Search This Blog

29/04/2015

લડકી પસંદ હૈ

પ્રેમોમાં તો 'સરસ્વતિચંદ્ર'ના જમાનામાંય પડાતું. ઓછી આવડતવાળાઓ પ્રેમોમાં નહિ, તો પ્રેમમાં પડતા. એ સમય હતો શુધ્ધ ચરીત્ર જાળવી રાખવાનો અને એવા ચરીત્રનો પ્રભાવ પાડવાનો. છોકરીઓના નામો કાંઈ આજના જેવા, 'મિશ્ટી', 'કલ્કી', કે 'મૅઝી' જેવા નહોતા. એ વખતની બધી છોકરીઓના નામની પાછળ 'તારા', 'સુંદરી', 'કાન્તા', 'લક્ષ્મી' કે 'બાળા' જેવા સફિક્સ લાગતા, જેમ કે નયનતારા, કુમુદસુંદરી, મધુકાન્તા કે વીરબાળાઓ બહુ ફૅશનેબલ નામો કહેવાતા. પાછળ બોચીથી શરૂ કરીને આગળ ઠેઠ કપાળ સુધી ખેંચી ખેંચીને પાંથી પાડીને ખચાખચ તેલવાળા બે ચોટલા રાખનારી છોકરીઓ, ''બઉ ફેસ્સન મારે છે...'' એમ કહેવાતું.

યુવાન છોકરાઓ પ્રેમમાં સફળ થઈ ચૂક્યા હોય તો ય, સફેદ સુતરાઉ ખમીસ (શર્ટ)ની નીચે ધોતીયું પહેરતા. પ્રેમમાં એમનો આદર્શ 'સરસ્વતિચંદ્ર' હતો. કોણી વાળીને હાથમાં 'અભિજ્ઞાન શાકુંતલમ' જેવું પુસ્તક પકડીને સ્ટુડિયોમાં ફોટો પડાવી આવવાનો. એ જ ફોટો પરિવારના ગોર મહારાજ પાસે રહેતો, જે ઘેરઘેર ફરીને કન્યા શોધવા એના માં-બાપને બતાવે.

પણ પ્રેમમાં પડવું આજનું જેવું ઈઝી નહોતું. મનમાં વસી ગઈ હોય, એને યાદ કરતો હોય, એમ જમણા હાથની પહેલી આંગળી જમણાં લમણે અડાડેલી રાખીને સ્ટુડિયોની છત પાસેની અભેરાઈ તરફ જોવાનું, જેથી સનમને જોતો હોય એવો ભાવ મુખ પર પ્રગટ થાય. ફોટો ડૅવલપ થઈને આવે અને પેલીને મોકલાવીએ ત્યારે ખબર પડતી કે, સનમ કરતા અભેરાઈના ફોટા સારા આવે છે. પછી તો આવી ટેવ સાહિત્યકારોમાં ય પડી. જૂના કોઈ લેખક-કવિના ફોટા જોશો તો લમણે આંગળી અડાડયા પછી જ ફોટો પડાવ્યો હશે. શક્ય છે, સમાજને એવો સંદેશો આપવાનો હોય કે, મને બધું લમણામાંથી સૂઝે છે.

પણ એ જમાનામાં પ્રેમમાં ય ભાગ્યે જ પડાતું. પડાય તો બોલાતું નહોતું ને બોલાય તો કોઈ સાંભળતું નહોતું. પછી તો જે સુધાલક્ષ્મી હાથમાં આવ્યા, એમની સાથે પરણી જવાનું. 'પરણી જવાનું' પણ છીછરા શબ્દો કહેવાતા... 'પ્રભુતામાં પગલાં પાડયા' કહેવાતા... તારી ભલી થાય ચમના... પહેલા બહારથી પગ ધોઈને ઘરમાં આય... ઘર આખામાં છાણ-છાણવાળા પગલાં પાડી ચૂક્યો છું, તે!

પણ નસીબનો દાઝેલો હોય ને કોઈ રમાગૌરી હાથ લાગી ગઈ ને બે ય પ્રેમમાં પડયા પછી જુઓ મઝા! ગામડાં તો જાવા દિયો, ઈવન શહેરોની વાત કરીએ તો અમદાવાદ શહેર જ ભદ્રકાળીના કિલ્લે પૂરું થઈ જતું, એટલે છાનુંમાનું ક્યાંય મળવાની તો વાત જ ભૂલી જવાની! બારેમાસ-નહિ આપી શકાયેલા પ્રેમપત્રોથી જ કામ ચલાવવાનું. યાદ તો ચોવીસે કલાક આવે, એટલે ઘરની બારીમાંથી આકાશ તરફ ઊંચે જોતા જોતા અદબ વાળીને મૂંગા ઊભા રહેવાનું, એમાં પેલી યાદ આવી ગઈ કહેવાય. ''તેરે મુંહ મેં કૅડબરી હૈ, ઇસ લિયે તો મુઝે 'વરી' હૈ'' જેવા આજના જેવા શેરો-શાયરા ટંકાતા નહોતા. એમાં તો બા ય ખીજાય. એ વખતે તો, એના બાપને ય મગજમાં ન ઉતરે એવી કાવ્યકણિકાઓ સનમની યાદમાં મનમાં બોલે રાખવાની, ''અવનિની અગમ્ય ગગનમણિકા, વ્યોમના પાર્થિવ નિરભ્ર નયનો...!'' તારી બીજી વાર ભલી થાય ચમના, આમાં અમે જ કાંઈ સમજ્યા નથી તો રમાગૌરી તો તઇણ ચોપડી પાસ છે! કંઈક મગજમાં ઉતરે એવું લખ. મધુરજની એટલે કે લગ્નની પહેલી રાત્રે એનો ઘુંઘટ ઊંચો કરતા ખબરદાર જો આવું કાંઈ પેલીને સંભળાવ્યું છે તો...! આમાં પેલીને એટલી જ સમજ પડશે કે, લગ્નવિધિ દરમ્યાન ગોરમહારાજ કોઈ શ્લોક બોલવાનું ભૂલી ગયા લાગે છે, તે આ પૂરો કરે છે. આમાં ચાલુ હનીમૂને તારું માન વધ્યું કે ગોરમહારાજનું?

પણ માની લો કે, સમાજની ઐસીતૈસી કરીને બન્ને જણા કેમ્પના હનુમાન બાજુ કોક ઝાડની નીચે મળ્યા, તો વાતાવરણનો સાહિત્યિક જ - એટલે કે, સરસ્વતિચંદ્ર-બ્રાન્ડનું જ રહેવાનું. ત્યાં એ લોકો અડધી અડધી કૅડબરીઓ ના ખાય. ત્યાં તો ઘેરથી રૂમાલમાં વીંટાળીને પેલો ગુલાબનું ફૂલ સાચવી સાચવીને લઈ ગયો હોય, એ પેલીના ચીકણા તેલવાળા અંબોડામાં ખોસવાનું. અને શબ્દો એટલે કે, પ્રેમની અભિવ્યક્તિ પણ કેવી રીતે? આમાં સીધેસીધું ઝાડ નીચે બેસી જવાનું ન હોય. બે પગ સહેજ પહોળા કરીને, હાથોની અદબ વાળીને પચાસેક ગ્રામ રિસાયેલા મોંઢે બોલવાનું, ''કેમ સ્વપ્નોમાં આવીને સતાવ્યા કરો છો, ભ્રગુલક્ષ્મી...?'' તો જવાબમાં ભગુડી ય છણકો ના કરે કે, ''સ્વપ્નામાં નહિ તો કહેતા હો તો તમારા રસોડા કે માળીયામાં આવીને સતાવું, પ્રેમશંકર...?''

આ પછીના તબક્કાઓમાં આપણે કરતા હતા, એવું કશું ના આવે. બન્નેની બાઓ ખીજાય. પ્રેમનો ઉન્માદ વધે, એમ પેલાની કાવ્યપંક્તિઓ વધે ને ભગુડીનું શરમાવાનું વધે... કેમ જાણે કવિતાના એકેય શબ્દની ખબર પડતી હોય! અડવા-બડવાની તો વાત જ જાવા દિયો. ભૂલેચૂકે ય ભ્રગુલક્ષ્મીના હાથને અડી જવાયું, એમાં તો બબ્બે કીલો શરમના શેરડાં પડી જાય ને છેલ્લા છસ્સો વર્ષોથી બોલાતી વાત બોલાઈ જાય, ''જાઓ ને... શરમાતા ય નથી? પિતાશ્રી જોઈ જશે તો?'' અરે ડોબી, પ્રેમશંકર તારા પિતાશ્રીને નહિ, તને અડવા આવ્યો છે. ખોટી ડાયલીની સુઉં થાસ..?

'વૉટ્સઍપો' તો જાવા દિયો, એ વખતે પ્રેમપત્રો ય ભાગ્યે લખી શકાતા. લખાય એટલા અપાતા નહિ, અપાય એટલા વંચાતા નહિ, વંચાય એટલા સમજાતા નહિ અને સમજાય એ બધા પિતાશ્રીના હાથમાં જતા. (આમાં તો પાછો, પિતાશ્રી ય એમનો જ ને? ભાવિ જમાઈરાજને ધોકે ચઢાવવાને બદલે પત્રમાંથી વ્યાકરણની ભૂલો કાઢવા બેસે... તારા બાપની ય ભલી થાય ચમની... પેલો ઘરની સામે ઝાડ નીચે ઊભો ઊભો ક્યારનો ય અરીસા વડે ઘરમાં તડકો ફેકે રાખે છે, એમાં ધ્યાન આપવાને બદલે તું ય પિતાશ્રીને સમજાવવા હાલી નીકળી છો, ''બાપુજી, 'પ્રિયા'માં તો હ્રસ્વ-ઈ જ આવે... દીર્ઘ-ઈ નહિ! પ્રેમશંકરે બરોબર લખ્યું છે!'' હવે તો તું વહેલી તકે પહેલી ગાડીમાં પ્રેમશંકરના ઘેર ઉપડી જજે, પણ આવા વ્યાકરણીયા બાપના ઘેર ન રહીશ...! કોઇ પંખો ચાલુ કરો.

આજના સમજુ છોકરાઓ સીસીડી-માં બિલ પેલી પાસે ચૂકવાવે છે. (આપણે તો કેટલે ઠેકાણે ચૂકવવા...? આ તો એક વાત થાય છે!) ત્યારે પ્રેમશંકરના જમાનામાં હોટલો તો હતી નહિ, એટલે ઝાડ નીચે બેઠા બેઠા, દૂરથી જતા ચનાજોર ગરમવાળાને કાવ્યાત્મક સાદ દઈને બોલાવવાનો. અહીં ભ્રગુલક્ષ્મી ઉપર પ્રભાવ પાડવાનો હોવાથી પૈસાની રકઝક કરવાને બદલે મૂળ ભગુડી ઉપર અને ભગુડી માટે લખાયેલી કવિતા ચનાજોર ગરમવાળાને સંભળાવવાની. પેલો ખભે લાલ ઘમચો નાંખીને ઊભડક પગે બેઠો હોય, એને એટલી જ આશા હોય કે, સેઠની કવ્વાલી સાંભળીશું તો બે ડબલી ચણા વધારે લેશે. પ્રેમલો ઘેર ગયા પછી રાત પડવાની રાહો જુએ. સાંજે તો ઘરમાં બધા હોય ને વાતો થતી હોય, એમાં ભ્રગુલક્ષ્મીને શેં યાદ કરાય? આખી રાત પડખા બદલી બદલીને ગાદલાંમાં ખાડા પાડી દીધા હોય. બારી ઉઘાડીને ચંદ્ર સામે જોઈ આવે. પેલી બાજુ ભગુડી તારા જોતી હોય કારણ કે ચંદ્ર તો પ્રેમશંકર છે, એટલે અડધી રાતલડીએ તારાઓને કામે વળગાડે, ''હે નભના ચમકતા તારાઓ, તમે આંઈ ના આંઈ ઉભા રે'વાને બદલે રાજપુત શેરીમાં મકાન નં.૩ ઉપર જઈ આવો. મારા સાજણનું સરનામું પૂછશો તો અડધી નીંદરમાં સૂતેલું કૂતરું ય બતાવશે, પણ જોજો ખરા... ને કે'જો, ''આંઇ પણ નીંદરૂં નથ્થી આવતી. બપોરે ભૈયાજીના દેખતા મારા વાળની લટું ખેંચવાની શી જરૂર હતી, સાજણ?''

આવું-આઇ મીન, ઝાડની નીચે બે-ચાર વાર મળવામાં તો અડધા ગામને ખબર પડી ગઈ હોય. એ જમાનામાં તો બાપ દીકરીના બરડા ય ભાંગી નાંખતા. પ્રેમશંકરના પિતા ય ધાગાધાગા થઇને દીકરાના પરાક્રમો ઉપર ઉધરસો ખાધે રાખતા હોય. ભારે ગુસ્સે થયેલા બાએ રસોડામાં દાળ-શાકમાં કપડાં ધોવાનો પાવડર નાંખી દીધો હોય.. એ બધું બે-ત્રણ મહિના ચાલે ને છેવટે બેમાંથી એક પાર્ટી બુધ્ધિશાળી નીકળે અને લગન લેવાનું નક્કી થાય, ત્યારે માંડ કેસ ઊંચો મૂકાય.

એ પછી અમારો જમાનો પ્રેમોમાં પડવાનો આવ્યો. 'સાજણ'ને બદલે 'ડાર્લિંગ' આવી. ''મારા રૂદીયાની રાણી ચંપા'ને બદલે પ્રમીલા, જ્યોતિ, મીના અને પ્રજ્ઞાઓ આવી. પાનકોર નાકેથી લીધેલી સવા ત્રણ રૂપીયાની અત્તરની શીશીનું ટપકું આંગળી ઉપર અડાડીને લવ-લૅટર ઉપર ઘસવાનું આવ્યું. જાતે આપવા જઈએ તો માર પડે, એટલે આવા સાહસના કામો ધૂળજીના હાથમાં પચાસ પૈસા પકડાવીને થવા માંડયા, એમાં તો અનેક કિસ્સામાં અમારા બદલે ધૂળજીઓના પ્રેમોમાં પેલીઓ પડી જતી. આવા ધૂળજીઓ પાછા આપણને 'સૉરીઓ'' કહેવાય ન આવે. હવે તો કોઈ પંખો ચાલુ કરો...!

અમારા જમાનામાં, સહુ પ્રેમીઓમાં થોડી હિમ્મત અને થોડી બુધ્ધિ વધી હતી. પ્રમાણમાં અમારા લોકોનું કામ સરળ હતું. શાકભાજીના સમયે પોળને નાકે ઊભા રહેવાનું, દૂરથી પેલી આવતી હોય, ત્યારથી દૂરબીન સૅટ કરી લેવાનું અને એ પસાર થઈને દેખાતી બંધ ન થાય ત્યાં સુધી મૂકી આવવાની... (કેવળ નજરથી મૂકી આવવાની... નહિ તો 'મૂકનારાઓ' પોળે પોળે પચાસ ઊભા હોય.) રોજની બસ્સો જોવાની, એમાંથી એકાદી તો આપણને પાસ કરે, એ માટે મોટા અંબાજીની પાંચ પૂનમ ભરવાની બાધાઓ રાખવાની. ત્યાં અંબાજીમાં પાછા આપણા ને આપણા બાધાવાળાઓ ભટકાય! સુઉં કિયો છો? ''તારે કોની બાધા છે? ગીરિયાની છોકરી સ્મિતાડીની?'' પેલો જવાબે ય આપે, ''ના. મને તો પૂજાડી ''છોડે'' એની બાધા મૂકવા આયો છું.''

ચક્ષુ-વિવાહો માટે તો સાંજે ઊભા રહેવાનું હોય પણ બપોરે નવરાશના સમયે એ તપાસ પણ કરી લેવાની કે, એના ખડતલ ભાઈઓ આપણને ફટકારે એવા તો નથી ને? સબ સલામત લાગે, તો જ ઊભા રહેવાનું, સળંગ આઠેક દિવસ એ ન દેખાય તો સમજી લેવાનું કે બાજુની પોળનો કોક મોરલો કળા કરી ગયો છે. કમ-સે-કમ, અમારા ખાડીયાની તમામ છોકરીઓ ધારવા કરતાં વધારે બુધ્ધિશાળી નીકળી અને ખાડીયાના એકે ય છોકરા સાથે પરણી નહિ. ભલે આમ તો, બધા છોકરા બચી ગયા કહેવાય, કારણ કે વર્ષોના વરસ ઘરમાં દારૂગોળો કોણ ભરી રાખે? આ તો એક વાત થાય છે!

પણ તો ય, અમારા વખતમાં જમાનો (એટલે કે અમે) થોડો આગળ વધ્યો હતો. શહેર મોટું થવાથી તેમજ હોટલો-ઉદ્યોગનો બહુગામી વિકાસ થવાથી અમારા પ્રેમો બગીચામાંથી બહાર નીકળીને હોટલોમાં ઘુસ્યા હતા. હોટલ એટલે રેસ્ટોરાં. પચાસ પૈસાની વેઇટરને ટીપ આપવાથી બીજી વાર, ''ઓર ક્યા લાઉં, સા'બ...?'' પૂછવા ન આવે. બે-પાંચ વર્ષ 'લવ' ચાલે, એ પછી બેમાંથી એકને ક્યાંક સારું મળી ગયું હોય...!

...અને આજે?

આજે કામ સાવ સરળ થઈ ગયું છે. 'વૉટ્સએપ'માં 'આઈ લવ યૂ'નો ગ્રૂપમાં એક જ મેસેજ મોકલી દો... મિનિમમ ૨૫-જવાબો આવશે, ''આઈ ટુ...!''

સિક્સર

આપણે કેટલા બધા પૈસાદાર થઈ ગયા છીએ? મોંઘી હોટેલોમાં રૂ. ૩૦૦-૪૦૦ ની એક પંજાબી સબ્જી સાથે ત્રણ-ચાર હજારનું બિલ તો બહુ ફાલતુ લાગે છે! ભણેલા ગમે તેટલા હોઈએ, બિલમાં 'આ મોટો' સર્વિસ-ટૅક્સ લગાડયો હોય, છતાં વેઇટરને તો સો-બસ્સોની ટીપ આપવાની જ! એ સર્વિસ-ટૅક્સમાં જ ટીપ આવી ગઈ હોવા છતાં જાણતું કોઈ નથી... બસ, આપણી સાથે આવેલાઓ ઉપર પ્રભાવ પાડવાનો કેટલો ઈગો સંતોષાય છે!

No comments: