Search This Blog

22/04/2015

ડોહા....હવે તમને હાંઇઠ થયા!

આ પણો કૅસ હવે પતવા આવ્યો છે, એની નિશાનીઓ કઇ કઇ? 

માથાના વાળ ઉતરીને આંખોની ભ્રમર અને કાનમાંથી બહાર નીકળવા માંડે. બખોલમાં અંદર ૮-૧૦ દાંત ગાયબ હોય ને નવા નંખાવ્યા હોય, એ ફાવતા ન હોય! પગના અંગૂઠા અને આંગળાના નખ બૂટ ફાડીને બહાર આવે ત્યાં સુધી કાપવા માટે નીચા વળાતું ન હોય! હજી ઉંમર થઇ નથી, એ બતાવવા માથે વાળ ઉપર કાળી ઝમ્મ જેવી ડાઇઓ એવી લગાવી હોય કે, લિસોટા કપાળની ચામડી સુધી ઉતરી આવ્યા હોય! એમાં ય, હવે બહાર મોંઘી પડે ને ઘેર જાતે ડાઇ કરવામાં થાકી જવાતું હોય, એટલે કાળા ભમ્મર વાળ વચ્ચેની સફેદ પાંથી રિવરફ્રન્ટની જેમ ધનૂષ્યાકારે ફેલાઇ હોય! ગળા ઉપર લબડતી કરચલીઓ છુપાવવા શર્ટનું ઉપલું બટન બંધ રાખવું પડતું હોય અને બધાથી ઉપર.... વાઇફો સાલી આપણી જેમ જ સાઇઠે પહોંચી હોય છતાં ૬૦ની ''લાગતી'' ન હોય, એમાં એને લઇને બહાર નીકળવામાં ય જોખમ! સામે આપણાંથી ય કોક વધારે ઘરડું મળે, તો આપણને બતાડીને વાઇફને સીધો સવાલ પૂછે, ''અલી, તારા બાપુને લઇને નીકળી છો...? જરા હંભાળજે... ડોહા ક્યાંક ગોથું-બોથું ખાઇ ન જાય!''

તારી ભલી થાય ચમના... તું એમ ના બોલ્યો કે, ''આ તારો બાબો છે, અલી?'' 

સાલી કમ્પીટીશન બહારવાળા સાથે નહિ, પહેલા તો ઘરવાળી સાથે પતાવવી પડે છે. ૬૦ના થઇએ, એટલે પહેલું લૅબલ 'કાકા'નું ચોંટી જાય, પણ પેલી તો કૂદકો મારીને ખભે બચકું ભરી લે, જો કોઇ એને 'કાકી' કહેવા જાય તો! આપણાથી સાલું... જાહેરમાં જનાવર જેવું વર્તી શકાતું નથી. (યસ, આ બીજો પ્રોબ્લેમ.... કે આપણાથી કૂદકો 'ઉપર' હવામાં નથી મારી શકાતો... નીચે જેટલું ગબડવું હોય એટલું ગબડો, કાકા!) છતાં કોકવાર મન ભરાઇ આવે, ત્યારે વાઇફને પૂછીએ, ''ગોદાવરી, હાંઇઠ થયા... હવે તારા પ્રમાણમાં હું વધારે ઘરડો લાગવા માંડયો છું, નહિ?'' 

''હવે...''? બસ. એનું આટલું પૂછવું કાફી છે. 

ઉંમર થઇ તો જાય છે પણ સ્વીકારવી કે કબૂલવી ગમતી નથી. ફિઝિકલ-ફિટનૅસનો એકે ય ટેસ્ટ પાસ કરી શકો એમ નથી, છતાં હજુ જીન્સ ઉપર જર્સીઓ પહેરવાની! સુંદર સ્ત્રીઓ સામે હવે છાનામાના જોઇ લેવું પડે છે, પણ એ પ્રોજેક્ટમાં એ સ્ત્રી અથવા આજુબાજુનું કોઇ આપણને જોઇ ન જાય, એનું ધ્યાન રાખવું પડે છે. જે ગમતી હોય તે આપણાં પ્રેમોમાં પડવા ન આવે ને જે પડવા આવે, એ સાલી આપણાથી દસ-પંદર વર્ષ મોટી હોય! એને શું ઘેર બેસાડીને, 'રાધેરાધેરાધે'ની ધૂનમાં હિંચકા ખવડાવવાના? ભારોભાર રોમેન્ટિક થઇને આવીઓ સાથે સાંજે ફ્લેટની બાલ્કનીમાં અંધારૂં કરીને, પંડિત રવિશંકરની સિતાર સાંભળતા વ્હિસ્કી પીવા બેસીએ, ત્યારે ડોસી દાંતે છીંકણી ઘસવા બેઠી હોય! મતલબ, એને બક્કીઓ ભરવાના કાર્યક્રમો તો બાકીની આખી જીંદગીમાં કૅન્સલ...?? સાલી બકી ભરીએ છીએ કે એની માંને મલમ ચોપડીએ છીએ, એ જ ખબર ન પડે! સુઉં કિયો છો?

હજી કંઇક બાકી રહી જતું હોય તેમ, ઘરમાં આપણે કોઇને હવે ગમતા ન હોઇએ. છોકરા અને વહુઓ રાહ જોઇને બેઠા હોય કે, ડોહો ઊભો થાય ને બહાર જાય તો આપણો કંઇક પ્રોગ્રામ બનાવીએ. મેં છોકરાઓને ઉછેરવામાં આખી જીંદગી મજૂરીમાં ખર્ચી નાંખી અને મારો હાથ પકડીને ઊભો કરવામાં ય એ લોકોને જોર આવે છે, એવી બધી સહાનુભૂતિવાળી વાતો બકવાસ છે. આપણા જ કર્યા આપણે ભોગવીએ છીએ. તમે તમારા માં-બાપને હડધૂત કરીને રાખ્યા હોય કે કાઢી મૂકીને ઘરડાંના ઘરમાં મોકલ્યા હોય, એ નફ્ફટાઇ છોકરાઓએ નાનપણથી નજર સામે જોઇ હોય, એટલે વારો તમારો આવે, ત્યારે એ લોકો બાપ ઉપર જ ઉતરવાના છે ને? (''ન ઉતરે તો'' ચિંતા થાય કે, 'હાળા, છોકરાઓ તો મારા જ છે કે-----?')

બસ. પછી તો ભૂતનું ઠેકાણું આંબલી, એમ રોજ સાંજ પડે એટલે ગાર્ડનમાં પહોંચી જવાનું. જે તનથી થઇ ન શકે, એ ચક્ષુથી કરવાનું. આ પહેલા એક લેખમાં લખી ગયો છું, એ મને મારૂં નિરીક્ષણ ગમ્યું છે, માટે રીપિટ કરૂં છું કે, ગાર્ડનમાં એકલાઅટૂલા બાંકડે સૂનમૂન બેઠેલા બધા ડોહાઓ ઉપર દયા ખાવા જેવી નથી. એમના સમગ્ર બૉડીમાં સૌથી વધુ પાવરફૂલ એમની આંખો હોય છે. કિચનના પ્લૅટફૉર્મ ઉપર ભીનું પોતું પડયું હોય, એમ ગૂંચળું વળીને ડોહા ઉદાસ બેઠા હોય, પણ વીર અર્જુનની માફક એમને એમનું લક્ષ્ય યાદ હોય. ગાર્ડનમાં 'વૉક' લેવા ગોળ ગોળ ચકરડા મારતી વ્હાઇટ સ્પૉર્ટ્સ-શૂઝ, ટાઇટ વ્હાઇટ પૅન્ટ અને ઉપરનું બૉડી સાઉથ ઈન્ડિયામાં બનાવડાવ્યું હોય, એવા આકારો ઊભા કરતી રંગીન જર્સી પહેરેલી કોક પરફૅક્ટ-ફિગરવાળી આવતી દેખાય, એટલે ગૅસ ઉપર કાચો પાપડ શેકવા મૂક્યો હોય ને અગનઝાળ લાગતા જ કાચી સેકંડમાં ગૂંચળું છોડીને કડક-કડક થવા માંડે, એમ ડોહો ટટ્ટાર થઇ જાય. બધી નર્વસનેસ જતી રહે અને ચેહરા ઉપર સવારના સૂરજ જેવું સ્માઇલ આવી જાય. પેલી પસાર થઇ ન જાય ત્યાં સુધી ઊંડા શ્વાસ લઇને પેટ અંદર અને છાતી બહાર! તારી ભલી થાય ચમના.... પેલી ક્યાંક તારી દીકરીની ઓળખિતી નીકળી તો હલવાઇ જઇશ! પણ જેવી એ દેખાતી બંધ થાય, કે ધીમે ધીમે પેલા ઊંડા શ્વાસો છુટવા માંડે (પેલી બાજુમાં બેઠી હોત, તો શ્વાસ કાયમ માટે છુટી જાત!) પેટ પાછું બહાર આવવા માંડે ને બૉડીનું ગૂંચળું પાછું વળવા માંડે. પાછા ડોહા બાંકડાના ખાડામાં સમાઇ જાય.

પેલીને એક રાઉન્ડ પૂરો કરતા મિનિમમ ૧૨-૧૫ મિનિટ તો થવાની... ત્યાં સુધી ઊંડા શ્વાસો લેવા જતા ચઢેલો હાંફ સરભર થાય! આ તો એક વાત થાય છે.

હવે ધારણાઓ ઉપર ચઢી જઇએ ને માની લઇએ કે, પેલી (''સાઉથ ઈન્ડિયન ટચવાળી''.... આ તો જસ્ટ, તમને યાદ અપાવવા પૂરતું!) ખરેખર ડોહાના પ્રેમમાં પડી જાય તો?

''એમ કાંઇ બાપાનું રાજ ચાલે છે...? અમે નથી બેઠા...??'' એવો ગુસ્સો ન કરતા! આ તો એક વાત થાય છે. પહેલો સવાલ એ ઊભો થાય કે, પેલી હા પાડે અને પ્રેમો શરૂ થઇ જાય તો ડોહા એને લઇ ક્યાં જાય? વૉટ્સઍપોમાં શું શું લખે/મોકલે? હોટલમાં શું મંગાવે? ''કાકા, તમારા માટે વડા-પાઉં ને તમારી દીકરી માટે...?'' પ્રેમોમાં તો કૅડબરીઓ અડધી-અડધી તોડીને (બાઇટ લઇને) ખાવાની હોય છે, અથવા સૉફ્ટ-ડ્રિન્ક્સ એક બૉટલમાં બે ભૂંગળીઓ (સ્ટ્રૉ) નાંખીને ધીમેધીમે પીવાની હોય, એમાં આને તો ખિસ્સામાંથી પહેલા બે ટીકડીઓ કાઢવી પડે... ''માઝા''માં અડધી-અડધી થાય, દવાની ટીકડીઓમાં નહિ! વાત થોડી આગળ વધી ને કાકા પેલીનો હાથ પોતાના હાથમાં લેવા જાય, પછી ખબર પડે કે, ક્યારનો ખુરશીનો હાથો પંપાળ પંપાળ કરૂં છું.... વાંચવાના ચશ્મા ઘેર રહી ગયા'તા!

બીજું બધું તો આપણે ય ચલાવી લઇએ, પણ પેલી યન્ગ છે એટલે ચાન્સીસ પૂરા કે ડોહા સાથે ફૉર્મ ભર્યા પછી સારી કંપનીનો કોઇ નવો ઈસ્યૂ બહાર પડતો હોય, ને પેલી બીજામાં લપેટાઇ જાય તો કાકાને પરિમલ ગાર્ડનને બદલે કાંકરીયાના બાંકડે જવાનો વખત આવે....કે, પાછા આવવું નહિ! મોટી ઉંમરે નાની સ્ત્રી સાથે પ્રેમમાં પડવામાં સૌથી ખતરનાક વિચારો એ આવે કે, એની ઉંમરનો કોક જુવાનીયો મળી ગયો હતો... બધા ગાર્ડનમાં કાંઇ ખાલી બાંકડા નથી હોતા!

ત્રીજાવાળું તો તમે ય ન ચલાવી લો કે, કાલ ઉઠીને ડોસી આવો કોઇ બાંકડો ભરી આવી ને કાકાને ખબર પડે તો એ જ બાંકડા નીચે કબર ખોદીને ત્યાં તખ્તી મૂકાવવી પડે, ''અહીં સૂતો છે, ભ્રગુકુમાર, ઉંમર બોઉંતેર, નિવાસી કૂકરવાડા... જે બેવફાઇના આઘાતમાં દેવ થઇ ગયો!''

....ને આટલું બધું લખ્યા પછી ય, જમાનાભરના કાકા-કાકીઓને અપીલ કરૂં છું કે, લાંબુ અને તંદુરસ્ત જીવવું હોય તો જીવનમાંથી રોમાન્સ કાઢી ન મૂકશો. શરીર જ નહિ, મનને પણ દુરસ્ત રાખવા માટે છેલ્લા શ્વાસ સુધી સુંદરતા ગમવી જ જોઇએ. ઈચ્છો તો ય, તમારૂં ચરીત્ર બગાડી શકવાના નથી. રક્તપીત્તીયા સામે કોઇ મુગ્ધ થઇને જોતું નથી. મન તો સુંદર દ્રશ્યો જોવાથી જ ભરાય છે. સુંદરતા આમે ય માર્કેટમાં ઓછી પડે છે. તમે નહિ જુઓ તો બીજા જોશે. અને આ ઉંમરે હજી બે ઘડી રાજી થાય બિચારા... તમે થાઓ છો તેમ! ઉંમર એની.... હમણાં કહું ત્યાં ગઇ, તમે ત્યારે લહેર કરો. મુસ્કુરાઇને જીવો. હજી જીન્સ ઉપર જર્સીઓ પહેરવાની!... બાંકડે મસ્તીથી બેસવાનું.... હઓ!

યાદ રાખો. જગતની સર્વોત્તમ ચીજો 'ચીજ' નથી હોતી! ધી ગ્રેડ બૉક્સર મુહમ્મદ અલીએ કહ્યું છે, ''અત્યારે ૫૦ વર્ષની ઉંમરે જે '' જે માણસ ૨૦ વર્ષનો હોય, એમ જગત જુએ છે, એણે જીવનના મૂલ્યવાન ૩૦ વર્ષો વેડફી નાંખ્યા છે.'' (આમાં કંઇ સમજ પડી? મને નથી પડી, માટે પૂછું છું!) 

સિક્સર: 
જે ખરેખર 'ફિક્સ' થઇ ગયેલી મૅચ છે, એ કોઇ પૂછતું નથી... વિરાટ કોહલી-અનુષ્કાની મૅચ!

No comments: