Search This Blog

05/06/2016

ઍનકાઉન્ટર : 05-06-2016

* લાયબ્રેરીમાં સામે બેઠેલો મગજનું દહીં કરતો હોય તો શું કરવું ?
- એના બૉડીની સાઈઝ જોઈને નિર્ણય લેવો.
(ભાવિન સાવલીયા, દુધાળા-પાલિતાણા)

* પ્રણય રૉય (ઍનડીટીવી) દર વર્ષે 'ધી ઇન્ડિયન ઑફ ધ યર'ના ઍવૉર્ડ ઘોષિત કરે છે, એમાં કયાંય સગાવાદ, રાજકારણ કે ધર્મ વચમાં આવતો નથી.
- તમારી લાગણી સાચી છે, પણ ઍવૉર્ડ પ્રણય રૉય એકલા નક્કી નથી કરતા !
(અખ્તર વહોરા, સરે-યુ.કે.)

* પાકિસ્તાનમાં કોઇ ઘુસી ન જાય, એટલે એ કોઇને વિસા આપતું નથી અને બીજાના દેશમાં ઘુસવા (આતંકવાદીઓ) માટે વિસા લેતું નથી. શું કરવું ?
- પૂરા 'મૅચ્યૉર્ડ કવિ અને શાયર હર્ષ બ્રહ્મભટ્ટનો શે'ર કાફી છે :
'દ્વાર સુંદર જોઇને ઇર્ષા ન કર,
એના દરવાજાની પાછળ ઘર નથી.'
(મૂકેશ ધકાણ, પાલઘર-મહારાષ્ટ્ર)

* લોકો તો દુઃખતી નસ દબાવે છે... તમે હસતી નસ દબાવો છો. કળા શીખવશો ?
- અત્યારે સ્માઇલ આપો તો... !
(રજનીકાંત ઘુંટલા, મુંબઈ)

* 'યૂ ટયુબ' પર આપનો ઈન્ટરવ્યુ જોયો. આપ કહો છો, એવા વૃધ્ધ તમે લાગતા નથી!
- કૅમેરાની કમાલ !
(પ્રકાશ સી. ટેલર, વાપી)

* આપણા વડાપ્રધાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ કેમ આપતા નથી ?
- એનો સમય આવશે, ત્યારે ખબર !
(દીપક પંડયા, બિલિમોરા)

* તમે બાયપાસ સર્જરી કરાવી, તે દરમ્યાન કે તે પછી તમારો એક પણ લેખ પડયો નથી કે આવી તબિયતમાં હ્યુમર જાળવી રાખવી, એ પણ એક સિધ્ધિ છે... સુઉં કિયો છો ?
- બીજાને ખુશ રાખતા પહેલા મારૂં ખુશ હોવું વધારે જરૂરી હતું.
(મનસ્વી વૈ. પટેલ, સુરત)

* 'બુધવારની બપોરે'માં તમે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતી ફિલ્મ 'ઍરલિફ્ટ' વિશે સુંદર લેખ લખ્યો. એ ગમ્યું.
- છાતી ગજગજ તો એટલે ફૂલે છે કે, ફિલ્મમાં ભારતનો તિરંગો દેખાતા જ ઑડિયન્સમાં અનેક પ્રેક્ષકોને આદરથી ઊભા થતા જોઈને આંખો ભરાઇ આવી હતી.
(હરિશ શાહ, વડોદરા)

* ફિલ્મ 'ઍરલિફ્ટ' વિશેના લેખમાં અમે સની મૅથ્યૂસનો ઉલ્લેખ કર્યો છે, તો પછી ફિલ્મમાં રણજીત કત્યાલ છે, એ કોણ ?
- એ પણ દેશ માટે કુર્બાન થવા તૈયાર મારા-તમારા જેવો એક ઇન્ડિયન જ હતો.
(રાજેશ રાજપુરા, કમ્પાલા-યુગાન્ડા)

* 'દીકરી ને ગાય, દોરે ત્યાં જાય', પણ 'દીકરો ને બળદ' માટે કેમ કશું કહેવાયું નથી?
- એ બંને ફાવે ત્યાં જાય !
(શ્રી પાનસુરીયા, સુરત)

* સમાચાર હતા કે, જાપાનમાં એક છોકરીને લઇ જવા ટ્રેન આવે છે.. તો આપણા દેશમાં?
- એ છોકરી અહીં આવે તો ખબર પડે !
(હેતુ ટેલર, હિમ્મતનગર)

* સ્વામી રામદેવ વિશે શું માનો છો ?
- એ એક જ ભગવા વસ્ત્રધારી સંત છે, જે ભારતમાતા  વિશે વાત કરે છે.
(ધિમંત ભાવસાર, બડોલી)

* આખો દિવસ બીજાની પંચાતમાં સમય કાઢનારાઓને શું કહેવાય ?
- અશોક દવે
(કોમલ વામજા, જેતપુર)

* 'રૅર પર્સનાલિટી'ની 'રૅર' આવતી બર્થ-ડૅટ માટે પ્લાનિંગ શું હતું ?
- એકે ય 'રૅર' ગિફટ ના આવી.
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* મારો ત્રણ વર્ષનો બાબો અત્યારથી મને દબડાવે છે. શું કારણ હશે ?
-મમ્મી પાસેથી છોકરૂં કાંઇક તો શીખે ને ?
(બ્રિજેશ એસ. પારેખ, મુંબઈ)

* તમારા 'ઍનકાઉન્ટર' કરતા તમારૂં 'ફિલ્મ ઇન્ડિયા' વધારે સારૂં આવે છે...!
- હા... આ જરા અઘરૂં પડતું હશે !
(અતુલ પોથીવાલા, અમદાવાદ)

* ઘરમાં પત્ની અને ઑફિસમાં સાહેબ... બંને સુખે જીવવા દેતા નથી. કોઇ ઉપાય ?
- સાહેબ બદલી શકાય !
(ભરત વાળંદ, વડોદરા)

* મોરના ઈંડા ચીતરવા ન પડે. ટ્વિન્કલ ખન્નાએ પુસ્તક લખ્યું... પંખો ચાલુ કરાવું?
- વાંચ્યા પછી કરાવો.
(ભરત આર. માળવી, વડોદરા)

* તમારી મનપસંદ હીરોઇન કોણ છે ?
- નિમ્રત કૌર
(દિલીપ સુથાર, દેવકાપડી-ભાભર)

* તમારી પહેલી પ્રેમિકા કોણ હતી ?
- એક છોકરી.
(શૈલેષ આહિર, બામણાસા-ગીર)

* મૂળ તો પરદેસીઓને તગેડી મૂકવા કૉંગ્રેસની સ્થાપના થયેલી. આજના કૉંગ્રેસીઓને એક પોતાની સર્વેસર્વા બનાવવા વિદેશી સ્ત્રી સિવાય કોઇ ભારતીય ન મળ્યો ?
- ઓહ... તમને ય એ લોકોના ટેસ્ટની ખબર પડી ગઇ...!
(કરસન ભક્ત, સાન ઍન્ટોનિયો-ટૅક્સાસ, અમેરિકા)

* તમને પૂછાયેલો આજ સુધીનો સૌથી અઘરો સવાલ કયો હતો ?
- 'ઍનકાઉન્ટર'ના આવતા અંકમાં આવવાનો છે.
(ધૈવત છાયા, જૂનાગઢ)

* તમે બાબા રામદેવની મૅગી ખાવાનું પસંદ કરો ખરા ?
- એમ કાંઇ કોઇની પાસે મંગાય છે ?
(કેલી ઠાકર, વડોદરા)

* વધતી મોંઘવારી નાથવાનો કોઇ ઉપાય... ?
- તાબડતોબ ઉપાય છે. દેશના અબજો નાગરિકોની જેમ માની લો કે, મોંઘવારી છે જ નહિ !
(જયરાજસિંહ જેઠવા, પોરબંદર)

* જામનગર જાઓ ત્યારે ભાભી માટે બાંધણીનો મૅમેન્ટો લાવો છો ?
- બાંધણીઓના જમાના ગયા... હવે એના માટે જીન્સ લેતો જઉં છું. (થાય નહિ, એટલે બીજીને આપી દેવાય !)
 (પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* શ્રેષ્ઠ અભિનેતા તરીકે તમે અક્ષયકુમાર, ઇરફાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીને ગણાવ્યા... અમારે કોને સમજવો ?
- કોઈપણ માપદંડથી ઇરફાન ખાન સર્વોત્તમ છે... એનો પહેલો નંબર આંચકી લઇ શકે, એવો નવાઝુદ્દીન છે.
(જે.ડી. મેહતા, રાજકોટ)

No comments: