Search This Blog

08/04/2015

ફ્રીજમાં પાણીની બોટલ ભરીને નહિ મૂકવાની ?

ફ્રીઝ અને એસી એવી ચીજો છે કે, હવે એના વગર ના ચાલે. હજી ૧૫-૨૦ વર્ષ પહેલા ક્યાં વળી કોઈને ત્યાં આ બધું હતું ? ટાટા-બિરલા ય સૌથી મોંઘી ગાડીઓમાં ફરતા, પણ ગાડીમાં ઍર-કન્ડિશન્ડ ક્યાં હતું ? અર્થાત્, એમને એટલો જ તાપ લાગે, જેટલો આપણને લાગતો ! ત્યારે ઉનાળામાં ઠંડુ પાણીપીવા કાળી માટલી કે ઘરમાં ઠંડક કરવા ખસની ટટ્ટી લઇ આવતા. એના ઉપર આખો દહાડો પાણીના ફુવારા માટે રાખવાના અને એમાં ય મ્યુનિના પાણીની તંગી !

હવે પૈસો સમજો ને... બધાની પાસે આવી ગયો છે. બધા એટલે ઘણાની પાસે ! એક ઘરમાં બબ્બે ગાડીઓ તો પાણી-પુરીની લારીવાળાઓ ય ફેરવતા થઇ ગયા છે. રૂમે-રૂમે એસી... કોઈ બડી બાત નહિ ! ઘર, ગાડી કે ઓફિસ... બધે સેન્ટ્રલી એસી હોવાથી એક સ્કૂલના ટ્રસ્ટી બારે માસ જોધપુરી કોટ પહેરી રાખે છે... ઉનાળામાં પણ !

જાણભેદુઓ કહે છે કે ઉનાળા કરતા શિયાળો સારો...વરસાદે ય સારો કે ઠંડી કાતિલ પડતી હોય તો બે ધાબળા વધારે ઓઢી લેવાના કે વરસાદ ગમે તેટલો પડતો હોય, ઘરમાં તો તમે સૅઇફ ! પણ ઉનાળો જરાક અમથો ધગધગતો થયો તો ગરમીથી બચવા સાવ નાગાં તો ન ફરી શકાય ! સૂઉં કિયો છો ? બધાની ઑફિસો કે ઘરોમાં એસી નથી હોતા, ત્યારે હાથલારી લઇને જતા મારવાડી પતિ-પત્ની લાવા જેવી લૂ ઓકતી ડામરની સડકથી માંડ ૪-૫ ઈંચ ઊંચે કંતાનના કહેવાતા ઘોડીયામાં એમના છ મહિનાના બાળકને સુવડાવ્યું હોય, ત્યારે પરમેશ્વરનો આભાર માનવો પડે કે, આપણે 'આટલા' દુઃખી તો નથી !

અને આ બધામાં સૌથી મોટી રાહત આપે છે, 'ચીલ્ડ' ઠંડુ પાણી, ઑફિસે પહોંચી કે ઘેર... જતા વ્હેંત પાણી ઠંડુ જોઇએ ! ઘણા લેવાદેવા વગરની સલાહો આપવા માંડે છે, 'ઠંડુ પાણી તો પીવાય જ નહિ... ગળું ખરાબ થઇ જાય !' કેમ જાણે પાણી પી લીધા પછી એને સીધા મુહમ્મદ રફીના ગીતો ગાવા સ્ટેજ પર જવાનું હોય ! અરે બાપા, તું ના પીતો. પીવાથી અમારૂં ગળું ખોખરૂં થઇ જતું હોય તો ભલે થઇ જાય, પણ ફ્રીજના પાણી વગર નહિ ચાલે ! કેટલાક દોઢ ડાહ્યાઓ આપણી પાસે 'પો પાડવા જાય કે, 'મારે તો બારે માસ ઠંડા પાણીએ જ નહાવાનું... ગમ્મે તેટલો શિયાળો હોય ને ?' આજ સુધી બૉસ... હું ગરમ પાણીએ નથી નહાયો... !'

તારી ભલી થાય ચમના... તું નહાય છે, એ જ અમારા માટે મોટા સમાચાર છે. તારા કરમ ફૂટલાં છે કે, ભર શિયાળે તારે ઠંડે પાણીએ નહાઈ લેવું પડે છે. એવું જ બહુ લેંચુ મારતો હોય તો ઉનાળામાં તાવડા પર ધગધગતું ગરમ પાણી કરીને નહાઈ બતાય... પછી સોટા માર કે હું શિયાળામાં ઠંડે પાણીએ નહાઉં છું. (કેમ, કોઈ વાચક મને સપોર્ટ આપતું નથી ? મારી વાત ઢીલી પડી રહી છે !)

બસ, આવા જ ફાંકા ઉનાળામાં ફ્રીજનું પાણી 'નહિ પીનારાઓ' મારે છે ને ઉપરથી આપણને સલાહો આપે, 'હોજરી ખતમ થઇ જાય ઠંડુ પાણી પીવાથી !' કેમ જાણે આવા ચમનાઓ આઈસક્રીમો ય ગરમ તાવડી ઉપર ઉકાળી ઉકાળીને ખાતા હશે ! યસ. કેટલાક એવા ચોક્કસ જોયા છે કે, કાચના ગ્લાસમાં પાણી પીએ તો સંતોષ ન થાય... સ્ટીલના પ્યાલામાં પીએ તો જ ધરવ થાય.

પણ ઉનાળો હવે ધોધમાર બેસી ગયો છે, એટલે દરેક ઘરમાં દર ઉનાળે થતા ઝગડા હવે શરૂ થવાના... જો કે, આને ઝગડા તો ન કહેવાય, પણ કકળાટો શરૂ થઇ જવાના, ઠંડા ચીલ્ડ વૉટરની બૉટલો બધાને પીવી સારી લાગે છે, પણ ખાલી બૉટલ ભરીને પાછી મૂકવાનું કોઇને યાદ રહેતું નથી, એમાં હેએએએ... ય, ધમધમાધમ ધમધમાધમ !

કબૂલ કે કામચોર કોઈ હોતું નથી ને આમાં તે કયું મોટું કામ કરવાનું છે કે આને કામ કહેવાય ? પણ ઘરમાં આખો દિવસ અને રાત ફ્રીજમાં પાણીની બૉટલ તો ઠંડી જ મળવી જોઇએ ને લેવા જાઓ ત્યારે ખાલીખમ્મ પડી હોય, ત્યારે કેવું ચીડાઈ જવાય છે ? અને ઘરના બધા એક સરખા ચોર હોય છે, ઠંડુ પાણી પીવા બધાને જોઇએ, પણ ખાલી બોટલ ભરીને પાછી ફ્રીજમાં મૂકવામાં બધાને આળસ, બધા ભૂલી જાય અથવા દાનત નહિ. પણ ઘરના પપ્પા તો એમના બાપાનું રાજ હોય એમ બૉટલ ભરીને મૂકવાનું યાદ આવે તો ય ન ભરે ! 'આ કામ મારૂં છેએએએ...???'

અમેરિકામાં સામાન્ય ઘર હોય કે ધનવાનનું, બધાને ત્યાં કોઇ અપવાદ વગર રૅફ્રીજરેટરો સાત-આઠ ફૂટ ઊંચા અને ૩-૪ ફૂટ પહોળા હોય. આપણને તો એમ કે આ વધારાનો રૂમ હશે ને મહીં જવા જઇએ ત્યારે ખબર પડે કે, આ તો ફ્રીજ છે. ત્યાં આપણી માફક રોજેરોજના શાકભાજી કે દૂધ-ફૂધ લેવા જવાતું નથી. બધાએ અઠવાડીયાનું બધું ભરી રાખવું પડે છે. પણ આપણા દેશમાં રૅગ્યૂલર માપનું ફ્રીજ કાફી હોય છે ને તો ય, ઠંડા પાણીની બૉટલો ભરીને મૂકી મૂકીને કેટલી મૂકવી ? ઘરના જુવાન છોકરાઓ તો એક ઘૂંટડે આખી બૉટલ પી જાય, પણ ભરીને પાછી નહિ મૂકવાની ! એમાં ડોહા બરોબરના ગીન્નાય કે, એ પીવા જાય ત્યારે ફ્રીજમાં બૉટલ જ ન હોય ! જ્યુસ, સૉફ્ટ ડ્રિન્ક્સ કે મલાઈવાળી ઠંડી છાશના ય એ જ હાલ થાય.

ઘરઘરમાં આવું ન થાય, એને માટે એક ઉપાય મળી આવ્યો છે. ઘરમાં ફ્રીજ જ નહિ રાખવાનું !

શીટ... ! આ તે કોઈ ઉપાય છે ? જો આ ઉપાય પરવડતો ન હોય તો બીજું કામ થઇ શકે. બૉટલ ઉપર ઘરના મેમ્બર્સના નામના સ્ટીકર્સ લગાવી દેવાના ને જેણે ભર્યા વગરની બૉટલ મૂકી હોય, એની બૉટલ ગૂમ કરી દેવાની. અથવા, કૂંવર જ્યાં બેઠા હોય, ત્યાંથી ઊભા કરીને બૉટલ ભરવા મોકલવાના. ઘરમાં કોઈનું ઉપજતું ચાલતું હોય, એણે હિટલર થઇને નિર્ણયો લેવા પડે.

તો ય... ગમે તેમ તો ય ઘરો તો આપણા ગુજરાતી જ છે ને ? ઘરની સ્ત્રીઓ બૂમો પાડતી ય બૉટલો ભરે રાખે. આ પ્રથા તો રાધા-કૃષ્ણના વખતથી ચાલતી આવે છે. અહીં તો આર ઓ-પ્લાન્ટ કે માટલામાંથી જ ખાલી બૉટલ ભરીને ફ્રીજમાં મૂકવાની છે, ત્યારે એ જમાનામાં સ્ત્રીઓ ઘરથી એક-બે કી.મી. દૂર આવેલા કૂવે માથે બેડલાં મૂકીને પાણીડાં ભરવા જતી. ઘરમાં માથે બૉટલ મૂકીને જવું ન ફાવે-પ્રૅક્ટીસ નહિ ને ? બા કેટલા ખીજાય ?

આ વાતમાં 'પીનારાઓ' ફાવી ગયા છે. એમની સોડા હરદમ ઠંડી જ મળે, ઘરમાં બીજું તો કોઈ એને અડે નહિ ! એમને તો જોઇતો હોય એટલો બરફે ય મળી રહે. રાત્રે બેઠક ઘેર રાખવાની હોય તો ઘરની સ્ત્રીઓ ય એમને માટે અલગથી પાણીની ૩-૪ ઠંડી બૉટલો પહેલેથી જ ઠંડી કરી રાખે...

... સાલો, ભલાઈનો તો જમાનો જ રહ્યો નથી !

સિક્સર
- મોદી હવે મનમોહનના માર્ગે... ?
- એમનું ય બોલવાનું બંધ થઇ ગયું છે !

No comments: