Search This Blog

15/11/2013

'મીયાં, બીબી રાજી' ('૬૦)

ફિલ્મ   :    'મીયાં, બીબી રાજી' ('૬૦)
નિર્માતા   :    અનુપમ ચિત્ર
દિગ્દર્શક   :    જ્યોતિ સ્વરૂપ
સંગીત   :   સચિનદેવ બર્મન
ગીતો   :    શૈલેન્દ્ર
રનિંગ ટાઈમ   :    ૧૪-રીલ્સ
થીયેટર   :    રીગલ (અમદાવાદ)
કલાકારો    :    કામિની કદમ, મેહમુદ, શ્રીકાંત ગૌરવ, સીમા સરાફ



ગીતો
૧.સુન મેરી સજની રે, છી બાબા ક્યા કહેતે હૈં        - મુહમ્મદ રફી
૨.પ મ ગ મ... તૂને લે લિયા હૈ દિલ અબ ક્યા હોગા    - ગીતાદત્ત-રફી
૩.ખુલી હૈ આંખ મગર, ખ્વાબ હૈ વો હી કા વો હી...    - સુમન કલ્યાણપુર
૪.સુન લે મુરલીયા, આઈ મૈં છુપ કે        - સુમન કલ્યાણપુર
૫. પિયા બિન નાંહી આવત ચૈન... હો મિલ ગયે    - મહેન્દ્ર કપૂર, આશા
૬. હો રાજા મોરે ડોલી લે કે આજા    કમલા સિસ્ટા    - રફી
૭. મૈં હૂં ભોલા વ્યાપારી, લાયા હૂં ચીઝેં પ્યારી પ્યારી...    - મુહમ્મદ રફી

મોટા ભાગે તો બહુ ઘટીયા ફિલ્મો બનતી હતી, '૫૦, '૬૦ કે '૭૦ના દાયકાઓમાં. એકાદી વળી સારી નીકળી જાય તો ભયો ભયો. આ આખા આરોપમાં બે ચીજો નોંધવા જેવી છે. એક તો મોટા ભાગની ફિલ્મો ઘટીયા બનતી હોય તો, આપણને બધાને એવી ફિલ્મો ગમતી હતી કેમ? મોટાભાગની ફિલ્મો રજત જ્યંતિ ઉજવણી એ જમાનામાં આવો ખ્યાલ નહોતો આવતો કે, આ ફિલ્મો ફાલતુ છે. એ વખતે તો ગમતી જ હતી... અપવાદો હોઈ શકે! એનું કારણ અત્યારે એ રીતે ગોઠવી રહ્યો છું કે, ફિલ્મો સિવાય આપણી પાસે મનોરંજનનું બીજું કોઈ સાધન પણ નહોતું. અમદાવાદ એકલું ભદ્રના દરવાજે પૂરું થઈ જતું. રીક્ષાઓ પોસાય એમ નહોતી. ગાડી તો પૂરા શહેરમાં માંડ કોઈ ૨૦-૨૫ લોકો પાસે હતી. ક્રિકેટનો શોખ બધાને, પણ એ ય જોવા ન મળે... રેડિયો પર કોમેન્ટરી સાંભળવાની. ઈંગ્લિશ કોઈને આવડતું નહોતું, એટલે 'ઈન્ડિયા ૩૫ ફોર ૩...' એટલે એટલી ખબર પડતી કે, ઈન્ડિયા એટલે આપણે અને ૩૫ રનમાં આપણી ત્રણ વિકેટો રાબેતા મુજબની પડી ગઈ છે.

સિનેમા એક માધ્યમ એવું હતું કે જોનારાઓ કે ફિલ્મ બનાવનારાઓ બેમાંથી કોઈને લાંબી બુદ્ધિ દોડાવવી પડતી નહોતી. હીરો-હીરોઈન આંખના જોવા ગમે એવા હતા, એમનું જોઈને કપડાં કેવા પહેરવા કે બગીચામાં જઈને પેલી સાથે બેસવું કેવી રીતે અથવા તો પ્રસ્તાવ મૂકતી વખતે ફાધરની સામે મૂન્ડી નીચી રાખીને રાજેન્દ્ર કુમારની જેમ કહેવું કેવી રીતે કે, 'બાપુજી, હું ગોદાવરી સાથે લગ્ન કરવા માંગું છું...' ધૅટ્સ ઓલ.

અને આવી ય ફિલ્મો ગમવાનું બહુ તગડું કારણ ઓલમોસ્ટ દરેક ફિલ્મોનું ઊંચા ગજાંનું સંગીત હતું. એમાં રતિભારે ય ફેર ન પડે. આજ સુધી ફિલ્મો ભાગ્યે જ કોઈ યાદ રહી છે, સંગીત ફિક્સ ડીપોઝિટની જેમ વ્યાજ આપતું આપતું આજે પણ આપણા હૃદયની બેન્ક તગડી કરતું રહ્યું છે.

આ ફિલ્મ 'મીયાં, બીબી રાજી' પણ ચોક્કસપણે ફાલતુ ફિલ્મ હતી, પણ પાછી એવી ફાલતુ નહિ કે, અધવચ્ચે છોડીને ઊભા થઈ જવું પડે. મેહમુદ ઑલમોસ્ટ હીરો હતો. ઑલમોસ્ટ એટલા માટે કે, ટૅકનિકલી હીરો તો શ્રીકાંત ગૌરવ હતો, જે હીરો કમ ને ટાયર-પંકચરવાળા જેવો વધારે લાગતો હતો. આપણે ત્યાં બહુ બોલાતો તકીયા કલામ છે, 'ક્યાંથી આવા ને આવા ઉપાડી લાવો છે...?' એ કલામ આ શ્રીકાંતને જોઈને પડયો હશે!
હીરોઈન કામિની કદમ હતી. એનું સાચું નામ 'માણેક કદમ' હતું. રાજેન્દ્ર કુમાર સાથે એની ફિલ્મ ૧૯૫૮માં 'તલાક' આવી હતી, જેનું ગીત તમને ગમે છે, 'મેરે જીવન મેં કિરન બનકે ઉભરને વાલે, બોલો તુમ કૌન હો...' (સી. રામચંદ્ર, મના ડે, આશા ભોંસલે) એ પછી રાજેન્દ્ર કુમાર સાથેની ફિલ્મ 'સંતાન' આવી (બોલે યે દિલ કા ઈશારા આંખોને મિલ કે પુકારા... દત્તુ ઠેકાનું મદમસ્ત ગીત હતું.) એ પછી વસંત દેસાઈની ફિલ્મ 'સ્કૂલ માસ્તર'માં એ આવી. 'ઓ દિલદાર, ક્યા મેરા પ્યાર પસંદ હૈ તુમ્હેં...?' અને છેલ્લે ગીતા બાલી સાથે સલિલ ચૌધરીવાળી ફિલ્મ 'સપન સુહાને'માં એ હતી. ('...કે ઘૂંઘટ હટા ન દેના ગોરીયે કે ચંદા શરમ સે ડૂબેગા...') રાજેન્દ્ર કુમાર બહુ સદી ગયો હશે કે એની સાથે ફિલ્મ 'માંબાપ'માં પણ એ હીરોઈન હતી. 'લે લો લે લો દુઆયેં માંબાપ કી, સર સે ઉતરેગી ગઠરી, પાપ કી...' યસ. હતી એ હીરોઈન મટિરીયલ. સરસ હાઈટ બોડી અને ચેહરો સુંદર.

કામિની ૩૦ જૂન, ૨૦૦૦ના રોજ ગુજરી ગઈ. મરાઠી અભિનેત્રી હતી.

અત્યારે નવાઈ લાગી શકે ખરી કે, એ જમાનામાં મેહમુદ હીરો તરીકે આવતો હતો. અહીં એની હીરોઈન મરાઠી તખ્તા અને ફિલ્મોની એક સમયની હીરોઈન સીમા સરાફ હતી, જે પાછળથી રમેશદેવને પરણીને સીમાદેવ બની. આ પતિ-પત્નીને તમે રાજેશ ખન્નાની ફિલ્મ 'આનંદ'માં મિસીસ અને ડો. કુલકર્ણીના કિરદારોમાં જોયા છે. કૅન્સરગ્રસ્ત ખન્નાને બચાવવા માટે સીમાદેવ ખન્નાને લઈને મૌની બાબા પાસે લઈ જાય છે, એ સીમા. 'કહાં ઊડ ચલે હો, મન પ્રાણ મેરે, કીસે ખોજતે હૈં મધુર ગાન મેરે...' એ ફિલ્મ 'ભાભી કી ચૂડીયા'ના આશા-મુકેશના યુગલ ગીતમાં હીરો શૈલેષ કુમાર સાથે આ ગીત સીમા દેવે ગાયું હતું.

જાડી મનોરમા સરપ્રાઈઝીંગલી અહીં ચીસાચીસ વગરના રોલમાં છે ને એ ય કૉમેડિયન ડૅવિડ (ડૅવિડ અબ્રાહમ ચેઉલકર)ની પત્ની હોવા છતાં. ડૅવિડ ઈન ફૅક્ટ, અહીં કૉમેડી નથી કરતો ખલનાયક પિતાના રોલમાં છે. જીવનભર કુંવારો રહેલો ડેવિડ બેવફા ફિલ્મનગરીથી ત્રાસીને છેલ્લા દિવસો કૅનેડામાં કાઢ્યા હતા. એ યહૂદી (જ્યૂ) હતો. હીરોના ફાધરના રોલમાં, એક જમાનામાં અનેક ફિલ્મોમાં આવતા ખૂબ સારા કલાકાર નિરંજન શર્મા છે. સારી પર્સનાલિટી પણ હતી. ફિલ્મની ફાલતું વાર્તા કંઈક આવી હતી :

મેહમુદ અને કામિની કદમ ભાઈ બહેન છે. સ્કૂલ ટીચર તરીકે નોકરી કરતી કામિની નિરંજન શર્માના છોકરા શ્રીકાંતના પ્રેમમાં છે. શ્રીકાંતની બહેન સીમા મેહમુદના પ્રેમમાં છે. મતલબ, ભાઈ-બહેનો સામસામે પ્રેમો કરી બેઠા છે. બન્નેના પિતા દહેજના લાલચી છે. ફિલ્મ દહેજ ઉપર હોવાથી ચારે ય પંખીડાઓના લગ્ન દહેજને કારણે અટકે છે. મેહમુદ સીમાદેવ આપઘાત કરવા જાય છે. એ ન કરે માટે બન્ને ફાધરો એગ્રી થઈ જાય છે. વાર્તા પૂરી.

સાલું... ફિલ્મનું ટાઈટલ વાંચ્યા પછી એક આશા ઊભી થતી હતી કે, માં-બાપ દહેજના ભૂખ્યા છે, તો છેલ્લે એન્ડ એવો આવશે કે, બન્ને પાર્ટીઓ દહેજ માટે ભૂખાવડીઓ થતી રહે ને આ બાજુ 'મીયાં, બીબી રાજી, તો ક્યા કરેગા કાજી'ને સાર્થક કરવા માં-બાપને લટકતા રાખીને ચારે ય પાર્ટીઓ લગ્ન કરી લે. એને બદલે તો એ જમાનાની બધી ફિલ્મોની જેમ, ચારે ય જણા માં-બાપની સંમતિની રાહ જોયે રાખે છે. તારી... સોરી, તમારા બધાની ભલી થાય ચમના/ચમનીઓ... માં-બાપને પરાણે રાજી કરવા આપઘાતનું જ નાટક કરવાનું હોય તો આ દહેજ-ફહેજનું નાટક કરવાની જરૂર જ ક્યાં છે?

મોટું દુઃખ પહોંચાડે છે, મારા ખૂબ ગમતા સંગીતકાર સચિનદેવ બર્મન! સમજ્યા કે, ૧૯૫૮થી ૧૯૬૨ના ચાર વર્ષો દરમ્યાન લતા મંગેશકર સાથે ઝઘડો થઈ જતા, બન્ને એકબીજા માટે કામ કરતા નહોતા, એટલે દાદાને આશા અને સુમન કલ્યાણપુરને લેવા પડતા. પણ તો ય, એ બધી ફિલ્મોમાં ય એમના સંગીતમાં કોઈ ફરક પડયો નથી... એક આમાં જ માર ખાઈ ગયા અને બહુ ફાલતુ ગીતો બનાવી નાંખ્યા. જુઓ, વગર લતાએ પણ આ ચાર વર્ષોમાં લહેર કેવી અદ્ભૂત કરાવી છે? આ ફિલ્મોના ગીતો યાદ કરો, જેમાં લતા નહોતી. 'સોલવા સાલ, કાલા બાઝાર, લાજવંતિ, ચલતી કા નામ ગાડી, કાલાપાની, સુજાતા, કાગઝ કે ફૂલ, ઈન્સાન જાગ ઉઠા, મંઝિલ, બમ્બઈ કા બાબુ. મીયાં બીબી રાજી, અપના હાથ જગન્નાથ, બેવકૂફ, એક કે બાદ એક અને બાત એક રાત કી... છેક '૬૨ની સાલમાં લતા સાતે સમાધાન થતા ફિલ્મ 'ડો. વિદ્યા'માં 'પવન દીવાની, ન માને ઉડાયે મોરા ઘૂંઘટા...'થી નવી ઈનિંગ્સ શરૂ થઈ.

ફિલ્મ 'મીયાં બીબી રાજી'માં તો એક સુમનનું 'છોડો છોડો મોરી બૈયા, સાંવરે, લાજ કે મારી મૈં તો પાની પાની હુઈ જાઉં...' જાણીતું બન્યું. મને તો 'ખ્વાબ હૈ વો હી કા વો હી...' ખૂબ ગમે છે, પણ મારા એકલાના ગમવાથી શું થાય? એ સમયની બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મો જોતા આજ બેશક કંટાળો આવે. ટૅકનિકલી ફિલ્મો ઘણી નબળી હતી. જેમ કે, દરેક હીરો-હીરોઈનના મોંઢા ઉપર તમે પકડી પાડી શકો, એવા મૅક-અપના થપેડા દેખાય. આઉટડોર શૂટિંગમાં રીફલેક્ટરોનું અજવાળું તમે પકડી શકો. રીફ્લેક્ટર એટલે સૂર્યપ્રકાશમાં સીધે સીધા દ્રષ્યો ઝડપે, તો મોંઢા ઉપર કાળો છાંયડો તરત દેખાય. રીફ્લેક્ટરો એટલે લગભગ ૫-૭ ફૂટના ચોરસ બોર્ડ ઉપર ચાંદીના વરખ જેવો કાગળ ચોડયો હોય, જેના ઉપર અથડાઈને સૂર્યપ્રકાશ હીરો-હીરોઈન ઉપર રીફ્લેક્ટ થાય, એટલે તડકો યથાવત રહે, પણ છાંયડો ગાયબ થઈ જાય. અહીં 'તૂને લે લિયા હૈ દિલ અબ ક્યા હોગા...'ગીતમાં બોટમાં બેઠેલા સીમા-મેહમુદ ઉપર રીફ્લેક્ટરોની આઘાપાછી સ્પષ્ટ દેખાઈ જાય છે, જે ન દેખાવી જોઈએ. મૅક-અપના થપેડા પણ જરૂરત કરતા વધારે ઉપસી આવ્યા છે.

એક કૉમેડી તો આજે ય બધી હિંદી ફિલ્મોમાં થતી દેખાય છે. હીરો-હીરોઈનને એમના મમ્મી-પપ્પા લગ્નનો પ્રસ્તાવ મૂકે, એટલે મોંઢા મચકોડી જ નાંખવાના. હાળાઓને ગમતું બધું હોય, પણ 'ઓહ પાપા, મેરી શાદી કે બારે મેં આપ સોચ ભી કૈસે સક્તે હૈં...?' એવો એકાદ ડાયલોગ આ ફિલ્મના હીરોની જેમ મારી દેવાનો. અલ્યા ચમના... બાપ તારો છે. એ તારી શાદી માટે નહિ સોચે તો શું ભારતના વડાપ્રધાનની શાદી માટે સોચવાનો છે? ખોટો ડાયો સુઉં થાસ...?

એક અફસોસ શીલા વાઝના નામનો થઈ જાય. એ જમાનાની અનેક ફિલ્મોમાં શીલા આવી હતી. ભારોભાર સૌંદર્ય (ભારોભાર એટલે સૅક્સી) છતાં કોઈ ફિલ્મોમાં એને પૂરતી જગ્યા ન મળી. ફિલ્મનું 'છોડો છોડો મોરી બૈંયા, સાંવરે...' તમે યૂ-ટયૂબ પર જોશો, તો ય ખ્યાલ આવશે કે આ છોકરી તો હીરોઈનો કરતાં ય વધુ સુંદર હતી... છતાં ચાલી કેમ નહિ? આ જ ગીતના અંતમાં ઢોલકની થાપ સાથે એ ગીત પૂરું કરવા, બન્ને હાથમાં પોતાનો દુપટ્ટો લહેરાવતી દોડી જાય છ, એ ઉપરથી આજકાલ એક સરસ જાહેરખબર ટીવી પરની યાદ આવી ગઈ. ફિલ્મનો યુવાન ડાયરેક્ટર આઉટડોરમાં હીરોઈનને 'એક્શન' કહે છે, એ સાથે જ પાછળ જોયા વગર હીરોઈન બન્ને હાથમાં દુપટ્ટો ઊંચો કરતી આગળ દોડી જાય છે, એ જ વખતે ડાયરેક્ટરની મમ્મીનો ફોન આવતા શૉટ તો કટ થઈ જાય છે, પણ પેલી ભોળીને કોઈ કહેતું નથી કે, શૉટ કૅન્સલ છે, તું પાછી આવ... પેલી બસ... દોડે જ જાય છે.

No comments: