Search This Blog

27/09/2013

અભિમાન

- સજન બિંદીયા લે લેગી, તેરી નીંદીયા...

ગીતો :
૧. નદીયા કિનારે, હેરાયે આયે કંગના, ઐસે ઉલઝ ગયે - લતા મંગેશકર
૨. મિત ના મિલા રે મન કા, કોઈ તો મિલન કા કરો રે - કિશોર કુમાર
૩. અબ તો હૈ તુમ સે હર ખુશી અપની, તુમ સે મિલના ર - લતા મંગેશકર
૪. તેરી બિંદીયા રે, રે આય હાય તેરી બિંદીયા રે, સજન બિંદિયા - લતા-રફી
૫. તેરે મેરે મિલન કી યે રૈના, નયા કોઈ ગુલ ખીલાયેગી - લતા-કિશોર
૬. લૂટે કોઈ મન કા નગર બન કે મેરા સાથી, કૌન હૈ વો - લતા-મનહર ઉધાસ
૭. પિયા બિના પિયા બિના બંસીયા, બાજે ના બાજે ના, બાજે ના - લતા મંગેશકર

ફિલ્મ : અભિમાન ('૭૩)
નિર્માતા : સુશીલા કામત-પવન જૈન
દિગ્દર્શક : ઋષિકેશ મુકર્જી
સંગીત : સચિનદેવ બર્મન
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૨૨ મિનિટ્સ- ૧૪ રીલ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, બિંદુ, એ. કે. હંગલ, અસરાની, દુર્ગા ખોટે, ડેવિડ અબ્રાહમ ચેઉલકર, રાજુ શ્રેષ્ઠા (બાલ કલાકાર)

 


રાજેશ ખન્નાએ કોઈ નહિ ને અમિતાભ બચ્ચનને હડધૂત નહોતો કરવા જેવો! કબુલ કે, ખન્નો એ વખતે તો અમેરિકાના પ્રેસિડેન્ટને ય હડધૂત કરી શકે, એવી સફળતાના બુલંદ સિતારા પર બેઠો હતો. ભૂલ એની એટલી કે, એ જીવશે ત્યાં સુધી એની શહેનશાહી કાયમ રહેવાની છે, એવું એ માની બેઠો. દેવયાની ચૌબલ નામની 'સ્ટાર એન્ડ સ્ટાઈલ'ની પત્રકાર રાજેશ ખન્નાને પૂરજોશ ઉઘાડેછોગ પ્રેમ કરવા માંડી હતી, પણ ઋષિકેશ મુકર્જીનું 'નમકહરામ' ખન્ના-બચ્ચનને સાથે લઈને રીલિઝ થયું, ત્યારે પોતાની 'ફ્રેન્કલી સ્પીકિંગ' કોલમમાં માત્ર ઈશારો નહિ, ખતરાની તોતિંગ ઘંટડી વગાડી દીધી કે, ટોપ પર જગ્યા બહુ ઓછી છે ને રાજેશ સુધી અમિતાભ પહોંચી ગયો છે. પોસિબલ છે, અમિતાભ ખન્નાનું સામ્રાજ્ય ઝૂંટવી લેશે.

'કાકા' એટલે કે ખન્ના અભિમાનના જથ્થાબંધ સંગ્રહખોર. જે એમને ચાહતા હતા, તે બધા ધ્યાન દોરતા રહ્યા કે, અમિતાભ નામનો સિતારો ફિલ્મનગરી માથેનું આકાશ ચીરતો સીધો ખન્નાની રિયાસત પર અથડાવાનો છે. પણ રૂપેશ કુમાર (મુમતાઝનો કઝિન), સુજિત કુમાર, કાકાનો સેક્રેટરી વી. કે. શર્મા અને ખાસ દોસ્ત ગુરનામ... આ બધાઓએ મોટા ગજાની ચમચાગીરીઓ કરી કરીને કાકાને 'અમિતાભ તો બચ્ચું છે' જેવી બડાશો મારે રાખી. કાકા પાસે પોતાની બુદ્ધિ તો રહી નહોતી. ચમચાઓની ચઢવણીમાં આવી ગયા અને અમિતાભને હડધૂત કરવા માંડયા.

આમે ય, કલ્ચર કલ્ચરનો ફેર તો પડે! ખન્નો હતો તો મોટા ઘરનો બિગડેલ અને દત્તક દીકરો. વિવેક-વિનય તો સ્કૂલમાં એને ભણવામાં ય નહોતા આવતા. તોછડો અને અભિમાની ઘણો.

બીજી બાજુ, સ્વ. વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ખાસ સખી તેજી બચ્ચન અને ગણનાપાત્ર મહાન સાહિત્યકાર હરિવંશરાય બચ્ચનનો દીકરો અમિતાભ આજે પણ એની ડીસન્સીને કારણે મશહૂર છે. કેરેક્ટરનો ય શુદ્ધ માણસ. રેખા સાથેના લફરાંને કમ-સે-કમ હું તો પત્ની જયા ભાદુરી સામે બેવફાઈ નથી ગણતો. 'કૌન બનેગા કરોડપતિ'માં ય આ માણસ સ્ત્રીઓને સાચા અર્થમાં કેવો આદર આપે છે. પરસ્ત્રીને લિપટવાની કે મોકો જોઈને અડી લેવાની લાલચ આ શો કરી ચૂકેલા અગાઉના એક્ટરો કરી ચૂક્યા છે. બચ્ચનનું મૂલ્ય ત્યાં ઊંચું છે.

આટલી પ્રચંડ સફળતા છતાં અભિમાનનો છાંટો ય નહિ, એ જ માણસ પાસે ઋષિકેશ મુકર્જીએ, સંજોગોથી અભિમાની બનેલા પતિનો રોલ કરાવ્યો છે. મીડિયાએ તો આડેધડ જોયા-વિચાર્યા વગર ફિલ્મ 'જંઝીર' (કે 'ઝંજીર'...?)ની દોમદોમ સફળતાને પકડીને રાખીને 'એન્ગ્રી યંગમેન'નું ટાઇટલ બચ્ચનને આપી દીધું. વાસ્તવમાં આ કમાલ વર્ષોથી ઋષિકેશ મુકર્જીએ બચ્ચન પાસે કરાવી છે. એમની ફિલ્મો 'નમકહરામ', 'જુર્માના', 'આનંદ' કે 'અભિમાન'માં જ બચ્ચન સાચો એન્ગ્રી યંગમેન બન્યો હતો.

ફિલ્મ 'અભિમાન'ની વાર્તા ઋષિકેશ મુકર્જીએ આજકાલની નહિ, ઠેઠ '૫૦ના દાયકામાં લખી હતી અને તે પણ કિશોર કુમાર અને તેની પહેલી વાઈફ રૂમા ઘોષના અંગત વ્યાવસાયિક જીવનને લક્ષ્યમાં લઈને! કિશોર તો નવોસવો હતો અને રૂમા બંગાળી ફિલ્મોની રીતસરની ક્વીન હતી. બન્ને પ્રેમમાં પડયા અનેr પરણી ગયા પછી સિતારો કિશોરનો ચમકવા માંડયો, એ જોઈને ઋષિ દા ને આવી અસરકારક વાર્તા લખવાનો વિચાર આવ્યો. એ વખતે તો ફિલ્મ ન બનાવી, પણ ઓલમોસ્ટ સિમિલર ઘટના એ વખતે હજી નવા-સવામાં જ ગણત્રી પામી રહેલા અમિતાભ બચ્ચન અને ઓલરેડી સ્ટાર સ્ટેટસ ભોગવતી જયા ભાદુરી પતિ-પત્ની બન્યા, ત્યારે ઋષિ દા એ આવી અદ્ભૂત ફિલ્મ બનાવી.

 આ માહિતી મુંબઈ કોલ કરીને મેં ભારતના સર્વોત્તમ સ્પોર્ટ્સ અને ફિલ્મ પત્રકાર શ્રી રાજુ ભારતનને પૂછી જોઈ અને એમણે વાતની સચ્ચાઈની મોહર માર્યા પછી આ લખવા બેઠો છું.

આ ઘટસ્ફોટ એટલા માટે કર્યો કે, આ કોલમમાં આવતી અનેક માહિતીઓથી વાચકો ખુશ તો થાય છે, પણ આશ્ચર્યો પણ કરે છે, કે આટલી બધી માહિતી ક્યાંથી લઈ આવતા હશે? સવાલ માહિતીના સ્ત્રોતનો નથી, અધિકૃતતાનો હોય છે. મેળવેલી માહિતીનું ખરાપણું ચકાસવું નિહાયત જરૂરી હોય, એની કાળજી આ કોલમમાં લેવામાં આવે છે.

શ્રી. રાજુ ભારતને જ જણાવ્યું કે, 'અભિમાન'ને બોક્સ ઓફિસ પર સફળ બતાવવામાં આવી છે, એટલી સફળ તો નહોતી જ. ફલોપ પણ નહોતી, પણ પ્રચારમાં દરેક ફિલ્મને સુપરહિટ ગણાવવાની યોજનાઓ આજે પણ તરતી મુકાતી હોય છે, એ દ્રષ્ટિએ 'અભિમાન' બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ નહોતી. અલબત્ત, 'અભિમાને' ભારત કરતા ય શ્રીલંકામાં બહુમાળી સફળતા મેળવી હતી. કોલમ્બોના અમ્પાયર સિનેમામાં 'અભિમાન' સળંગ ૫૯૦ દિવસ ચાલી હતી, જે ત્યાંનો એક રેકોર્ડ છે.

અફ કોર્સ, સુસંસ્કૃત ઘરોના દર્શકો અને વિવેચકોમાં તો 'અભિમાન' આજે પણ વંદનીય ફિલ્મ ગણાય છે. આમે ય, ઋષિકેશ મુકર્જીની કોઈપણ ફિલ્મ હેતુલક્ષી, મનોરંજક અને સ્વચ્છ તો હોય જ. સુબિર (અમિતાભ) નામનો ફિલ્મી ગાયક સફળતાની ચરમસીમાઓ જોઈ ચૂક્યો છે, ત્યાં એક નાનકડા ગામની યુવાન ઉમા (જયા ભાદુરી)ના પ્રથમ સંપર્કમાં એના કંઠ અને રૂપથી પ્રભાવિત થઈને લગ્ન કરે છે. મુંબઈ આવીને ઉમાની ગાયિકા તરીકેની કારકિર્દીને પણ પોતાના પ્રભાવ સાથે સફળ બનાવે છે. કમનસીબે, ફિલ્મી સંગીતકારો કે પ્રોડયુસરોને સુબિર કરતા ઉમાના અવાજમાં વધારે રસ પડવા માંડે છે. એમાં સુબિર નીગ્લેક્ટ થતો જાય છે, જે એના અભિમાનને પોસાતું નથી. તબક્કો એવો આવે છે કે, ઉમાને એક ગીતના સુબિર કરતા ય વધારે પૈસા મળવા માંડે છે, એ ઘા સુબિર માટે કારમો નિવડે છે. પતિ-પત્ની વચ્ચે તનાવ થવા માડે છે. એટલે સુધી કે, પતિના સુખે જ સુખી, આ બધી સફળતાઓ છોડીને, કેવળ સુબિરને ખુશ રાખવા ઉમા ગામડે જતી રહે છે. સાનભાન ગૂમાવી ચૂકેલી ઉમાને કસુવાવડ થતા સુબિરને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત થાય છે ને પતિ-પત્ની ભેગા થાય છે. ઋષિદા હોય કે તેમના ગુરૂદેવ બિમલ રોય હોય, એ લોકોની તમામ ફિલ્મોમાં સંગીત સચિનદેવ બર્મન કે સલિલ ચૌધરીનું જ હોય. 'અનાડી' જેવા શંકર-જયકિશનના અપવાદો હોઈ શકે, પણ શું કમાલનું સંગીત બર્મન દાદાએ આ ફિલ્મ 'અભિમાન'નું આપ્યું છે. એમાં ય દાદાને જે ફિલ્મમાં તબલાં વગાડવાની જાહોજલાલી મળે, ત્યાં એ છવાઈ જતા. 'મેરી સૂરત, તેરી આંખે' કે 'બેનઝીર' જેવી ફિલ્મો ચાલી તો નહિ, પણ બન્ને ફિલ્મોનું રિધમ-સેક્શન ભારે તગડું હતું. સિતાર, સંતુર, બાંસુરી, સારંગી અને વોયલિનનો ઉત્કૃષ્ટ ઉપયોગ કાકા કરતા. આ એક જ સંગીતકારે એવા હતા જે, એમના ફિલ્મના પ્રત્યેક ગીતમાં ઈન્ટ્રોડક્ટરી અને અંતરાઓ વચ્ચેના ઈન્ટરલ્યૂડ મ્યુઝિકની ધૂનો અલગ અલગ હોય. ઓ પી નૈયરને કોકે પૂછ્યું, કે દાદા બર્મન તો દરેક અંતરે અલગ સંગીત આપે છે, તો નૈયરે બિલકુલ પ્રોફેશનલ જવાબ આપ્યો હતો કે, 'હું સ્ટુપિડ નથી કે, એક ગીતમાં ત્રણ ગીતોની ધૂનો વેડફી નાખું.' અહીં લતા મંગેશકરને દાદાએ પૂરબહારમાં ખીલવી છે. અનુરાધા પૌડવાલને ય પહેલો ચાન્સ દાદા બર્મને અહીં આપ્યો છે, કેવળ એક શ્લોક ગવડાવીને. અનુરાધા તો સુમન ક્લાયણપુર કરતા ય લતા મંગેશકરના કંઠની વધુ નજીક હતી. પણ દિલ્હીના એક ફ્રૂટ જ્યુસની લારીવાળામાંથી સંગીતની વિરાટ ઈન્ડસ્ટ્રીના માલિક બનેલા ગુલશન કુમાર સાથે અનુ પણ કંઈક વધુ પડતા પાવરમાં આવી ગઈ. લતાની સામે પડી અને લતાની સામે પડેલું કોઈ ટક્યું નથી, એ તો સંત કબીર પણ કહી ગયા છે... સિવાય ઓ પી નૈયર. અનુરાધા પૌડવાલ આજે પણ લતાની સામે પડવાની મોટી કિંમત ચૂકવી રહી છે.

દરેક ફિલ્મ સર્જકની કોઈ ને કોઈ ખાસીયત હોય, એમ ઋષિ દાની તમામ ફિલ્મોમાં એક વાર રસોડું આવે, આવે અને આવે જ. એમાં ય રસોઈયો પુરુષો અને તે પણ વૃદ્ધ જ હોય. કેમેરા તો જયવંત પાઠારે જ ચલાવે. જયવંત તો આ ફિલ્મમાં નાનકડો રોલ પણ કરે છે. અસરાનીને રૂપિયાની બેગ ભરીને આપતા પ્રોડયુસરના રોલમાં પાઠારે છે.

પણ લાઈફ ટાઈમનો રોલ કરી ગયો છે અસરાની. નોર્મલી, કોમેડીયનને કોમેડીયનથી વિશેષ ગણવામાં આવતા નથી. જ્યાં સુધી મને એક્ટિંગની સમજ પડે છે, ત્યાં સુધી મારી સમજ મુજબ, કોમેડીયન હીરો કરતા વધુ સારા 'એક્ટર' હોય છે. મેહમુદને દિલીપ કુમાર કે સંજીવ કુમારથી એક દોરો ય ઉતરતો એક્ટર હું નથી માનતો. આ મારો અંગત અભિપ્રાય છે. અસરાનીએ એક હળવા દોસ્ત તરીકે આ ફિલ્મમાં એક્ટિંગની અનેક ઊંચાઈઓ બતાવી દીધી છે. જ્યા ભાદુરી એના સાહજીક અભિનય માટે મશહૂર હતી. અચાનક હસતા હસતા ફાટી પડવું અને એ જોવું પ્રેક્ષકોને ગમતું. ફિલ્મની વાર્તાના અનુસંધાનમાં તો એ વખતે એવું ય બોલાતું કે, અભિનયમાં બચ્ચન કે ભાદુરી... કોણ વધુ સમર્થ છે, તે નક્કી કરવું મુશ્કેલ છે. કેવી કમનસીબી કે, 'અભિમાન'ની વાર્તા મુજબની ઘટના તો આ સંસ્કારી યુગલમાં બને જ નહિ, પણ તેમના સંતાનો અભિષેક અને ઐશ્વર્યા રાય પણ આજકાલ ફિલ્મોથી દૂર થઈ ગયા છે, નહિ તો ચારમાંથી કોણ ઊણું ઉતરે એવું છે? અવતારકૃષ્ણ હંગલ તો તખ્તાના માણસ એટલે એમનો અભિનય હરકોઈને ગમે. આટઆટલી ફિલ્મોમાં કામ કરવા છતાં આ આદરણીય વડિલ ગૂજરી ગયા ત્યારે દવાના ય પૈસા નહોતા. બાળ કલાકાર માસ્ટર રાજુ શ્રેષ્ઠા એક દ્રષ્ય પૂરતો આવે છે. હિંદી ફિલ્મોના તમામે તમામ બાળકલાકારોનો એક જ અંજામ આવ્યો છે... મોટા થયા પછી ક્યાં ખોવાઈ ગયા, તે કોઈ નથી જાણતું. (બાય ધ વે, દેવ આનંદ, દિલીપ કુમાર, રાજ કુમાર પણ બાલ કલાકારો કહેવાતા... ત્રણે ય ના શરીર ઉપર રીંછ જેવા 'બાલ' હોવાથી!)

બિંદુની કરિયરે પણ આ ફિલ્મથી વળાંક લીધો હતો. અહીં એ વેમ્પ નહિ, પણ સજ્જન સ્ત્રીના સ્વાંગમાં છે. '૭૦ના દાયકામાં બિંદુએ તેના અતિ સેક્સી રૂપ અને 'માનના પડેગા...' બ્રાન્ડના ફિગરને કારણે તમામ ફિલ્મોમાં એ જોવા મળતી. ડેવિડ અબ્રાહમને ભાગે આખી કરિયરમાં રાજ કપૂરની ફિલ્મ 'બુટ પોલિશ'ના જ્હોન ચાચા જેવો બીજો રોલ મળ્યો નહિ. આજીવન કુંવારા રહેલા ડેવિડ અબ્રાહમ ચેઉલકર પાછલા વર્ષોમાં કેનેડા સ્થાયી થઈને ત્યાં જ ગૂજરી ગયા હતા. મધરાતે આસક્તિથી પોતાના પ્રિય ગાયકને ફોન કરીને પરેશાન કરતી રાધા (લલિતા કુમારી)ને તમે આમ તો ઋષિ દાની જ ફિલ્મોમાં જોઈ હશે. આ બંગાળી કલાકારના સેક્સી શરીર સૌષ્ઠવને કારણે ફિલ્મોમાં પણ એને એવા લલચામણા રોલ જ મળતા. દુર્ગાબાઈ ખોટે પણ ઋષિ દાની લગભગ બધી ફિલ્મોમાં હોય.

બિમલ રોય કે ઋષિકેષ મુકર્જી જેવા સર્જકોની ફિલ્મ જોયા પછી આપણી ઉપર એક મનોહર અસર રહી જાય છે. જોયેલી ફિલ્મ ભૂલી શકાતી નથી. કબુલ તો કરવું પડશે ને કે, એ બન્ને ગયા પછી આ સ્તરની એક પણ ફિલ્મ હજી સુધી ઉતરી નથી. એવી પ્રાર્થના બેશક કરવી જોઈએ કે, આપણા સંતાનોને ય કોઈ આવી ફિલ્મો ઉતારીને બતાવે.

No comments: