Search This Blog

15/04/2015

છોકરું એમનું ને રમાડવાનું આપણે?

આથી હું દેશના ગુજરાતી સમાજને જાહેર કરવા માગું છું કે, મારી પાસે સરકારી ક્વૉટા પ્રમાણેના બે તંદુરસ્ત બાળકો અને એમને ત્યાં ય બબ્બે બાળકોનો સેટ પૂરતા પ્રમાણમાં પડેલો છે. અર્થાત્, રમાડવા માટે મારે બહારથી ભાડે કે વેચાતા છોકરાઓ લઈ આવવાની જરૂર નથી. હું તમારા ઘરે કોઈ કામથી આવ્યો હોઉં કે અમસ્તો કૉફી પીવા આવ્યો. હોઉં, ત્યારે મંદિરના પ્રસાદની જેમ મને તમારા છોકરાઓ રમાડવા આપી દેવા નહિ. તમારા બાળકોને રમાડવાના હોઈ ધખારા મને ઉપડતા નથી ને છતાં ય મારી મરજી વિરૂધ્ધ તમારું છોકરું મારા ખોળામાં જબરદસ્તી મૂકી દેવામાં આવશે તો, બાળકની પાછળના ભાગમાં હું ગમે ત્યાં ચીટીયો ભરીશ, જેથી એ મોટું થઈને પરણે ત્યાં સુધી રમવા માટે મારી પાસે ન આવે... (કડક સૂચના પુરી)

ગામ આખું કહે છે, 'બાળકો ભગવાનને પ્યારા.'

કેવી ચલાવે રાખે છે લોકો નવરા બેઠે બેઠા? આજ સુધી એકેય ભગવાનનો ખોળામાં છોકરું રમાડતો ફોટો જોયો? ભગવાનના મંદિરોમાં કોઈ બાળકો રમતા જોયા? બાળકો રમી/વગાડી શકે, એટલા નીચા તો ઘંટો ય લટાકાવવામાં આવતા નથી. યસ, મંદિરની બહાર પગથીયાં નીચે નાગાંપૂગાં ભિખારી બાળકોને ભીખ માંગતા બેશક જોયા છે. આમાં કઈ કમાણી ઉપર ફેંકે રાખો છો કે બાળકો ઈશ્વરને ય પ્યારા હોય છે? બાળકો ઈશ્વરને વહાલાં હોત, તો ભીખ માંગતા હોત?

...ને એમાં ય, હવે મારા જેવા ચારે બાજુથી પરવારી ગયેલા રીટાયર્ડ ડોહાઓને તો લોકો ભાળે છે ત્યાં જ, છોકરું રમાડવા આલી દે છે. ''ચલો ડીકુ... દાદા પાસે રમોઓઓઓ...'' તારી ભલી થાય ચમની, હજી દાદો તારી સાથે રમવા માટે ફિટ છે. સાલો બાંકડે બેઠેલો જોયો નથી ખોળામાં ટપાલ-ટિકીટની માફક એમનું છોકરું ચોંટાડયું નથી! નદીમાં નારીયેળ પધરાવતી હોય એમ આપણા ખોળામાં છોકરું પધરાવી એની મૉમ ગાર્ડનમાં 'વૉક' લેવા ચાલી જાય. આપણો વાંધો એનું છોકરું રમાડવાનો નથી... ચૌદે ભુવનનો ગુસ્સો એના વર ઉપર આવે કે, તું તો તારી વાઈફ પાસેથી કંઈક શીખ...! કોક'દિ તું ગાર્ડનમાં વૉક લેવા જતા જતા આને સોંપતો જાય કે, ''યસ ડાર્લિંગ... તું આ પ્રભુદાસભાઈ સાથે બે ઘડી બેસ... હું ૪-૫ આંટા મારીને આવું છું.'' તો કોઈ ના ય ન પાડે! સરસ મજ્જાની બ્રાન્ડેડ વ્હાઈટ જર્સી, નીચે ટાઈટ ટ્રાઉઝર્સ અને સ્પૉર્ટસ-શુઝ પહેરેલી એની વાઈફને મૂકતો જાય તો આપણે ય કેટલા રસથી એને ચાંદામામા કે ટારઝનની વાર્તાઓ કહીએ, થૂપ્પા-થૂપ્પી રમીએ... અરે, બીજું કંઈ નહિ ને એને વધુ શિક્ષણ જોઈતું હોય તો અમારા જમાનામાં પ્રેમો કેવી રીતે થતા હતા ને અમે શું શું કરતા હતા, એ સઘળી માહિતીઓ એની વાઈફને ઉત્સાહપૂર્વક આપીએ... પણ એના છ વર્ષના ટેણીયાની ટાંગ કે એને અમારા જમાનામાં પ્રેમો કેવી રીતે થતા હતા, એની દાસ્તાનો એને અડી અડીને બતાવીએ?

કોઇ પંખો ચાલુ કરો !

સુરૂભ'ઈને ત્યાં અરજન્ટ કામે જવાનું થયેલું. સુરૂભ'ઈ એટલે સૂરીયો વળી...! એ કયો મોટો પહાડ તોડી લાવ્યો હશે કે, એના છોકરાની વાઇફને છ-સાત વર્ષ પહેલા વિજ્ઞાાનના નિયમો મુજબ બાબો આવ્યો, એમાં તો કેમ જાણે બીજા બધાને ઘેર બાબા-બેબીઓ નહિ, રીક્ષાઓ અને ટ્રકો આવતી હશે, એવો સુરીયો ખીલી ઊઠેલો. ઘેરે ઘેર ફોન કરીને ખુશખબરો આપ્યા, મીઠાઈઓ વહેંચી ને ફક્ત પોતાનું ઘર જ નહિ, આખી સોસાયટી શણગારી મ્હેલી... કેમ જાણે 'વિના સહકાર, નહિ ઉધ્ધાર'ના ધોરણે સોસાયટીવાળાના સહકારથી બાબો આવ્યો હોય! કહે છે કે, ''ઘણી વાર તો ડૅન્જરસ શંકાનું નિરાકરણ આવી જાય, એમાં ય માણસો આટલા ધોધમાર ખુશ થતા હોય છે.'' (આ વાક્યનો અર્થ બધાને સમજાવાનો નથી, તો વૉટ્સએપો કરી કરીને લોહીઓ પીવા નહિ! ન જ રહેવાતું હોય તો પંખો ચાલુ કરવો.)

અહીં મારા જેવા ડોહાઓનો પ્રોબ્લેમ શું હોય છે કે, જ્યારે અમે પણ તાજા તાજા ફાધરો બનેલા, ત્યારે નોકરી-ધંધા, ફિલ્મો અને ક્રિકેટના શોખ ઉપરાંત અન્ય ''ઈતર-પ્રવૃત્તિઓને'' કારણે ઘરના છોકરાઓને રમાડવા-ઉછેરવામાં બહુ ધ્યાન નહોતું રહેતું. હવે ૬૦-પછી એટલા કોરાધાકોડ થઈ ગયા હોઈએ કે, ઘરના એક ખૂણામાં બેઠા બેઠા ટીવી જોયે રાખવાનું ને સાંજે ગાર્ડનમાં 'ડોહા-મંડળ'માં બેસવા જવાનું. કોઈ કામના તો રહ્યા ન હોઈએ, એટલે વહુ એના છોકરાં રમાડવા આપણને સોંપી જાય ને ''હવે'' આપણને બાળકો ગમવા ય માંડયા હોય... કારણ કે, બહાર જે કાંઈ ગમતું હોય, એને રમાડી શકાતું નથી... સુઉં કિયો છો?

એટલે આ સુરીયો ય નવરોધૂપ્પ બેઠો હતો. હરએક વાચક સહમત હશે કે, આજના હરએક નાનાજી-દાદાજીઓએ પોતાના છોકરાઓને નહિ રમાડયા હોય, એટલા છોકરાના છોકરા ઉપર વહાલો વરસાવતા હોઈશું. છતાં સૂરીયાને સાવ આપણા જેવું નહિ કે, આપણને કમ-સે-કમ આપણા છોકરા રમાડવા તો બહુ ગમે. એને એનાવાળા નહિ ગમતા હોય કારણ કે, જેવો ઝાંપો ખખડયો ને હું એના બંગલામાં દાખલ થયો કે,

કમ્પાઉન્ડમાં છુટા મૂકેલા કૂતરાઓને બદલે એના (છોકરાના) છોકરા મારા ઉપર ધસી આવ્યા. (બંધ ઝાંપાની બહાર ઊભા રહીને ઈવન તમે જુઓ તો, તમે ય મારી સાથે એગ્રી થશો કે, રમાડવા જેવા એના કૂતરાઓ હતા, છોકરાઓ નહિ... કૂવામાં હોય તો હવાડામાં આવે ને?)

''રમણ, વસંત, ગોદાવરી... જુઓ બેટા અશોક દાદા આયા છે... એમને અંદર લઈ આવો.''

આ નામો ઉપરથી પહેલા તો એવું લાગે કે, સુરીયો પોતાના છોકરાઓને બોલાવી રહ્યો છે કે, નગરપાલિકાના સફાઈ કામદારોની હાજરી પૂરી રહ્યો છે? આ જમાનામાં આવા નામો ચાલે? જે ડોહાઓના આજે ય આ નામો ચાલ્યા આવે છે, એમણે ય બદલીને રમણનું 'રૅમ્સ', વસંતનું 'વિશુ' અને ગોદાવરીનું 'ગોદુ' કરી નાંખ્યું છે. વિશુ અન્કલ ને ગોદુ આન્ટી બોલવામાં ય સારા લાગે.

સોફા ઉપર હું અને મારી ઉપર આ પબ્લિક ચઢી બેઠી હતી. મકાન ખાલી કરવાનું હોય ત્યારે છેલ્લે છેલ્લે માળીયે રહી ગયેલો જૂના વાસણો ભરેલા કંતાનનો મોટો થેલો બહાર આવે, એમ સુરીયાની તોતિંગ વાઈફ કિચનમાંથી બહાર આવી. એક જમાનામાં એ ભારતીય લશ્કરના રસોડામાં કામ કરતી હશે, નહિ તો બૉડીનો આવા શૅઈપ પકડાય નહિ! સુરીયાનો સુપુત્ર જનુ એની માંના પેટમાંથી નહિ, દિવાળીમાં સેવ પાડવાના સંચામાંથી બહાર નીકળ્યો હશે, એવો શરીરના તમામ અંગો ગૂંચળા વળેલા આકારનો હતો. દર ત્રીજી મિનિટે એ માથા વડે હવામાં બે ઝટકા મારતો હતો. રહ્યું એનું બૈરૂં? પેન્સિલ છોલવાના સંચામાં એક કાણું હોય, એવા આની પાસે બે કાણા નાકમાંથી નીકળતા હતા. આમ ચેહરેમોહરેે હાલ પૂરતા કોઈ ફેરફારો કરાવવા જેવા નહોતા, તો ય દેખાવમાં એ મૂછો વગરના પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મીંયાદાદ જેવી દેખાતી હતી. દરેક વાક્ય તે એકએક ઝાટકા સાથે બોલતી હતી. ડ્રોઇંગ-રૂમમાં એ મારી સામેના સોફા ઉપર બેઠી, એ બહુ ખોટું થયું કારણ કે ભ્રમ મારો હતો કે એ જેટલી વખત શ્વાસ લે છે એટલી વખત હું સોફા સાથે એની તરફ ખેંચાઈ જઉં છું. હું મારા ઉતાવળીયા કામ માટે કેવળ બે-ત્રણ મિનિટ માટે આવ્યો હતો ને આ પરિવાર એક પછી એક નવી આઈટમો રજુ કરે જતો હતો.

આઘાત હજી બાકી હતો. રામ જાણે આ બન્ને જણા કયા ખેતરમાં જઈને વાવણી કરી આવતા હશે કે, હજી એનાં અઢી-ત્રણ વર્ષનાં ચોથા છોકરાનું વિમોચન બાકી હતું, જે મારા હસ્તે કરાવવાનું હોય એમ, ''જાઓ ગાયત્રીપ્રસાદ બેટા... અશોક દાદાને હાથી કેમ ચાલે એ બતાવો તોઓઓઓ..!'' એવું એની મમ્મીએ કીધું. હું નદીના પટ ઉપર નવું સર્કસ લઈને આવ્યો હોઉઁ અને સારા સારા જાનવરોના ઈન્ટરવ્યૂઝ લેવા આવ્યો હોઉં અને આ પર્ફોર્મન્સ મને બતાવાવમાં આવે, એ સમજી શકાય, પણ ગાયત્રીપ્રસાદ આ લોકોનો ય બાપ નીકળ્યો... આઇ મીન, 'નીકળ્યું'! હાથી તો એની બહેનના લગ્ન કરાવવા ગયો, પણ ગાયત્રીપ્રસાદે આ લોકોને કોઈ રીસ્પૉન્સ જ ન આપ્યો. કબાટમાં ફસાયેલું કોઈ કૂતરું જોતો હોય, એમ એ મારી સામે ટગર ટગર જોવા લાગ્યો. આપણે ય માણસ છીએ ને આપણને ય બીક તો લાગે ને કે, 'વૉટ ઈઝ નૅક્સ્ટ નાઉ?'

આખું ફેમિલી ગાયત્રીપ્રસાદની પાછળ પડી ગયું, 'દાદાને હાથીની ચાલ બતાવો, બેટાઆઆઆ..!'

''સુરૂ ભ'ઈ, ઇફ યૂ ડૉન્ટ માઈન્ડ... તમને વાંધો ન હોય તો હાથીની ચાલ હું બતાવી દઉં? પ્લીઝ, હું અગત્યના કામે આપને ત્યાં આવ્યો છું તો-''

''અરે રાજ્જા, કામો તો થતા રહેશે, પહેલા જુઓ તો ખરા કે અમારો ગાયત્રીપ્રસાદ શું શું કરી શકે છે?'' સુરીયાએ સોફો છોડીને ભોંય પર બેસીને પેલાને બન્ને હાથના ઈશારે પોતાની પાસે બોલાવ્યો. ''ઓકે મારા લાલા... હાથીની ચાલ ન બતાવે તો કંઇ નહિ... માલું ડીકલું... એક વાર...''

ત્યાં જ, અત્યાર સુધી માણસ રહેલા એમના અન્ય ત્રણ બાળકોમાંનો રમણ બોલ્યો, ''દાદાજી, આ એ જ અશોક દાદા છે ને... જે તમે કે'તા 'તા કે, અક્કલનો છાંટો ય નથી ને બુધ્ધિ વગરના હાસ્યલેખો લખે છે..?'' આ લોકોએ રોકવાની કોશિષ કરી તો ય પેલો બોલતો બોલતો રસોડામાં જતો રહ્યો, ''દાદી, તમે ય કે'તા ને કે, અસોકીયાનું તો એની વાઈફ પાસે ય કંઈ ઉપજતું નથી... હુર્રેહુર્રે... હુર્રેહુર્રે...''

''બસ, દાદુ જવું છે..? ફરી કોક વાર આવો, આ બાજુથી નીકળો તો...!''

સિક્સર:
વાચકોમાંથી કેટલા જાણે છે, 'સાચા શબ્દો?' લખાતું ભલે 'કરાઓકે' લખાય, પણ બોલવામાં સાચો ઉચ્ચાર 'કૅરીઓકી' છે. 'લિંગરી' નહિ, પણ 'લાઈન્જરી', 'મૉમેન્ટો' નહિ, 'મેમેન્ટો' ...અને, 'ઝૅરોક્સ' નહિ, ફોટોકૉપી બોલાય!

No comments: