Search This Blog

10/04/2015

'પૉકેટમાર' ('૫૬)

- યે નઇ નઇ પ્રિત હૈ, તુમ્હી તો મેરા મિત હૈ.... દેવ આનંદ-ગીતા બાલીનું

ફિલ્મ : 'પૉકેટમાર' ('૫૬)
નિર્માતા : પ્રેમ સેઠી
દિગ્દર્શક : હરનામસિંહ રવૈલ
સંગીત : મદન મોહન
ગીતકાર : રાજિન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : લિબર્ટી (મધુરમ્) - અમદાવાદ
કલાકારો : દેવ આનંદ, ગીતા બાલી, નાદિરા, લલિતા પવાર, રામાયણ તિવારી, સુંદર, ગોપ, કુમુદ ત્રિપાઠી, ટુનટુન, ભગવાન સિન્હા, રાજન કપૂર, મદન ભંડારી, રિડકુ, કઠાના, પ્રતિમાદેવી, રણધિર, જગદીશ, કંવલ અને ગોપ

ગીતો
૧. લડી આંખ સે આંખ મુહબ્બત હો ગઇ.... - લતા-રફી
૨. છોટી સી જીંદગી હૈ, અપની ખુશી સે જી... - લતા મંગેશકર
૩. પ્યાસે નયનોં કી પ્યાસ બુઝા દે... - લતા-કોરસ
૪. કિસી કે ઠૂકરાકર અરમાન, ન જાઓ બેદર્દી... - લતા મંગેશકર
૫. બલમા અનાડી, મંગા દે ઘોડાગાડી.... - લતા મંગેશકર
૬. દુનિયા કે સાથ ચલ પ્યારે, ઐસે ન હાથ મલ... - ગીતા રોય
૭. યે નઇ નઇ પ્રિત હૈ, તુમ્હીં તો મેરા મિત હૈ... - લતા-તલત
૮. તેરી ગલી કૈસે આઉં સજના, જાગે ઘરબાર સારા... - લતા મંગેશકર

આ'પૉકેટમાર' શબ્દ કેવી અજાયબ વર્ણસંકરી ઉપરથી ઉતરી આવ્યો હશે ? આવા શબ્દની વ્યૂત્પત્તિ તો ન જ મળે, પણ જેના મનમાં પહેલીવાર આ શબ્દ આવી ગયો હશે, એણે ચલાવે રાખ્યો હોય, બાકી ગુજરાતીમાં અર્થ ઊભો કરે, એવો સરળ શબ્દ છે જ, 'ખિસ્સાકાતરૂ'. ખિસ્સા કાપે-કાતરી જાય, એને ખિસ્સાકાતરૂં કહેવાય. અલબત્ત, આ શાસ્ત્રનું સાયન્સ જેમ જેમ આગળ વધતું ગયું, એમ એમ આ વિદ્યામાં તરક્કીઓ પણ થઇ અને હવેના કાતરૂઓ કાતરતા નથી, ખિસ્સા ઉપર સિફતથી પલભરમાં સીધો હાથ જ મારે છે, એટલે તમારા બધાની તૈયારી હોય તો થોડો ફેરફાર કરીએ કે, આ કલાકારોને ખિસ્સાકાતરૂને બદલે 'ખિસ્સામારૂ' કહી શકાય. અફ કૉર્સ, ખિસ્સા કાતરવા પણ એક અજાયબ આર્ટ છે. ઋષિમુનિની જેમ લક્ષ્ય (કોઇના ખિસ્સાં) ઉપર મિનિટો સુધી ધ્યાન ધરવું, કૃત્રિમ ઉપગ્રહની જેમ લક્ષ્યની આજુબાજુ સતત ઘુમે-ફિરે રાખવું, આજુબાજુના સેંકડો વટે માર્ગુઓ ઉપરાંત મૂળ લક્ષ્યનું કાચી સેકન્ડમાં ધ્યાન ચૂકવી, એક વાળંદની ભાંતિ હાથ કી સફાઈ કરી બતાવીને મૂળ તો પાછા પોતાના આરોગ્ય એટલે કે હાડકાં, મોંઢા ઉપર મારના નિશાન અને લોહીના બગાડનું ધ્યાન રાખવું. એક નાનકડી ભૂલ, ઉતાવળ/ઢીલ કે સમયસૂચકતાનો અભાવ આવા કલાકારના આરોગ્ય ઉપર માઠી અસર કરી શકે છે. કૌટુંબિક આવકને આવનારા અનેક મહિનાઓ સુધી ચકનાચૂર કરી શકે છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે, સ્થાનિક કક્ષાએ (એટલે કે ફૂટપાથો કે શૉપિંગ મૉલોમાં હાથનો કસબ અજમાવતા) આ કસબીઓને પ્રજાના ખિસ્સા કાતરવાની એકલવ્ય-તાલીમ દેશના નેતાઓ તરફથી મળેલી હોય છે. જો કે, નેતાઓ કરતા આ લોકો વધુ નમ્ર હોય છે કે, એમને પોતાના કસબની પબ્લિસિટી ટીવી, અખબારો કે પુલિસમાં કરવી ગમતી નથી, ને તેથી તેઓ સ્માઈલો સાથે અખબારોમાં કોઇનું ખિસ્સું કાતરતા ફોટાઓ છપાવવાનો આગ્રહ રાખતા નથી...

કેવી નમ્રતા !

'૫૦ના દશકમાં ભાઇશ્રી દેવઆનંદે પોતાની મોટા ભાગની ફિલ્મોમાં છુપાયેલું આ સપનું પૂરૂં કરવા ઘણી ફિલ્મો બનાવી હતી, જેમાં એના રોલ ક્રિમિનલ્સના વધારે હતા. રાજ કપૂરે ભારતીય જીવનને સીધી સ્પર્ષતી ફિલ્મો બનાવી અને દિલીપ કુમાર ભગ્ન હૃદયી પ્રેમીની છાંટમાંથી ભાગ્યે જ બહાર આવ્યો, રાજ-દિલીપની ફિલ્મો વર્ષમાં સરેરાશ એક-બે આવતી, જ્યારે ક્રાઈમ તો ક્રાઈમ, દેવ આનંદની ફિલ્મો વર્ષમાં ૫-૬ તો આવતી રહી. એમાં ય, દેખાવડો અને સ્ટાયલિશ હોવાથી છોકરીઓનો એ આરાધ્યદેવ બની ગયો...એ વાત જુદી છે કે, ઈવન, એ જમાનામાં ય એની ફિલ્મો ચાલતી ભાગ્યે જ ! દિલીપ કુમાર અને દેવ આનંદ-બન્નેને એકસરખા ગ્રહો નડતા કે, એ બન્નેની ચાલેલી કરતા નહિ ચાલેલી ફિલ્મોની સંખ્યા ઘણી વધારે હતી. રાજ કપૂર એ દ્રષ્ટિએ પૂરો વહેપારી હતો. કઇ ફિલ્મ ચાલશે ને કઇ ડબ્બામાં જશે, એનું વેપારી જ્ઞાાન પૂરૂં હોવાથી રાજની ફિલ્મો ભાગ્યે જ ફલૉપ ગઇ છે.

આ ફિલ્મ 'પૉકેટમાર' તો સાધના-રાજેન્દ્ર કુમારવાળી ફિલ્મ 'મેરે મેહબૂબ' બનાવનાર હરનામસિંહ (એચ.એસ.) રવૈલે બનાવી હતી. આમ તો એ ય કોઇ ગ્રેટ ડાયરૅક્ટર નહોતા, પણ 'મેરે મેહબૂબે' એમને આગળ લાવી દીધા હતા. ધરમપુત્ર સની દેવલની પહેલી ફિલ્મ બનાવનાર થોડો સનકી મિજાજી દિગ્દર્શક રાહુલ રવૈલ એમનો પુત્ર થાય. આ દેશમાં સંગીતમાં રાહુલદેવ નામના બર્મન અને ક્રિકેટમાં રાહુલ નામના દ્રવિડને બાદ કરતા બાકીના મોટા ભાગના રાહુલો આવ્યા ત્યારથી ભોંયભેગા થઇ ગયા છે. આ રાહુલ રવૈલ, વિનોદ ખન્નાનો દીકરો રાહુલ ખન્ના, ક્રિકેટર અશોક માંકડનો નાનો ભાઈ રાહુલ માંકડ...અને દેશનો સૌથી મોટો ફલૉપ રાહુલ ગાંધી....!

ફિલ્મ તો આ ય દેવ આનંદ અને ગીતા બાલી જેવા સુપરસ્ટારોની હોવા છતાં તદ્દન ફલૉપ ગઇ હતી. યાદ રાખવા જેવી નામની કોઇ સિલક વધતી હોય તો લતા-તલત મેહમુદનું એક માત્ર સુરીલું ગીત, 'યે નઇ નઇ પ્રિય હૈ, તુમ્હીં તો મેરા મિત હૈ...'ને બાદ કરતા મદન મોહને ય ઉતારય એટલી વેઠ જ ઉતારી છે. આમ મદન મોહનના આપણે માનનીય ચાહકો કહેવાઇએ, પણ એની સરિયામ નિષ્ફળતાના બે કારણો ય કંઇક આવા જ હતા. એક તો, એને મોટા સ્ટાર્સ અને મોટા બૅનરની કોઇ ફિલ્મો જ નહોતી મળતી અને જે કાંઇ મળતી, એનો સ્ટ્રાઇક-રૅટ ઘણો પૂઅર રહેતો. ફિલ્મો આવે તો ખરી, પણ આખી ફિલ્મમાંથી આજ સુધી સહુને યાદ રહી ગયું હોય, એવું તો એકાદું ગીત માંડ નીકળે...બાકીના બધામાં ધૂપ્પલ ચાલે રાખ્યું. નહિ તો, આ જ ફિલ્મ 'પૉકૅટમાર'માં કોઇ નહિ ને દેવ આનંદ અને ગીતા બાલી જેવા સુપરસ્ટાર્સ મળ્યા હતા, છતાં ય કાંઇ ઉકાળી શકાયું નહિ. મદન મોહન આપણા સહુનો હૃદયસ્પર્શી મનભાવન હોવા છતાં, એની સમગ્ર ફિલ્મોગ્રાફી જોવા બેસીએ તો સંગીતની ભાષામાં એણે સફળ કરતા ફલૉપ ફિલ્મો અને ફલૉપ ગીતો બહુ આપ્યા છે. જે ભૂલ સી. રામચંદ્રે કરી-એકલી લતા મંગેશકરની પાછળ જ કરિયર ઘસી નાંખવાની ને પુરૂષ ગાયકોને નીગ્લૅક્ટ કરવાના, એવી ભૂલ મદન મોહને આખેઆખી નહોતી કરી-અડધી કકરી હતી. મુહમ્મદ રફી કે તલત મેહમુદને એ જરૂરત પ્રમાણે લેતો હતો, પણ આશા ભોંસલે કે ગીતા રૉયની સમજો ને, લગભગ બાદબાકી ! નહિ તો આશાએ પણ કાંઇ નાનકડું કામ મદન માટે નથી કર્યું. 'સબા સે યે કહે દો, કે કલીયાં બિછા દે...' (બૅન્ક મૅનેજર) કે 'ઝૂમખા ગીરા રે, બરેલી કે બાઝાર મેં' (મેરા સાયા) જેવા બે-ચાર તો બે-ચાર, ગીતો હિટ આપ્યા. આ ફિલ્મ 'પૉકેટમાર'માં મદન મોહને તો વળી ઉચ્ચ કક્ષાની બેવકૂફીઓ પણ નોંધાવી. એક તો એ જમાનો એવો હતો કે, ક્લબ કે કૅબરે-સાંગ્સ આવે ત્યારે ભલભલા સંગીતકારો લતા તો જાવા દિયો...આશા ભોંસલેને ય ન પકડે... એમાં તો એકલી ગીતા રૉય જ ચાલે ને છતાં મદને આ ફિલ્મમાં લતા પાસે કૅબરે-ગીતો બનાવ્યા. લતા આમ તો રોજ દાવો કરતી કે, કૅબરે ગીતો છિછરા હોય એટલે હું નહિ ગાઉં, ને તો ય અહીં ગાયા મદન મોહને ય કલ્યાણદૉજી-આણંદજી જેવું વૅસ્ટર્ન ગીતો બનાવવાના આવે એટલે એકાદી ગીઆટસાર વગાડી, બૉંગો-કૉંગો પછાડયા, સૅક્સોફોન મયડયું, પણ મહીંની ધૂન તો પાછી સાવ દેસી હોય. 'પૉકેટ માં૨'નું નામ પૂરતું એક ગીત ગીતા રૉય પાસે ગવડાવ્યું ને ત્યાં મદનને તો નહિ ખબર પડી હોય, પણ આપણને ફિલ્મ જોતા કે ગીત સાંભળતા ખ્યાલ આવી જાય કે, આવામાં તો એકલી ગીતા જ ચાલે !

તોતિંગ આઘાત તો ગીતકાર રાજિન્દર કિશને આપ્યો છે. એ આખા ગીતમાં તો જાવા દિયો, કોઇ એક ગીતની એક પંક્તિમાં ય એમના નામની શોભા વધારે, એવું ભાઇ કાંઇ ઉકાળી શક્યા નથી. 'જહાનઆરા' કે 'અદાલત'ના બેનમૂન ગીતો-ગઝલો લખનાર આ શાયરે જ 'રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ...' જેવા ખૂન્નસ ચઢાવે એવા હલકી ગીતો લખ્યા છે, એટલે 'પૉકેટમાર' જેવી તો અનેક ફિલ્મોમાં એમણે આવા જ કામો કર્યા છે.

રવૈલે અન્ય કોઇ રીતે ય ફિલ્મમાં ખાસ કશું ઉકાળી બતાવ્યું નહોતું.

ફિલ્મનો હીરો રોશન, દેવ આનંદ એક રોડ-સાઇડ ખિસ્સાકાતરૂ અને પત્તેબાજ છે. શહેરના ધનવાન બદમાશ રામાયણ તિવારી આવા જ ખિસ્સાકાતરૂઓની પોતાને ત્યાં ભરતી કરતો હોય છે. એની પ્રેમિકા નાદિરા આ દેવ આનંદના પ્રેમમાં પડે છે, પણ દેવ કોઇ ભાવ આપતો નથી. દરમ્યાનમાં ગામડે પોતાનું નાનકડું મકાન શાહુકાર (કુમુદ ત્રિપાઠી)ના હાથે નિલામ થતું અટકાવવા મોહન (મદન ભંડારી) તિવારીના ઘરમાંથી રૂ. ૩,૦૦૦/-ની ચોરી કરે છે ને એક ચિઠ્ઠી લખતો જાય છે કે, હું કોઇ પેશેવર ચોર નથી. મારૂં મકાન નિલામ થતું અટકાવવા આ ચોરી કરવી પડી છે, પણ વખત આવે તમારા રૂ. ૩,૦૦૦/- પાછા આપી દઇશ. દરમ્યાનમાં દેવ આનંદ આ જ મદન ભંડારીનું ખિસ્સું કાપતા, નિરાશ મદન આત્મહત્યા કરે છે, એનો પસ્તાવો દૂર કરવા દેવ આનંદ મદનના ગામ જાય છે, જ્યાં એની બુઢ્ઢી માં (પ્રતિમાદેવી) અને બહેન (ગીતાબાલી) દેવ આનંદને મદનનો દોસ્ત સમજીને આવકાર આપે છે. દેવ મકાન તો છોડાવી લે છે, પણ માં-દીકરીને જાણ કરતો નથી કે, તમારો દીકરો મારા પાપે મર્યો છે. એ મુંબઇ પાછો આવે છે ને તિવારી અને તેના ગુંડાઓ સાથે મારામારી કરે છે. દેવની પાછળ એને શોધવા ગીતા બાલી પણ મુંબઇ આવે છે. બન્નેનો ભેટો તો થાય છે, પણ આ બાજુ દેવ પોતાની મા (લલિતા પવાર)ને સાચું કહી દે છે કે, એણે જીંદગીભર લોકોના ખિસ્સાં કાપ્યા છે, એના આઘાતમાં લલિતા બારીમાંથી ઠેકડો મારીને આત્મહત્યા કરે છે. એને અગ્નિદાહ વખતે દેવ આનંદ હવે પછી આવી ગૂનાહિત જીંદગી છોડી દેવાની પ્રતિજ્ઞા કરે છે, એ સાંભળીને ગીતા બાલી દેવ આનંદના જીવનમાં પાછી આવે છે.

એ જમાનો ય કેવો લફરા-લફરીનો હતો ? દેવ આનંદ-સુરૈયા, દિલીપ કુમાર-મધુબાલા, રાજ કપૂર-નરગીસ, શમ્મી કપૂર-ગીતા બાલી, મીના કુમારી (૧, ૨, ૩, ૪,....ચોક્કસ આંકડો ખબર નથી !) ને છતાં ય આ લોકોના અંદરોંદરના ફિલ્મી વ્યવહારો ચાલે રાખતા. ગીતા બાલી તો સગા ભાઈની પત્ની થાય, છતાં રાજ-ગીતા બાલીએ 'બાવરે નૈન' જેવી ફિલ્મોમાં પ્રેમીઓ તરીકે ભૂમિકા નિભાવી હતી. શમ્મી કપૂર અને શશી કપૂર-બબિતા તો કાકાજીઓ-ભત્રીજા વહુ થયા ને ? મધુબાલા અશોક કુમારની શું સગી થતી, એ કહેવાની ક્યાં જરૂર છે ? પણ આ લોકો ય ગજબના પ્રોફેશનલ્સ હોય છે. પરદા ઉપર એમને પ્રેમ કરતા જોઇને ઘડીભર આપણે ય હલી જઇએ, પણ એક પ્રેમ અથવા સૅક્સથી ભરપૂર પ્રેમ-દ્રષ્ય સિનેમામાં બેઠેલા પ્રેક્ષકોને હચમચાવી મૂકે, પણ શૂટિંગ વખતે એ બન્ને જણાની ઇચ્છા હોય તો પણ સેક્સ ઓટોમેટિક દૂર થઇ જાય છે. આજુબાજુમાં અન્ય કલાકારો, લાઇટ અને સાઉન્ડવાળાઓ કે અન્ય કામદારોની હાજરીમાં જે તે દ્રષ્ય બિલકુલ ટેકનિકલી ભજવવાનું હોય છે, એટલે આપણે માનીએ છીએ એવા કામુક એ લોકો એ વખતે હોઇ શકતા નથી.

'પોકેટમાર'માં નાનાનાના કલાકારોનો કાફલો છે. કોમેડીયનો સુંદર અને ગોપ બન્ને સમય કરતા વહેલા વેડફાઇ ગયા. ગોપ તો ઓલમોસ્ટ હીરો તરીકે આવતો હતો. યાદ હોય તો, ''મેરે પિયા ગયે રંગીન, કિયા હૈ વહાં સે ટેલીફૂન..'' આ ગોપ ઉપર ફિલ્માયું હતું. સુંદર તક્યો તો છેલ્લે સુધી પણ ક્યારેય 'મસ્ટ' કોમેડિયનનો રોલ ન મળ્યો. કુમુદ ત્રિપાઠીએ વિલન બનવું કે કોમિક રોલ કરવા, એ નક્કી કરવામાં કાંઇ બની ન શક્યો. આ ફિલ્મમાં એ ગીતા બાલીનું મકાન નિલામ કરનાર શાહુકાર બને છે. ટુનટુન એકાદ દ્રષ્ય માટે આવે છે. ભગવાન સિન્હા એ જમાનાની દેવ આનંદની ક્રાઇમ ફિલ્મોમાં લગભગ હોય. આ ફિલ્મના પ્રારંભમાં પત્તાની ક્લબ-જુગારખાનામાં દેવ આનંદને ગુંડાઓ પાસે ટીચાવી નાંખીને બહાર ફેંકી દેનાર વિલન આ ભગવાન સિન્હા છે. રાજન કપૂર યા તો મુખ્ય વિલનના ફાલતુ ગુંડાના કે પછી ફાલતુ પોલીસ-ઇન્સ્પેક્ટરના રોલમાં હોય, તો ય '૬૦-ના દાયકામાં દારા સિંઘ સામે ઘણી ફિલ્મોમાં એ મુખ્ય વિલન તરીકે ય ચમક્યો હતો. રિડકુ એટલે પેલો વ્હેંતીયો. વ્યાજખાઉ શાહુકારના રોલમાં રણધીરની મોનોપોલી હતી, પણ અહીં એ ''બાહોશ''(?) ઇન્સ્પેક્ટરના રોલમાં છે. 'પાકીઝા'માં પાણીના નાનકડા હોજમાં છુટા વાળ ભીંજવીને સુતી મીનાકુમારી ઉપર સેક્સ્યુઅલ હુમલો કરવા અડધી રાત્રે કોઠામાં ઘુસી આવે છે, તે જગદિશ કંવલ અહીં સુધરી ગયો છે અને પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટના પાત્રમાં છે.

મને યાદ છે, હું નાનો હતો ત્યારે અમારી ખત્રી પોળની લગભગ સામે આવેલી મૉડેલ ટૉકીઝમાં એક વખત દેવ આનંદની ભૂલાઇ ગયેલી સાત ફિલ્મોનું એક આખું સપ્તાહ વપરાયું હતું. એ જમાનામાં ગમે તેવી ભંગાર ફિલ્મ પણ એક સપ્તાહ તો ચાલે જ, જ્યારે દેવ આનંદની લોકપ્રિયતા જોઇને મૉડેલ ટૉકીઝે દેવની સાત ફિલ્મો ફન્ટુશ, આરામ, કિનારે કિનારે, પૉકેટમાર, દુશ્મન, ફરાર અને સરહદ પ્રદર્શિત કરી હતી. એમાંની એકે ય ફિલ્મ ભીડ ભેગી કરી શક્યું નહોતું, એ જુદી વાત છે.

No comments: