Search This Blog

28/06/2016

ખાડીયા ૧૯૬૦નું

બરોબર ઇ.સ. ૧૯૬૦ની સાલ. ખાડીયા દેસાઇની પોળને નાકે રા.બ. રણછોડ ગર્લ્સ સ્કૂલ. પોળની બાજુમાં દ્વારકાદાસ પરમાનંદ ગુજરાતી શાળા અને પોળની બરોબર સામે મ્યુનિસિપાલિટી શાળા… છતાં આખી દેસાઇની પોળમાં કોઇને પણ ભણતર ચઢ્યું હોય, એના પુરાવા આજ સુધી નથી મળ્યા. તમે જોઇ શકો છો, આખી પોળે ભણતરને પોળની બહાર કાઢ્યું હતું.

હું એ મ્યુનિ. શાળામાં ત્રીજા ધોરણમાં ભણતો. અમારે ભદ્રિકાબેન નામના ટીચર હતા, જે બાળકોને ખૂબ પ્રેમ કરતા પણ ચંદુલાલ ત્રિવેદી નામના મોંઢે શીળીના ચાઠાવાળા બારેમાસ ગુસ્સાવાળા એક માસ્તર અંગત રીતે મને જરા ઉંચા લેવલનો પ્રેમ કરતા. કાળી ટોપી, સફેદ ઝભ્ભો અને ધોતીયું એમનો બારમાસી પહેરવેશ. આખા કલાસમાં પહેલી પાટલી પર, બરોબર એમના પગની નીચે મારે બેસવાનું. આ પાટલીઓ એટલે, લાકડાના છ-સાત ફૂટ લાંબા પાટીયાઓ. હું તો ત્યારે પણ કાંઇ હોંશિયાર-બોશિયાર ન હતો, પણ ચંદુલાલ માસ્તરના બન્ને પગના આંગળાઓની વચ્ચેની જગ્યાઓ ફૂગાઈ ગઈ હતી. એમાં મીઠી ચળ આવતી… (અમને નહિ… એમને!) માસ્તર એ આંગળાઓ ખણી આલવા મને બેસાડે. ચામડીના રોગોના ડૉક્ટરો (ડર્મેટોલોજીસ્ટ્સ)ની ભાષામાં એને  Cutaneuos Blastomycosis Interdigitalis કહેવાય. આ કોઈ વેસ્ટ ઇન્ડીઝના કાળીયા ક્રિકેટરનું નામ નથી, પગમાં થતા ફંગસનું દાક્તરી નામ છે.

મેં કબુલ તો કર્યું કે, ઇવન એ જમાનામાં ય, કલાસના બીજા છોકરાઓ જેટલી શાણપટ્ટી આપણામાં નહિ. એ લોકો ચંદુલાલ માસ્તરના હાથમાં ન આવે, પણ હું તો પગમાં ય આવી ગયો હતો. મારે એક હાથે એમનો અંગૂઠો ખેંચેલો રાખીને, સુથાર કરવત ઘસે, એમ મારી આંગળી એમના પગના આંગળાઓની ગપોલીઓમાં ઘસવાની. એમને ખૂબ મઝા પડતી… મોંઢું હસુહસુ થાય. ‘હજી ઘસ… હજી ઘસ…’ નામના એ ઝીણકા ઓર્ડરો આજે મને ૫૦-વર્ષ પછી ય યાદ છે. મને આદત પડી ગઈ હતી, એટલે રવિવારે રજાના દિવસે ઘરમાં વિના મૂલ્યે કોઈનો બી અંગૂઠો ઘસી આલતો.

પણ આ હાળું રોજનું થઈ ગયું એટલે ગમે તો નહિ ને ? અમારી સ્કુલની સામે આંબોળીયાની લારી લઈને ઊભો રહેતો ‘વાડીયો’ (વાડીલાલ) કાચની બરણીમાં કાચી કેરીના કટકા વેચતો, એની ઉપર મીઠું ભભરાવવાનું. તરત બચકું નહિ ભરી લેવાનું. ખાસ તો કોઈ જોતું હોય ત્યારે મીઠામાં બોળેલા કટકાને જીભ ઉપર અડાડવાનો… એમાં જોનારો આખા શરીરે મરડાઈ-તરડાઈ જાય. બહુ ગીન્નાય… એનાં મોડામાં પાણી આવે પણ કેરીનો કટકો આપણી જીભ ઉપર હોય એ એનાથી ન રહેવાય, ન સહેવાય. વનિતા-વિશ્રામ ગર્લ્સ સ્કૂલની બહાર બરફના ગોળાવાળો હીરાલાલ નામનો એક સિંધી ઊભો રહેતો, જેને ઇવન આજે ય લોકો ભૂલ્યા નહિ હોય. શાકવાળો ‘‘છન્નુ ભૈયો’’ આખી ખાડીયાની માતા અને બહેનોમાં લોકપ્રિય, કારણ કે ગમે તેટલું ઓછું શાક લો, કોથમીર-મરચા ને લીમડો એ મફતમાં આલતો. એક પૈસો લીધા વગર બાળકોની સેવા કરવામાં ગોટીની શેરીના ડૉ. દુધીયા સાહેબ આજે પણ આખી દુનીયામાં મશહૂર. ખાડીયા આખામાં નવલ નામનો એક ‘લાકડા-ચોર’ મશહૂર થઈ ગયેલો… એક પણ લાકડું ચોર્યા વગર! ગાંડો થઈ જવાને કારણે, એ જ્યાંથી નીકળે, ત્યાં છોકરાઓ બૂમ પાડે, ‘‘લાકડા-ચોર…’’ ક્યારેક નવલ ખીજાય ને ક્યારેક હાથ જોડીને ઇવન બાળકોને આજીજી કરે, ‘‘બે, નથી ચોર્યા… જાને !’’… (આ ‘બે’ શબ્દ માત્ર અને માત્ર ખાડીયામાં શોધાયેલો અને ગુજરાતભરમાં વપરાયેલો. એ શેના ઉપરથી ઉતરી આવેલો, તે કોઈ નથી જાણતું, પણ ખાડીયામાં એકબીજાને દાદુ, ગુરૂ, પાર્ટી, બોસ, લેંચુ, અને હીરોની માફક આમ ‘બે’ કહીને બોલાવાતો.) છોકરી સુંદર હોય તો એને માટે ‘કબાટ’ બરોબર હોય, પણ હેન્ડલ બરોબર ન હોય, તો કમાવવાનું શું ? આ તો એક વાત થાય છે… !

વાડીયાની લારીમાં બઘું મળે. ચૂરણ, ખાટાં/ખારા અને તીખા આંબોળીયા (જે આજે પણ મારો સૌથી મનપસંદ ટેસ્ટ છે.), કોઠું, હળદર ચોપડેલા ખારા આંબળા, આંબલી, કાતરા… રીસેસમાં આ બઘું ખાવામાં જલસા પડી જતા.

મતલબ, આમાંની મોટા ભાગની આઈટમો મીઠામાં ઝબોળેલી હતી અને રોજના ઘરાક હોવાને કારણે મારા આંગળા પણ મીઠામાં ઝબોળેલા રહેતા… ! ફિર ક્યા… ? એ જ આંગળા ચંદુલાલ માસ્તરના ચીરાં પડેલા ફૂગાઈ ગયેલા આંગળાઓ વચ્ચે ઘસું, એમાં તો બાજુમાં આવેલી આખી અમૃતલાલની પોળ સાંભળે એવી રાડો માસ્તરના ગળામાંથી નીકળે જ રાખે… નીકળે જ રાખે… ! મને મારી આ સિદ્ધિ અંગે કાંઈ ખબર નહિ, પણ દરેક રાડારાડ પછી માસ્તર મને બધાની વચ્ચે ફટકારતા, એ દરમ્યાન પણ દુઃખ સહન ન થવાને કારણે એમનું બન્ને પગ ઉલાળવાનું ચાલુ રહેતું. મફતમાં ખણાવવાનું મળતું હોય તો એમાં ય કાર્ય સંપન્ન કરાવ્યાનો પૂરો સંતોષ.

એ જમાનામાં હોશિયાર કે ડોબા છોકરાઓ જેવા કોઈ ભેદભાવો નહોતા. બધાને પાસ કરી દેવાતા, એટલે હું ચોથા ધોરણમાં આવ્યો. અમારા ખાડીયાની જેઠાભાઈની પોળમાં ઊન્નતિ બાલમંદિર નવું નવું શરૂ થતું હતું. અમે બાજુની ખત્રી પોળમાં રહીએ એટલે જરી નજીક પડે, એ હેતુથી મને ઊન્નતિમાં મૂકવામાં આવ્યો. બાલમંદિર નવું નવું હતું એટલે ત્રીજા ધોરણમાં તો સારી સંખ્યા હતી, પણ ધો. ૪-માં અમે ફક્ત ચાર જ બાળકો. રાજુલ, હેમાંગ, અન્નપૂર્ણા અને હું. (જીવતરમાં પહેલી વાર હું ચોથા નંબરે પાસ થયો હતો, એ આ પહેલી અને છેલ્લી વાર… !) પરિણામે, એક રૂમમાં એક બ્લેક-બોર્ડની વચ્ચે ચોકનો લીટો પાડીને માસ્તર બે ભાગ કરતા. ડાબી બાજુ ધો. ૩ અને જમણી બાજુ ધો. ૪. અમને ભણાવવા આવતા માસ્તર બાજુના કલાસવાળા ‘બેન’ સાથે રોજ ઘર-ઘર રમતા. ઉન્નતિની બરોબર સામે રહેતો તોફાની લાલીયો (દીપક) પોતાની અગાસીમાંથી છાનોમાનો આ બધો ખેલ જોયે રાખે. આ બધી પાયાની તાલીમને કારણે… કહે છે કે, લાલીયાના મેરેજ તો બહુ જલ્દી થઈ ગયેલા ને અમે લોકો હજી સ્કૂલમાં હતા, ત્યારે એના બાળકોને રમાડવા જતા. લાલીયાના લગ્ન અમારા બાલમંદિરની પેલી માસ્તરાણી સાથે નહોતા થયા… ! લાલીયો તો, કહે છે… કોક સારી જગ્યાએ પરણ્યો હતો. પાંચમા ધોરણમાં મને સારંગપુર દોલતખાનાની ‘કાલીદાસ દવે વિનય મંદિર’માં એટલા માટે મુકવામાં આવ્યો કે, એના માલિકો અમારી જ્ઞાતિના હતા… તે કાલ ઉઠીને છોકરો પાસ તો કરી આલે… ! અમારૂં ગણિત અરવિંદભાઈ લેતા. બાળકોએ ગણિત શીખવું જ જોઈએ, એવું એ બહુ માનતા. એમની આ માન્યતા સામે આખી કલાસમાં મારો એકલાનો વિરોધ. સિઘ્ધાંતોની આ લડાઈમાં વર્ષની આખરે રીઝલ્ટ્સ આવે ત્યારે સત્યનો એટલે કે સ્કૂલનો વિજય થતો. મને તો સાલાઓ અક્ષરના માકર્સ પણ ન આપતા. ત્યાં ૩-૪ શુકલ સાહેબો હતા. બધા એકબીજાના ભાઈઓ અને ફિલ્મના હીરો જેવી પર્સનાલિટી હોવાને કારણે અમને બધાને બહુ ગમતા. પણ ઘરથી દૂર પડતી એ સ્કૂલને ત્યજીને ફરી એકવાર હું દેસાઈની પોળમાં આવેલી સાધના હાઈસ્કૂલના ધો. ૬માં જોડાયો.

આ જરા જોઈ લેજો. મહાપુરૂષો જીવનકથા લખતા હોય, ત્યારે આ ‘‘જોડાયો’’ શબ્દ બહુ વપરાવાનો. ‘‘… ૪૨-ની ‘ભારત છોડો’ ચળવળમાં હું જોડાયો, એ પછી મીઠાના સત્યાગ્રહમાં જોડાયો. ’૬૦-ના દાયકામાં પં.નેહરૂની કોંગ્રેસમાં જોડાયો, પણ નૈતિકતા ખાતર મેં કોંગ્રેસ છોડી જનસંઘમાં જોડાયો…’’ હજી એ જીવતા હોય ત્યાં સુધીમાં તો તેઓશ્રી ભાજપ અને કોંગ્રેસથી માંડીને નદીકાંઠા ધોબીઘાટ મંડળમાં પણ જોડાયા હોવાના ફોટા એમના ઘરની ભીંતો પર લટકતા હોય.

દેસાઈની પોળને ભણતર નહોતું ચઢ્યું, એ વાતને સમર્થન આપે એવું એક જ વર્ષમાં બની ગયું. જે સારંગપુર હું છોડીને આવ્યો હતો, ત્યાં જ તળીયાની પોળમાં સાધના હાઈસ્કૂલ ખસેડાઈ. ભૂગોળ બદલાવાથી ભણતર બદલાશે, એ માન્યતા ખોટી પડી. ડોબા તરીકેની મારી છાપ ભૂંસાઈ નહિ. આ સ્કૂલના માસ્ટરો પશાકાકા, કેશુભાઈ, અંબુભાઈ, સૂર્યકાંતભાઈ, રાજાસુબા, નીમુબેન ગ્લોરીયાબેન, સુધાબેન, મહેન્દ્રભાઈ, પ્રહલાદભાઈ, ભગુભાઈ અને પ્રિન્સિપાલ રતિભાઈ… આ સહુએ ભેગા મળીને સમગ્ર દેશને ઉત્તમ વિદ્યાર્થીઓ ભેટ આપવા ઘણી મેહનતો કરી.

અમારી ’૬૮-ની એસ.એસ.સી. બેચના પરિણામો આવ્યા ત્યારે નાપાસ તો કોઈ નહોતું થયું… પણ દેશ તો ઠીક, પોતપોતાની પોળનું ય નામ રોશન થાય એવું તો આજ સુધી કોઈ ન ભણ્યું… છોકરીઓમાં મૈનાક, પન્ના, હર્મ્યા, મીના, જાગૃતિ, સ્મિતા, મૃદુલા, મીરાં, મિત્રા, રીતા અને ભૈરવી તો છોકરાઓમાં જતીન, દીપક, રાજેશ, મહેશ, સુનિલ, મૂકેશ, રજનીકાંત, પ્રવીણ-ખમણ, તુષાર, કિરીટ, રમેશ, નિલેષ, દિલીપ… બધા આગળ જતાં મોટું નામ અને ખૂબ પૈસા કમાયા…

કહે છે કે, એમાંના એક વિદ્યાર્થીએ તો આગળ જઈને જોક્સવેડાં જેવા હાસ્યલેખો લખી લખીને ગુજરાતીના ટીચરજીઓનું નામ બોળ્યું… ન પૈસા કમાઈ શક્યો… ન નામ!

સિક્સર
હમણાં એક લેખકની બાજુમાં સોફા પર બેસતા બેસતા મારાથી ‘‘હે ભગવાન…’’ બોલી જવાયું. લેખકે મારી સામે જોયું. મેં કીઘું, ‘‘આવું સાલું ઘણાં સમયથી થાય છે… હું જ્યારે જ્યારે ‘‘હે ભગવાન…’’ બોલું છું, તો મારા શરીરમાં ક્યાંકથી ‘‘હાં, બોલ…’’ એવો ઘ્વનિ આવે જ છે, બોલો !’’

No comments: