Search This Blog

12/06/2016

ઍનકાઉન્ટર : 12-06-2016

* ઉંમર થાય એમ પુરૂષોના માથે ટાલ પડવા માંડે છે, પણ સ્ત્રીઓના માથે કેમ પડતી નથી ?
- નહિ પડતી હોય... પણ માથામાં ખચાખચ તેલો નાંખેલી સ્ત્રીઓ કરતા ટાલવાળા પુરૂષો વધુ સુંદર લાગે છે.
(રમીલાબેન બી. મહિડા, આણંદ)

* હવે ઑટોગ્રાફનો જમાનો ગયો... સૅલ્ફીનો આવ્યો. સુઉં કિયો છો ?
- હા. હમણાં એક ફંકશન પછી એક ચાહકે મને પોતાનો મોબાઈલ આપીને કહ્યું, 'પ્લીઝ.... મારો સૅલ્ફી પાડી આપો ને !'
(જીતેન્દ્ર કેલા, મોરબી)

*  હું શિક્ષિત છું, છતાં મને નોકરી મળતી નથી. આને શું સીસ્ટમનો વાંક કહી શકાય?
- મેળવેલી ડીગ્રી મુજબની નોકરી સહુને જોઇતી હોય છે. એ મળે નહિ ત્યાં સુધી બીજી કોઇ નોકરી કેમ ન કરી શકાય ?
(પ્રતિક બકરાણીયા, વડોદરા)

* સમય કોઇની રાહ જોતો નથી, છતાં લોકો ઘડિયાળ કેમ પહેરે છે ?
- ટાવર બાંધીને નીકળવું ન ફાવે માટે.
 (ધવલ સોની, ગોધરા)

* સુગમ સંગીતના ગાયકો ગાતી વખતે હાથ ઊંચો નીચો કેમ કરે છે ?
- હાર્મોનિયમની આખી પેટી એમ ઊંચી-નીચી કરતા ના ફાવે માટે.
 (નયના માંકડ, ભુજ-કચ્છ)

* એક સાચા ભક્ત અને ભગવાન વચ્ચે કેટલું અંતર હોય છે ?
- આપણા બે વચ્ચે છે, એટલું પ્રભુ !
(વિનય પટેલ, પ્રેમપુર-હિંમતનગર)

* અમારી સોસાયટીમાં ૯૫-ટકા ગુજરાતીઓ છે. દશેરા, જન્માષ્ટમી કે નવરાત્રી ધૂમધામથી ઉજવાય છે, પણ ૨૬-જાન્યુ. કે ૧૫-ઑગસ્ટની નોંધ પણ લેવાતી નથી...
- તમે બાકીના ૫-ટકા રહીશોએ આ બંને રાષ્ટ્રીય તહેવારોએ એવા ગુજરાતીઓના ઘેરઘેર જઈને ભારતનો રાષ્ટ્રધ્વજ ભેટમાં આપવો.
(નરેન્દ્ર નિશર, મુંબઇ)

* તમે આવે એટલા બધા સવાલોના જવાબો આપો છો ?
- સૉરી, ના ! આ જમણા ખૂણામાં સહુને સમજાય એવી ગુજરાતી ભાષામાં બૉક્સ મૂક્યું છે છતાં, એમાંની સૂચનાઓ જે લોકો ધ્યાનમાં લેતા નથી, એમને અહીં સ્થાન મળતું નથી.
(કલ્પના દી. મહેતા, અમદાવાદ)

* સ્વિસ-બૅન્કમાં તમારા કેટલા રૂપિયા છે ?
- ...ત્યારે આ વિજય માલ્યો કોના રૂપિયા દબાવીને બેઠો છે ?
(મુસ્તુફા કુત્બુદ્દીન દાહોદવાલા, અમદાવાદ)

* રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે ?
- એમના મનમાં જે ઘુસી ગયું છે કે, પત્ની વગરના રહો, તો વડાપ્રધાન બની શકાય, એ બહાર નીકળશે, પછી ખબર પડે !
(કિશન આહિર, ઘંટીયા પ્રાચી-ગીરસોમનાથ)

* તમારી ૨૯ ફેબ્રૂઆરીની પાર્ટીમાં મારે ક્યાં અને કેટલા વાગે આવવાનું છે ?
- બસ... મારી જેમ તમે ય બીજા પોણા ચાર વર્ષ ખેંચી નાખો.
(જીતેન્દ્ર પંચોલી, અમદાવાદ)

* તમને ક્યારેય બગાસું ખાતા પતાસું મળ્યું છે ?
- કોઇના લગ્ન વિશે આમ ઉઘાડેછોગ ન પૂછાય !
(વિદુર પંડયા, ગાંધીનગર)

* દિલ અને દિમાગની લડાઇમાં કાયમ દિલ કેમ જીતી જાય છે ?
- દિમાગ સુધી લોહી પહોંચતું હોય, એ લોકોમાં ઊલટું હોય !
(શિવાંગ પંચાલ, પાટણ)

* ભારત કરતા પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ છે, છતાં કેટલાક કાશ્મિરી લોકો પાકિસ્તાન જવાની વાતો કેમ કરે છે ?
- આપણા સારા શાયર-લેખક જાવેદ અખ્તરે પાકિસ્તાનથી આવેલા પત્રકારનો ઉઘડો લઈ લેતા કહ્યું હતું કે, તમારા પાકિસ્તાન કરતા ભારતનો મુસલમાન વધુ સલામત અને સુખી છે.
(જગદીશ પટેલ, મેસાણ-ઈડર)

* બુલેટ-ટ્રેન વિશે શું માનો છો ?
- પ્લેનના ભાડાં કરતા ઝાઝો ફેર પડતો ન હોય તો શું કામ કોઇ ટ્રેનમાં જાય ?
(નાનુભાઈ બી. પટેલ, ચીખલી)

* પ્રભુ પાસે કોઈ એક વરદાન માંગવાનું હોય તો શું માંગો ?
- બસ કે, સરહદ પર જીવના જોખમે આપણા સહુનું રક્ષણ કરતા એકે ય ભારતીય સૈનિકને શહીદ થવા ન દઈશ.
(નિરવ ડી. મોઢ, પેથાપુર)

* તમે વધારે સુંદર છો કે તમારા પત્ની ?
- સાથે ન નીકળ્યા હોઇએ, ત્યારે જવાબ જુદો જુદો આવે છે.
(ચેતન ત્રિવેદી, અમદાવાદ)

* હું તમારો બેહદ ચાહક છું, પણ તમે ચાહકોને મળતા નથી. મને એક મોકો આપશો?
- એક મોકો જ આપવામાં આજે ૪૦-વર્ષથી ઢીલો પડી ગયો છું.
(ગૌરાંગ કાંકોટીયા, સુરત)

* તમે ૨૦-વર્ષની ઉંમરે ૬૦-વર્ષની દેવીઓને મિત્રો રાખતા હતા... હવે ૬૦-ની ઉંમરે કોને રાખશો ?
- લાચાર છું.. પેલી બધીઓ હજી હયાત છે !
  (હસમુખ પૂજારા, ધ્રાંગધ્રા)

No comments: