Search This Blog

20/11/2013

મિસ્ટર બફાટ

અમારાથી હમણાં બહુ મોટું બફાઈ ગયું. બાફી મારવાના જગતમાં અમારૂં નામ જાણિતું ખરૂં. ઈરાદો ખરાબ ન હોય પણ અમારા બફાટને કારણે બીજાનું ધનોતપનોત નીકળી જાય, એની એ બીજા લોકોને પહેલી અને અમને પછીથી ખબર પડે.

આમાં આવું કંઈક થયું હતું.

રાકેશના ઘેર આમ અમારી અવરજવર ખરી. વર્ષે-દહાડે બે-ચાર વાર જવાનું થાય. એ તો હિમ્મતનગર રહે, પણ જાપાનમાં કહેવત છે કે 'દોસ્તનું ઘર દૂર હોતું નથી.' યાર દોસ્તો દૂર રહેતા હોય એમાં આપણને એક ફાયદો કે, જમાડયા વગર તો પાછા ન મોકલે... ભલે દયાધરમને કારણે! રોજ પોતાને જ ઘેર જમવું, એવો ફાંકો અમારા ખાનદાનમાં કોઈને નહિ. કયારેક પોતાના ઘેર પણ જમવું જોઈએ, એવા નિયમો પણ લઇ નાંખીએ. જમવા માટેના બહારના ઓર્ડરો ઉપર પૂરતું ધ્યાન આપવાને કારણે ઘરની એકની એક રસોઇમાંથી આપણને મુક્તિ મળે છે અને રોજ બદલતા સ્વાદ સાથે સારૂં જમવાનું મળે છે.

રાકેશે અમને ફેમિલી સાથે જમવા બોલાવ્યા હતા. નોર્મલી... આઈ મીન, અગાઉ એક વાર અમને ફેમિલી સાથે જમવા બોલાવી ચૂકેલા સંબંધીઓ, બીજી વાર ફેમિલી સાથે જમવા બોલાવતા નથી. આપણે ય સમજીએ ને કે, દર વખતે ૨૬-જણના ફેમિલી સાથે કોકના ઘેર જમવા જઈએ એ સારૂં ન લાગે.

રાકેશ ભૂલી ન જાય એટલા માટે આપણે અમદાવાદથી ફોનો કરીને જ નીકળવાનું. જૈનો આમે ય બીજાને જમાડીને રાજી થાય છે, એ ધોરણે મને તો અમારા માટે માન થયું કે, અન્યને રાજી કરી આપવાની અમારામાં કેટલી બધી તમન્નાઓ છે! શરીરનો આકાર જોઈને, રાકેશ તો રોજ પોતાને ઘેર જ જમતો હશે, એવું લાગે. હશે, આપણાથી બધાને કાંઈ બ્રાહ્મણ બનાવાય છે? બા કેવા ખીજાય?

પહેલા બફાટની તો હિમ્મતનગર પહોંચ્યા પછી ખબર પડી. રાકેશે એકચ્યૂઅલી, અમને પૂરા ફેમિલી સાથે જમવાનું કીધું હતું ને અમે ફક્ત બે જ પહોંચ્યા. આ તો ઠીક છે કે, બાકીના ૨૪ પોતાની વ્યવસ્થાઓ કરી લેવા કાબિલ છે, પણ જીવો તો બળે. સાચું પૂછો તો હવે બીજાને જમાડનારા બહુ રહ્યા પણ નથી. ''નેકસ્ટ ટાઈમ આખા ફેમિલી સાથે બે વાર જમવા આવીશું,'' એવું કહીને રાકેશના ઉત્સાહને ઠંડો પાડયો.

રાકેશને ઘેર અગાઉથી અન્ય મેહમાનો બેઠેલા હતા, ફેમિલી સાથે. અમારા ઉપરાંત અન્ય પણ રાકેશની રસોઈના ચાહકો હશે, એ જાણી આનંદ થયો. એનલાર્જ કરેલા ગોળના બે રવા બાજુ બાજુમાં મૂક્યા હોય, એમ એ વિરાટકાય પતિ-પત્ની સોફામાં અડી અડીને બેઠા હતા. સામે એમના ભ'ઈ-ભાભી હશે રામ જાણે, પણ અહીં કેસ બિલકુલ ઊલટો હતો. એની વાઇફ સામે બીજી વાર જોઈશ તો એનો ગોરધન ઊભો થઈને થપ્પડ મારી દેશે, એવો ફડકો પેલીને પહેલી વાર જોયા પછી મને થયો. હું કોઈનું ખિસ્સું કાતરતા પકડાયો હોઉં, એવી નજરે સાલો મારી સામે જોતો હતો. આવું વધારે વખત જોવા-બોવાનું થાય તો આ બાજુ મારી વાઈફ પણ બે થપ્પડ મારી દે એવી છે... મને નહિ, પેલાની વાઈફને! અમારામાં આવા પ્રમાણભાનો બહુ રહે! મારી સામે અન્ય કોઈ સ્ત્રી ઊંચી આંખ કરીને જુએ તો વાઈફ સહન ન કરે... વાંક ગમે તેનો હોય, ટીચાવાની પેલી જ થાય... ! અને એ મારા માટે સારૂં પણ છે. હજી મારામાં વહેમાવા જેવું કંઈક પડયું છે, એ એહસાસ એને થતો રહેવો તંદુરસ્તીની નિશાની છે... આ તો એક વાત થાય છે!

આ તો જસ્ટ... વાચકોનો જીવ ન બળે એટલે ખુલાસો કે, પેલી પબ્લિકમાં રૂપિયો ય ઈન્વેસ્ટ થાય એમ નહોતો. જેને કારણે સાલો મારા ઉપર વહેમાયો હતો, એ એની વાઇફ નાનપણમાં ટુવાલ ગળી ગઈ હશે, એવો આકાર એના પેટનો હતો. માથામાં ખચાખચ તેલો નાંખેલા હતા અને સોફા ઉપર અગાઉ કોઈ ચીકણો કોલસો ઘસી ગયું હશે, એવું તેલનું ધાબું એણે પાડયું હતું. ભાઈ ખુદ બે-ચાર જનમ પહેલાના જનમ લઉ-લઉ કરતા હશે તે આ વખતે ૮-૧૦ સામટા સીઝેરિયનો કરાવીને ફાઇનલી જન્મ્યા હશે, એવા આકારો લઈને ધરતી પર અવતર્યા હતા. આપણા બધાનું ડોકું બે ખભાની વચ્ચોવચ્ચ હોય ને... આમનું સહેજ ડાબી બાજુ ખસી ગયું હતું. ગટરમાંથી રૂપિયાનો સિક્કો કાઢતી વખતે એક જમાનામાં હાથ ભરાઈ ગયો હશે ને ગામ આખું એ હાથ ખેંચવા આવ્યું હશે, કે એ હાથ લાંબો રહી ગયો હતો. વાચકોના ઉપર ખરાબ સંસ્કારો ન પડે, એટલે આ મેહમાનોના બાળકો વિશે કાંઈ લખતો નથી. મારી ગણત્રીમાં ભૂલ થતી ન હોય તો બધું મળીને એ લોકો બે બાળકો સાથે લાવ્યા હતા.

એ બધાના ચેહરાઓ જોયા પછી એક ખ્યાલ તો આવ્યો કે, આ લોકો છેલ્લા ૨૦-દિવસથી જમ્યા નહિ હોય. અમારો પરિચય કરાવવામાં આવ્યો. જમવાના સબ્જેક્ટમાં રાકેશ અમારી સાચી ઓળખાણ ન આપી દે તો સારૂં, એવું ય લાગ્યું. અમને તો રાકેશના ફેમિલીએ સુંદર આવકાર આપ્યો, પણ અગાઉથી ક્રીઝ પર ચોટેલા બેટ્સમેનો હતા, એ સદીઓથી બઠેલા હશે અને હવે રાકેશ ફેમિલી સાથે ઘર છોડીને કોક દૂરના પ્રવાસે નીકળી જશે, તો ય આ લોકો ઊભા નહિ થાય, એવું મનમાં સેટ થતું હતું... અમારા મનમાં નહિ, રાકેશના મનમાં! અમારા મનો તો ગંગા જેવા પવિત્ર હતા કે, રાકેશ અમને જમાડવા તૈયાર થયો છે તો આ લોકોને ય જમાડશે.

કદાચ... અમારો પરિચય કરાવ્યો, એ રાકેશની તોતિંગ ભૂલ હતી. હું લાગણીવાળો બહુ. એકલા એકલા જમવાનું મને બહુ ફાવતું નથી. અફ કોર્સ, અહીં તો રાકેશના ફેમિલી સાથે જમવાનું હતું, છતાં ય આપણને એમ કે, પેલા લોકો ય જમીને જ જાય.

બસ. અહીંથી મારા બફાટની શરૂઆત થઈ. રામ શબરીના આશ્રમમાં ગયા, તે દિવસથી રાકેશના ઘેર ચોંટેલા આ લોકો ક્યારે ઊભા થાય, એની રાકેશનું ફેમિલી રાહ જોઈને બેઠું હતું ને હું લાગણીઓના ઝનૂનમાં આવી ગયો. કોઈ જમ્યા વગર ઊભું થાય, એ મારાથી નથી જોવાતું (મારા ઘરે એવું જોવાના ચાન્સો બહુ મળે !) એટલે મેં એમના ખભા પકડી પકડીને આગ્રહો કરી કરીને બેસાડયા. (ખભા પેલીના વાઈફના નહોતા પકડયા!) રાકેશે મારી સામું એવી રીતે જોયું, જે રીતે દ્રૌપદીની લાજ લૂંટાતી હતી, ત્યારે યુધિષ્ઠીર સામે અર્જુને જોયું હતું. આ લોકો ઉઠતા હતા, ત્યારે 'ચલો હવે જઈએ...' બોલાય, એ ભેગા જ રાકેશનો પરિવાર એકદમ ઊભો થઇને એક સાથે, ''બસ ત્યારે...?'' બોલ્યો. અમે લાગણીવાળા બહુ એટલે ડબલ ઝનૂનથી ઊભા થયા ને પેલા લોકોને પરાણે બેસાડી દીધા, ''અરે ગુરૂ... એમ કાંઈ જમ્યા વગર જવાય છે રાજ્જા... ! અરે એક સે ભલે દો... સાથે જમીએ... બેસો બેસો !''

આ લાંબા વાક્યનો એક એક શબ્દ કાળમીંઢ પથ્થર હોય ને અમે બન્ને ઉપાડી ઉપાડીને રાકેશના ફેમિલી-મેમ્બરોને મારતા હોઈએ, એવો દુઃખાવો દેખાતો હતો. અમને ખબર નહિ કે, આ પબ્લિક ગઈ કાલે રાત્રે જ રાકેશના ઘેર પેટો ભરી ભરીને જમી ગઈ છે... આ તો મોબાઈલ ભૂલી ગયા હતા, તે લેવા પાછા આવ્યા, એમાં ય ઊભા થતા નહોતા.

મારા લાગણીશીલ ઝનૂનના તબક્કા દરમ્યાન એક તબક્કે રાકેશ મારો ખભો પકડીને મને અંદર લઈ જવા માંગતો હતો તો મેં એને સમજાવી દીધો, ''તું ચિંતા ના કર રાકેશ... તારાથી નહિ માને... મારા પ્રેમભર્યા આગ્રહ સામે આ બધા જમવા બેસી જશે !''

અમે બહુ વાઈફે રંગેચંગે મસ્ત મજાનું ડિનર રાકેશના મેહમાનો સાથે લીધું. એ નહતો. પૂછ્યું ત્યારે ખબર પડી કે, પિરસવાનું મહારાજને સોંપીને એ આખા ફેમિલીને લઈને હોટેલમાં જમવા ગયો છે... !

No comments: