Search This Blog

02/08/2013

'શોર' ('૭૨)

ફિલ્મ : 'શોર' ('૭૨)
નિર્માતા-દિગ્દર્શક : મનોજ કુમાર
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર : સંતોષ આનંદ
રનિંગ ટાઈમ : ૧૬૦-મિનિટ્સ-૧૭ રીલ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : નંદા, મનોજ કુમાર, જયા ભાદુરી, પ્રેમનાથ, કામિની-કૌશલ, મનોરમા, મનમોહન, કુલજીત, રાજ મેહરા, નાના પળશીકર, કૃષ્ણ ધવન, મીના ટી., શેફાલી, લીના, અસરાની, વી.ગોપાલ, રામમોહન, સિકંદર ખન્ના, રણવીર રાજ, માસ્ટર સત્યજીત અને મેહમાન ભૂમિકામાં : મદન પુરી.


Part I

Part II


Part III

ગીતો
૧. એક પ્યાર કા નગમા હૈ, મૌજોં કી રવાની હૈ.... લતા-મૂકેશ
૨. જીવન ચલને કા નામ... મહેન્દ્ર કપૂર, મન્ના ડે, શ્યામા ચિત્તાર
૩. જરા સા, ઉસકો છુઆ, તો ઉસને મચા દિયા શોર... લતા મંગેશકર
૪. બન કે દુલ્હનીયા આજ ચલી હું મૈં સાજન કે દ્વારે... લતા મંગેશકર
૫. પાની રે પાની તેરા રંગ કૈસા, જીસમેં મિલા દો લગે... લતા-મૂકેશ

એક નબળા અને કંટાળાજનક ઍક્ટર તરીકે મનોજકુમાર દેશભરના ફિલ્મરસિકોની મશ્કરીઓનો જેટલો ભોગ બન્યો છે, એનાથી બમણા ફોર્સમાં એણે ફિલ્મ 'શોર' બનાવીને બધું સાટું વાળી દીધું છે. આ ફિલ્મ જુઓ તો એ સારો દિગ્દર્શક જ નહિ, ઘણો સારો ઍક્ટર પણ લાગે. (સારા ઍક્ટર બનવાની એક ભૂલ ભારત ભૂષણ ફિલ્મ 'બૈજુ બાવરા'માં કરી ચૂક્યો છે.) મનોજની આ ફિલ્મ 'શોર'ને એક ફિલ્મ કહેવા કરતા, હાથમાં રમાડવા લીધેલુ કોઈનું અતિ રૂપકડું છતાં બિમાર બાળક કહી શકાય. એ બાળકથી અંજાઈ તો જઈએ પણ એની બિમારીનો કોઈ ઉપાય ઈશ્વર પાસે ય ન હોય, ત્યારે આપણી લાચારી ઉપર રડવું આવી જાય! 'શોર' આવું સુંદર છતાં રોવડાવી દે, એવું બાળક છે.

સરસ વાર્તા હતી 'શોર'ની. શંકર (મનોજ કુમાર)ની પહેલી પત્ની નંદા એના પુત્ર દીપક (માસ્ટર સત્યજીત)ને બચાવવા જતા પોતાનો જીવ ગૂમાવી દે છે, એના શૉકમાં દીપક મૂંગો થઈ જાય છે. ફૅક્ટરીમાં કામ કરતો શંકર દીપકના ઑપરેશન માટે પૈસા ભેગા કરવા જીવસટોસટના કામો કરે છે એ પૈસા ભેગા કરે છે. દીકરાનું ઑપરેશન સફળ થાય છે, પણ ડૉક્ટર દીપકને તરત મળવાની ના પાડે છે. એક દિવસ જવા દેવાનું કહે છે. ઑપરેશનની સફળતાની ખુશાલીમાં એક દિવસ પસાર કરવો અઘરો બની જાય છે, એટલે ટાઈમ પાસ કરવા શંકર ફૅક્ટરીએ જાય છે. ત્યાં ઍક્સીડેન્ટ થતા બચી તો જાય છે, પણ એ પર્મેનૅન્ટ બહેરો બની જાય છે. જેનો અવાજ સાંભળવા એ ઝઝૂમ્યો, એ અવાજ સાંભળી શકવાનો નથી, એવી કરૂણાંતિકામાં આ અદ્ભુત ફિલ્મ પૂરી થાય છે. મનોજ કુમાર (જન્મ તા. ૨૪ જુલાઈ, ૧૯૩૭ - પાકિસ્તાનના ઍબોટાબાદ ખાતે એ દસનાણી ગોસ્વામી બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો. સાચું નામ 'હરિકિશન ગીરી ગોસ્વામી') એક્ટર તરીકે ઘણો ફાલતુ પણ પ્રારંભની એણે પોતે બનાવેલી ફિલ્મો 'શહીદ', 'ઉપકાર', 'રોટી, કપડાં ઔર મકાન' અને 'શોર' સુધી તો બેશક એ ઉત્કૃષ્ટ દિગ્દર્શક રહ્યો. એનો ઈન્કાર જ થઈ શકે એમ નથી. પણ એ પછી 'મિસ્ટર ભારત' કહેવડાવવાનો એને સોટો ચઢી ગયો અને 'કલયુગ ઔર રામાયણ', 'ક્લાર્ક', 'પૅઈન્ટર બાબુ', 'સંતોષ' અને 'ક્રાન્તિ' જેવી વાહિયાત ફિલ્મો બનાવીને, ઘણી મેહનતે એક ફાલતુ ઍક્ટર-દિગ્દર્શક તરીકે ગૂમાવેલી નામના પાછી મેળવી બતાવી.

પણ 'શોર' બેશક ક્લાસિક કહી દેવાય એવી સ્વચ્છ અને સુંદર ફિલ્મ હતી. નવાઈ નહિ, ઝાટકા લાગે કે, આવો અસરકારક દિગ્દર્શક, આટલો હૅન્ડસમ હીરો અને (ફિલ્મ 'શોર'માં) પોતાના કિરદારને વરેલો આવો સરસ માણસ આડા રવાડે કેમ ચઢી ગયો?

મનોજ ઍક્ટર તરીકે બેહૂદો હતો અને દિલીપ કુમારની છાયામાંથી બહાર જ ન નીકળ્યો. ખુદ દિલીપ કુમારના મૅનરિઝમ્સ પણ સ્વીકારી શકાય એટલા સાહજીક નહોતા, ત્યાં આ એના ચેલાએ એ જ ગુરૂથી ય બિહામણા ચાળા કૅન્વાસ પર કરી નાંખ્યા. દિલીપ ગાલ પર આંગળા મૂકીને સંવાદો બોલતો, એમાં આ ભ'ઈ ય ઉપડયા. આણે તો અડધો ચેહરો હથેળીથી ઢાંકવા માંડયો. તારી ભલી થાય ચમના... ગૅરેજના દરવાજે આવું શટર પાડી દેવાની સ્ટાઈલમાં ખુદ દિલીપે ય સારો નહોતો લાગતો ત્યાં તું કઈ કમાણી ઉપર ઉપડયો'તો?

મનોજ કુમારની બીજી ય એક મૅનરિઝમ હતી, હીરોઈનને હાથ પણ નહિ લગાવવાની! હવે યાદ કરો, એની કોઇ પણ ફિલ્મની હીરોઇનને અડતા તમે એને જોયો હોય તો ઉઠાવો ધનૂષ-બાણ ને થઈ જાઓ ભાયડા! ભલભલું કામુક દ્રષ્ય હોય, ઉપરથી બનાવટી વરસાદ પડતો હોય, સામે અડધું શરીર ભીનું બતાવતી આખી ઝીનત અમાન શરીરને આડાઅવળા વળાંકો આપીને ''હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી...'' જેવું સૅક્સી ગીત ગાતી હોય ને તું એને અડવા ય નો જાય? પણ ઇ ભડનો દીકરો ઓલીને નો અડે તી નો જ અડે...! ભા'ઈ, તું નો અઈડો એમાં સિનેમા જોવા આવેલા પ્રેક્ષકો ગુસ્સે થઈ જતા કે, તને નો ફાવે એવું હોય તો અમને કામ સોંપ...! પણ તું જાળવ્યો જા જરા, ભા'આય...!

અલબત્ત, મોંઢા ઉપર હાથ વડે શટર પાડી દેવાની મનોજની મિમિક્રી શાહરૂખે કરી, એમાં ગુસ્સે થઈને મનોજે અદાલતના દરવાજા બતાવી દીધા... હકીકતમાં અદાલતમાં કૅસ ઠોકવા માટે તો દિલીપ કુમારે છાતી કાઢવા જેવી હતી કે, ફિલ્મે ફિલ્મે મનોજે મોંઢા ઉપર હાથ ઘુમાવી ઘુમાવીને દિલીપની મશ્કરી કરી છે.

મનોજને તમે ધર્મેન્દ્રની આજુબાજુમાં ય નહિ જુઓ. આશ્ચર્ય એ વાતનું ગણી લો કે, ફિલ્મોમાં આવતા પહેલાં બન્ને પોતાને પહેલી ફિલ્મમાં કામ કરવા મળે, એના માટે મુંબઇમાં દરદર ભટકતા હતા. ગામ છોડીને મુંબઈ હીરો બનવા આવનારાઓ માટે મુંબઈમાં એક મૌસીની લૉજ પ્રખ્યાત હતી. એ જમાનાના અનેક ફિલ્મસ્ટારો સ્ટાર બન્યા પહેલા આ જ લૉજમાં ઉતરતા. મનોજ-ધરમ વચ્ચે દોસ્તી એટલી નિકટની હતી કે, આખો દિવસ મુંબઇમાં કામ માટે રખડીને સાંજે લૉજમાં પાછા આવે ત્યારે બન્નેને એકબીજાની ચિંતા કે, આણે હજી કાંઇ ખાધું નહિ હોય, એટલે પોતાને જે કાંઈ મળ્યું હોય, એ એકબીજા માટે બચાવે. બન્ને ફક્ત એક ફિલ્મ 'શાદી' (હીરોઈન સાયરાબાનુ)માં પહેલી અને છેલ્લીવાર સાથે આવ્યા હતા.

કલ્પના કરો, વખત કેવો આવ્યો... કે વખત જતા બન્ને મોટા સ્ટાર્સ બની ગયા, પણ વચમાં કોણ જાણે શું બન્યું કે, બન્ને વચ્ચે કાયમી અબોલા થઈ ગયા, તે આજ સુધી ઉખડયા નથી.

મનોજ કુમાર માટે જે થોડીઘણી લોકકથાઓ ચાલે છે, એમાંની એક ચોંકાવનારી છે. ફિલ્મે ફિલ્મે પોતાને 'મિસ્ટર ભારત' કહેવડાવનાર મનોજે દેશભક્ત હોવાની હવા ઊભી કરી હતી. પણ રાષ્ટ્રને લગતા કોઈ પણ ફંક્શનમાં મનોજ પોતાના તરફથી દેશ માટે કોઈ લાખ-બે લાખનું દાન જાહેર કરી દે. ટીવી કે છાપાઓમાં એને જોઈતી પબ્લિસિટી મળી જાય? બસ, પછી આયોજકો એ પૈસા લેવા મનોજને ઘેર જાય ત્યારે મનોજના નાટકો ચાલુ થાય. યા તો પોતે આવી કોઇ જાહેરાત કરી જ નથી, ને કાં તો બે લાખની જાહેરાતની સામે રૂ. ૫૦૦/- જેટલી કે જેવી રકમ પકડાવી દે.

મનોજની પત્ની શશી ગોસ્વામીનું મનોજ ઉપર પહેલેથી આધિપત્ય રહ્યું છે. (કદાચ... એ જ કારણે મનોજ હીરોઇનોને અડતો નહોતો...?) પણ પેલી 'ક્લર્ક' અને 'પૅન્ટરબાબુ' જેવી ફિલ્મોની નિષ્ફળતાથી ડઘાઈને મનોજ પૂરજોશ દારૂના રવાડે ચઢી ગયો. રાત-દિવસ દારૂ, દારૂ ને દારૂ! એ છોડવવા પત્ની શશીએ ઘણી મિન્નતો કરી... કોઇ ફાયદો નહિ! છેવટે ધમકીરૂપે શશીએ પોતે દારૂ પીવાની ચીમકી આપી જોઇ. મનોજને તો ભાવતું'તું એ વૈદ્યે કીધું. બન્ને નિયમિત સાથે બેસીને દારૂ ઢીંચવા માંડયા. અંજામ એ આવ્યો કે, શશી એટલી હદે ઢીંચવા માંડી કે, પીધેલા મનોજને ય ચિંતા થઈ, કહે છે કે, મનોજ હવે શશી પાસે દારૂ છોડાવવા મિન્નતો કરે છે ને એ બાજુ કોઈ ફરક પડતો નથી.

નંદા (૮ જાન્યુઆરી, ૧૯૩૯) મહારાષ્ટ્રીયન હતી. નામ હતું, નંદા વિનાયકરાવ કર્ણાટકી. એ પણ ફિલ્મો ઉતારતા અને જાતે ઉતરતા ય ખરા. લતા મંગેશકરને પહેલો ચાન્સ આ વિનાયકરાવે આપ્યો હતો. વ્હી. શાંતારામના એ ભાઈ થાય-સગા ભાઈ કે દૂરના એની મને ખબર નથી, કારણ કે શાંતારામની અટક 'વાનકુદ્રે' હતી અને વિનુભ'ઈની 'કર્ણાટકી'. નંદાનો સગો ભાઈ જયપ્રકાશ આ કર્ણાટકી અટક વાપરે છે. એ પાછો એક જમાનાની ડાન્સર જયશ્રી ટીને પરણ્યો છે. આ 'ટી' એટલે 'તલપડે', નંદા ફિલ્મી પરદા પર કેવી ગ્રૅસિયસ અને પવિત્રતાની મૂર્તિ લાગતી? અંગત જીવનમાં ય એવી જ મૂર્તિ હતી. શશી કપૂર એને ખૂબ ગમતો. શશીને પણ નંદી તાઉમ્ર ગમી છે, પણ લફડે-બફડેવાલી કોઈ બાત નહિ, ભાઈ! 'જબ જબ ફૂલ ખીલે'ના કાશ્મિરમાં શૂટિંગ દરમ્યાન એક હૅન્ડસમ આર્મીના મરાઠી લેફ્ટનન્ટ (હવે નવી ફૅશન મુજબ ઉચ્ચાર 'લ્યૂટૅનન્ટ' બોલાય છે.) શૂટિંગના બહાને નંદાને જોવા આવતો. નંદાને પણ એ ગમતો હતો. પેલો સંસ્કારી ઘરનો હતો, એટલે કોઈ ફિલ્મી-સ્ટાઇલ-બાઇલ વગર ફિલ્મના દિગ્દર્શક સૂરજ પ્રકાશ દ્વારા વિધિસરના લગ્નનું માંગુ નાંખ્યું. નંદાએ વિનયપૂર્વક પ્રસ્તાવ ઠૂકરાવી દીધો. એની આજ સુધીની સર્વોત્તમ દોસ્ત વહિદા રહેમાને ખૂબ સમજાવી ત્યારે 'અમર, અકબર, ઍન્થની'વાળા સ્વ. મનમોહન દેસાઈ સાથે લગ્ન કરવા સહમત થઈ. બન્નેની ઑફિશિયલ સગાઈ પણ થઈ. ઘરમાં શુધ્ધ ગુજરાતી બોલતા મનમોહન દેસાઈ ખુશ તો બહુ હતા, નંદા સાથેના વિવાહથી, પણ ગીરગાંવ ખાતે એમના મકાનની ટૅરેસ પરની રૅલિંગ તૂટી જતા છેક નીચે જમીન પર પટકાઈને ગૂજરી ગયા. ઘણાના મતે આ એક આત્મહત્યાનો કૅસ હતો. પણ ત્યાર પછી કે ત્યાર પહેલા નંદા પૂર્ણપણે પવિત્ર સ્ત્રી રહી છે.

નંદા મેહમાન કલાકાર તરીકે છે, પણ મનોજે ખૂબ આદરપૂર્વક એને રજુ કરી છે. એ તો આ રોલ નહોતી કરવાની અને એ હા ન પાડે તો આ રોલ નૂતનને મળવાનો હતો, પણ નંદાએ મનોજની વિનંતી સ્વીકારી લીધી, એ રૂડું થયું. એવું પ્રેમનાથનું થયું. હમણાં ગૂજરી ગયેલા આપણા સહુના મનભાવન ચરીત્ર અભિનેતા સ્વ. પ્રાણને આ ફિલ્મના પઠાણનો રોલ ઑફર કર્યો હતો, પણ એ જ દિવસોમાં પ્રાણ અમિતાભવાળી ફિલ્મ 'ઝંજીર'માં શેરખાનનો રોલ કરી રહ્યા હતા. બન્નેના રોલ એકસરખાં હોવાથી પ્રાણે વિનયપૂર્વક 'શોર' મચાવવાની ના પાડી દીધી હતી. ખૂબ દારૂ પી પીને નાની ઉંમરે ગૂજરી ગયેલો, આ ફિલ્મનો વિલન મનમોહન ગુજરાતી હતો. એનો દીકરો નીતિન મનમોહન ફિલ્મો બનાવે છે.

ભારતની પબ્લિકને સારી ફિલ્મ જોતા આવડે છે, એની સાબિતી 'શોર'ની ટીકીટબારી ઉપરની ગંજાવર સફળતા, ઈન ફૅક્ટ, આખી ફિલ્મને આસમાની બુલંદીઓ ઉપર લઈ જવા માટે લક્ષ્મીકાંત-પ્યારેલાલનું મધુરૂં સંગીત કાફી હતું ને એમાં ય, લતા-મૂકેશનું 'એક પ્યાર કા નગ્મા હૈ, મૌજોં કી રવાની હૈ' લક્ષ્મી-પ્યારેનું મૅગ્નમ ઑપસ ગીત કહેવાશે. લતાના બે ગીતો 'જરા સા ઉસકો છુઆ તો...' અને 'શેહનાઈ બજે ના બજે...' બહુ ઊંચી ઔલાદના ગીતો છે. રામ જાણે કેમ, પબ્લિકની સ્મૃતિમાંથી જલ્દી નીકળી ગયા!

પેલું ઇંગ્લિશમાં કહે છે ને કે, 'ઇંગ્લૅન્ડ'સ લૉસ ઇઝ રોમ્સ ગૅઇન'... એવું કંઇ હતું... એ મુજબ, વર્ષોથી મનોજકુમાર કલ્યાણજી-આણંદજીને વફાદાર રહ્યો, પણ આ બન્નેની આદત મુજબ, નબળું સંગીત પહેલા આપી દેવાનું ને પછી જીંદગી બચી હોય તો સારા સંગીતની વાતો કરવાની. મનોજે એ બન્નેને કાઢી લક્ષ્મીકાંત-પ્યારેલાલને લીધા ને એ બન્નેએ એક પછી એક ફિલ્મોમાં આદત મુજબ ડંકો વગાડી દીધો.

અહીં આ બન્ને સંગીતકારો પૂરબહારમાં ખીલ્યા છે અને મનોજે દિગ્દર્શકની બાહોશી બતાવીને એક પણ ગીત, વાર્તાને સુસંગત ન હોય, એમ મૂક્યું નથી. ફિલ્મમાં તમને એની નિહાયત જરૂરત લાગે. પ્રમાણમાં નબળા લાગે એ બે ગીતો 'જીવન ચલને કા નામ' અને 'પાની રે પાની તેરા રંગ કૈસા' ફિલ્મમાં યથાર્થ લાગે છે. બહુ ઓછાને ખબર હશે કે, સુમન કલ્યાણપુરની એક બહેન પણ ગાયિકા છે, શ્યામા ચિતાર, જેણે 'પાની રે પાની...'માં મૂકેશને સાથ આપ્યો છે.

પબ્લિકની સ્મૃતિમાંથી તો એ ય નીકળી ગયું હશે કે, કેટલાક સાયકલ સ્ટન્ટમૅન સળંગ ૫-૭ દિવસ સુધી સાયકલ પરથી ઉતર્યા વગર કોઈ એક સ્થળે મંડપ બાંધીને સાયકલ ચલાવે જતા. નહાવા-ધોવાનું પણ સાયકલ ઉપર જ! આ ૫-૭ દિવસમાં એક પણ વખત જમીન પર પગ નહિ મુકવાનો. એ જમાનામાં અમદાવાદમાં આવા ખેલો કરનારા બહુ જોવા મળતા. દીકરાના ઑપરેશન માટે મનોજ કુમાર પણ આ ફિલ્મમાં આવી સાયકલ ચલાવે છે.

મનોજ દિગ્દર્શક તરીકે સારો હતો, એમાં એક કારણ એના 'ટૅકિંગ'નું પણ હતું. આ ફિલ્મના 'પાની રે પાની તેરા રંગ કૈસા...' ગીતમાં મનોજે એની આખી કરિયરનો સુંદર નિચોડ કૅમેરાથી પણ આપી દીધો છે. કૅમેરા તો નરીમાન ઈરાનીએ ચલાવ્યો છે, પણ ટૅકિંગ મનોજનું હોય. ટૅકિંગ એટલે ફિલ્મનું કોઈપણ દ્રશ્ય કેમેરાના કયા ઍન્ગલથી કેવી રીતે જુદી જુદી કે અનોખી રીતે ઝડપવું, જેની માસ્ટરી રાજ કપુર, વ્હી. શાંતારામ, વિજય આનંદ અને રાજ ખોસલામાં ભારોભાર હતી. મનોજનું ટૅકિંગ પણ અદ્ભુત! યસ, ક્યારેક એ અવળચંડાઈ પર ચઢી જતો. જેમ કે 'એક પ્યાર કા નગ્મા હૈ..'ના ટૅકિંગમાં રીફ્લૅક્શન-ટૅકનિકનો એણે અતિરેક કર્યો છે. ઉપરના અડધા સ્ક્રીન પર દ્રશ્ય દેખાય, એનું ઊલટું અડધા સ્ક્રીનની નીચે દેખાતું રહે. આવી ટૅકનિકો જાદુનગરીવાળી ફિલ્મોમાં 'કૅમેરાના જાદુગર' કહેવાતા આપણા ગુજરાતી કૅમેરામૅન બાબુભાઈ મિસ્ત્રીએ બહુ વાપરી છે, મનોજે નવું કાંઈ નથી આપ્યું.આ લખનાર ઉપર થોડો ય વિશ્વાસ હોય અને વેદનાભરી ફિલ્મો ગમતી હોય તો તાબડતોબ આ ફિલ્મની ડીવીડી મંગાવી લો.

(નોંધ : આ લેખ તા.૨૨ જુલાઇ ૨૦૧૩ના રોજ લખાયો, એ જ દિવસે મનોજકુમારને ગંભીર બિમારી માટે મુંબઇની 'કોકીલાબેન હોસ્પિટલમાં' દાખલ કરવામાં આવ્યા છે.)

No comments: