Search This Blog

29/11/2013

'મિલાપ'('૫૫)

ફિલ્મ : 'મિલાપ'('૫૫)
નિર્માતા : ફતેહચંદ- ફિલ્મ આર્ટ
દિગ્દર્શક : રાજ ખોસલા
સંગીત : એન. દત્તા
ગીતો : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૪- રીલ્સ
થીયેટર : નોવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદગીતા બાલીકે.એન.સિંઘજ્હૉની વૉકરઇદિરા બિલ્લીકૃષ્ણ ધવનરાજીન્દરઉમા (ટુનટુન)જગદિશરાજકુમકુમ અને બલબીર.





ગીતો
૧. હમ સે ભી કર લો કભી કભી તો.... ગીતા રૉય
૨. બચના જરા, યે જમાના હૈ બુરા.... ગીતા- રફી
૩. યે બહારોં કા સમા, ચાંદ તારોં કા સમા.... લતા મંગેશકર
૪. યે બહારો કા સમા, ચાંદ તારોં કા સમા.... હેમંત કુમાર
૫. જાતે હો તો જાઓ પર જાઓગે કહાં... ગીતા રોય
૬. પિયા ખુલ કે નયન ન મિલાયે રે.... આશા ભોંસલે
૭. ચાહે ભી જો દિલ તો જાના ન વહાં.... ગીતા રૉય
૮. દર્દ કા સાઝ ભી હૈ, દિલ કી આવાઝ ભી હૈ... લતા મંગેશકર

ફિલ્મ દેવ આનંદની હોય અને સાથે હીરોઇન ગીતા બાલી હોય, એટલે પહેલા પાંચ સપ્તાહ તો ફિલ્મ એમને એમ હાઉસફૂલ થયે રાખે અને એ સમયની આવી અનેક ફિલ્મો કલાકારોના નામ પર ઉપડતી હતી, પણ તો ય ભારતની પ્રજા આજે છે એટલી બેવકૂફ એ વખતે નહોતી, વધારે હતી ! નબેન્દુ ઘોષ જેવો પટકથા લેખક અને રાજીન્દરસિંઘ બેદી જેવો સંવાદ લેખક... કહે છે ને કે, બહુ ડાહ્યા બહુ ખરડાય ! ઍક્ટરોના નામ પર બે-ચાર દહાડા આ ફિલ્મ પણ ચાલી ગઇ, પછી ખબર પડી કે, આ લોકો તો આપણે છીએ એના કરતા ય વધારે બેવકૂફ બનાવે છે... ! બસ, એક વધારે ફાલતુ ફિલ્મને પ્રેક્ષકોએ દરવાજો દેખાડી દીધો.

નવાઇ તો લાગે ને કે, ફિલ્મ સાથે સંકળાયેલી કોઇ પણ વ્યક્તિને આ ફિલ્મ અત્યંત ઘટીયા છે, એનો ખ્યાલ નહિ આવ્યો હોય ? કમ સે કમ, દેવ આનંદ અને ગીતા બાલી પાસે તો થોડી અપેક્ષા રાખી શકાય ! તદ્દન ઇમ્પાસિબલ વાર્તા પર ફિલ્મ બનાવવાનું તો જાવા દિયો, થીયેટરમાંથી અડધી ફિલ્મે બહાર નીકળીને પ્રેક્ષકો મારે નહિ, એવો ફફડાટે ય નહિ થયો હોય ? ના થાય કારણ કે, ક્યાં ક્યાં પ્રેક્ષકો કોને કોને મારવા જાય ?

એ તો પછીથી સાચ્ચે જ મહાન બનેલા ડાયરેક્ટર રાજ ખોસલાની દિગ્દર્શક તરીકે આ પહેલી ફિલ્મ હતી. મૂળ નામ રાજવીર સિંઘ ખોસલા, એ રાજ ખોસલા મૂળ તો ગુરૂદત્તનો ચેલો. ગુરૂનું ફ્રેમિંગ સીધું એનામાં આવ્યું હતું. પરિણામે ગીતોના ટૅકિંગ કે ચાલુ ફિલ્મના સાદા શૉટ્સ લેવામાં પણ તમને એની કેમેરા ગોઠવવાની કમાલ દેખાઇ આવે. હદ ઉપરાંતનો દારૂ પી પી કરવાથી આ કાબિલ દિગ્દર્શક ઉપર પહોંચી ગયો, નહિ તો એણે દિગ્દર્શક કરેલી ફિલ્મોની યાદી જુઓ તો ચોંકી જવાય કે, કેવો ક્લાસ-વન દિગ્દર્શક હતો ! મિલાપ, સી.આઇ.ડી., કાલા પાની, વો કૌન થી, મેરા સાયા, મૈં તુલસી તેરે આંગન કી, સોલવા સાલ, બમ્બઇ કા બાબુ, એક મુસાફિર એક હસિના, અનીતા, દો બદન, ચિરાગ, દો રાસ્તે, મેરા ગાંવ મેરા દેશ, શરીફ બદમાશ અને દોસ્તાના. મુહમ્મદ રફી અને સાહિર લુધિયાનવીના આજીવન ચાહક રહેલા સંગીતકાર એન.દત્તા (દત્તા નાઇક)ની પણ આ પહેલી ફિલ્મ હતી. એકાદા ગીતને બાદ કરતા એ ય પણ કાંઇ કરી શક્યા નથી.

ગાન્ડા જેવી વાર્તા કંઇક આવી હતી :
ગામડે રહેતો કરોડપતિ દેવ આનંદ મુંબઇ શહેરમાં એના ચમચા દોસ્ત જ્હોની વોકરને લઇને આવે છે. એ કરોડપતિ છે, એટલી સિધ્ધિ પર અજાણ્યા લોકો ય એની પ્રોપર્ટીમાં ભાગ પડાવવા આવી જાય છે. એના પિતાની વસીયતનો વકીલ કે.એન.સિંઘ દેવ આનંદની તમામ દૌલત હડપ કરવા ગીતા બાલીને એની સેક્રેટરી તરીકે મોકલે છે. બન્ને પ્રેમમાં પડી જાય છે. કે.એન.સિંઘ છટકું ગોઠવીને દેવ આનંદને પાગલમાં ખપાવી દઇ, અદાલતમાં સાબિત કરવા માંગે છે કે, આવા ગાન્ડા માણસ પાસે સંપત્તિ રહેવી ન જોઇએ, એનું ટ્રસ્ટ બનાવવું જોઇએ. પણ અદાલતમાં ગીતા બાલી સિંઘનો ભાંડો ફોડી પોતાના પ્રેમને બચાવી લે છે.

ફિલ્મ સામાન્ય અને રાજ ખોસલાની પહેલી હોવા છતાં એમના દિગ્દર્શનના ચમકારા અને એમનું ખૂબ જાણીતું ફ્રેમિંગ અહીં મૌજુદ છે. ખોસલાની તમામ ફિલ્મોમાં સ્ત્રીને પૂરબહાર મૂલવવામાં આવે છે (શ્રેષ્ઠ દાખલો, 'મૈં તુલસી તેરે આંગન કી') એમ પ્રારંભ અહીથી થયો છે. ગીતા બાલી તો અમથી ય સર્વોત્તમ અદાકારા હતી ને એમાં સ્પર્શ ખોસલાનો થાય, એટલે બીજી ફિલ્મની ગીતા બાલીઓ કરતા અહી. એ વધુ અસરદાર લાગે !

અમિતાભ બચ્ચને ફિલ્મ 'અમર અકબર અન્થની'માં 'માય નેઇમ ઇઝ ઍન્થની ગૉન્સાલ્વીસ...' ગાઇને આ નામ મશહૂર કરી દીધું હતું. વાસ્તવમાં આ જ નામનો સંગીતકાર હતો, જેણે એન.દત્તાના આસિસ્ટન્ટ તરીકે આ ફિલ્મમાં કામ કર્યું છે. ખબર આપણા સુધી પહોંચી નથી. એટલે તમારી જાણ ખાતર કેઍન્થની ગૉન્સાલવીસ એ જમાનાનો ખૂબ આદરપાત્ર મ્યુઝિક અરેન્જર હતો. ઑરકેસ્ટ્રા કન્ડકટ કરવામાં આજ સુધી એનો કોઇ સાની નથી. મૂળ સંગીતકારની સાથે એક આસિસ્ટન્ટ હોય (જેમ કે, શંકર- જયકિશનના આસિસ્ટન્ટ દત્તારામ હતા) અને એક અરેન્જર હોય, (જેમ કે, સબેસ્ટીયન શંકર-જયકિશનની હારોહાર ઓપી નૈયરના પણ અરેન્જર હતા.)

આસિસ્ટન્ટનો રોલ ફિલ્મના મૂળ સંગીતકાર જેટલો જ મહત્વનો. કોઇ ગીતની ધૂન બનાવવા સંગીતકાર હાર્મોનિયમ લઇને બેઠા હોય, ત્યારે મોટા ભાગે તબલાની સંગત આસિસ્ટન્ટ કરે ને ક્યારેક ખુદ ધૂન બનાવીએ આપે, જેમાં નામ એનું નહિ, મૂળ સંગીતકારનું આવે. મુહમ્મદ શફી નૌશાદના આસિસ્ટન્ટ સંગીતકાર હતા. બિમારીને કારણે નૌશાદ પોતે હાજર ન હોવાથી નિમ્મી-ભારત ભૂષણની ફિલ્મ 'સોહની- મહિવાલ'ના તમામ ગીતો આ શફીએ બનાવ્યા હતા. 'ગંગા જમુના'માં લતાના બે ગીતો 'ના માનુ, ના માનુ ના માનુ રે, દગાબાજ તોરી બતીયાં ના માનું રે...' તેમ જ 'ઢુંઢો ઢુંઢો રે સાજના ઢુંઢો...' સાદ્યંત શફીની ધૂનો હતી.

અરેન્જર સંગીતની ધૂન બનાવવામાં માથું ન મારે, પણ એક વખત ગાયક સાથે રીહર્સલ થઇ ગયા પછી સંગીતકાર અરેન્જરને બોલાવે, જે જે તે ગીતને લગતાં વાજીંત્ર- વાદકોને બોલાવી રીહર્સલો કરાવે, નાટેશન્સ (સ્વરાંકનો) આપે... એટલે સુધી કે, રકોર્ડિંગ વખતે ક્યાં બેસવાનું છે, એ બધું ય અરેન્જર નક્કી કરી આપે.

અન્થની ગાન્સાલવીસ આ રીતનો અરેન્જર હતો.

આ ફિલ્મમાં ડાન્સ ડાયરેક્ટર સૂર્યકુમાર હતો, જે વિદેશી ધોળીયો હતો, પણ હિંદી ફિલ્મોમાં કાયમી સ્થાયી થયો હતો. કોમેડિયન મા. ભગવાનના ઘરની સામે જાહેર રસ્તે 'ભાઇલોગો'એ આ સૂર્યકુમારની હત્યા કરી નાંખી હતી. એ જમાનાની ફિલ્મોમાં ડાન્સને નામે કેવળ હાથ- પગ ઊંચા નીચા કરતા રહેવાનું હતું. આજે આઇટમ- સોંગ્સમાં તો હાલત એથી ય વધુ બદતર થઇ છે. પહેલા કમ- સે- કમ એટલું તો હતું કે, ગીત કે નૃત્યના ફિલ્માંકન વખતે કમેરા ચારે બાજુ ફરતો. હવે આગળ- પાછળવાળા બધા હીરો- હીરોઇનની સાથે કમેરામાં જોયે રાખીને એક લાઇનમાં પહોળા થઇને નાચે રાખે. કમેરા ય એક જ સ્થાને ફિક્સ હોય. નૃત્યને નામ ઝટકા સિવાય કાંઇ નહિ, ત્યારે આપણને હૅલન, વૈજ્યંતિમાલા, કુમકુમ કે વહિદા રહેમાનના ક્લાસિક નૃત્યોની કિંમત સમજાય છે. આ ફિલ્મનું એક નૃત્યગીત કરવા કુમકુમ આવે છે. ખરી પણ ઓળખી નહિ શકો કે આ જ કુમકુમ છે. મૂળ બનારસના એક મુસ્લિમ પરિવારમાં ૧૯૩૧માં જન્મેલી આ ઝેબુન્નિસા ઉર્ફે કુમકુમ પાછળ મહાન સર્જન્ક મેહબુબ ખાન રીતસરના દીવાના થઇ ગયા હતા. 'મધર ઇન્ડિયા'માં રાજેન્દ્ર કુમારની હીરોઇન બનાવ્યા પછી 'સન ઓફ ઇન્ડિયા'ની એને હીરોઇન બનાવી દીધી. રોમાન્સ બહુ લાંબો નહિ ચાલ્યો હોય, એટલે ફિલ્મ 'કોહિનૂર'ની વાર્તા લખનાર રામાનંદ સાગરના પર્મેનેન્ટ પ્રેમમાં પડી. સાગરની તમામ ફિલ્મોમાં એ પછી કુમકુમને લેવાઇ. 'દર્દ કા સાઝ ભી હૈ, દિલ કી આવાઝ ભી હૈ...' આ ગીત માટે કુમકુમ ફિલ્મમાં આવે છે. ગીતના શબ્દો જાણીતા લાગતા હોય તો તમારૂં ફિલ્મી જ્ઞાન તંદુરસ્ત કહેવાય. સાહિર લુધિયાનવીના આ મીસરાને હસરત જયપુરીએ એક શબ્દ બદલીને દેવ આનંદની ફિલ્મ 'અસલી નકલી'માં પોતાને નામ ચઢાવી દીધો હતો. 'છેડા મેરે દિલ ને તરાના તેરે પ્યાર કા...'રફી સાહેબના ગીતની સાખીમાં 'પ્યાર કા સાઝ ભી હૈ, દિલ કી આવાઝ ભી હૈ..'માં હસરતે પ્યારને બદલે દર્દ મૂકી દીધું છે.

મુંબઇના ગુજરાતી દિગ્દર્શક અમર સોલંકીના કહેવા મુજબ, કુમકુમ ફિલ્મસ્ટાર ગોવિંદાની ઓરમાન માસી થાય. ગોવિંદાની માતા નિર્મલા ગાયિકા અને હીરોઇન પણ હતી. એ મુસ્લિમ હતી ને કુમકુમ કઝિન થાય. કુમકુમ છેલ્લે છેલ્લે રાજશ્રી- જીતેન્દ્રની ફિલ્મ 'ગુનાહો કા દેવતા' અને ધર્મેન્દ્ર- જયલલિતાની ફિલ્મ 'ગંગા કી લહેરે'ના નિર્માતા- દિગ્દર્શક દેવી શર્મા સાથે ઘણી નજીકથી જોડાયેલી રહી હતી. દેવીને છોડયા પછી એ કોઇ સજ્જાદ નામના- એનાથી ઘણા નાના યુવાન સાથે પરણી ગઇ હતી. અલબત્ત, આજે તો કુમકુમ ૮૩ વર્ષની થઇ ચૂકી છે.

ફિલ્મ 'લવ ઇન ટોક્યો', 'નયા ઝમાના' કે 'ઝીદ્દી'બનાવનાર દિગ્દર્શક પ્રમોદ ચક્રવર્તી આ ફિલ્મમાં આસિસ્ટન્ટ દિગ્દર્શક છે, જે ગીતા દત્તના બનેવી થાય અને બીજા આસિસ્ટન્ટ ભપ્પી સોની હતા, જેમણે શમ્મી કપૂરવાળું 'બ્રહ્મચારી'બનાવ્યું હતું. ભપ્પી માધવીના પતિ થાય. માધવી ફિલ્મ 'જાનવર'માં રાજેન્દ્રનાથની પ્રેમિકા બને છે.

ફિલ્મ '૫૫ની છે, મતલબ કે દેવ આનંદ હજી ૩૦ની ઉંમરનો માંડ હતો. ઇન ફેક્ટ, એ હજી દેવ આનંદ બન્યો નહતો, એટલે પાછળથી બહુ હાસ્યાસ્પદ બનેલી પણ એ જમાનામાં ભારતના યુવાન-યુવતીઓને પાગલ કરી મૂકતી એની 'મનરિઝમ્સ' હજી આવી નહોતી, એટલે કે, વાંકા ચાલવું, આંખી ઝીણી કરવી કે એક મિનીટ હખણાં ઊભા ન રહેવું. એ બધું આવ્યું નહોતું. એટલે એ કેટલો ઊંચા ગજાનો 'ઍક્ટર' પણ હતો- માત્ર હીરો નહિ, તેની પ્રતિતી થાય છે. ખૂબસૂરતીમાં તો એ રાજ-દિલીપ બન્નેને મ્હાત કરી શકતો હતો. રાજ-દિલીપથી એક ઇંચે ય કમ નહિ ! ડાન્સમાં આ ત્રણે જણાનું કામ નહિ. એ લોકો પોતે ય સમજીને ફિલ્મોમાં ભાગ્યે જ ડાન્સ કર્યો છે ને કરવા ગયા છે, ત્યારે હાસ્યાસ્પદ લાગ્યા છે.

'૫૦-ના દાયકાની ફિલ્મો જોઇએ એમાં જો ક્લબ કે હાટેલ બતાવવાની હોય તો શહેરના 'રઇસ' લોકો પર્મેનન્ટ છાપેલા લિબાસમાં હોય. શાર્ક- સ્કીનનો સફેદ કોટ (બ્લૅઝર), ગળે ચોકડીવાળી 'બો- ટાઇ' અને બ્લૅક પૅન્ટ. ગુન્ડા બતાવવાના હોય તો કાળા ગોગલ્સ, ચટાપટાવાળી જર્સી, બ્લૅક લૅધર જૅકેટ અને બહુ ખરાબ ગુન્ડો હોય તો ગળે રૂમાલ. અહી બૉસ કે.એન.સિંઘ પણ ખાસ ક્લબ-સોંગ્સ વખતે પહેરવાના કામમાં આવે એવો શૂટ સિવડાવી લાવ્યો છે ને પાછો પહેર્યો પણ છે, બોલો !

ગીતા બાલી એટલે કે સ્વ.શમ્મી કપૂરની ભૂતપૂર્વ સ્વર્ગસ્થ પત્ની. મૂળ નામ તો આ સરદારનીનું હતું, હરિકીર્તન કૌર, પણ હરિનું કીર્તન કરવા કરતા એને સાપ પકડવાનો જબરો નાદ લાગ્યો હતો. નાનપણમાં જ નહિ, મોટી થયા પછી પણ ગીતા જ્યાં સાપ જુએ કે તરત બિનધાસ્ત પકડવા દોડી જાય. (એ વાત જુદી છે કે, શમ્મી કપૂર નામનો મોટો 'એનાકોન્ડા' પકડીને એ ધન્ય ધન્ય થઇ ગઇ.) ગીતા બાલીની બહેનનો પતિ જસવંત બાલી જે પોતે ય હીરો હતો, તેની દીકરી એટલે યોગીતા બાલી.. મતલબ ગીતા યોગીતાની સગી મૌસી થાય. મિથુન દાના ગીતા બાલી માસીજી ! અલબત્ત, તદ્દન સ્વાભાવિક અભિનયમાં ગીતાની તોલે એ જમાનાની કે આ જમાનાની એકે ય હીરોઇન ન આવે. ફિલ્મના પરદા ઉપર એ અભિનય કરતી નહિ, મૂળ વાર્તા કે ઘટનામાં આ વ્યક્તિ જ હશે, એવો સ્વાભાવિક અભિનય ગીતા બાલી પછી તનૂજા, એની દીકરી કાજોલ અને હમણાં હમણાં ફિલ્મ 'બન્ડ બાજા બારાતી' વાળી અનુષ્કા શર્માના નામો મૂકાય.


દેવ આનંદનો કોઇ ચાહક તમારી પાસે આ ફિલ્મ 'મિલાપ'ની ડીવીડી માંગવા આવે તો એના માથે પ્રેમથી હાથ ફેરવીને ડીવીડીની સાથે અમદાવાદના બોપલ-ફોપલમાં એના નામે એકાદો ફ્લટ પણ લખી આપજો, નહિ તો સીડી પાછી આપવા આવશે !

No comments: