Search This Blog

19/04/2015

ઍનકાઉન્ટર : 19-04-2015

* કોહિનૂર હીરાને આટલું બધું મહત્વ કેમ અપાય છે?
– કારણ કે, એ આપણી પાસે નથી. 
(નૈમિષ ભટ્ટ, મોરબી)

* કૉલેજોમાં ગર્લ્સ કરતાં બૉયઝ કેમ વધારે ફૅઇલ થાય છે?
– ગર્લ્સનું ધ્યાન કૉલેજમાં હોય છે અને કૉલેજનું ધ્યાન બૉયઝમાં હોય છે.
(હીરૂ રૈયાણી, સુરત)

* રાવણે ‘અશોક વાટિકા’ નામ તમારા નામ પરથી પાડ્યું હતું? 
– રાવણ દુષ્ટ હતો, પણ બેવકૂફ નહોતો. 
(શાંતિલાલ ઠક્કર, બિલીમોરા)

* કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે આપની દ્રષ્ટિએ શું તફાવત છે?
– એક ભૂંસાઇ ચૂક્યો છે અને બીજો ભૂંસાઇ જવા માટે ખૂબ મહેનત કરે છે.
(જીજ્ઞેશ બારોટ, ખેરાળુ)

* સ્કૂલમાં ભણાવાય છે છતાં ટ્યુશન ક્લાસિસ કેમ ફૂલ્યા ફાલ્યા છે?
– કહે છે કે, હવે તો પરીક્ષામાં ચોરીઓ કરવાના ય ટ્યુશન ક્લાસિસ શરૂ થવાના છે.
(હેમંત વી. પરમાર, અમદાવાદ)

* જાડા અને પાતળા. બંને એકબીજાની ઇર્ષા કરે છે. શું કારણ હશે?
– આપણે વચલાઓએ ચિંતા કરવાની ક્યાં જરૂર છે?
(રશ્મિન એમ. દવે, રાજકોટ)

* હાસ્ય રસ સિવાય કયા રસોને તમે મહ્ત્વ આપો છો? 
– કેરીનો રસ. જે હવે ‘મેન્ગો’ની ફ્લેવરમાં મળવા માંડ્યો છે!
(જગદીશ પટેલ, ઇડર)

* ગુજરાતમાં શિક્ષણ પદ્ધતિ સાવ ખાડે ગઇ છે. શું માનો છો?
– મારાથી બોલાય એવું નથી. બી. કૉમ.માં હું ચોરી કરીને પાસ થયો હતો... એ કૅસ સાલો હવે તો નહિ ખૂલે ને, એની બીક લાગે રાખે છે.
(કેવલ ડી. જાની, સુરત)

* પત્નીથી રસોઇમાં કોક દિવસ મીઠું વધારે પડી જાય તો શું કરવું?
– બે દિવસ સળંગ એકલા મીઠાંના ફાફડા મારવા, ટેવાઇ જવાશે પણ ફરિયાદ ના કરવી. 
(જયેશ અંતાણી, ભાવનગર)

* સની લિયોની તમને સામે મળી જાય તો શું કરો?
– એ જ.... જે એક પુરુષે કરવું જોઇએ!... આઇ મીન, સંયમ!
(પરમજીતસિંહ મહીડા, આણંદ)

* મારે તમારી સાથે અહીં જૂનાગઢમાં ગિરનાર અને દામોદર કુંડ ફરવું છે... શું જવાબ છે તમારો?
– આમાં કાં તો સિંહ જોઇએ ને કાં તો નરસિંહ મહેતા!
(કૃષ્ણા ઠાકર, જૂનાગઢ)

*દવે સાહેબ, તમે છેલ્લે ‘આઇ લવ યૂ’ ક્યારે બોલ્યા હતા અને કોને બોલ્યા હતા?
– પહેલાં એકલો સની દેઓલ મારે એવો હતો... હવે તો અક્ષય કુમાર બી છોડે એવો નથી... જવા દો ને!
(દીપક પૂજારા, સુરત)

* તમે જીવનમાં ક્યારેય સીરિયસ થયા છો?
– દર અઠવાડિયે એકાદ–બબ્બે વાર થવું પડે છે... કોકના બેસણામાં તો મોંઢું હસતું ન રખાય ને?
(વૃશ સોલંકી, અમદાવાદ)

* તમારી બર્થ–ડૅટ ૨૯ ફેબ્રુઆરી છે... અત્યારે કેટલા વર્ષના થયા?
– ૧૬મં ચાલે છે.
(હિમાંશુ શુકલા, અમદાવાદ)

* ઓબામા આવ્યા ત્યારે આટલી સુરક્ષા... પ્રજા માટે કાંઇ નહિ?
– પ્રવાસી પ્રેસિડૅન્ટ કે પ્રાઇમ મિનિસ્ટરની સુરક્ષા પ્રોટોકૉલનો ભાગ છે... એની સરખામણી પ્રજા સાથે થઇ શકે નહિ.
(ડૉ. વ્યોમિકા દેવધારા, વાપી)

* લોકો અગાઉથી ફિક્સ થયેલી આઇપીએલની મૅચો કેમ જોતા હશે?
– ફિક્સ તો ફિક્સ, આપણે શું લેવા–દેવા? હું આ બધી મૅચોનો ભરપૂર આનંદ માણું છુ. કમ–સે–કમ, ટીવીના સમાચારો કરતાં તો આ લોકો કંઇક ક્રિયૅટિવ આપે છે!
(પ્રવેશિની શાહ, મુંબઇ)

* અાપણે કોઇના ઘેર ગયા હોઇએ ને એ એમ કહે કે, ‘ફરીવાર ટાઇમ લઇને આવજો’, તો શું સમજવું?
– એ જ કે, બીજી વાર સરખો ટાઇમ લઇને જવાનું.
(ઈલ્યાસ તરવાડી, ચલાલા)

* જીદ હંમેશા પત્ની જ કેમ કરતી હોય છે?
– સામે લલ્લુ જીદો ચલાવી લેતો હોય છે માટે!
(ચૈતન્ય બારોટ, વિજાપુર)

* તમે અમારા સવાલના જવાબો એકદમ ટૂંકાણમાં કેમ આપો છો?
– ?
(યામિત બૅનર્જી, પિપાલા)

* સાલું વાંચેલું યાદ કેમ નથી રહેતું?
– યાદ આવે એટલે કહું! 
(મિનિષ શાહ, આણંદ)

* રૂ. ૫/–ની નોટ બંધ થઇ ગઇ. રીઝર્વ બૅન્ક રૂ. ૧૫/– કે રૂ. ૨૫/–ની નોટ કેમ કાઢતી નથી, જેથી રૂ. ૫/– વાળા ઝઘડા તો ન થાય?
– આ બતાવે છે કે, ભારતનો સામાન્ય નાગરિક પણ મહિને રૂ. ૫/– કરતાં વધુ કમાય છે.
(મો. હનીફ મહુડાવાલા, ડભોઇ)

* અમારા લગ્નને તો ઘણાં વર્ષો થઇ ગયાં... હવે મારો ગોરધન કહે છે, ‘આજ ફિર તુમ સે પ્યાર આયા હૈ’... મતલબ?
– બિચારો મજાકે ય ન કરે?
(શ્રીમતી ઈશ્વરી માંકડ, જામનગર)

* આ દુનિયામાં ભગવાન છે ખરાં?
– તો તમારા આ બધા જવાબો કોણ અમારો ધૂળજી આપે છે?
(વિજય બારીયા, ગોધરા)

* હની સિંગનો યો યો નો અર્થ શું થાય?
– મારો પૌત્ર ક્યાંકથી શીખી લાવ્યો છે કે હની (મધ), ખાવા (સિંગ) અને રમવા (યો યો)ના ત્રણ કામમાં આ એકલો માણસ કામમાં આવે છે.
(મેહૂલ ચાવડા, અમદાવાદ)

* કોઇ સુંદર સ્ત્રી તમારી સામે જોયે રાખતી હોય તો કેવો રીસ્પૉન્સ આપો?
– એ તો એક વાર જુએ પછી મને ય ખબર પડે કે, હું કેવો રીસ્પૉન્સ આપી શકું છું!
(વંદના આર. દેસાઇ, અમદાવાદ)

* મંદિરોમાં અન્નકૂટ કેમ ધરાવવામાં આવે છે?
– ટ્રસ્ટીઓ – ગુરૂજીઓને રોકડી કરાવવા.
(ચાની ગૌતમ પરીખ, અમદાવાદ)

No comments: