Search This Blog

17/11/2013

ઍનકાઉન્ટર 17-11-2013

* ૪૫ વર્ષની માધુરી દીક્ષિત હવે કૉમેડી ફિલ્મ કરશે..!
- ઉંમર કોઇને છોડતી નથી, ભા'આ...ય ! આપણા ઘરોમાં ય માધુરીઓ રોજ કૉમેડી કરે છે. કાંઇ બોલાય છે ?
(હરીશ મણીયાર, જેતપુર)

* નિરાધાર દેશમાં આધાર કાર્ડની કોઇ જરૂર ?
- સરકારી સાહેબોને ધૂંઆધાર- કાર્ડ મળવાનું છે ! બધા ય આધાર- કાર્ડોનો બાપ !
(કે.એચ. ભાવસાર, વડનગર)

* ધર્મસ્થાનોમાં થતી જંગી આવક દેશનું દેવું ચૂકવવા માટે વપરાય તો પ્રજાને એક રૂપિયો પણ ટેક્સ ભરવો ન પડે. સુઉં કિયો છો ?
- તમે અબજો રૂપિયાની વાત કરો છો. ધર્મને બદલે દેશ માટે એક જ રૂપિયો આપવા તૈયાર હોય, એવો એકે ય ભારતીય જોયો ?
(ડૉ.રશીદા સાહેરવાલા, વડોદરા)

* જીવન જો એક સંઘર્ષ હોય તો લોકો સંઘર્ષ કરવા તૈયાર કેમ નથી ?
- કારણ કે, મૃત્યુ એક મજાક છે... ને આપણને મજાક પસંદ નથી !
(અંજના બી.મોદી, અમદાવાદ)

* સફળ લગ્નજીવન માટેનું કોઇ સરળ સૂત્ર બતાવશો ?
- મંગળસૂત્ર.
(હિતેન્દ્ર દેસાઇ, તલીયારા- ગણદેવી)

* બિરબલને ફક્ત બાદશાહના સવાલોના જવાબો આપવા પડતા... આપને પ્રજાના પ્રશ્નો ઉકેલવા પડે છે...!
- વાંચકો તો કોક વાર જ બેવકૂફ જેવા સવાલો પૂછે છે.
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* મઝા શેમાં છે ? 'એકતા'માં... કે 'એક લતા'માં !
- લુચ્ચા..! મઝા બન્નેની લૂંટો છો ને જીવ અમારો બાળો છો ?
(મહેશ માંકડ, અમદાવાદ)

* આ વખતની દિવાળી તમે પત્ની સાથે ઉજવી ?
- હા, મારી પત્ની સાથે.
(ગુલાબ હિન્ડોચા, પોરબંદર)

* જેવું જીવન ખુદ જીવતા નથી. એવું જીવવાની સલાહ આપણા સાધુ-સંતો આપણને કેમ આપે છે ?
- એ લોકો એવી સલાહો તો ના આલે ને કે, 'જાઓ ભક્તો... તમે ય રોજનો એક બળાત્કાર કરી લાવો !'
(ધ્રૂવ પંચાસરા, વીરમગામ)

* બધું ભગવાનને ભરોસે છોડી દેવાની આપણને સલાહો અપાય છે, તો આપણા ભરોસે કોને છોડી દેવા ?
- ભગવાનને !
(હાર્દિક ધાંધુ, અમદાવાદ)

* જંગી વાવાઝોડાઓના નામો સ્ત્રીઓના નામ પરથી શાથી ?
- લક્ષણના ધોરણે
(પ્રબોધ જાની, વસઇ- ડાભલા)

* ઘરમાં ઝઘડા જ ન થાય તો શું કરવું ?
- બહાર જઇને કરવા.
(જ્યોત્સના હિન્ડોચા, રાણાવડવાળા)

* કાંઇ પણ ન કરવા માટે ટોચ પર રહેવું જરૂરી છે ?
- તમે આમ આપણા વડાપ્રધાન પર કટાક્ષ ન કરી શકો.
(તુષાર વી. સુખડીયા, હિંમતનગર)

* અમારી પાસે અવારનવાર 'પંખો ચાલુ કરાવવા'નું કોઇ કારણ ?
- તમારા માટે નવું સૂત્ર : 'પંખો નંખાવો'
(રમાકાંત કે.જોશી, અમદાવાદ)

* કોઇ નવો કાયદો આવી રહ્યો છે કે છોકરો છોકરીનો પીછો કરતો હશે તો બળાત્કાર સરીખો ગુન્હો ગણાશે, પણ છોકરી કોઇ છોકરાનો પીછો કરશે તો ?
- તો એવી છોકરીને બળાત્કારથી ય વધુ આકરી સજા થશે. એ છોકરા સાથે પરણાવી દેવાની !
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

* પત્ની માટે 'ધર્મપત્ની' શબ્દ વપરાય છે, તો પતિ માટે 'ધર્મપતિ' કેમ નહિ ?
- ધરમનો પતિ જુદો રાખવા જાય તો બા ખીજાય !
(નલિન હ.ત્રિવેદી, જામનગર)

* સાસરીયામાં વહુએ જ પોતાની ઇચ્છાઓ મારવી કેમ પડે છે ?
- વહુ સાચી હોય તો વિદ્રોહ કરવાની હિંમત રાખવી જોઇએ.
(સંગીતા જે. ભટ્ટ, મુંબઇ)

* નહેરૂ વંશના રાહુલ ગાંધી વડાપ્રધાનપદ માટે લાયક ખરા ?
- તે આજ સુધી ક્યા વડાપ્રધાન તમને લાયક લાગ્યા ?
(ડી.જી.વ્યાસ, જૂનાગઢ)

* 'જાગતો નર ભદ્રા પામે' એટલે શું ?
- ભદ્રાને વાંધો હોવો ન જોઇએ !
(ભરત ડી. સાંખલા, ડીસા)

* પ્રવચનો વખતે સ્ટેજ પર બેઠેલા મહાનુભાવોના નામની તક્તી કેમ મૂકવામાં આવે છે ?
- સ્ટેચ્યૂ જરા મોટા પડે !
(જે.એમ.સોની, અમદાવાદ)

* આપ માર્ચમાં અમેરિકા આવી રહ્યા છો.. શું આપના વાઇફ સાથે આવશે ?
- આમ પહેલેથી બીવડાવી ના મારો, બહેન !
(ધારા સંયોજન પટેલ, કેલિફોર્નિયા-અમેરિકા)

* તમે લોકસભાની ચૂંટણી લડવાના ?
- એવું બીવાનું નહિ મારાથી..! હું તો પાડોશી સાથે ય લડતો નથી.
(અમિત કમલ ત્રિવેદી, અમદાવાદ)

* પરણતા પહેલા વરઘોડો અને ધૂમધામ, પણ બધું પત્યા પછી ચૂપચાપ ઘરભેગા થઇ જવાનું કારણ શું ?
- બધા હવે તો સાચી સલાહ આપે ને, કે 'થતાં થઇ ગયું, ભ'ઇ.. હવે સ્વીકારી લો'
(દિનેશ જોશી, મુંબઇ)

* બુધ્ધિશાળી હોવા છતાં કાગડાને અવળચંડો કેમ કહે છે ?
- કોને ધોઇ નાંખવા માંગો છો, બેન ?
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

* સ્કૂલમાં યુનિફોર્મ ખરો તો કોલેજમાં કેમ નહિ ?
- કોલેજમાં પપ્પુએ પહેરતા શીખવાનું ન હોય..
(પ્રહલાદ રાવળ, રાજપીપળા)

* તમે 'સિક્સર'માં અમદાવાદની સરદાર પટેલ કોલોની ચાર રસ્તા પર ગેરકાયદેસર લારીગલ્લા અને પાર્કિંગ વિશે લખ્યું હતું, તે પછી ત્યાં ભીડ ઓછી થઇ ?
- ના, પોલીસ એવું સમજી છે કે, મેં ત્યાં વધુ લારી-ગલ્લાને વાહનો મૂકાવવા માટે અરજ કરી હશે...! એનું પોલીસ બરોબર પાલન કરી રહી છે !
(આયુષી ઠાકર, અમદાવાદ)

No comments: