Search This Blog

10/11/2013

એનકાઉન્ટર - 10-11-2013

૧. 'આપ ગુજરાતના સર્વોત્તમ હાસ્યલેખક છો', આ નિરીક્ષણ સાથે શું આપ સહમત છો?
- સહેજ પણ નહિ... પણ ગુજરાતના સાડા પાંચ કરોડ વાચકો મારી સાથે સહેજ પણ સહમત થતા નથી, બોલો!
(પ્રિયા પી.પટેલ,સુરત)

૨. શુ ઉત્તરાયણ આપનો મનપસંદ તહેવાર ખરો?
- હતો એક જમાનામાં ... પણ જેને જોવા અગાસી ઉપર વહેલી પરોઢથી તંબૂ તાણ્યા હોય, એ બધીઓને સાલા એની બાજુના ધાબાવાળાઓ લપટાઇને લઇ ગયા'તા... અમારે લચ્છા મારવાના અને પિલ્લું વાળવાના દહાડા આવેલા.... આજે ૪૦-વરસ પછી એ જ ડોસીઓને જોઉ છું, ત્યારે 'ઇશ્વર આપણી રક્ષા કરે છે,' એ વિધાન પર વિશ્વાસ બેસે છે. 'હાશ.. આપણે બચી ગયા.'
(પૂર્વી એમ.પ્રધાન, વડોદરા)

૩. મારી ઉપર પૈસા અને પ્રેમનો વરસાદ થાય, એ માટે મારે શું કરવું જોઇએ?
- મંદિરની બહાર ઊભા રહેવું જોઇએ.
( સંદીપ એચ.દવે, જુનાગઢ)

૪. 'ગુરૂ' (અફઝલ) ને ક્યાં સુધી આપણે દક્ષિણા આપે રાખવાની ?
- એને ફાંસી આપવાથી ડરતા કોંગ્રેસના જે કોઇ લાગતા-વળગતા હોય, એ બધાને દક્ષિણા મળે રાખે છે, ત્યાં સુધી તો ચાલુ જ રાખો.
(સલમા મણીયાર, વિરમગામ)

૫. ચાલુ કથાએ કથાકારો સ્ત્રી-પુરૂષોને બધાની વચ્ચે નચાવતા હોય છે, તે કેટલે અંશે યોગ્ય છે ?
- બહેનજી, હજી તો તમે ભક્તોની મર્યાદાઓ જોઇ નથી... એ લોકો જે કૃત્ય બારી-બારણાં બંધ કરીને કેવળ ઘરમાં જ કરી શકે, એ કથાકાર કહે તો બધાની વચ્ચે કરી બતાવે, એવા ધર્માંધ હોય છે.
(રમાગૌરી એમ.ભટ્ટ, ધોળકા)

૬. આખું વિશ્વ પ્રેમથી ચાલે છે, કિંતુ પ્રેમીઓ મળે, એ સહુને કેમ સાલે છે?
- ''બાપાનું રાજ ચાલે છે?'' એવી ફિકર કરીને પ્રેમીઓ મળતા હોય તો, બધું ચાલે ને બધું સાલે છે..!
(મધુકાંત જોષી, રાજકોટ)

૭. નેતાઓ ખુરશી માટે કેમ લડે છે ?
- ખભે ખાખી પટ્ટો પહેરીને મીટિંગની બહાર ઊભું રહેવું ન પડે માટે.
(કમલેશ સ્વદાસ, રાજકોટ)

૮. સ્ત્રીઓ પોતાનું વજન ઘટાડવા કેમ આટલી ઉત્સુક હોય છે?
- 'બીજાનું' વજન ઉતારાવીને એમને શો ફાયદો ?
(આશુતોષ સાંખલા, ડીસા)

૯. ઉત્તમ અભિનેતાઓ કે ગાયક-સંગીતકારો આપણી વચ્ચેથી જતા રહ્યા.. નેતાઓ કેમ નથી જતા?
- એમાંનો એકે ય ઉત્તમ હોય તો જાય ને!
(ડો.સુરેન્દ્ર દોશી, રાજપિપળા)

૧૦. જૂની કહેવત 'પારકા બૈરા સૌને ગમે', એ હજી ચાલુ જ છે ?
- હા, એ તો આપણને પારકું બૈરૂ ગમે, પછી જ પૂરી થાય ને!
( પરેશ નાયક, નવસારી)

૧૧. અશોકભાઇ, આપની દ્રષ્ટિએ આજ સુધીનો શ્રેષ્ઠ નેતા અને શ્રેષ્ઠ અભિનેતા કોણ?
- નેતા પૂજ્ય ગાંધી બાપૂ અને અભિનેતા- ડો.મનમોહનસિંઘ.
(ડી.કે.માંડવીયા,પોરબંદર)

૧૨. દેશમાં રામરાજ્ય તો નથી, છતાં દેશનો વહિવટ રામભરોસે કેમ ચાલે છે?
- રામ જાણે.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

૧૩. ઇન્સાનીયતની કદર ન થાય તો શું માનવું?
- એ જ કે, આપણે અથવા કદર કરનારે, ઇન્સાન બનવાની હજી વાર છે.
(ચંન્દ્રકાંત જાની, જામનગર)

૧૪. દરેક પ્રેમકથાનો અંજામ હંમેશા કરૂણ જ કેમ આવે છે?
- અમારે તો એવું કાંઇ નહોતું થયું..! અમે તો એની સાથે પરણ્યા જ નહોતા!!
(કેશવ કટારીયા, રાજકોટ)

૧૫. ૨૧મી સદીમાં સ્ત્રીઓને વધુ પ્રાધાન્ય મળવું જોઇએ, એ વાત સાથે તમે સહમત છો ?
- ગાંડાઓનું કાંઇ નક્કી નહિ ! એ તો ગમે તેની સાથે સહમત થાય, બોલો!
(નિત્યના જે.દેસાઇ, વડોદરા)

૧૬. ગુજરાતમાં દારૂબંધી કેમ સફળ થતી નથી ?
- સફળ કરાવીને તમારે કામ શું છે ?
(રસિક જે. ધામી, જેતપુર)

૧૭. નરેન્દ્ર મોદીજી સદભાવના ઉપવાસ પછી હવે ક્યા ઉપવાસ કરશે?
- હવે એ બધું ગુજરાત કોંગ્રેસ કરશે.
(સેજલ રમેશ ગાંધી, સુરેન્દ્રનગર)

૧૮. ત્રીજું વિશ્વ યુધ્ધ થાય તો એમાં તમારો રોલ શું હશે?
- ૬૦-ઉપરની ઉંમરનાઓને આ લોકો સેનામાં ભરતી કરતા નથી...એટલે પછી ઘેર જ લડવાનું ચાલુ રાખીશું!
(રોશની પટ્ટણી, પાટણ)

૧૯. નબળા લોકોના શરીરમાં 'માતા' પ્રવેશ કરે છે, તો સશક્તોના શરીરમાં ભારતમાતા કેમ નહિ?
- સો કરોડની વસ્તીમાં બસ્સો કરોડ દેવી-દેવતાઓ હોય, ત્યાં દુશ્મનો જ રાજ કરે.
(હર્ષા ખીરસરીયા, મોટા ગુંદા-જામનગર)

૨૦. વિદેશ પ્રવાસોના દેશના અબજો રૂપિયા ખર્ચી નાંખનાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સામે કોઇ ઇન્કવાયરી થશે ખરી?
- 'સમરથ કો નહિ દોષ ગુસાંઇ..'
(મૂળશંકર રાજ્યગુરૂ, ભાવનગર)

૨૧. સ્ત્રીઓ મેઇક-અપ પાછળ આટલો બધો ખર્ચો કેમ કરતી હશે?
- એમાંની અનેક ... મેઇક-અપ કર્યા પછી તો સ્ત્રી લાગતી હોય છે!
(અજય જાડેજા, ભાવનગર)

૨૨. હાસ્યલેખકના જીવનમાં ટ્રેજેડી કઇ હોય છે ?
- ઇંગ્લિશ મીડિયમમાં ભણતા પૌત્ર-પૌત્રીઓને ગળે ઉતારવું પડે કે, તમારા દાદા લેખક છે!
(ડો.દીપક સી.ભટ્ટ, બોડેલી)

૨૩. આપને કોઇ અભિનેત્રીનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તો કઇ અભિનેત્રી પસંદ કરો અને ક્યો સવાલ પૂછો?
- હજારવાર કહ્યુ છે, ડિમ્પલ કાપડીયા સિવાય બધી અભિનેત્રીઓ મારે મન સાળી અને સાસુ સમાન છે. ડિમ્પ્સને એક જ સવાલ પૂછું, ''કાકા તો ગયા.. હવે આ ડોહા ફાવશે?''
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

૨૪. મારા ગોરધન મને કાયમ કીધા કરે છે કે, 'હું તો લગ્ને લગ્ને કૂંવારો છું, તો મારે શું સમજવું ?
- એની આ વાત કદાચ સાચી પણ હોય, હો? તમે સુઉં કિયો છો?
(ભારતી કાચા, મોરબી)

૨૫. આજ સુધી તમે કોની હ્યુમરથી સૌથી વધુ પ્રભાવિત થયા છો?
- બે જ વ્યક્તિ એક મારા સ્વ. પિતાશ્રી ચંદુભાઇ અને બીજા સુરતના શ્રી અજીતસિંહજી 'બાપુ'.
(પ્રયાગી મહેતા, ભાવનગર)

No comments: