Search This Blog

25/09/2013

વાઇફ બિમાર તો લાઇફ ધોધમાર

લેખનું ટાઇટલ મુંબઇના કોઇ નાટક જેવું લાગતું હશે, પણ માનવ જીવનની આ બન્ને શહેનશાહીઓ લાખોમાં કોઇ એક નસીબવાનને પ્રાપ્ત થાય છે. આપણી લાઇફોમાં ધોધમાર તો વરસાદો ય નથી થતા ને રામ જાણે કંઇ બનાવટની વાઇફ ઉપાડી લાયા'તા કે, આખા લગ્નજીવનમાં એની છ-સાત ડીલિવરીઓને બાદ કરતા સાલી એકે ય વખતે ખાટલે પડી ન હોય. વાઈફ બિમાર ન હોય ને લાઇફ ધોધમાર ન હોય ! પણ કોકનું નસીબ અચાનક ઝળહળી ઉઠે છે ને વાઈફ બિમાર પડે છે. લાઇફમાં પહેલી વાર વગર ડીલિવરીએ લાંબી થઈને પડી હોય એના ધસમસતા આનંદમાં આપણે 'બદતમીઝ દિલ...બદતમીઝ દિલ...માને ના, માને ના....હોઓઓઓ' ઉછળી ઉછળીને ગાતા હોઇએ, એવી લાઇફો તો ગઇ હવે....! આજે તો એવી વાઇફો ય થતી નથી, કે એ મૂંગી મૂંગી ખાટલે પડી હોય ને આપણે કોઇ રોકટોક કે સલાહ-સૂચનો વિના ઘરમાં ફરતા રહીએ, એવા દિવસો તો મહુડીમાં સવા લાખની સુખડી ધરાવી આવીએ, તો ય પ્રભુ ક્યાં કોઇને આપે છે !

કહે છે કે, 'મન હોય તો માળવે જવાય', પણ વાઇફ બિમાર પડે ત્યારે ઘરમાં 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ની ધૂમધામ ઉજવણીઓ નથી થઇ શકતી. God disposes what man proposes. હવેના જમાનામાં, વાઇફો માંદી તો પડે છે, પણ ઘણાની તો બચી પણ જતી હોય છે, બોલો ! આપણા દેશના મહાન ગ્રંથ 'અશોકશાસ્ત્ર'માં લખ્યા પ્રમાણે, સુખ અને વાઇફોની બિમારી...કદી લાંબું ટકતા નથી. એ તો બે ઘડીનો આનંદ, મારા ભ'ઇ ! બિસ્તર પર બોલ્યા ચાલ્યા વિનાની વાઇફ લાચાર મોંઢે પડી પડી કેવી સૌજન્યશીલ લાગે છે. આપણને જમીનથી ઊંચે ઠેકડો મારીને સીધા પલંગ ઉપર કૂદી એને ભેટી પડવાનું મન થાય કે એના ગાલે બચ્ચી ભરી લેવાનું મન થાય (જેવી જેની સગવડ) કે, આટલા વર્ષે પહેલી વાર કંઇક આશા બંધાણી છે.

પણ આ 'જય કનૈયાલાલ કી'વાળી ધૂમધામ ભલે એના દેખતા ન કરીએ, પણ પતિ હોવા છતાં તમે પ્રામાણિક પણ હો, તો કબુલ કરજો યારો...કે, પિત્તળના તગારાંમાં કાળા રંગનું ભીનું પોતું પડયું હોય એમ, પેલી બિસ્તર પર પડી હોય ત્યારે આપણું મોંઢું કેવું રૂપાળી રાધા જેવું થઇ જાય છે ? કોરી ભીંત સામે જોઇને હસે રાખીએ, કારણ વગરની મુઠ્ઠીઓ દબાવે રાખીએ, પાડોસીના ઘેર જઇને એના ખભે બચકું ભરી આવીએ....! આવેલા આનંદને રોકવો કેવી રીતે ? અતિ ઉત્સાહમાં પાગલ બનેલો પતિ તો ગમે તે કરી બેસે ! આ તો એક વાત થાય છે.

બિમાર પડયા પછી વાઇફે-વાઇફે અભિનયો અલગ અલગ હોય છે. માંદી પડે ત્યારે મોટા ભાગની વાઇફો ગળામાંથી ચિત્રવિચિત્ર અવાજો કાઢી વાતાવરણમાં હૉરર ફેલાવે છે. એવા એવા મોંઢા કરીને બેઠી હોય કે, છેલ્લો ફોટો પાડતી વખતે આપણાથી એને 'સ્માઇલ પ્લીઝ'ની રીક્વૅસ્ટ પણ ન કરાય. સુઉં કિયો છો ? નડિયાદ-આણંદ બાજુની મહિલાઓ મોંઢું ઊંચું અને ખુલ્લું રાખીને પાછલી કમર પર બન્ને હાથ ભરાવીને કણસતી બેસી રહે છે. એવીઓનું તો મોંઢું જોઇને જ ઘરની વહુને હસવું આવે ! બ્રાહ્મણ વાઇફો શરીરના આકારો બદલતી જોવા મળે છે. એ એવી ગૂંચળું વળીને સુતી હોય કે, છેલ્લા છેલ્લા ખબર અંતર પૂછવા ખબર-કાઢુઓ નજીક પહોંચ્યા પછી શરીરના ક્યા ભાગમાં લુચ્ચીએ મોંઢું સંતાડેલું છે, તે ખબર ન પડે. પટેલ મહિલાઓ માંદી પડયા પછી એમની વહુઓને દોડતી રાખે છે, તો જૈનોમાં બહુ વહેલા નવકાર મંત્રો ચાલુ કરી દેવાય છે. વૈષ્ણવ ઘરોમાં બિમાર પડેલી વાઇફો કશું કરતી નથી, પણ એમના ગોરધનો દોડતા થઇ જાય છે, ને જે મળે એને 'જે શી ક્રસ્ણ' કહેવા માંડે છે. લોહાણાઓ આપણા કરતા બહાદુર ખરા. ગમ્મે તેટલા પૈસા ખર્ચવા પડે તો ખર્ચી નાંખવાના પણ ગંગાજળની બાટલી લીધા વગર એ લોકો ઘરે પાછા જતા નથી.

મારે પણ એક વાઇફ છે ને એ પણ આજે લગ્નના ૩૭-વર્ષ પછી પહેલી વાર લાંબી થઇને પડી છે. (કોણ કહે છે, ઈશ્વર આપણી સામું જોતો નથી ?) બિમાર પડયા પછી એ કરૂણામૂર્તિ મીનાકુમારી થઇ જાય છે. એની લાક્ષણિકતા એ છે કે, દર વખતે એને એમ જ લાગે છે કે, હવે મારો કાળ આવી ગીયો છે. હવે હું લાંબુ નહિ ખેંચું.

મારી વાઇફની એક સ્ટાઇલ છે. એ દરેક માંદગીને જીંદગીની છેલ્લી સલામ જ માની લે છે. આંગળી ઉપર નાનકડી ફાંસ વાગી હોય કે, વાયરલ-ઇન્ફૅક્શનનો તાવ આવ્યો હોય, એ એમ માની લે છે કે, 'અસોક, હવે હું બઉ નંઇ ખેંચી સકું...આંયખું બંધ કરૂં છું તો આકાસમાંથી મારા બા-બાપૂજી હાથ હલાવીને મને ઉપર બોલાવતા હોય એવા ચિત્રો દેખાય છે.' (કેટલાક લોકો જીવતે જીવત આપણા કામમાં નથી આવતા....મારા સાસુ-સસરા તો મર્યા પછી ય કામમાં આવતા દેખાયા.) પાછી પડી પડી સલાહો આપે, ''અસોક...મારા ગીયા પછી તબિયતું જાળવજો. બીજા લગ્ન કરશો નહિ...હાંઇઠ તો થીયા...હવે ભૂંડા લાગશો...''

ગયા મહિને વાઇફ મારા માટે સફેદ લેંઘો-ઝભ્ભો અને એના માટે ધોળો હાડલો ખરીદવા મને લઇ ગઇ હતી. રક્ષાબંધનનું સરસ મજાનું સૅલ હતું, તે બેસણાંમાં અમને બન્નેને કામ આવે, એટલે અમે આ 'શૉપિંગ' કર્યું. હવે તો બેસણાંના કપડાં માટે પણ મોટી શૉપવાળા 'ટ્રાયલ' લેવા દે છે. મેં ય ટ્રાયલ લઇ જોયો કે, બેસણામાં દાખલ થતી વખતે હું કેવો લાગીશ, કૉલરવાળા ઝભ્ભાથી શોકગ્રસ્ત વધારે લગાશે કે કવિઓ ને સુગમ સંગીતછાપના ઝભ્ભા પહેરવાથી વધારે સારૂં લાગશે. ઝભ્ભો લિનનનો હોય તો પલાંઠી વાળીને બેસતી વખતે કરચલીઓ પડી ન જાય અને બેસતી વખતે પાછળવાળાના ખોળામાં ભમ્મ થઇ ન જવાય, તે બધાનું પણ ધ્યાન રાખવું પડે છે. લેંઘાની નહિ પણ ઝભ્ભાની બાંયો કેટલી ચઢાવવી, એ અરીસામાં જોઇ લેવું સારૂં. ઘણીવાર તો આવી મોંઘીદાટ ખરીદીઓ માથે પડે છે કે, હોંશે હોંશે ધોળાં કપડાં લઇ આવ્યા પછી સગાવહાલામાં કોઇ અક્ષરવાસી થતું નથી, ત્યારે જીવ ના બળે ? ઘણા મરનારાઓ જીદ્દી બહુ હોય છે. એ લોકો ઉપડે નહિ, એમાં પડયા પડયા ધોળા કપડાં પીળાં પડી જાય ને એક વખત ચમક જતી રહે, પછી બેસણામાં આવા કધોણીયા કપડાં પહેરીને જવાનો કોઇ મતલબ નથી. બેસણું ઍટૅન્ડ કરવામાં ય આર્ટ છે.

પણ વાઇફ પોતે માંદી પડે ત્યારે જીવ બહુ બાળતી હતી.

''અસોક....આપણે તો બઉ હોંસે-હોંસે સફેદ લેંઘા-જભ્ભા ને હાડલા લી આયવા'તા....મને તો તમે પે'રવાનો મોકો ન દીધો.... મારા ગયા પછી હવે તમે પે'રજો...!''

મેં એનું ધ્યાન પણ દોર્યું કે, તારો ધોળો હાડલો મને સારો નહિ લાગે...હું તો મારો લેંઘો-ઝભ્ભો જ પહેરીશ'' ત્યારે એ ચૉક થઇ ગયેલા ગળે પણ રડી. એના જીવો ય બળ્યા હશે કે, નવા કપડાંમાં પહેલું મેદાન હું મારી જઇશ !

સફેદ સાડલાનું તો વાઇફે અલગ વૉર્ડરોબ બનાવ્યું છે. ઘણા લોકો ખૂબ માપસરનું જીવે છે. જે ચીજ જ્યાંથી લીધી, એ ચીજ વર્ષો પછી પણ ત્યાંથી જ મળી આવે. વર્ષો પહેલા પોતાની મૂછો એમણે નાક નીચે ઊગાડી હોય તો આજે ય એ મૂછો મોંઢા ઉપર આડીઅવળી ક્યાંય ન પડી હોય. આજે ય એ મૂછો નાક નીચેથી જ મળી આવે. એમ વાઇફના ધોળા હાડલા ઉપર પણ, હાલમાં જીવિત સગાસંબંધીના નામોના સ્ટીકરો ચોડેલા છે. 'મધુકાકા, સવિતા ફોઇ, નાનકી માસી, મેહતા અન્કલ....વગેરે. આ બધા હજી જીવિત છે, પણ એક દહાડો તો જશે ને ? જાય એ વખતે હાડલા લેવા દોડાદોડ કરવી એના કરતા પ્લાનિંગ અત્યારથી કરી લેવાનું. આમ તો, ઘરની બાતમી મારાથી જાહેર ન થાય પણ સાડલાઓની ક્વૉલિટી અને કિંમત મરવાપાત્ર સગાના મૂલ્ય ઉપર આધારિત છે.'

પત્નીની રડવાની પધ્ધતિ ગુજરાતમાં અન્યત્ર ક્યાંય જોઇ નથી. એ રડવાનું શરૂ કરે, એ સાથે જ એનું ગળું ચૉક થઇ જાય. જૅલ તૂટવાના સમાચાર સાથે હજી અંદર ભરાયેલા કેદીઓ સળીયા ખખડાવીને બહાર નીકળવાના ધમપછાડા કરે, એમ શબ્દો આના ગળાંમાંથી બહાર આઉ-આઉ કરતા રહે, પણ નીકળે નહિ. ચૉક-અપ થઈ જાય. પણ દરેક પુરૂષાર્થનું પરમેશ્વર ફળ આપે જ છે એમ, કંઇક બોલી બતાવવાના પ્રયત્નોના ફળ સ્વરૂપે એના ગળામાંથી ચોખ્ખા શબ્દો તો નહિ, પણ લોખંડના પતરા ઉપર કાચ પૅપર ઘસો ને જેવો ધ્વનિ પેદા થાય, એવો અવાજ પત્નીના ગળામાંથી નીકળે છે. બહુ વાર કાચપૅપરો ઘસાય, એના કરતા વાઇફને અમે બહેરા-મૂંગાની ભાષા અને સાઇનો શીખવાડી દઇએ છીએ.

મરવાની મજાક થાય નહિ, એ બધી વાત સાચી. કોઇના પણ મૃત્યુની વાત હસી કાઢવાનો વિષય નથી. અને કોઇના ઇચ્છવાથી કોઇ મરતું ય નથી. કોઇ બિમાર પડે એની મજાક ન થાય, પણ સ્ત્રીસહજ સ્વભાવને કારણે જે વાઇફો જરાક અમથી માંદી પડે, ત્યારે કૉમિક ઊભું કરતી હોય છે, તેના લીધે ઇચ્છો તો ય હસવું રોકાતું નથી.

નિર્દોષ આનંદ તો આવા સબ્જૅક્ટો ય ક્યાં આપે છે ?

સિક્સર

- ચહેરા ઉપર કાળા કાળા ખાડાવાળો શીતળાનો રોગ આમ તો દેશમાંથી નાબુદ થઇ ગયો છે...

- સૉરી....નથી થયો. અમદાવાદના ટાઉન હૉલવાળા નવા ઑવરબ્રીજની સડકનો ચહેરો જોઇ આવો...જોઇને ય ઊલટી થાય એવો કદરૂપો બન્યો છે કે નહિ !

No comments: