Search This Blog

24/11/2013

ઍનકાઉન્ટર : 24-11-2013

* 'સ્મશાન વૈરાગ્ય' કોને કહેવાય ?
- ગમે તેવા રોમન્ટિક હો... સ્મશાનમાં સુંદરીઓ જોવા મળતી નથી. ભલભલાને વૈરાગ્ય આવી જાય !
(લલિત ઓઝા, જૂનાગઢ)

* મારી પત્ની તેના ભાઇનું જ કહ્યું માને છે. કોઇ ઉપાય ખરો ?
- સસરાનો સંપર્ક કરો. ઓફર મૂકો કે, કાં તો તમારી પત્ની બદલી આપે ને કાં તો એનો ભાઇ...!
(સ્નેહલ ચોકસી, પાટણ)

* હાસ્યલેખકોની તાતી જરૂર સ્વર્ગને છે કે નર્કને ? આપ શું પસંદ કરશો ?
- વહેલા પહોંચી જઇને મને મેસેજ મોકલશો કે, તમે છો ત્યાં ફાવે એવું છે ?
(નયના પારેખ, વલસાડ)

* 'મફતનું ખાઇશ નહિ ને ખાવા દઇશ નહિ' એવું લખાણ પોલીસના બરડા ઉપર ફરજીયાત લખાવાય તો ?
- સાચુ પૂછો ને એ લોકોના પગારો જાણો તો દયા આવી જાય કે, આટલા પગારોમાં એ લોકો મફતનું ખાય નહિ તો જીવે ક્યાંથી ?
(રમીલા રાવળ, રાજપિપળા)

* કોઇ છોકરી છોકરાને પ્રપોઝ કરે તો છોકરાએ શું કરવું જોઇએ ?
- એની બાને બોલાવી લેવી જોઇએ.
(મોહિત સારાવાલા, સુરત)

* અશોકજી, સરદારજીની ખુરશી પર તમને બેસાડવામાં આવે તો ?
- હું એટલો બધો મૂરખ નથી. બેસવું જ હોય તો સોનિયાજીની ખુરશી પર ન બેસું?
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

* તમને રસ્તામાં ભગવાન મળે તો શું પૂછો ?
- ''શું ચાલે છે, બૉસ...?''
(સાધના યાદવ, ભાવનગર)

* ગરીબોની લાગવગ ક્યાંય કેમ ચાલતી નથી ?
- ગરીબોને પહેલી જરૂર પેટ ભરવાની છે..... લાગવગ લગાડવાની નહિ !
(રઝાક અ પરમાર, બાબરા- અમરેલી)

* ગીરના સિંહોને ખસેડવાના પેંતરા ચાલે છે તો મનમોહનસિંહને કેમ ખસેડાતા નથી?
- વાત સિંહોની થાય છે !
(અંકિત જી. ત્રિવેદી, મોડાસા)

* આપણે ત્યાં 'ભાર વગરનું ભણતર' છે કે, ભણતરમાં ભાર રહ્યો નથી ?
- તમને મારા ભણતરની ખબર પડી ગઇ લાગે છે..!
(યુગ રાવલ, ગોંડલ)

* ૨૦૧૪ ની ચૂંટણીના પરિણામો પછી ટીવી પર કોંગ્રેસીઓ શું કહેશે ?
- ''અમે પ્રજાનો ચુકાદો માથે ચઢાવીએ છીએ. ''તારી ભલી થાય ચમના... બીજું તું કરી પણ શું શકે એમ છે ?
(બરખા વાય. ત્રિવેદી, વડોદરા)

* પતિ પાછળ પ્રાણત્યાગ કરનારી પત્નીને સતી કહેવાય, તો પત્ની પાછળ પ્રાણત્યાગ કરનાર પતિને શું કહેવાય ?
- બેવકૂફ.
(મયૂરી ભાવેશ વોરા, જોરાવનગર)

* સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાની હિમાયત થાય છે, પણ આપણો માલ એટલો સક્ષમ છે ખરો ?
- એટલે તો સોનિયાજીને ઇન્ડિયા લઇ આવ્યા !
(સાધના નાણાવટી, જામનગર)

* સારા માં-બાપ ફિલ્મો કે ટીવી-સીરિયલોમાં જ જોવા મળે છે, ત્યાં 'માં-બાપને ભૂલશો નહિ' કેટલું સાર્થક ?
- એ તો આપણા સંતાનો મોટા થઇને આપણને કેવી રીતે ટ્રીટ કરે છે, એના ઉપરથી બધો હિસાબ મળી જાય !
(ડૉ.સુનિલ શાહ, રાજકોટ)

* લોકો મૃત્યુ બાદ જ વ્યક્તિના વખાણ કરવાનો ઢોંગ શાથી કરે છે ?
- કેમ, અમારે જુઠ્ઠું ય ન બોલવું ?
(જયેશ અંતાણી, ભાવનગર)

* સ્ત્રી અને રાજકારણી, બેમાંથી સમજવામાં સહેલું કોણ ?
- રાજકારણીઓ પાછળ ટાઇમો બગાડવા ભ'ઇ... મને તો ન પાલવે !
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* તમે આ ઉંમરે પણ હૅન્ડસમ છો, છતાં તમારા લેખોમાં કાયમ તમારી જાતને નીચી કેમ પાડે રાખો છો ?
- મારા હૅન્ડસમ હોવાથી હવે એક પણ વ્યક્તિ ખુશ થવાની નથી. મારી જાતને ફાલતુ ગણાવું છું, ત્યારે અનેકને સંતોષ મળે છે કે કમ-સે-કમ, આપણે અશોક દવે કરતા વધારે સારા લાગીએ છીએ !
(શ્વેતા ફેનિલ શાહ, અમદાવાદ)

* હવે તો શિયાળો શરૂ થયો પંખો બંધ કરૂં ?
- બા ને પૂછી જોવું સારૂં.... નહિ તો શું થાય ???
(મણીબેન પટેલ, ઊંટડી- વલસાડ)

* અમિતાભ, અઝીમ પ્રેમજી, અનિલ અંબાણી, અશોક દવે... આ ''અ''હોભાવો ક્યાં સુધી ?
- ઓકે... મારા કારણે આ ત્રણે ય નું નામ મોટું થયું... ગૂડ !
(મિતેશ આઇ. દોશી, અમદાવાદ)

* આપણે પુરૂષો અનાદિકાળથી સ્ત્રીઓનું શોષણ કરતા આવ્યા છીએ, તે ક્યારે અટકશે ?
- આપણું નામ તો વચ્ચે લાવવાનું જ નહિ ! અનાદિકાળમાં હું તો હતો પણ નહિ... મને યાદ છે, એ યુગમાં હું તો કોઇ ઇશ્વર- બિશ્વર સ્વરૂપે હતો... મનુષ્ય નહિ !
(જવાહર એમ. મહેતા, મુંબઇ)

* રોજ સવારે છાપું ખોલતા, ભ્રષ્ટાચાર, બળાત્કાર, ખૂન ને કૌભાંડોના સમાચારો.. ને એમાં ભ્રષ્ટ નેતાઓના બેવકૂફીભર્યા નિવેદનો..!
- બોલો, હવે કહો. આ બધાની સરખામણીમાં સાસ- બહુની સુપર- બેવકૂફીભરી સીરિયલો વધુ સારી લાગે છે ને ?
(યુનુસ ટી.મર્ચન્ટ, મુંબઇ)

* સુરતની ઘારીમાં 'ગળપણ'અને બોલીમાં 'ગાળ'પણ ?
- જામનગર તો બબ્બે 'જામ' લઇને બેઠું છે.. સૅન્ડવિચ પર ચોપડવાનો જામ અને ...'એક જામ પી લે, મેરે યાર !'
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ઉત્તમ પત્ની મેળવવા માટે ક્યું વ્રત પુરૂષે રાખવું ?
- એવી રૅડીમૅઇડ તૈયાર પત્નીઓ ના મળે. કોકની કન્યા લઇ આવીને એને ઉત્તમ પત્ની બનાવવી પડે.
(રાજેશ કે. દવે, સુરેન્દ્રનગર)

* 'ચિત્રલોક' પૂર્તિમાં તમારી 'ફિલ્મ ઇન્ડિયા' કૉલમમાં હિંદી ફિલ્મોના રીવ્યૂ પૂરા થાય, પછી ગુજરાતી ફિલ્મો વિશે શરૂ કરવાના છો ? એવું હોય તો ભગવાન બચાવે વાચકોને !
- જાઓ.... ભગવાને તમને બચાવી લીધા..!
(રમેશ દેસાઇ, અમદાવાદ)

* બધા માણસો મૂર્ખ નથી હોતા...કેટલાક કૂંવારા પણ હોય છે. સૂઉં કિયો છો ?
- હું એક આદર્શ મૂર્ખ છું.
(રમેશ સુતરીયા- ટ્રોવા, મુંબઇ)

No comments: