Search This Blog

03/11/2013

ઍનકાઉન્ટર: 03-11-2013

* બુધ્ધિશાળી પુરૂષો પણ સુંદર સ્ત્રીને જોઇને ભાન કેમ ભૂલી જાય છે ?
- કારણ કે, એ બુધ્ધિશાળી છે.
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* મહામૂર્ખ દિગ્વિજયસિંહના બફાટો વિશે શું માનો છો ?
- કોંગ્રેસમાં આવા તો અનેક દિગ્વિજયસિંહો છે.
(ગૌરી  કાચા, અમદાવાદ)

* ભારતમાં જાપાનીઝ ચીજો વખણાય છે. જાપાનની કન્યા મેળવવા શું કરવાનું ?
- જાપાનીઝ માં-બાપ લઇ આવવાના !
(રજાહુસેન બચુભાઈ, મહુવા)

* તમે રાજકારણીઓ વિશે ખુલ્લેઆમ લખો છો. તમને એમની બીક નથી લાગતી ?
- ભાજપ અને કોંગ્રેસ બંને કપડાં પહેર્યાં વગરના પક્ષો છે. નાગાની એક ગૅરન્ટી હોય છે કે, એ આપણાં કપડાં કાઢી લેતો નથી. અહીં તો બંને નાગા ફરે છે ને આપણા ય કાઢી લે એવા હોય છે !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* તમને રૂબરૂ મળવા શું કરવું ?
- રૂબરૂમાં હું બહુ બોરિંગ માણસ છું!
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* માણસોને અમુક ઉંમર પછી જ સંસારમાંથી રસ કેમ ઊડી જાય છે ?
- માણસોને એવું હશે...! મને તો એવું કાંઇ નથી..!!!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* કેદારનાથ હોનારત વખતે મીડિયાએ મૃતકોને બદલે રાજકીય નેતાઓને મહત્વ કેમ વધુ આપ્યું ?
- પ્રજાને ખબર પડે કે, જવા જોઇતા હતા, એ બાકી રહી ગયા છે !
(પલક બગડા, લીલીયા મોટા)

* અગાઉના સમયમાં પ્રજાજનો બાળકોને ભણવા ઋષિમુનીઓના આશ્રમોમાં મૂકતા... હવે એસી-સ્કૂલોમાં મૂકે છે. મતલબ ?
- મતલબ એ જ કે, એ જમાનાના જંગલોમાં એસી ફિટ નહોતા થતા.
(હરેશ કુબાવત, પાલિતાણા)

* નિવૃત્ત સરકારી અધિકારી રોફ જમાવી શકે ખરો ?
- નોકરી નીતિથી કરી હોય તો ખરો વટ નિવૃત્તિ પછી પાડી શકે છે અને પ્રજા આદર પણ આપે છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* વૃધ્ધાશ્રમો સમાજનું કલંક કે આજના સમયની જરૂરિયાત ?
- તમારે જવું હોય ત્યારે કહેજો ને....! આપણે પૂરી ઓળખાણ છે !
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી)

* અમારા જૂનાગઢનો વિલિંગ્ડન ડૅમ છલકાયો હતો... સુઉં કિયો છો ?
- અત્યારે તો મળે કે નહિ, તેની ખબર નથી પણ હું આવું છું ત્યારે જૂનાગઢનો 'કાવો' સરસ છલકાતો હોય છે.
(પ્રણવ ઠાકર, જૂનાગઢ)

* આપની કઈ નાકામ હસરતો પૂરી થઇ નથી ?
- પૅરિસના આયફલ ટાવર પર બેસીને બેનઝીર ભુટ્ટો સાથે દાળવડાં ખાવાનું સપનું મનમાં જ રહી ગયું ! ડિમ્પલને દાળવડા ભાવતા નથી !
(જગદિશ આર. શાહ, રાજકોટ)

* દવે સાહેબ, તમે કેટલું ભણ્યા ને કેટલું ગણ્યા છો ?
- મારા માટે તમારો અભિપ્રાય સુધર્યો લાગે છે !
(એચ. બી. લાલવાણી, થર્મલ)

* રાજા રામમોહનરાયે સતીપ્રથા બંધ કરાવી, એ અંગે શું માનો છો ?
- બંધ ન કરાવી હોત તો બે વખત દેશ બચી ગયો હોત !
(કલ્પના શાહ, વડોદરા)

* તમે નમ્ર બનીને અમારો સવાલ ઊડાવી દો છો, પણ વાંચતા વાંચતા હસાવી દે, એવો સ્વ. જ્યોતીન્દ્ર દવે પછી બીજો કોઇ હાસ્યલેખક તમારી તોલે ઊભો રહે એમ નથી. આવું મારી જેમ અનેકને કહેતા સાંભળ્યા છે.
- દરેકનો પોતાનો અભિપ્રાય હોય છે.
(ડૉ. શીલિન જી. પટેલ, મુંબઇ)

* કોઇકે 'આર્ટ ઑફ લિવિંગ' શરૂ કર્યું છે. અશોક દવે 'આર્ટ ઑફ  LEAVING' ક્યારે શરૂ કરશે ?'
- 'શ્રી' અશોક દવેની આગળ હજી બીજા ચાર 'શ્રી' મૂકાવી આપો, તો હમણાં શરૂ કરી દઉં...
(ભરત ડી. સાંખલા, ડીસા)

* એક લેખમાં તમારા લખવા મુજબ, તમારી પત્ની તમને ઉંદર સાથે કેમ સરખાવે છે ?
- એ ભગવાન શ્રી ગણેશની પૂજક છે.
(અમૃત ડી. નાગડા, મુંબઇ)

* મહારાષ્ટ્રમાં ડાન્સ-બાર ફરી શરૂ કરવાના સમાચારથી લાખો ગુજરાતીઓ ગેલમાં આવી ગયા, આપનું કેવું છે ?
- આ તમે માહિતી આપી રહ્યા છો ક્યારે, ઇર્ષા કરી રહ્યા છો ?
(સંજય પવાર, વડોદરા)

* આંસુ, સાસુ અને ચોમાસું... ક્યારે વરસી પડે તે કહેવાય નહિ. સાચું ?
- આંસુ અને સાસુ નકલી હોય....
(જયંતિ એ. પંચાલ, અંકલેશ્વર)

* સિંહણ ચાર બચ્ચાંને જન્મ આપે તો ય છાપામાં ફોટો અને કૂતરી સાત-આઠ બચ્ચાં જણે તો કાંઇ નહિ..!
- ....સ્પષ્ટ કરશો, તમે જીવ સિંહણ માટે બાળો છો કે કૂતરી માટે ?
(ઘનશ્યામ આચાર્ય, ભડલી-જસદણ)

* સાંભળ્યું છે કે, તમે કોઇ પરદેશીને છોડી દીધી હતી...?
- ના. છેલ્લા ૩૭-વર્ષથી એને પરણ્યો છું.
(અવનિ પી. જોશી, અમદાવાદ)

* પત્ની શંકા કરવા માંડે તો શું કરવું ?
- 'ઍટૅક ઇઝ ધ બેસ્ટ ફૉર્મ ઑફ ડીફેન્સ...!'
(હાતિમ એ. કાગળવાલા, થાણા-મહારાષ્ટ્ર)

* સવાલ પૂછનારનું સરનામું અને મોબાઇલ નંબર વગર તમે જવાબ આપતા નથી, પણ એ સરનામું કે નંબર  છાપતા તો નથી.
- તમારૂં રેશન-કાર્ડ મોકલાવજો. બધી વિગતો છાપીશું.
(લહેરીકાંત જે. જોશી, મુંબઇ)

* આપનો ફોટો 'ઍનકાઉન્ટર'માં નથી છાપતા ?
- લોકો જોઇને નહિ, વાંચીને હસે માટે.
(જગદિશ હિમતરામ જાની, મુંબઇ)

* 'હરણ' અને 'અપહરણ' વચ્ચે કેટલો ફરક ?
- 'અપ-હરણ'નું 'ડાઉન-હરણ' ન થાય !
(યોગેશ આર. જોશી, હાલોલ)

* તમે શું કોંગ્રેસના પ્રખર ટીકાકાર અને ભાજપના મજબુત સમર્થક છો ?
- કૉંગ્રેસની બેવકૂફીઓ પર હસવું આવે છે. પોતે દેશ માટે શું કરી શકે તેમ છે, એની વિગતો આપવાને બદલે છેલ્લા દસ વર્ષથી એની પાસે નરેન્દ્ર મોદી સિવાય બોલવાનો કોઇ વિષય જ નથી. ૨૦૧૪-ના ઈલેકશન પછી ભાજપના હાથમાં સત્તા આવશે, એ પછી દેશ કેવો ચલાવે છે, એના ઉપર મારૂં કે તમારૂં સમર્થન હોય !
(શ્રીમતી પી. વાય. જોશી, સુરત)

No comments: