Search This Blog

01/04/2015

કાશ... કોઈ ઘરાક આવે...!

શૉપિંગ મોલ્સમાં શૉપ લઈને બેઠેલા વેપારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઘરાકી સમજો ને, સાવ બંધ જ થઈ ગઈ છે. એમાં ય આવા ઉનાળામાં ગુજરાતીઓ ઘેર એસી ચાલુ કરવું ન પડે, એટલે ત્રણ-ચાર કલાક મૉલમાં આંટા મારી આવે છે. આખો મૉલ ફરવો ને એક ઘંટડી ય ખરીદવી નહિ, એને 'વિન્ડો-શોપિંગ' કહે છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, 'કસ્ટમર ઈઝ ઑલવેયઝ રાઈટ' એટલે કે ગ્રાહક જ હંમેશા સાચો હોય છે, એમ સમજીને વેપારીઓને ધંધો કરવાની શીખામણ આપી હતી. પણ બાપુને તો બોલવું છે. છેવટે એકાદો ઘરાક આવે તો એને સાચો માનીને ખિસ્સું ખાલી કરાવીએ, પણ આવવો તો જોઈએ ને? બિલ પુરું ચૂકવી જાય, પછી ઘરાક ભલે ને તદ્દન ખોટો હોય! અહીં તો મહિનાઓ થઈ ગયા, એક ગ્રાહક દેખાયે!

આમાં ઘરાક દેખાણો કે, 'બોલ મારી અમ્બે' કે 'જય જીનેન્દ્ર'ના ગગનભેદી નારાઓ સાથે દુકાનનો સ્ટાફ એની ઉપર તૂટી પડી શકતો નથી કે, ''હવે તું દુકાનની બહાર જઈને તો બતાય... કંઈક તો વકરો કરાવવો જ પડશે.'' અને ના માને તો શૉપની અંદર ગોડાઉનમાં લઈ જઈને ઘરાકને ઢીબી નાંખી શકાતો નથી. અરે, આવા એક ઘરાકે કાંઈ પણ લેવાની ના પાડી ને એને બાથરૂમમાં નાંખીને સ્ટાફે ઝૂડી કાઢ્યા પછી ખબર પડી કે, એ તો બિચારો ગૌશાળાનો ફાળો માંગવા આવ્યો હતો. આગળ જઈને સાલો કોઈ બબાલ ન કરે, એમાં ઉપરથી બે હજાર એને ને બે હજાર પોલીસને આપવા પડયા હતા. દુકાનની ચાર-પાંચ ચીજો તુટી એ જુદું. વકરો કરવા જતા નુકસાન વધારે થયું.

ગમે તેમ કહો, પણ ઘરાકો આવતા નથી. શૉપિંગ મોલ્સના તમામ દુકાનદારો સદીઓથી પ્રભુ શ્રીરામની રાહ જોઈને બેઠેલી શબરી એટલે કે શબરા જેવા થઈ ગયા છે. શબરી ય રોજ પોતાનું ઝૂપડું સાફ કરતી હતી. સજાવતી હતી. મંગળ ગીતો ગાતી હતી. આપણા સ્ટાફ લોકોમાંથી કોઈને ગીતો-બીતો આવડે નહિ, એટલે સ્ટાફને તો એમના ઘરે જઈને ગાવાની ય મનાઈ હતી. એ લોકોની આજુબાજુમાં રહેતા કોઈ સંભવિત ગ્રાહક આવતો હોય તો આપણી દુકાને આવવાનું માંડી વાળે પછી તો દુકાનમાં નવરા બેઠા બેઠા માલિકો ભગવતભક્તિ ઉપર જ ચઢી જાય ને? રોજ સવારે એક આંટો આવતા ઝાડુવાળાને ય કહે, ''કોઈ ભજન-બજન સંભળાય...!'' પેલો એ જ ઘડીની રાહ જોતો હોય ને માલિકનો હુકમ થયો કે તરત જ, 'રામાપીરનો હેલો' ભોંય પર બેસીને સંભળાવે, એમાં આવનારો ગ્રાહક એટલું જ સમજે કે, 'આ લોકોની દુકાનમાં કોઈ મરી ગયું લાગે છે...' એ બીજી દુકાને જતો રહે. બે-ચાર વાર ઘરાકને આવા હેલા સાંભળવા મળે, એમાં તો ઘરાક ગભરાઈ જાય કે, આમની શૉપ પર તો રોજ કોઈ મરતું લાગે છે...!

ભાવ પૂછીને જતા રહેતા ગ્રાહકોને તો ભગવાને ય માફ નહિ કરે. દેખાવ ઉપરથી તો લાગે, સાલા દસ-પંદર હજારનો વકરો કરાવશે. પણ રીક્વેસ્ટ કરીને કૂલરનું ઠંડું પાણી પીને જતા રહે. આમાં તો કૂલરો જ કઢાવી નાંખવા જોઈએ. હોય પાછા સારા ઘરના ને આપણને ધીરજ પણ બંધાય કે, ૨૦-૨૫ હજારની ખરીદી તો આ લોકોનો રસોઈયો ય કરતો હસે. એક એક ચીજ અડીને જુએ. વાઇફને બતાવે ને પછી બન્ને મોંઢા મચકોડે. ગલ્લે બેઠા બેઠા આપણને પહેલો વિચાર એ આવે કે, આ લોકો હૅર કટિંગ સુલનમાં ય આવા જ આંટા મારીને પાછા આવતા રહેતા હશે? આપણે એકલા શૉ-રૂમ પાછળ જ ૩૦-૪૦ લાખ ખર્ચીને મોંઘા ભાવની મિલોના શર્ટ-પૅન્ટ કે બ્લૅઝરના કાપડો રાખતા હોઈએ, ને આવડીનો આ, શૉપમાં કલાક આંટો મારી લીધા પછી છેલ્લે પૂછશે, ''...માદરપાટનું કાપડ રાખતા નથી?''

તારી ભલી થાય ચમના... છેલ્લે છેલ્લે તને બાંધીને લઈ જવાનો હોય તો માદરપાટે ય રાખીશું... અમારે ત્યાંથી ગ્રાહક પાછો ન જવો જોઈએ.

ધંધો હોય નહિ, એટલે અધમૂવા થઈ ગયા હોઈએ ને ફૅમિલી સાથે ક્લબ-બબમાં જઈએ, તો સાલા જે મળે એ એક જ વાત કરે, ''...તમારે તો જલસા છે બાપુ જલસા...! આવા ચિક્કાર શૉપિંગ-મૉલમાં શૉપ લઈને બેઠા છો... ધીરીયો કહેતો'તો કે, સેવંતીલાલ મહિને દહાડે ચાર-પાંચ ખોખા કમાય છે..! અમારી તો નાનકડી દુકાનમાં તમારા જેટલો ધંધો હોય કાંઈ...? રોજના ૪૦-૫૦ હજાર તો માંડ કમાઈએ... બાકી તમારે જલસા છે!''

રોજના ૪૦-૫૦ હજાર એને 'માંડ' લાગે છે, બોલો! એ ય પાછો આમ તો અમારાવાળો ને? કમાતો હશે રોજના બે-ચાર લાખ, પણ બહાર કહેવાના ૪૦-૫૦ હજાર...! કેમ જાણે આપણે શૂટ-પૅન્ટનો ધંધો છોડીને ખારી સિંગની લારી ેફેરવતા હોઈએ!

પ્રોબ્લેમ એ છે કે, એસી આખો દહાડો ચાલુ રાખવું પડે છે. આ ધંધામાં કયા મોટા લાટા લૂંટવાના હશે, એમ જાણીને આટલા મોટા શૉપિંગ મૉલમાં છોકરાએ આ શૉપ એસીવાળી લીધી. ઝગારા મારતી લાઈટો, વૉટર-કુલર, સ્ટાફનો પગાર... એ તો એની વાઈફને લઇને અમેરિકા ભેગો થઈ ગયો... હવે એસીના બિલો એનો બાપ ભરે! સાલા, આ દુનિયામાં તો છોકરા ય પેદા કરવા જેવા નથી. સુઉં કિયો છો? (આમાં તમે કાંય નો કે'તા..!)

ઘરાક ન આવતું હોય, એટલે ટાઈમો ય કેવી રીતે કાઢવા? દુકાને બેઠો બેઠો એકલો માણસ કરે શું? દુકાનમાં રાખેલા માણસને મફતનો પગાર આપીએ છીએ. માણસ બધી રીતે સારો પણ એ તો દુકાનનો નોકર. નવરા પડે એની સાથે 'વૉટ્સએપ'ના મેસેજો શેર થોડા કરાય છે? એમાં તો પાછા વૅજને બદલે નોન-વેજ જોક્સ બહુ આવે... આપણે એકલા એકલા હસી લેવું પડે! આ તો એક વાત થાય છે. એક બાજુ વગર ઘરાકીએ આપણા જીવો બળતા હોય, એમાં મઝા પડી જાય, એવા નૉન-વેજ જોકો ઉપર હસવું ય ક્યાંથી આવે...?

તો ય હસી લઈએ, મારા ભ'ઈ.. નહિ તો પેલા લોકો બીજા જૉક્સો ન મોકલાવે!

એમ તો બે મહિના પહેલા ઘરાકોને આકર્ષવા આપણે સ્કીમો ય કાઢી હતી. શૉપની બહાર બોર્ડ પણ મૂક્યું હતું કે, ''હમારે ત્યાંથી શર્ટ-પૅન્ટનું કાપડ લેનારને એક ટુવાલ ફ્રી.''

સાલા ટુવાલો બધા વેચાઈ ગયા... શર્ટ-પૅન્ટો ગોડાઉનમાં એમને એમ પડયા છે. લુચ્ચાઓ શર્ટ-પેન્ટને બદલે સીધો ટુવાલનો ભાવ જ પૂછતા ને આપણને એમ કે, ઘરાક આયું છે તો પાછું જવું ન જોઈએ.

કહે છે કે, શૉપિંગ-મૉલોમાં શૉપો લેનાર અમારા જેવા અત્યારે તો બધા ભરાઈ ગયા છે. અમારા કરતા ઑમલેટની લારીઓવાળા વધારે કમાય છે, પાપીઓ! અરે, બહારની ક્યાં માંડો છો? અમારી સામેનો હૅર કટિંગનો સલૂનવાળો રોજના દસ હજાર પાડે છે. ઘરાકના ગાલ ઉપર થપાથપ-થપાથપ હાથ પછાડીને ગાલ છોલી નાંખવામાં આટલી કમાણી?

યસ. નાના દીકરાએ મસ્ત ઉપાય બતાવ્યો છે કમાણી કરવાનો ને એમાં જ હવે તો ઝંપલાવવું છે. કહે છે કે, ''બાપા, આ બધા તાકા-ફાકા છોડો ને આ જ શૉપિંગ મૉલમાં એક મલ્ટિપ્લેક્સ થીયેટર શરૂ કરી દો... આપણે તો એમાં ખાલી સ્નૅક્સ-બાર જ ખોલવાનો. તઇણ રૂપિયાની પૉપ-કોર્નના બસો રૂપિયા લોકો ફાકડા ભરતા ભરતા આલે છે. કૉમ્બોને નામે સાથે એકાદી પૅપ્સી પીવડાઈ દો, સમોસા તો બબ્બે અઠવાડીયા સુધી હવાય નહિ... બાપને પૈસે લહેર કરતા આજકાલના 'વોટ્સઅપીયાઓ'ને પડી જ નથી. તમે બસ્સો પડાવો છો કે તઇણસો! સરકારે ફિલ્મો બનાવનારાઓને ટિકીટો ઑફિશીયલ બ્લેક કરવાની પરમીટ આલી દીધી છે... રોજના પચ્ચા હજાર એમાં મળશે.'

બસ. 'વેચવાની છે, શહેરના ભરચક શૉપિંગ મૉલની ધમધોકાર ચાલતી કાપડની દુકાન.'

સિક્સર
થૅન્ક ગૉડ, પાકિસ્તાનીઓ જેટલા ભારતના ક્રિકેટ રસિકો બેવકૂફ કે બેકદર નથી. વર્લ્ડ-કપની સેમીફાઈનલમાં ઈન્ડિયા હાર્યું તો ક્રિકેટના કોઈ જાણકારે દર વખતની જેમ આ વખતે બૂમો નથી પાડી, ''ધોનીને કાઢો...!''

No comments: