Search This Blog

12/04/2015

ઍનકાઉન્ટર : 12-04-2015

* તમને વાચકો બીજા લોકો વિશે પૂછે છે, પણ તમે તમારા વિશે શું માનો છો ?
- એક સ્ટુપિડ, છતાં આજ સુધી કોઇની સાથે દુશ્મનાવટ ન કરનારો માણસ.
(મનિષ ભરખડા, સાવરકુંડલા)

* શૉપિંગ-મૉલના લૅડીઝ ચૅઇન્જ-રૂમમાં છુપાવી રાખેલા કૅમેરાની નીચ માનસિક અવસ્થાનો શું ઉપાય ?
- એ અદાલતનું કામ છે, પણ આપણે સૂચવી શકીએ કે, આવું કામ કરનાર જેટલી જ આકરી સજા શૉપના માલિકને થવી જોઇએ.
(કવિતા માનચંદ શેઠ, મુંબઈ)

* તમને શું લાગે છે, મોદી આતંકવાદ રોકી શકશે ?
- ઇંગ્લિશમાં સરસ કહેવત છે, Attack is the best form of defence, એ ઇન્ડિયા પૂરતી મોદી અપનાવે તો થોડું કામ થાય.
(તપન પુરોહિત, કોડિનાર)

* તમને જૂનાગઢના શિવરાત્રીના મેળામાં આવવાનું આમંત્રણ છે...
- તમે ખોટો નંબર ડાયલ કર્યો...હું તો પૂરાં કપડાં પહેરૂં છું.
(સંદીપ ચૌહાણ, જૂનાગઢ)

* પરસેવે રેબઝેબ થઇ ગયા પછી પંખો તમે ચાલુ કરો કે ડિમ્પલભાભી પાસે કરાવો ?
- એનો આધાર એ મારા ઘેર બેઠી છે કે હું એના ઘેર બેઠો છું, એની ઉપર છે.
(પ્રકાશ મહેતા, સુરેન્દ્રનગર)

* તમને ટીવી પર આવતો કયો કાર્યક્રમ સૌથી વધુ ગમે ?
- 'તારક મહેતા કા ઊલટા ચશ્મા.'
(ચાંદની પી. સરડવા, મોરબી)

* પતંગની જાતિ નક્કી કેવી રીતે કરવી ? હિંદીમાં, 'ચલી ચલી રે પતંગ મેરી ચલી રે...' કહેવાય છે ને ગુજરાતીમાં 'કાપયો છે...' કહેવાય છે !
-પતંગ હજાર ટકા પુરૂષ જ છે, કારણ કે એક સ્ત્રી (દોરી) વડે એ જીવે ત્યાં સુધી બંધાયેલો છે.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* જંગલનો રાજા સિંહ તો રાષ્ટ્રીય પ્રાણી વાઘ કેમ ?
- રાજા-મહારાજાઓને એવા લૅબલની જરૂર ન પડે.
(મધુકર માંકડ, જામનગર)

* આત્મહત્યાનો પ્રયાસ હવે ગુન્હો નથી ગણાતો.... તો પછી કેજરીવાલ રાહ શેની જુએ છે ?
- પ્રયાસ હકીકતમાં ફેરવાઇ ન જાય એની.
(મૂકેશ ધકાણ, વસઇ-પાલઘર)

* મનમોહન અને અન્ના હજારે ગયા ક્યાં ?
- ગયા નથી...જાય તો દેશને શાંતિ મળે !
(અર્જુન વાઢેર, લોઢાવા-સોમનાથ)

* લગ્ન પહેલાં 'ગોલ્ડન લાઇફ' કહેવાય, તો લગ્ન પછીની ?
- પછી તો લાઇફ જેવું રહે છે જ ક્યાં ?
(અંકિત પઢીયાર, વડોદરા)

* તમને સવાલો પૂછવા મારે રૂ. ૫,૦૦૦/-નો મોબાઇલ લેવો પડયો... આ 'અમારા વિકાસમાં ફાળો થયો ?'
- તમે એ નથી લખ્યું કે ૫,૦૦૦-માં કેટલા મોબાઇલો લીધા ?
(દિના જયેશ કંસારા, અમદાવાદ)

* આપણે મંગળના ગ્રહ સુધી પહોંચી ગયા, પણ સિટી-બસમાં હૉર્નને બદલે એનું એ જ દેશી ભોંપુ કેમ ?
- આપણું ચાલે તો મંગળના ગ્રહ ઉપરે ય આપણી સિટી-બસ લઇ જઇએ એમ છીએ.
(મહેન્દ્ર જે. પરીખ, મુંબઇ)

* આપણે ત્યાં પકડાયેલ દારૂની બૉટલો ઉપર બુલડૉઝર ફેરવી દેવાય છે, એને બદલે બહાર એટલો વેચીને રોકડી કરી ન લેવાય ?
- અરે...આપણા જેવાને આપે, તો ય 'સારો' નિકાલ કરી આપીએ...સુઉં કિયો છો ?
(નૈષધ અંતાણી, ભૂજ)

* 'ચિત્રલોક'ની તમારી 'ફિલ્મ ઇન્ડિયા' કૉલમમાં નાનામાં નાના કલાકારોની ય ખાનગી માહિતી ક્યાંથી મેળવી શકો છો ?
- જાહેરમાંથી.
(અલ્તાફહુસેન ઠાસરીયા, રાજકોટ)

* તમને અદ્રષ્ય થવાનું વરદાન મળે તો પહેલું કામ કયું કરો ?
- હવે બીજી વાર અદ્રષ્ય ન થવાય.. લગ્ન થયા ત્યારનો મારી પત્ની મને અદ્રષ્ય જ માને છે !
(કૌશિક શાહ, વડોદરા)

* મા-બાપ ઘરડાં થાય પછી લોકો એમને હડધૂત કેમ કરે છે ?
- કારણ કે મા-બાપ થયા પછી જ ઘરડાં થવાય છે.
(અમિત જોશી, વડોદરા)

* બોટાદમાં પ્રવચન કરવા આવવાનું કેમ વિચારતા નથી ?
- વગર બોલાવે તો હું ઉપરવાળાના ઘેરે ય પ્રવચન આપવા જઉં એમ નથી.
(જીતેશ ચૌહાણ, બોટાદ)

* તમે ટીવી ઉપર બહુ હૅન્ડસમ લાગો છો, એનું શું કારણ ?
- હા, પણ રૂબરૂમાં જોયા પછી પૈસા પડી જાય છે ને ?
(પિનલ પાઠક, વડોદરા)

* 'બુદ્ધિ બહેર મારી જવી.' આપને કોઇ અનુભવ ખરો ?
- રોજ થાય છે. ઘર આવી ગયું સમજીને લિફટમાં બેસીને લૅપટોપ શરૂ કરી દઉં છું.
(દીપક આશરા, ગાંધીનગર)

* તમારા મતે ગુજરાતીઓની વિશિષ્ટતા શું છે ?
- ૬૦-૭૦ રૂપિયાની પાણીપૂરી ખાઇ લીધા પછી ય મફતમાં મસાલા પૂરી ન માંગે, ત્યાં સુધી ધરાતો નથી.
(વિજય જોશી, નવાગઢ-જેતપુર)

* સરકારે એસ.ટી.ની બસોમાં ડ્રાયવર-કન્ડક્ટર લૅડીઝને લેવાનું શરૂ કર્યા પાછળનું કારણ ?
- એનું કારણ આગળનું છે.
(ગોવિંદ પટેલ, કોટડા ચકાર-કચ્છ)

* બેસણાંની જા.ખ.માં 'સ્વર્ગસ્થ' લખાય છે. શું એ લોકો સ્વર્ગમાં ગયા પછી અવસાન પામતા હશે ?
-અરે ભ'ઇ...ઘણા તો સ્વર્ગમાં જવાનું કહીને એમના સાસરેથી નીકળે છે... જાહેર ખબરનો ખર્ચો ય માથે પડે છે ! આપણા જેવું નહિ, ''બોલ્યા-પીસ-બોલ્યા''!
(લલિતકુમાર મેહતા, અમદાવાદ)

* હવે તમે ડિમ્પલને છોડીને દીપિકા પદુકોણને મહત્ત્વ આપવા લાગ્યા છો ?
- એક શુધ્ધ ભારતીય પુરૂષ એક સાથે કદી બબ્બે સ્ત્રીઓને પ્રેમ કરતો નથી... વારાફરતી કરે છે !
(હરેશ મોરડીયા, સુરત)

* તમે પછી 'વૉટ્સઍપ' અંગે કાંઇ વિચાર્યું કે નહિ ?
- 'વૉટ્સઍપ' વિચારનારાઓ માટે નથી.
(નિસર્ગ દીક્ષિત, મહુધા)

* રાહુલજી ક્યાં ગયા હશે ?
- ધૂની માંડલીયાનો શે'ર છે :
'ટાંકણાની વાતમાં આવી ગયો,
આમ તો પથ્થર ઘણો સીધો હતો.'

No comments: