Search This Blog

05/04/2015

ઍનકાઉન્ટર : 05-04-2015

* તમારા જીવનનું કોઇ સાકાર ન થયેલું સપનું... ?
- છે...! બહુ વર્ષો પહેલાં કાળા મોંઢાનું એક વાંદરૂં મને પાછળ બચકું ભરી ગયું હતું...બસ, મારે બદલો લેવો છે !
(અમિતા ભાવેન પટેલ, અમદાવાદ)

* તમને કોઇ પ્રેતાત્માનો સાક્ષાત્કાર થાય તો શું કરો ?
- પછી મારે ક્યાં કાંઇ કરવાનું રહે છે...એ શું કરે છે, એ જોવાનું !
(શ્વેતા જોશી, વડોદરા)

* 'માવઠું' એટલે શું, તેનો તમે જવાબ આપ્યો હતો, 'પત્ની સાથે નીકળ્યા હો, ને સામેથી પ્રેમિકા આવતી હોય, તો એને 'માવઠું' કહેવાય, તો પછી 'કમૌસમી વરસાદ' કોને કહેવાય ?
- આપણે એકલા જતા હોઇએ ને સામેથી એ બંને સાથે આવતી હોય...
(બી.એસ. શાહ, અમદાવાદ)

* નાપાક પાકિસ્તાનને મોદી સાહેબ ક્યારે પતાવશે ?
- આ સંદર્ભમાં મને દલાઇ લામાનું વાક્ય બહુ ગમે છે, ‘If you are in a position to prevent violence, strike first and strike fast.’ (હિંસા રોકવી તમારા હાથમાં હોય, તો પહેલો ઘા તમે મારો અને ઝડપથી મારો.') બસ, મોદી આ વાક્ય વાંચે એટલી વાર છે.
(અશોક જમોડ, જૂનાગઢ)

* સાંભળ્યું છે કે, તમે બ્રાહ્મણોની 'ચોર્યાસી' જમાડવાના છો ?
- બૂરા મત સૂનો...
(ભરત અગ્રાવત, રાજકોટ)

* માતૃભાષાને ગળે ટૂંપો દઇને કોઇ મહાન બની શકે ખરૂં ?
- આજકાલની હિંદી ફિલ્મોની ભાષા જોઇ લો... લોકોને ક્યાં કશી પડી છે ?
(રેખા ગઢીયા, રાજકોટ)

* બેથી ભાર વધે કે વહેંચાઇ જાય ?
- તમે કોકના લગ્નમાં જઇ આવ્યા લાગો છો...
(વત્સલ ગઢીયા, રાજકોટ)

* હવે તો બાવાઓ ય ફિલ્મો બનાવીને હીરો બનવા લાગ્યા છે...
- ઘણા હીરો બાવા બની ગયા છે.
(કૈરવ જસાણી, ગોંડલ)

* ચામડાને અપવિત્ર ગણવામાં આવતું હોય તો મંદિરોમાં ઢોલકમાં વપરાતા ચામડાનો કેમ વિરોધ નહિ ?
- આપણા તમામ ધર્મોના મોટા ભાગના ગુરુઓએ ધર્મોને સગવડિયા બનાવીને સહુને રાહત આપી છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* વિદેશો અને આપણા દેશ વચ્ચે શું ફરક છે ?
- આપણા દેશમાં ફૂટપાથ પર ગમે ત્યારે બેસી જવાય છે.
(વિપુલ કાપડીયા, વાલાવાવ-મહુવા)

* મોદી એમની મિનિસ્ટ્રીમાં તમને સ્થાન આપવા માંગે, તો કયું ખાતું સંભાળો ?
- વડા પ્રધાનનું.
(જુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* ઈ-મૅઇલથી જ સવાલો પૂછવાનું ગોઠવીને તમે અગાઉનાં અનેક નામો ઉડાડી દીધા, જે કાયમ આ કૉલમમાં હતાં...!
- 'જા કો રાખે સાંઇયાં, માર સકે ના કોય..!' એ બધા કેવા નસીબદાર નીકળ્યા ?
(નયના ઠાકર, હાલોલ)

* મારે વાઈફને કઈ ગિફટ આપવી ?
- આવામાં તો જાતે જ નિર્ણય લેવો પડે!
(સૈયદ મુહમ્મદ સઇદ, અમદાવાદ)

* ગુરુ અને સદ્ગુરુ વચ્ચે શું તફાવત?
- એ તો જેને ગુરુઓ બનાવવાના ધખારા હોય, એને ખબર પડે !
(રજનીકાંત ત્રિવેદી, ભાવનગર)

* ફિલ્મ 'મેરે જીવનસાથી'ના કિશોર કુમારના ગીતમાં, 'માંગા હૈ તુઝે દુનિયા કે લિયે...' તો શું હીરો હીરોઇનને પોતાના માટે માંગે છે કે દુનિયા માટે ?
- ભ'ઇ, હીરોના લેણદારો બહુ લોહી પીતા હશે !
(મિલન કે. પરમાર, ગાંધીનગર)

* દેશમાં અબજોની સંખ્યામાં સવાલો છે ને તમે એક સપ્તાહમાં એક જ પૂછવાની છૂટ આપો છો...બધું ક્યારે પતશે ?
- અહીં મને ડૉ. મનમોહનસિંઘ ધારી લેવો.
(અમિત આર. પટેલ, વડોદરા)

* પહેલાં 'ઍનકાઉન્ટર' માસ માટે હતું.. હવે ક્લાસ માટેનું બનાવી દીધું.. સુઉં કિયો છો ?
- સાચી વાત. પહેલાં મને જવાબો આપવામાં ઘણી સમજ પડતી.. હવે ઓછી પડે છે !
(સુધીર ભટ્ટ, ભાવનગર)

* સવાલ પૂછવા વાચકોનાં નામ, સરનામાં અને મોબાઇલ નંબર પૂછવાનું શું કારણ? શું ઇરાદો છે ?
- ઈરાદો ખતરનાક છે.... જે લોકો પોતાની બાને પૂછયા વગર સવાલ પૂછે છે, એની અમને ખબર પડે !
(કામિની સંઘવી, સુરત)

* તમે ભૂલી ન શકો, એવો તમારા જીવનનો કોઈ અવિસ્મરણીય પ્રસંગ કયો ?
- હું જન્મ્યો ત્યારે બાજુના પલંગ પર જન્મેલી બાળકી મારી સામે સતત જોયે રાખતી હતી...બસ.. ઉસે ઢૂંઢતા રહા હૂં...!
(હેમિલ જાની, સુરત)

* નરેન્દ્ર મોદી માટે એક વાક્યમાં શું કહેશો ?
- એ ભારતના વડા પ્રધાન છે.
(સંયમ ભગત, અમદાવાદ)

* સ્વ. ઉપેન્દ્ર ત્રિવેદી માટે બે શબ્દો કહેશો ?
- એ મારા ઘેર આવ્યા ત્યારે છેલ્લી વાર 'આવજો' કીધું હતું.
(દીપક આશરા, ગાંધીનગર)

* હવે યુવરાજસિંઘનું શું થશે ?
- જે થવાનું હતું, એ થઇ ગયું છે.
(પલક પટેલ, વનોડા-ઠાસરા-ખેડા)

* 'વાઇબ્રન્ટ ગુજરાત' અંગે શું માનો છો ?
- હલતું ગુજરાત
(દેવર્ષિ પંચાલ, અમદાવાદ)

* તમે ભીખુદાન ગઢવીનું મૂલ્યાંકન કેવી રીતે કરશો ?
- કાશ.. હું અશોકદાન ગઢવી હોત !
(સચિન એ. દવે, ધ્રાંગધ્રા)

* હાથમાં પકડેલા મોબાઇલની રિંગ વાગતાં માણસના પગ કેમ ચાલવા માંડે છે ?
- મગજવાળું બધું લોહી પગમાં પહોંચી જાય છે.
(ડૉ. સુનિલ આઇ. ટેલર, વાપી)

* પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર ઈમરાનખાનનો બીજા લગ્નનો મેળ પડી ગયો. તમારો શું પ્લાન છે ?
- એમ કાંઈ કોકના દુઃખે દુઃખી થોડું થવાય છે ?
(શીતલ સી. શાહ, વડોદરા)

* 'ઍલીયન' (પરગ્રહવાસી) હંમેશા પુરુષ કેમ હોય છે ?
- ગભરાઇ ગયેલા પુરુષો બીજે જાય ક્યાં?
(જીજ્ઞોશ ડોડીયા, ગાંધીનગર)

No comments: