Search This Blog

22/11/2013

બોમ્બે ટોકીઝનું મશાલ ('૫૦)

ફિલ્મ : 'મશાલ'('૫૦)
નિર્માતા : અશોક કુમાર- બોમ્બે ટૉકીઝ
દિગ્દર્શક : નીતિન બૉઝ
સંગીત : કુમાર સચિનદેવ બર્મન- મન્ના ડે
ગીતો : પ્રદીપજી
રનિંગ ટાઇમ : ૧૪- રીલ્સ
થીયેટર : ઍડવાન્સ (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, સુમિત્રાદેવી, રૂમા દેવી, કનુ રૉય, મોની ચેટર્જી,
એસ.નઝીર, જાલ મર્ચન્ટ, નાના પળશીકર, શિવરાજ, નીલમ, સતિદેવી, ગૌરી દેવી, નિહારિકા દેવી, અરૂણ કુમાર, સમર ચેટર્જી, કૃષ્ણકાંત, દુબે અને કક્કુ.


ગીતો

૧. ઉપર ગગન વિશાલ, નીચે ગહેરા પાતાલ.... મન્ના ડે
૨. જબ તુમ થે હમારે ઔર હમ થે તુમ્હારે..... અરૂણ કુમાર
૩. આજ નહિ તો કલ, બિખર જાયેંગે યે બાદલ... લતા મંગેશકર
૪. આંખો સે દૂર દૂર હૈ પર દિલ કે પાસ.... લતા મંગેશકર
૫. કિતની સચ હૈ યે બાત રે, કોઇ માને યા ન માને.... ગીતા રોય
૬. દુનિયા કે લોગો, લો હિમ્મત સે કામ..... મન્ના ડે
૭. મોહે લાગા સોલહવા સાલ.... શમશાદ બેગમ- અરૂણ કુમાર
(ગીત નં.૧માં મન્ના ડેને કોરસમાં, બર્મન દા, પ્રદીપજી, કિશોર કુમારે સાથ આપ્યો હતો. જ્યારે ગીત નં.૭-માં કિશોર કુમારે ચિત્રવિચિત્ર અવાજો કાઢીને પોતાનો ફાળો આપ્યો હતો.)

'સિર્ફ નામ હી કાફી હૈ...' એક નહિ, અનેક નામો ! જે ફિલ્મ વિશ્વવિખ્યાત સાહિત્યકાર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા સિધ્ધહસ્ત લેખકે લખી હોય (મૂળ નવલકથાનું નામ 'રજની'), બોમ્બે ટોકીઝનું માનવંતું બેનર હોય, હીરો અશોક કુમાર હોય, દિગ્દર્શન નીતિન બોઝનું હોય, સંગીત સચિનદેવ બર્મનનું હોય અને મોટા ભાગના ગીતો આજ સુધી સુરીલા રહી ગયા હોય, એ ફિલ્મ તો કેવી મનોહર-મનોહર હોય...?

હતી જ. હજી અશોક કુમાર એમના યાર દોસ્તોને લઇને બોમ્બે ટોકીઝમાંથી છુટા નહોતા પડયા અને ફિલ્મિસ્તાનની સ્થાપના નહોતી થઇ, છતાંય બોમ્બે ટોકીઝના છેલ્લે છેલ્લે બૂઝતા દિયા પૈકીની આ ફિલ્મ આજે પણ જોવી ગમે એવી છે. આપણને તો આજે મન્ના દા... (કેવી કરૂણતા...! અચાનક હવે એમના નામની આગળ 'સ્વર્ગસ્થ' લખવાનું ચાલુ કરી દેવું પડયું !)એ ગાયેલા (અને કદાચ એમણે જ કમ્પોઝ કરેલા) ગીત 'ઉપર ગગન વિશાલ, નીચે ગહેરા પાતાલ...'પૂરેપૂરૂં કંઠસ્થ છે. લતાનું 'આંખો સે દૂર દૂર હૈ પર દિલ કે પાસ..' તો ભાઇ... ભારે મીઠડું ગીતડું છે. ન સાંભળ્યું હોય તો સીડી મંગાવી લેજો. સાથે લતાનું એવું જ બીજું, 'આજ નહિ તો કલ, બિખર જાયેંગે યે બાદલ..'પણ એકની સામે એક ફ્રીમાં આવશે. બર્મન દાની હજી તો હિંદી ફિલ્મોમાં શરૂઆત જ હતી. છતાં ચમકારા કેવા મધુરા દેખાવા (અને સંભળાવા) માંડયા હતા કે અરૂણ કુમાર જેવા સમજો ને ઓલમોસ્ટ નો-સિંગર પાસે એ દિવસોમાં દેશ આખામાં ફરી વળેલું ગીત, 'જબ તુમ થે હમારે ઔર હમ થે તુમ્હારે...' પણ તમને પર્સનલી કામમાં આવે એવું છે, જો પ્રેમભંગનો તાજો તાજો બોકડો બન્યા હો તો !

આ અરૂણ કુમારે અશોક કુમારને ફિલ્મ 'કિસ્મત'માં ય પ્લેબેક આપ્યું હતું. સગો તો હતો, પણ શું સગો હતો, એ બહુ યાદ નથી, પણ દાદામોનીનો ખૂબ લાડકો હતો અને કરૂણતા એવી થઇ કે, અરૂણ કુમાર ભર જુવાનીમાં ગૂજરી ગયો... દાદામોનીના જ ખોળામાં માથું રાખીને ! યાદ તો છે ને, 'ધીરે ધીરે આ રે બાદલ ધીરે આ રે.. મેરા બુલબુલ સો રહા હૈ, શોરોગુલ ન મચા..' આ અરૂણકુમારે ગાયું હતું.

ગીતા રોય હજી 'દત્ત' બની નહોતી અને ધૂમધામ જમાનો એનો ચાલતો હતો. લતાને હજી છવાવાનું બાકી હતું. આશા તો સમજો ને, હજી આવી પણ ન કહેવાય બે ચાર ફિલ્મોને બાદ કરતા ! 'કિતની સચ્ચી બાત હૈ યે, કોઇ માને યા ન માને' ગીત ટિપીકલ ગીતિયન-ગીત હતું, કે એના જ ગળામાં શોભે.

ફિલ્મ દિગ્દર્શિત કરી હતી. દાદા નીતિન બોઝે, બહુ કાબેલ ડાયરેક્ટર. અશોક - નરગીસ-દિલીપની ફિલ્મ 'દીદાર'કે દિલીપની પોતાની ફિલ્મ 'ગંગા જમુના' પણ એમના જ દિગ્દર્શનની કમાલ. મૂળ તો દાદા ન્યુ થીયેટર્સની પેદાશ અને આમ બીજી રીતે તમે પણ એમને જીવનભર યાદ રાખો એવી ઓળખાણ આપું તો, હિંદી ફિલ્મોમાં પ્લેબેકની શરૂઆત આ માણસે કરાવી હતી. ન્યુ થીયેટર્સની બંગાળી ફિલ્મ 'ભાગ્યચક્ર'માં સંગીતકાર રાયચંદ બોરાલને પ્લેબેકનો રસ્તો આમણે બતાવ્યો હતો. એ જ ફિલ્મ અનુવાદિત થઇને હિંદીમાં 'ધૂપછાંવ'બનીને પ્રારંભ થયો પ્લેબેક-સિંગિંગનો.

બર્મન દાનું સંગીત એકાએક પલટવાર કરી બેઠું નહોતું. સંગીતનો પૂરો જાણકાર માણસ, પણ જાણકારી જ નડી. જોય મુકર્જીના પિતા શશધર મુકર્જી જ એમને મુંબઇ લઇ આવ્યા અને અશોક કુમારની બે ફિલ્મો 'શિકારી' ('૪૬) અને 'આઠ દિન'માં સંગીત આપવાનું કામ સોંપ્યું. કાકા જરા ય ચાલ્યા નહિ. એકાદ વાર કાન પડયો (નજર પડી ન કહેવાય !) તો એમના જ ઘરનો નોકર નૌશાદની ફિલ્મ 'રતન'ના ગીતો ગુનગુનાવતો જોયો ને કાકા બગડયા, ''સાલા પગાર મારો ખાય છે ને ગીતો નૌશાદના ગાય છે ?'' પેલાને તો ખખડવાનો પગાર મળતો હતો એટલે કાંઇ બોલ્યો નહિ, પણ દાદાને મોડે મોડે ભાન થયું કે, ગીતો એવા સરળ બનાવવા જોઇએ જે આવા સાવ સામાન્ય માણસો પણ ગાઇ શકે...!

ફિર ક્યા...? એ પછી આખી જીંદગી નૌશાદને પોતાના નોકરને ખખડાવતા રહેવું પડે, એવા ગીતો દાદા બર્મને બનાવ્યા ! શરૂઆત 'મશાલ' પહેલા ફિલ્મ 'દો ભાઇ'થી થઇ ચૂકી હતી, 'મેરા સુંદર સપના બીત ગયા..' (ગીતા રોય). આ જ ગીત દાદાની દાદીએ...આઇ મીન, વાઇફે જીવનભર ગાવું પડયું હોત, જો કુમાર શોચિનદેબો વર્મણે વિદ્રોહ પોકાર્યો ન હોત. સહુ જાણે છે કે, દાદા ત્રિપુરાના રાજઘરાનાના સીધા વારસ હતા, પણ મીરા દાસગુપ્તા રાજઘરાણાની ન હોવાને કારણે 'શાહી ખાનદાને' આ લગ્ન ન સ્વીકાર્યા. દાદા કહે, 'ધેટ્સ ઓકે... મારે તમારી જાયદાદ નથી જોઇતી...એકલી મીરા જોઇએ છે.'

આ ફિલ્મમાં દાદાના આસિસ્ટન્ટ નહિ, ટાઇટલ્સ મુજબ તો સહસંગીત મન્ના ડેએ આપ્યું હતું. મન્ના દાનું સાચું નામ તો પ્રબોધચંદ્ર હતું, પણ મન્ના એટલે બંગાળીમાં 'મુન્ના' અને આ ફિલ્મમાં ટાઇટલ્સમાં 'મુન્ના ડે' લખવામાં આવ્યું છે.

અશોક કુમાર આ ફિલ્મ વખતે હશે કોઇ ૪૮-૪૯ વર્ષનો, મેં તો જો કે, એને એકેય ફિલ્મમાં જુવાનજોધ જોયો જ નથી. 'જીવનનૈયા'માં પહેલી વાર એ ફિલ્મોમાં આવ્યો, ત્યારે ય કાંઇ આજના સચિન તેન્ડુલકર જેટલો ય યુવાન લાગતો નહોતો, પણ અભિનયમમાં એ આજના અમિતાભ બચ્ચન કે દિલીપ કુમાર કરતા ય સવાયો હતો, એ ન માનો તમારો પ્રોબ્લેમ છે. કારણ ગમે તે હોય, પણ એ કન્વેન્શનલ હીરો ન હોવાથી હીરો તરીકે જામતો દેખાતો નહતો. મારા કારણમાં હું સાચો ય હોઉં, કારણ કે, એ સમયની ફિલ્મોમાં પણ એને બહુધા એન્ટી-હીરોના રોલ વધુ મળતા. 'મશાલ' તો નિર્માણ પણ એણે કરી હતી. આપણા દેશમાં કોઇ મરાઠી, સાઉથી કે બેંગોલી ફિલ્મો બનાવે તો આખી ફિલ્મનું નિર્માણ અનુક્રમે એમના મરાઠી, સાઉથી કે બંગાળીઓથી જ ભરચક હોય. ગુજરાતીઓ ગમે તેટલા ઉંચા પહોંચે, ગુજરાતી સિવાય બધાથી તંબૂ ભરચક કરી દે. એક ગુજરાતી બીજા ગુજરાતીને આગળ લાવતો નથી. એ જ ગુજરાતીઓની સફળતાનું રહસ્ય હશે ! અહી દાદામોનીએ એ સમયની ખૂબસુરત અભિનેત્રી સુમિત્રાદેવીને હીરોઇન તરીકે લીધી. આ સૂમિને તમે જુઓ તો બિલકુલ સુચિત્રા સેન જેવી લાગે. સુમિત્રા દેવીનું સાચું નામ તો નીલિમા ચેટર્જી હતું ને બહેન એમના એડવોકેટ પિતાની મરજી વિરુધ્ધ એક્ટ્રેસ બન્યા હતા. સાયગલની 'માય સિસ્ટર' એની પહેલી ફિલ્મ. રાજ કપૂરે ફિલ્મ 'જાગતે રહો'માં એને લીધી હતી. યાદ રહ્યું હોય તો, 'જીંદગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં જૂઠ ક્યા, ઔર ભલા સચ હૈ ક્યા...'ગીત પરદા પર ગાનાર મોતીલાલની આ ફિલ્મમાં એ પત્ની બને છે. સુમિને લગ્નો કરવા ઉપર હજી હાથ બેસું બેસું કરે, ત્યાં જ ૧૯૯૦ની સાલમાં એનું અવસાન થયું, નહિ તો પહેલા લગ્ન પછી છુટાછેડા, બીજાવાળાએ આપઘાત કર્યો ને ત્રીજા કોઇ શર્મા નામના વેપારી સાથે સારૂં ચાલ્યું, એટલે ત્રણ જ લગ્નોમાં જીવન સમેટી લેવું પડયું. ભ'ઇ, ભાગ્ય કોઇનું થયું છે તે આનું ય થાય ? આ તો એક વાત થાય છે.

'મશાલ' બંગાળની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ હતી. આ પ્રદેશમાંથી શરદ બાબૂ, રવીન્દ્રનાથ, બંકીમચંદ્ર કે અન્ય સાહિત્યકારોએ મોટા ભાગે નાયિકાપ્રધાન સાહિત્ય આપ્યું છે. સ્ત્રીને શક્તિમાન સમજવાની જરૂરત બંગાળી સાહિત્યે મેહસૂસ કરાવી કહેવાય. અહી પણ સુમિત્રાદેવી અને અશોક કુમાર નાનપણના પ્રેમીઓ હોય છે, પણ પૈસાની લાલચે સુમિના ફાધર એના લગ્ન બુઢ્ઢા કરોડપતિ (મોની ચેટર્જી) સાથે કરાવી દે છે. લગ્નની આગલી રાત્રે સુમિને ભગાડવા આવેલો અશોક પકડાઇ જાય છે ને સુમિનો બાપ અશોકની છાતી પર સળગતો સળીયો ચીપકાડીને સજા કરે છે. અશોક કલકત્તા આવીને વકીલાત શરૂ કરે છે, જ્યાં સુમિની જ ઉંમરનો દીકરો (કનુ રોય) ફૂલ વેચવા વાળી અંધ યુવતી (રૂમાદેવી)ના પ્રેમમાં પડે છે. રૂમા સાથે અશોકને ય પ્રેમ થઇ જાય છે, દારૂડીયા નાના પળશીકરને ય પ્રેમ થઇ જાય છે. પાછળથી ખબર પડે છે કે, જે ઘરમાં સુમિ રહેતી હોય છે, એ કરોડની સંપત્તિની માલકીન આ રૂમાદેવી હોય છે. પેલું ઘણી સ્ત્રીઓની ફિતરત હોય છે ને કે, 'હું તો મરૂં, પણ તને વિધૂર બનાવું..' એમ સુમિ પોતે તો અશોક સાથે પરણી નહિ, પણ પેલો પ્રજ્ઞાચક્ષુ રૂમાને પરણવા માગે છે. એમાં ય સુમિ સુનામી બનીને અશોકના જીવનમાં કાળો કેર વર્તાવી દે છે. (હમણાં કોણ બોલ્યું કે, સ્ત્રીઓ ઉપર બહુ અત્યાચારો થાય છે..?) છેવટે નમતું તો અશોકને જ જોખવું પડે છે. એની બધી ફિલ્મોની જેમ હીરોઇન છેવટે બીજો હીરો કે સાઇડ હીરો લઇ જાય ને ભ'ઇ રાબેતા મુજબના લટકતા રહી જાય.

યસ, રૂમાદેવી નામ તમે બહુ સાંભળ-સાંભળ કર્યું હોય તો એ અશોક કુમારની સગી ભાભી હતી, એટલે કે કિશોર કુમારની પહેલી પત્ની. હાલમાં ૨૦ થી ૪૦ની ઉંમરે પહોચેલી જે કોઇ માતા કે બહેન પોતાના રૂપ ઉપર મોટા ફડાકા મારતી હોય તો આ રૂમાદેવીના બે ફોટા જોવા જેવા છે. એક તો, આ ફિલ્મ બની એ વખતના ફોટા અને બીજું હાલમાં એ કેવી વિકૃત દેખાય એવી કદરૂપી બની ગઇ છે, એ ફોટા જોવા. ઉંમર કોઇને છોડતી નથી. અરે આજની ભાગ્યે જ કોઇ હીરોઇન ટકી શકે, એટલી સુંદર આ રૂમાદેવી હતી. તાબડતોબ જોઇ જ નાંખવી હોય તો યૂ-ટયૂબ પર ફિલ્મ 'મશાલ'નું લતાએ ગાયેલું, 'આંખો સે દૂર દૂર હૈ પર દિલ કે પાસ..' જોઇ લેવા જેવું છે.. સાંભળવામાં તો ધ્યાન બગાડશો તો લખાય ને કે, સાંભળી લેવા જેવું છે ! આ રૂમા એટલે કિશોર પુત્ર અમિતકુમારની મમ્મી. એવી જ રીતે, જોય મુખર્જીની મમ્મી સતિદેવી પણ આ ફિલ્મમાં નાનકડા રોલમાં છે. ફિલ્મ જોવાના હો તો મારે જણાવવું નહિ પડે કે, કઇ ? કારણ કે, એનું ય મોઢું કિશોર કુમારને ઘણું મળતું આવે છે !

બંગાળીઓમાં વાઇફોને 'દેવી'બનાવવાની ફેશન હશે. દરેકના નામની પાછળ 'દેવી' લાગે. આ ફિલ્મની અન્ય સ્ત્રીઓ નિહારિકા દેવી કે ગૌરીદેવી પણ ખરી. આપણામાં સાલું પતિઓને 'દેવ'બનાવવાની ફેશનનો ચાલે !

આ ફિલ્મમાં આપણા સુરતના ગુજરાતી ચરીત્ર અભિનેતા આદરણીય કૃષ્ણકાંત (ભૂખણવાલા) એમની પૂરબહાર યુવાનીમાં જોવા મળશે. અદાલતમાં થોડી વાર માટે આવીને પણ એ છવાઇ જાય છે. જન્મ્યા ત્યારે ય આટલા જ ઘરડા હશે. એવું આપણને લાગ-લાગ કરે, એ નાના પળશીકર પણ પૂરી જુવાનીમાં હતા, ત્યારે આ ફિલ્મમાં કામ કર્યું છે. કહીએ નહિ તો ખબરે ય ન પડે કે, આ નાના છે, આ કૃષ્ણકાંત છે કે, આ શિવરાજ છે. શિવરાજ એટલે બારે માસ રોતો રહેતો ડોસો. મોટા ભાગે તો ગરીબ હીરોઇનનો બાપ બન્યો હોય.. એ વાત જુદી છે કે, કરોડપતિના રોલમાં એ શોભે ય નહિ !

હેલનને ફિલ્મોમાં લાવનાર સદાબહાર ડાન્સર કક્કુનો આ ફિલ્મમાં એક આઇટમ ડાન્સ છે. હવે માપવા જઇએ તો ખબર પડે કે, ફિલ્મમાં જોઇ લેવાદેવા વગરનો કોઇ ડાન્સ ઘુસાડી દેવામાં આવ્યો હોય, એને આઇટમ-ડાન્સ કહેવાય. ૫૦ના દાયકામાં કક્કુની જાહોજલાલી હતી. આમ જુઓ તો એકે ય ફિલ્મમાં એ ન હોય એ ન બને. પૈસા એટલા કમાઇ કે, મુંબઇમાં એના બંગલાની ગોળ ફરતી દિવાલને અડીને એના જૂતાં-ચપ્પલના મોટા શો-કેસો બનાવ્યા હતા. રોજ જુદી તો આપણી વાઇફો ય પહેરતી હોય છે, પણ આને તો શોખ જ ખૂબ મોંઘા જૂતા-સેન્ડલ્સ ખરીદવાનો...! (આટલી જોડીઓ ઘણા નેતાઓને ત્યાં હોય છે, પણ એ ખરીદેલા નહિ, સ્ટેજ પરથી ખાધેલા હોય !) એક વખત સમય ખરાબ શરૂ થયો કે કક્કુનું સઘળું લૂંટાઇ ગયું અને એ મરી ગઇ ભિખારી અવસ્થામાં. ફિલ્મ ઉદ્યોગની એક પણ વ્યક્તિ એના મૃત્યુ પછી ય આવી નહોતી.

કક્કુ લૉકલ ટ્રેનો ઉપરના બ્રીજ ઉપર મરેલી મળી આવી હતી. '૫૦ આસપાસની ફિલ્મો જોઇએ એટલે કે આનંદ જરૂર થાય, એ વખતના કલ્ચર કે રીતરિવાજો જોવાનો.

આજે કોણ માને કે, એ સમયે ઘરની બહાર નીકળો ત્યારે હાથ વડે ગોળગોળ ફેરવતા રહેવાનો લૂગડાંનો પંખો રાખવો પડતો. બંગાળીઓના કપડાં અને સાડી પહેરવાની અનોખી ઢબ આજે ય પ્રસ્તુત છે.

ન્યુ થીયેટર્સ કે બોમ્બે ટોકીઝના ચાહક વડિલોએ ફિલ્મ જોવા જેવી ખરી.

No comments: