો કે, મને એ પણ ખબર છે કે, વિશ્વમાં આજ સુધી મોટા ભાગના મોટા માણસોને પણ ઉપરના કામો નથી આવડતા અને એટલે એ મોટા થયા હોય છે. મને તો હમણાં કોઇકે કીઘું ત્યારે ખબર પડી કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાને પણ મારી જેમ બેઠા બેઠા પગ હલાવવાની ટેવ છે. (આ બતાવે છે કે, મહેનત કરશે તો એક દિવસ ઓબામા પણ મોટો હાસ્યલેખક બની શકશે!) 

આમ તો મોબાઇલનું ઢાંકણું ફિટ કરતા મને પણ નથી ફાવતું. પણ આખી વાતનો રાઝ એ છે કે, ઘરના સુપ્રિમો તરીકે બધી બાબતોમાં આપણો વટ રાખવો જરૂરી છે. ‘‘આ તો ડોહાને નહિ ફાવે..’’ એવી એક વખત છાપ પડી ગઇ, તો બીજા દિવસથી ઘરના જ લોકો ભાવ પૂછતા બંધ થઇ જાય છે. મારાથી કંટાળીને ઉત્સવી કહેતી હોય છે, ‘‘ડેડી, તમે બહુ સ્માર્ટ છો..!’’ 

.. અને આ કારણથી મોટા ભાગના ડોહાઓ ઘરમાં કાયમ માટે પોતાનો માનમરતબો ગૂમાવે છે. દરેક વાતમાં ડફાકા મારમાર કરવાથી ડોહા-ડોહી ઘરમાં બધાનું માન ગૂમાવે છે. ધીમે ધીમે સત્તા છોડતાં જવું અઘરૂં કામકાજ છે. બસ. એક વસીયતનામાવાળો સસ્પેન્સ હાથમાં રાખો. બધાએ તમારો મરતબો જાળવવો પડશે, પણ બઘું મને પૂછી પૂછીને જ કરવાનું-વાળા ફાંકા બંધ કરો, ડોહા..! મારા પ્રિય લેખક ફ્રેડરિક ફોર્સાઇથે સરસ કીઘું હતું, "You have to learn a lot of things when you admit you know a little." હું કાંઇ નથી જાણતો, એટલું કહેવા માટે ઘણું બઘું જાણવું પડે છે.’ 

સિક્સર 
- હવે પછી કોઇને ખાટાં ખચરકા નહિ આવે..! 
- લિંબુનો ભાવ એક કિલોના રૂ. ૧૦૦/- થઇ ગયો છે.

(07-10-2009ના રોજ પ્રગટ થયેલું બુધવારની બપોરે’)

No comments: