Search This Blog

01/11/2013

'અપના દેશ' ('૪૯)

ફિલ્મ : 'અપના દેશ' ('૪૯)
નિર્માતા : રાજકમલ કલામંદિર
દિગ્દર્શ : વ્હી. શાંતારામ
સંગીત : પુરુષોતમ
ગીતકાર : દીવાન શરર અને મિર્ઝા ગાલિબ
રનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ
થીયેટર : ખબર નથી
કલાકારો : પુષ્પા હંસ, ઉમેશ શર્મા, કે. દાતે, સુધા આપ્ટે, મનમોહન કૃષ્ણ, ચંદ્રશેખર, સતીષ વ્યાસ, દીવાન શરર, કૃષ્ણ ગોયલ, પરશુરામ અને તિલોત્તમા.


ગીતો :

૧. કોઈ ઉમ્મીદ બર નહિ આતી - પુષ્પા હંસ
૨. મેરી ખુશીયોં કે સવેરે કી - પુષ્પા હંસ
૩. તોહે દિલ કી કસમ - પુષ્પા હંસ
૪. અપના દેશ હૈ આજ સે - મનમોહનકૃષ્ણ-કોરસ
૫. જયહિંદ કહો દેખો તિરંગે મેં - ઉમેશ શર્મા-કોરસ
૬. દિલ-એ-નાદાં તુઝે હુઆ ક્યા હૈ - પુષ્પા હંસ
૭. બેદર્દ જમાના ક્યા જાને - પુષ્પા હંસ
૮. હુઆ કરતી હૈ દિલ મેં એક ઉલઝન - (?)
૯. દિલ ગવાં બૈઠે લગાને સે પહેલે - પુરુષોત્તમ

જાણું છું, જે ફિલ્મ જોવાની તો બાજુ પર રહી, પણ આવી કોઈ ફિલ્મ ઉતરી હશે, એનું નામ પણ સાંભળ્યું ન હોય, એવી ૧૯૪૯માં બનેલી ફિલ્મ 'અપના દેશ' વિશે લખેલું કોણ વાંચશે? હીરો હીરોઈન પુષ્પા હંસ અને ઉમેશ શર્મા કરતા તો સાઈડમાં કામ કરી ગયેલા મનમોહન કૃષ્ણ, દીવાન શરર, ચંદ્રશેખર અને બહુ બહુ તો ફિલ્મ 'નવરંગ'ને કારણે યાદ રહી ગયેલા કાકા કે. દાતેને આપણે તો ઓળખીએ. વળી, એનું એકે ય ગીત કે ગાયક કોઈ મશહુર નથી, તો પછી આ ફિલ્મ વિશે લખવાની જરૂર શી પડી?

શાંતારામને કારણે...! વ્હી. શાંતારામને કારણે જરૂરત પડી...!!

આ માણસના સર્જનો સમાજ સુધી ઝાઝા ન પહોંચ્યા પણ એણે જે કાંઈ બનાવ્યું, તે સર આંખો પર બનાવ્યું. શાંતારામની તો કોઈ પણ ફિલ્મ યાદ કરો ને! કોઈમાં કશું તો ગમેલું નીકળે જ. આ ફિલ્મ 'અપના દેશ' બોક્સ ઓફિસ પર તો પિટાઈ ગયેલી ફિલ્મ હતી અને સાચું પૂછો તો ગીતો ખૂબ સારા હોવા છતાં આપણા સુધી ક્યારેય પહોંચ્યા પણ નહોતા. બિનાકા ગીતમાલા શરૂ થયું, તે પહેલાંની આ ફિલ્મ પતી ગઈ હતી ને એકલું રેડિયો સીલોન પુષ્પા હંસના ગીતો ક્યારેક ક્યારેક વગાડતું હતું. અને એ પણ, મેરેથોન દોડમાં સૌથી છેલ્લા નંબરે આવેલા દોડવીરનું છાપા-બાપામાં કાંઈ નામ-બામ ન આવે... ને આવે તો એટલું આવે કે, He too ran…! એમ આ ફિલ્મ કે તેના ગીતો માટે ય મેક્સિમમ... They too ran...! લખાય.

જ્યારે જમાનો કેસેટોનો હતો. ત્યારની મારી પાસે પુષ્પા હંસના ગીતો વાળી ફિલ્મ 'અપના દેશ'ની કેસેટ પડી હતી. ફ્રેન્કલી કહું તો, તનમનમાં છવાઈ જવાય એવો કોઈ કંઠ નહતો પુષ્પાનો, પણ સાંભળવા બેસીએ તો ગમે તો ખરો જ. એ સમય એવો હતો કે, સહુ નૂરજહાંના પડછાયામાં ગાતા (પુરુષો નહિ, સ્ત્રી-ગાયકોની વાત થાય છે!) પુષ્પા હંસ પણ બાકાત નહિ. હિંદી ફિલ્મોમાં એનું પ્રદાન નહિવત-નહિવત, પણ પંજાબી ફિલ્મો અને ગીતોમાં એની સજ્જતાએ એને 'પદ્મશ્રી' એવોર્ડ અપાવ્યો, 'કલ્પના ચાવલા એક્સેલેન્સ એવોર્ડ' અને પંજાબમાં ઘર ઘરમાં અપાતા ય અનેક એવોર્ડ મળ્યા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફઝીલ્કામાં તા. ૩૦ નવેમ્બર, ૧૯૧૭ના રોજ જન્મેલી પુષ્પા હજી હમણા ૯૪ વર્ષની ઉંમરે (૮ ડીસેમ્બર, ૨૦૧૧ નવી દિલ્હી) ગૂજરી ગઈ. મુંબઈના ૭૮ RPM ના રેકોર્ડ સંગ્રાહક કચ્છી શ્રી નારણભાઈ મૂલાણીને ત્યાં પુષ્પા હંસની ઘણી ઉઠક-બેઠક હતી. અહીં આવીને ક્યારેક ક્યારેક ગાતા પણ ખરા. પુષ્પા હંસે શાસ્ત્રીય ગાયકીની તાલીમ લાહૌરના પટવર્ધન ઘરાણામાં દસ વર્ષ સુધી લીધી હતી.

ઓકે. એક હીરોઈન તરીકે પુષ્પા કેમ ન ચાલી, એનું આશ્ચર્ય અને આઘાત સહુને થવો જોઈતો હતો... ન થયો...! કારણ... કોઈ બે-ચાર ફિલ્મોથી વધારે એ ચાલી જ નહિ. નહિ તો ઇન્ડિયન સુંદરીઓને ખાટલે મોટી ખોડ કે, હાઈટના વાંધા અને નબળા બાંધા! આ તો નખશીખ પંજાબણ હતી ને વ્હી. શાંતારામની આ ફિલ્મ 'અપના દેશ'માં એને જોઈ, ત્યારે જીવો બળી ગયા કે, આટલી સુંદર સ્ત્રી ફિલ્મોમાં ચાલી કેમ નહીં? અદ્ભૂત હાઈટ. એને અનુરૂપ પરફેક્ટ ફિગર અને મીઠડો અવાજ... એક્ટિંગમાં જોકે, મોટા વાંધા હતા, પણ સો વ્હૉટ? આપણે ત્યાં તો બધીઓ આવા વાંધાવાળીઓ જ ચાલે છે! પુષ્પી તો સોહરાબ મોદીની મેગ્નમ ઓપસ ફિલ્મ 'શીશ મહલ'માં પણ સાયરા બાનુની મમ્મી નસીમ બાનુ અને દાઉદવાળા 'ભાઈ' ઈકબાલ મિરચીની સાસુ નિગાર સુલતાનાની (હીના કૌસર નિગારની દીકરી થાય!) સાથે ત્રીજી હીરોઈન તરીકે હતી. આ બધું કોણ, કોનું શું થાય, એ બધું જાણવાની ઘણીવાર ગમ્મત પડી જાય છે. આગળ દાંતવાળો ટીનુ આનંદ કોમેડિયન આગાનો જમાઈ થાય તો 'થ્રી ઇડિયટ' પછી આપણા બધાનો લાડકો બનેલો હીરો શર્મન જોશી પ્રેમ ચોપરાનો જમાઈ થાય! પ્રેમનાથ રાજ કપૂરનો સાળો થાય, એ તો ગામ આખું જાણે છે, પણ પ્રેમનાથ સાળો થતો હોય તો રાજેન્દ્રનાથ અને નરેન્દ્રનાથ પણ રાજ કપૂરના સાળા જ થાય, ને રાજ કપૂર એ ત્રણેનો ભેગો બનેવી થાય, એ ઘણાના ગળે હજી ઉતરતું નથી!

ઘણાને ગળે બીજી પણ એક વાત નહિ ઉતરે કે, વ્હી. શાંતારામ મારા મતે કેવળ શ્રેષ્ઠ સર્જક જ નહિ, શ્રેષ્ઠ ભારતીયો પૈકીના એક હતા. એ ઘણા લોકો કહેશે કે, વ્હી. શાંતારામ પ્રાંતવાદી અને ટીપીકલ ઠાકરે-બ્રાન્ડના મરાઠી માણુસ હતા. ન છુટકે જ એમની ફિલ્મોમાં બિન-મરાઠી કલાકાર લેવાય. પણ એવી આવડત, એવો પ્રાંતપ્રેમ કે એવી જરૂરત ગુજરાતીઓમાં નથી, એટલે શાંતારામની કે બાળ ઠાકરેની ટીકા કરવી ઉચિત નથી. શાંતારામની તમામ ફિલ્મોમાં ભારતીયતા અને ભારતીય સંસ્કૃતિ છલોછલ છલકતી હોય. આ ભારતીયતા શું ચીજ છે, એ મારા તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને તો ચિત્રો દોરીને સમજાવી-બતાવવી પડે, કારણ કે આપણે ભારતીય છીએ, એનું ભાન પરદેશ ગયા પહેલાં પડતું ય નથી. એ તો વિદેશ જઈએ ને ત્યાં ધોળીયાઓ નજર સામે આપણને મનોમન હડધૂત કરતા જોઈએ ત્યારે ખબર પડે, ઈન્ડિયન હોવું શું ચીજ છે! (જાપાનમાં રહેતા આપણા ગુજરાતી કમ્પ્યુટર જીનિયસ સુરતના જયેશ જરીવાલાએ હમણાં વાત કરી કે, સમગ્ર જાપાનમાં કેવળ ત્રણ જ વ્યક્તિ વિશેષ મશહૂર છે. મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ અને ત્રીજું નામ તો તમે ય સાંભળ્યું ન હોય... જસ્ટિસ રાધાવિનોદ પાલ (બેંગોલી ઉચ્ચાર, રાધાબિનોદ). જયેશના કહેવા મુજબ, એક પણ જાપલો એવો નથી જેણે આ ભારતીયનું નામ સાંભળ્યું ન હોય. ઈન ફૅક્ટ, બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના યુદ્ધ ગુનાહોની તપાસ માટે એક આંતરરાષ્ટ્રીય તપાસ સમિતી નિમાઈ હતી, જેમાં એક માત્ર ભારતીય રાધાવિનોદ પણ હતા. તમામ સભ્યોમાંથી એકમાત્ર જસ્ટિસ રાધાવિનોદે એવું જજમેન્ટ આપ્યું હતું કે, તમામ જાપાનીઝ ગુન્હેગારો નિર્દોષ છે. બસ, આ ચુકાદા ઉપર જાપાનીઝો આજ સુધી રાધાવિનોદનું નામ ભૂલ્યા નથી અને જાપાનના અનેક શહેરોમાં એમની પ્રતિમાઓ મૂકાઈ છે.

આઝાદી પહેલા ભારત દેશનો તમામ નાગરિક દેશનું મૂલ્ય સમજતો હતો. ફિલ્મ 'અપના દેશ'માં એક દ્રશ્યમાં હીરો અને તેના કુટુંબીજનો ભારતમાતાના તિરંગાને પ્રણામ કરીને દેશભક્તિનું ગીત ગાય છે, ત્યારે એમના તનબદનમાં તરવરાટ ને ચેહરા ઉપર દેશભક્તિની ખુમારી જોઈને અડોસપડોસના લોકો ય ભારે ઉંમગથી આ ગીતમાં જોડાઈ જાય છે. હવે આજે આવું દ્રષ્ય... એક તો પોસિબલ નથી ને માનો કે, બતાવીએ તો કોઈ માને ય નહિ કે, એક દેશભક્તિનું ગીત ગાવામાં આટલો બધો ઉમળકો શેનો વેડફી નાંખવાનો? ને કોઈ વેડફતું ય હશે?

'અપના દેશ' ૧૯૪૯માં બની હતી. ફિલ્મ 'નવરંગ'માં મહિપાલના પિતા બનતા ચરીત્ર અભિનેતા કેશવરાવ દાતેને એ ફિલ્મમાં જોઈને એ વખતે તો મોટા ભાગના પ્રેક્ષકો કહી દેતા હતા કે, 'સ્વાભાવિક એક્ટિંગમાં આની તોલે તો અશોક કુમારો કે (આજના સંદર્ભમાં) અમિતાભ બચ્ચનો ય ન આવે, એટલો સારો એક્ટર. શાંતારામનો ખૂબ લાડકો હોવાને કારણે એમની તમામ ફિલ્મોમાં આ કે. દાતે હોય જ. નાના પળશીકરની જેમ કે. દાતે ય જન્મ્યા ત્યારથી જ આટલા બુઢ્ઢા લાગતા હશે, માટે 'નવરંગ' પહેલાની ફિલ્મોમાં ય એ કાયમ બુઢ્ઢા જ રહ્યા... ત્યાં સુધી કે, શાંતા આપ્ટેવાળી ફિલ્મ 'દુનિયા ના માને'માં એ શાંતાનો બુઢ્ઢો પતિ ભર યુવાન ઉંમરે બને છે!

કેશવરાવ જન્મ્યા તો ઠેઠ ૧૮૮૯માં મહારાષ્ટ્રના રત્નાગીરી જીલ્લાના આદિવારા ગામે હતા ને ગૂજરી ગયા ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૭૧ના રોજ. વ્હી. શાંતારામની તો સમજો ને, એકોએક ફિલ્મમાં એમણે મજબૂત રોલ મળ્યા હતા. યાદી જુઓ, પ્રતિભા, કંકુ, ડો. કોટનીસ કી અમર કહાની, તૂફાન ઔર દિયા, દો આંખે બારહ હાથ, નવરંગ, સ્ત્રી, ગીત ગાયા પથ્થરોં ને, સહેરા, ઝનક ઝનક પાયલ બાજે. પહેલી ફિલ્મ તો ૧૯૩૪માં એટલે કે ફિલ્મો બોલતી થઈ (ટોકી) ૧૯૩૧માં ને આમણે '૩૪માં બનેલી ફિલ્મ 'અમૃત મંથન'માં રાજ્યગુરુનો કિરદાર કર્યો હતો. આમાં ૧૯૩૯માં બનેલી ફિલ્મ 'અધૂરી કહાની' તો સાહિત્યકાર બહેનો ઈલા આરબ મેહતા અને વર્ષા અડાલજાના પિતાશ્રી આપણા સમર્થ ગુજરાતી વાર્તાકાર ગુણવંતરાય આચાર્યએ આખી કહાની લખી હતી, જેના હીરો પૃથ્વીરાજ કપૂર અને હીરોઈન દુર્ગા ખોટે હતા.

ફિલ્મનો હીરો ઉમેશ શર્મા છે, પણ શાંતારામની ફિલ્મોનો હીરો એમની પોતાની જ નકલ હોય. દેવ આનંદ અને વ્હી. શાંતારામ બને સર્જકોની મોટી મુશ્કેલી એક જ. હીરો તરીકે પોતે જે સ્ટાઈલથી સંવાદો બોલે, એ દિગ્દર્શક તરીકે ફિલ્મના તમામ પાત્રો પાસે એ જ ટોન, અદાયગી અને હાવભાવથી બોલાવે... સ્ત્રી પાત્રો ય આ બન્ને હીરાઓ જેવું જ બોલે. એમાં ય શાંતારામની પોતાની સંવાદ બોલવાની પદ્ધતિ અત્યંત સ્ત્રૈણ્ય હતી. બોલતી વખતે આંખની એક ભ્રમર ઊંચી નીચી કરતા રહેવાનું, તફાવત કશો ન લાગે. અહીં ઉમેશ શર્મા નામનો હીરો વ્હી.ના અન્ય હીરાઓની જેમ શરીરે રોબસ્ટ એટલે કે સ્નાયુબદ્ધ છે. (મહિપાલ, ગોપીકૃષ્ણ કે જીતેન્દ્ર આ કેટેગરીમાં ન આવે!) છાતી આગળ ને પેટ અંદરવાળા આ બધા હીરાઓ મૂળ તો દેખાવમાં ય શાંતારામની પ્રતિકૃતિ લાગે.

જન્મ્યો ત્યારે લાઈફમાં કદાચ છેલ્લી વાર હસ્યો હશે, તે બારમાસી રોતડો મનમોહનકૃષ્ણ અહીં તો સો-કોલ્ડ યુવાન અને એમાં ય પાછા વિલનનાં પાત્રમાં છે. ('બારમાસી રોતડો...' આ સાલું 'મનમોહન' નામમાં જ કાંઈ ગરબડ હશે?)

બધા જાણે છે કે વ્હી. શાંતારામની ફિલ્મોના ટાઈટલ્સ અનોખા અંદાજથી રજુ કરવામાં આવતા. 'અપના દેશ'માં પણ દેશભક્તિના રંગે રંગાયેલી યુવતીઓ શેરીમાં તોરણો ઝૂલાવે છે, એમાં તોરણની એક એક હાર ઉપર ટાઈટલ્સ દેખાતા રહે. એક તોરણ ખસતું જાય અને બીજું આવે. એ જ રીતે, શાંતારામ ટેકનિકમાં પણ એ સમયના તો તમામ ફિલ્મ સર્જકોથી આગળ હતા... (હા, બોમ્બે ટોકીઝ અને ન્યુ થીયેટર્સ પાસે પણ શાંતારામ જેવી ટેકનિક આવી નહોતી. પછીથી રાજ કપૂર આ ક્ષેત્રનો માસ્ટર ગણાયો.) શાંતારામની ફિલ્મોના સેટ્સની ડીઝાઈન્સ, લાઈટિંગ, સ્વચ્છ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફોટોગ્રાફી તેમ જ વાર્તા કહેવાનું કૌશલ્ય ગજબનું. દિગ્દર્શનના ઝીણા નકશીકામનું એક દૃષ્ટાંત જીવનભર દેશભક્તિના રંગે રંગાયેલા કે. દાતે મનમોહનકૃષ્ણને ત્યાં મુનિમજીનું કામ કરે છે. આવો ઉમદા માણસ લાંચ લીધા પછી કેવો નર્વસ થઈ જાય અને એના સ્વચ્છ ચરીત્ર ઉપર કાળો પડછાયો લાગી ગયો, એ દર્શાવવા વ્હી.એ કે. દાતેના અડધા ચેહરાને પ્રકાશમાં બતાવ્યા પછી ફરતો ફરતો ટેબલ-ફેન એમના ચેહરાને અંધારાથી ઢાંકી દે છે... જેને સીધી ભાષામાં, 'મ્હોં કાળું કર્યું' કહેવાય!

ફિલ્મની વાર્તા પકડ જમાવી રાખે એવી તો છે જ, કારણ કે, એ જમાનામાં હિંદી ફિલ્મોમાં થ્રિલર જવલ્લે જ દેખાતું. આ એક થ્રિલર છે. પ્રામાણિક કે. દાતે પત્ની અને ત્રણ મોટા સંતાનો સાથે મધ્યવર્ગી છતાં દેશદાઝના જૂનુનવાળું સાદું જીવન જીવે છે. છેવટે હીરોને ફસાવવા મનમોહનકૃષ્ણ અને ટોળકી ત્રાગું કરે છે. ઈલ્ઝામ હીરો ઉપર આવે છે, જેને છોડાવવા હીરોઈન અદાલતમાં આવીને ભાવિ ગોરધનને છોડાવી જાય છે.

ફિલ્મના ગીતો દીવાન શરરે લખ્યા છે. દીવાન '૫૦ના દાયકાની તો અનેક ફિલ્મોમાં ચમક્યા હતા. અહીં પણ ન્યાયાધીશની ખુરશી પર બેઠા છે. ફિલ્મ 'ચા ચા ચા' અને 'સ્ટ્રીટ સિંગર'નો હીરો ચંદ્રશેખર ભ્રષ્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના બહુ નાના રોલમાં છે. ઘણા મને સલાહ આપે છે કે, જેમ બ્રાહ્મણ લખો પછી 'ગરીબ' લખવાની જરૂર નથી તેમ, 'પોલીસ' લખો પછી 'ભ્રષ્ટ' લખવાની ય જરૂર નથી. ૯મી જુલાઈ, ૧૯૨૨ના રોજ જન્મેલા ચંદ્રશેખરની છેલ્લી ફિલ્મ '૩-ઈડિયટ્સ' હતી, એ હિસાબે એક્ટિંગનો કેટલો મોટો સ્પાન થયો? હજી હમણાં એના ફલેટમાં ચોરી થઈ હતી અને રોકડ રૂ. ૨૨,૦૦૦ ચોરાયા, ત્યારે ખબર પડી કે, એમના ઘરમાં ચોરી જવા દેવું ખાસ કાંઈ નહોતું.

ફિલ્મનું સંગીત પુરુષોત્તમનું છે. કોઈ જાણીતું નામ નહિ, પણ આ ફિલ્મમાં એમણે દિલડોલ સંગીત આપ્યું છે. તમામ ગીતો પહેલીવાર સાંભળવા છતાં, કોઈ ગીત અધૂરું છોડવું નહિ ગમે.

... ફિલ્મ પણ...!

No comments: