Search This Blog

20/09/2013

કાબુલીવાલા

- અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન ગંગા આયે કહાં સે, ગંગા જાયે કહાં રે... ટાગોરની ભાવવાહી કૃતિ

ગીતો :
૧. ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં રે... - હેંમતકુમાર
૨. અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન... - મન્ના ડે
૩. ઓ સબા કહેના મેરે દિલદાર કો, દિલ તડપતા હૈ... - મુહમ્મદ રફી
૪. નન્હે મુન્ને ક્યું કુમ્હલાયા તેરા મુખડા પ્યારા... - હેમંતકુમાર,ઉષામંગેશકર, સવિતા બેનર્જી, રાનુ મુકર્જી

 
 
 
ફિલ્મ - કાબુલીવાલા ('૬૧)
નિર્માતા - બિમલ રૉય
દિગ્દર્શક - હેમેન ગુપ્તા
સંગીત - સલિલ ચૌધરી
ગીતો - પ્રેમ ધવન-ગુલઝાર
રનિંગ ટાઈમ - ૧૫ રીલ્સ : ૧૩૪-મિનીટ્સ
થીયેટર - નોવેલ્ટી (અમદાવાદ)
કલાકારો - બલરાજ સાહની, સોનુ, ઉષા કિરણ, અસિત સેન, તરૂણ બોઝ, બેબી ફરીદા, પોલ મહેન્દ્ર અને સજ્જન.
 
હજી હમણાં જ... આઈ મીન, બસ દસ-પંદર દિવસ પહેલા છાપાઓમાં તમે વાંચ્યું હશે કે, કાબુલમાં એક ભારતીય લેખિકા સુષ્મિતા બેનર્જીની તાલીબાનોએ હત્યા કરી નાંખી છે. એ પોતે નસીબ અને સિફતના જોર પર તાલીબાનોના હાથમાંથી છુટી અને જીવતી રહી, એટલે 'કાબુલીવાલાની બંગાળી પત્ની' નામની નવલકથા લખી, જેના પરથી હિંદી ફિલ્મ પણ બની હતી. આ પુસ્તકના પુરસ્કાર રૂપે તાલીબાનોએ એના ઘરમાં ઘુસીને, એના પતિને બાંધી, સુષ્મિતાને ઘરની બહાર કાઢીને ઠાર મારી હતી. તાલીબાનો વિશે કંઈ પણ ઘસાતું લખવાનો આ અંજામ હતો. કવિવર ટાગોરને તો સ્વર્ગમાં ય કલ્પના નહિ હોય, એમની અમરકૃતિ આવો કોઈ રંગ લાવશે.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર મૂળ તો કવિ જીવ, પણ એક મહર્ષિ જેવા દાઢી-મૂછ અને આખું શરીર ઢાંકે એવા વિશાળ પહેરવેશની અંદર એક વાર્તાકાર પણ છુપાયેલો હતો. ગુરુદેવે ટૂંકી વાર્તાઓ અનેક લખી છે, એમાંની એક આ, 'કાબુલીવાલા' યાદ હોય તો મારી ઉંમરના નવજવાનોને સ્કૂલમાં ભણવામાં પણ આવતી હતી. લાગણીઓનો આખો દરીયો ખુંદી વળે અને મહીંથી અર્ક સમું સુંદર સાહિત્ય નિપજે, એ સિદ્ધિ આ વાર્તાની. પછી તો પૂછવાનું શું રહે કે, પોતાના બંગાળની ભૂમિને અનહદ પ્રેમ કરતા ફિલ્મસર્જક બિમલ રોયે આ ફિલ્મ બનાવી હોય અને એક સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રાયવેટ સેક્રેટરી રહી ચૂકેલા હેમેન ગુપ્તાએ આ ફિલ્મ નિર્દેષિત કરી હોય. અને છતાં ય, આ બધાથી ય સર્વોપરી સાબિત થાય એવું અફઘાની સ્પર્ષ ધરાવતું દિલડોલ સંગીત આપણા સલિલ ચૌધરીનું હોય! ફિલ્મ '૬૧ની સાલમાં આવી અને જતી ય રહી, કોઈએ નોંધ પણ ન લીધી, છતાં ય આજ સુધી એના ગીતો પાઠયપુસ્તકની કવિતાઓની જેમ લોકહૃદયે કંઠસ્થ છે અને જૂની ફિલ્મોને લગતો ભાગ્યે જ કોઈ સ્ટેજ પ્રોગ્રામ હશે જેમાં 'અય મેરે પ્યારે વતન' કે 'ગંગા આયે કહાં સે...' ન ગવાતું હોય!

હજી ઉમળકો પૂરો થાય એવો નથી. અફઘાની પઠાણના રોલમાં ધી ગ્રેટ બલરાજ સાહની જેવો અદાકાર હોય, તો ફિલ્મ કેવી પ્રેક્ષણીય બની હોવી જોઈએ...?

... નહોતી બની! ટાગોરની અમરકૃતિને શોભાવે, એ સ્તરનું ફિલ્મનું દિગ્દર્શન નહોતું. એવું પ્રોડક્શને ય નહોતું ફિલ્મ બિમલ રોયની હોવા છતાં દિગ્દર્શક હેમેન ગુપ્તાએ બધો દાટ વાળ્યો હતો. આ તો સારું છે કે, મેઈન લીડમાં બલરાજ સાહની હતા એટલે એક્ટિંગ આપોઆપ નીકળી આવે, પણ બાકીનાઓ પાસેથી એક્ટીંગ તો દૂરની વાત છે, કોઇને કેમેરામાં ય રહેવા દીધા નથી. એક સંવાદ સાંભળતી વખતે બીજું પાત્ર કેવી રીતે રીએક્ટ કરે, એ તો કોઈ દ્રષ્યમાં નથી લેવાયું. આઘાતની વાત તો ખરી જ ને કે, બીજા પાત્રનો ચેહરો પણ દેખાય નહિ. કેમેરામાં ક્લોઝ-અપનું શું મૂલ્ય છે, એ તો રાજ કપૂર કે ગુરુદત્ત જેવા નિર્દશકો જાણે... વગર બોલાયે અનેક સંવાદો એક ક્લોઝ-અપ શોટ બોલી આપે! ફિલ્મ ચાલી જ નથી, એનો સરવાળો એ વાતથી થઈ જાય છે કે, ટાગોરની મૂળ કૃતિને ય ન્યાય થયો નથી. સલિલ દા નું બેનમૂન સંગીત ન હોત, તો કોઈને સ્મરણમાં પણ ન રહેત કે, 'કાબુલીવાલા' નામની કોઈ ફિલ્મ પણ બની હતી.

વિધવા માં (અનવરીબાઈ) અને માં વિનાની દીકરી સાથે અબ્દુલ રહેમાન (બલરાજ સાહની) નામનો ગરીબ પઠાણ કાબુલમાં છુટક સૂકો-મેવો વેચીને માંડ પેટીયું રળે છે. ૪-૫ વર્ષની નાની દીકરી અમીના (બેબી ફરીદા)ની માંદગીના ખર્ચામાં દેવું વધી જતા, પૈસા કમાવા એ હિંદુસ્તાન આવે છે, કલકત્તા. એ જ સૂકો મેવો અને અફઘાની બનાવટની શોલ વગેરે વેચવાનો ધંધો કરે છે. પોતે કલકત્તાના એક સામાન્ય બોર્ડિંગ હાઉસમાં રહે છે, જ્યાં એના દેશના અન્ય પઠાણો રહેતા હોય છે. દરમ્યાનમાં એની પુત્રીની સતત યાદ અપાવે, એવી એક નાની ઢીંગલી મીની (સોનુ) સાથે અકસ્માત ભેટો થઈ જાય છે. મીનીની માં (ઉષા કિરણ) અને નોકર (અસીત સેન) ડરતા રહે છે કે, પઠાણો તો નાની છોકરીઓને ઉઠાવી જાય, પણ એટલું સંકુચિત માનસ મીનીના પિતા (સજ્જન)નું ન હોવાથી, પત્નીથી ડરીને પણ એ કાબુલીવાલા સાથે મીનીને ઘરના કમ્પાઉન્ડમાં હળવા-મળવાની છુટ આપે છે. દરમ્યાનમાં છુટક શોલ વેચવા જતા એક ગ્રાહક ઉધારે માલ લીધા પછી વખત આવે ફરી જાય છે અને અબ્દુલને ગાળો આપતા અબ્દુલ એને છરો મારી દે છે ને દસ વર્ષની જેલ થાય છે. એ પાછો આવીને એક જ ધગશ રાખે છે, એની લાડકી દીકરી અમિનાની યાદ અપાવતી મીનીને મળવાની, પણ એના ઘેર જતા ખબર પડે છે કે, મીની હવે મોટી થઈ ગઈ છે ને અત્યારે એના લગ્ન છે. કમનસીબે મીની એને ઓળખતી નથી, પણ એના પિતા સદભાવથી અબ્દુલને કાબુલ પાછા જવાના પૈસા પરાણે આપે છે. મીની પણ કોઈ અગમ્ય નિર્દેષથી ભલે ઓળખી ગઈ ન હોવા છતાં, કાબુલીવાલાની દીકરી માટે પોતાની સોનાની બંગડીઓ ભેટમાં આપે છે. અબ્દુલ એના વતન પાછો જતો રહે છે.

ફિલ્મનો આવો અંત લાવવા વાર્તાલેખક ટાગોર થોડા ક્રૂર થયા છે. જેલમાંથી પાછા આવેલા કાબુલીવાલાને મીની ઓળખી જઈને થોડી નાઈસ અને ડીસન્ટ થઈ હોત, તો વાર્તાના અંતને નુકસાન થયું ન હોત. વાચકો કે પ્રેક્ષકો ખુશ થાત. દિગ્દર્શક પણ બહુ મોટી જગ્યા ચૂક્યા છે. આટલા વર્ષે પાછા આવેલા કાબુલીવાલાને જોઈએ જે સ્વાભાવિક ઉમળકો આવવો જોઈએ એ તો ઠીક, નથી આવ્યો, પણ કોઈ વાતાવરણે ય ઊભું થઈ શક્યું નથી.

વાતાવરણ તો એકદમ સોફટ ચેહરો ધરાવતા ધી ગ્રેટ બલરાજ સાહની ઊભું કરે છે, એમની સાહજીક એક્ટિંગથી. ખાસ કરીને બલરાજના પશ્તુ ભાષાના ઉચ્ચારોમાંથી કોઈ સાચો અફઘાની પણ ભૂલ કાઢી શકે એમ નથી. નોર્મલી, ગુજરાતમાં તમે મુશાયરામાં જતા હો, ત્યાં આપણા ગુજરાતી ભાષી શાયરો જ્યારે ઉર્દુમાં શે'ર કહેવા જાય છે, ત્યાં ફિલમ ઉતરી જાય છે. ઉર્દુ બોલવાનો ય એક લહેજો છે, તેહઝીબ છે, એ બલરાજને શીખવવો પડયો નથી. પાકિસ્તાનના રાવલપિંડીમાં જન્મેલા બલરાજનું મૂળ નામ યુધિષ્ઠિર સાહની હતું કે હિંદીમાં બેચલર અને ઈંગ્લિશમાં બે વખત માસ્ટર્સ ડીગ્રી મેળવનાર બલરાજે ટાગોરના શાંતિનિકેતનમાં પત્ની દમયંતિ સાથે અને એ પહેલા મહાત્મા ગાંધી સાથે પણ અંગત ધોરણે કામ કર્યું છે. બાપુના જ કહેવાથી બલરાજ બીબીસીમાં એનાઉન્સર તરીકે ગયા હતા, એ બધી વાતો અગાઉ જ બલરાજ સાહનીની કોઈ ફિલ્મના રીવ્યૂમાં આપણે વાંચી ચૂક્યા છીએ. અલબત્ત, લોકો તો એને ફિલ્મ 'વક્ત'માં 'અય મેરી જોહરાજબીં...' ગાનાર લાલાજી તરીકે જ વધુ ઓળખવાના. મૂળ કમ્યૂનિસ્ટ પાર્ટીનો આ માણસ છેવટે ઈંન્દિરા કોંગ્રેસમાં જોડાયો અને મને યાદ છે, અમદાવાદના ગાંધી રોડની ખત્રી પોળમાં હું રહેતો ત્યારે પોળના નાકેથી નીકળેલા કોંગી સરઘસમાં એમને ટ્રક પર ઊભેલા જોયા, ત્યારે રાજી થઈ જવાયું હતું કે, 'કેવા લાલ બુંદ છે!'

ઉષા કિરણ સદનસીબ અભિનેત્રી હતી, જેણે દેવ આનંદ, દિલીપ કુમાર, રાજ કપૂર અને રાજેન્દ્ર કુમાર જેવા ટોપ સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. ડો. મનોહર ખેરની આ પત્ની લતા મંગેશકર કરતા ફક્ત પાંચ જ મહિના મોટી હતી. એના પુત્ર અદ્વૈત ખેરના ઘેર ૭૦ વર્ષની ઉંમરે નાશિકમાં એ ૯ માર્ચ, ૨૦૦૦ના રોજ ગૂજરી ગઈ. અદ્વૈત મોડેલિંગ કરી ચૂક્યો છે. એની વાઈફ મીસ ઈન્ડિયા (૮૨)માં ભાગ લઈ ચૂકી છે. ઉષાની એક દીકરી તન્વી આઝમી શબાના આઝમીના ભાઈ બાબા આઝમી સાથે પરણી, જ્યારે બીજી સંસ્કૃતિ ખેર અને સંયમી ખેર વિશે માહિતી નથી, પણ એટલી માહિતી ચોક્કસ છે કે, ખેર હોવા છતાં આખું ફેમિલી અનુપમ ખેરનું કોઈ સગું નથી. આ ફેમિલી મહારાષ્ટ્રીયન છે, જ્યારે અનુપમ કાશ્મિરી પંડિત છે.

સજ્જન તમને યાદ રહી ગયો હોય તો ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'ના વિલન તરીકે. મધુબાલાને પામવા ગળે રૂમાલ વડે પરસેવો લૂછતો આ વિલન બબિતા-જીતેન્દ્રની ફિલ્મ 'ફર્ઝ'માં ય વખણાયો હતો, પણ નિખાલસતાપૂર્વક કબુલ કરે છે, કે આખી ફિલ્મ કરિયરમાં મને કે પ્રેક્ષકોને યાદ રહી જાય એવો એકે ય રોલ મેં કર્યો નથી. સજ્જનની સજ્જનતા એ વાતમાં દેખાય છ કે કોઈ દંભ વગર કબુલ કરી લીધું હતું કે, પોતે બહુ સામાન્ય કક્ષાનો અભિનેતા હતો. રોશનની ફિલ્મ 'હમલોગ'ના મુકેશના ગીત 'અપની નઝર સે, ઉનકી નઝર તક, એક ઝમાના એક ફસાના' ગાઈને ખુશ થઈ જતા અમારા દોસ્ત તુષાર માંકડને એ પણ ખબર છે કે, 'હમલોગ'નો હીરો સજ્જન હતો. આખી મહાબળેશ્વરમાં શૂટ થયેલી મધુબાલાની ફિલ્મ 'સૈંયા'નો હીરો સજ્જન હતો. સજ્જાદ હુસેનના લતા મંગેશકરના ગીતોની જાહોજલાલી કોણ ભૂલવાનું છે?

ફિલ્મના નિર્માતા બિમલ રોય ડેફિનેટલી એક કલાસિક સર્જક હતા. મધુમતિ, સુજાતા કે બંદિની જેવી ફિલ્મોના આ સર્જક દારૂને અડે નહિ પણ સિગારેટ ચાલુ જ હોય. એની દીકરી રિન્કી એમના જ આસિસ્ટન્ટ અને બહુ બદનામ થયેલા બાસુ ભટ્ટાચાર્ય સાથે ભાગીને પરણી ગઈ, ત્યારે કાકા અપસેટ બહુ થઈ ગયેલા. આ બાસુ હવે તો હયાત નથી, પણ 'તનૂજાવાળી ફિલ્મ 'અનુભવ' અને રાજ કપૂરવાળી ફિલ્મ 'તીસરી કસમ' એમણે દિગ્દર્શિત કરી હતી. જીદ્દી રિન્કી માટે બાસુ સિવાય બધા ભાઈ-બાપ હતા નહિ તો નોબેલ પ્રાઈઝ વિજેતા અમર્ત્ય સેનનું માંગુ પણ રિન્કીએ પાછું કાઢ્યું હતું.

'કાબુલીવાલા'નું સર્વોત્તમ પાસું એનું સંગીત છે. સલિલ દા આમે ય આપણા જેવા મધુરા ગીતો (મેલડી)ના ચાહકોના લાડકા તો હોય જ. એમની ધૂનો લતા મંગેશકરના શબ્દોમાં કહીએ તો ખૂબ મીઠડી છતાં 'વીયર્ડ' હતી. વીયર્ડ એટલે... સમજો ને, ગાવા/ સાંભળવામાં જરા અઘરી અઘરી પડે એવી ! પણ 'કાબુલીવાલા'ના તો ચારે ય ગીતોમાં બાબુ મોશાયે અરબી વાજીંત્રોનો મનોહર ઉપયોગ કર્યો છે. 'અય મેરે પ્યારે વતન'માં રબાબ કેવું કર્ણપ્રિય લાગે છે, તો બીજી બાજુ 'ગંગા આયે કહાં સે'માં બગલબચ્ચું વગાડીને ગીતને સાધુ-સ્પર્ષ આપ્યો છે. પણ જે ગીતને કારણે હું લાંબો થઈ થઈને મુહમ્મદ રફી સાહેબના ચરણોમાં માથું નમાવી દઉં છું, એ 'ઓ યા કુરબાન... ઓ સબા કહેના મેરે દિલદાર કો, દિલ તડપતા હૈ તેરે દીદાર કો'માં સાહેબે કેવા પરફેક્શનથી બિલકુલ અરબી ઉચ્ચારો કાઢ્યા છે? જાણે કોઈ પઠાણ જ ગાતો હોય! કમનસીબી ફરી પાછી ડાયરેક્ટરના નામની આવે છે કે, ફિલ્મના આવા સુંદર ગીતોનું પિક્ચરાઈઝેશન તદ્ન રદી ઢબથી કરવામાં આવ્યું છે. ઘણી વાર એવું બને છે કે, ગીત આપણે ફ્ક્ત સાંભળ્યું હોય, ફિલ્મમાં કેવુ લાગે છે, એ જાણવા મળ્યું ન હોય... પણ અનાયાસે ફિલ્મમાં જોવાઈ જાય ત્યારે અનેક વખત આપણો રંગ ઉડી જાય છે કે, ફિલ્મમાં તદ્ન બોગસ લાગે છે અથવા આવું સરસ ગીત ફિલ્મમાં કોમેડીયન જગદીપે ગાયું છે?

યાદ છે ને, રફીનું 'પાસ બૈઠો તબિયત બહેલ જાયેગી, મૌત ભી આ ગઈ હો તો ટલ જાયેગી' એ ફિલ્મ 'પુનર્મિલન'નું ગીત ફિલ્મમાં જગદીપે ગાયું છે... થીયેટરની બહાર આવીને ખારી સિંગવાળાની જે પહેલી લારી દેખાય, તે આખી ઉછાળી આવવાનો ગુસ્સો ચઢે કે નહિ? અહીં તો ફિલ્મના ત્રણે ય મુખ્ય ગીતો બલરાજ સાહની ઉપર ફિલ્માયા જ નથી. ન જોવાય તો કાંઈ લૂંટાઈ જવાનું નથી, એવી સામાન્ય ફિલ્મ 'કાબુલીવાલા' છે.
 

No comments: