Search This Blog

22/06/2016

બોટલ શૅમ્પેઇનની

તાબડતોબ ઘરે પહોંચવાનો ફોન આવ્યો. ઝડપથી બોલાયેલો એટલો જ સંદેશો હતો કેવાઈફને કંઇક થઇ ગયું છે. હું થોડો ખુશ થઇને ચમક્યો. 'ઓહ નો... આ ઉંમરે... ?' આપણે તો હંમેશા શુભશુભ જ વિચારીએ ને હું હિંદી ફિલ્મના હીરોની જેમ ભીંતના ટેકે કપાળ ઉપર હાથ મૂકીને, '... નહિઇઇઇ.... યે નહિ હો સક્તા... !એવી ચીસ થોડી પાડી શકવાનો હતો કોઈ જુએ તો ય કેવું ખરાબ લાગે અને આમાં તો બા પહેલા ખીજાય... !

પણ એવા કોઈ ખુશખબર નહોતા.

ઘેર પહોંચ્યો તો ચીસાચીસ ને રાડારાડું ઠેઠ ગ્રાઉન્ડ-ફ્લોર પર સંભળાતી હતી. ઉપર જઇને અધ્ધર શ્વાસે જોયું તોઆખો દિવસ રથ ખેંચીને રથયાત્રાનો ગજરાજ ખૂણામાં શ્વાસભેર પડયો હોયએમ વાઈફ સોફા ઉપર હાંફતી આડી પડી હતી. માત્ર પડી નહોતી રહીત્યાંને ત્યાં એટલા જ વર્તુળમાં વેદનાથી અધગોળ-અધગોળ ઘુમે રાખતી હતી. એની આંગળી બૉટલમાં ભરાઈ ગઈ હતીતે નીકળતી નહોતી એની આ બધી બૂમાબૂમ હતી ! ઘર આખુંપ્લસ પડોસીઓ ભેગા થઇ ગયેલા. દર્દ બહુ થતું હશેએટલે એ ભીંત ફાડી નાંખેએવા દેકારા બોલાવતી હતી. મને જોઇને ચીસોનું પ્રમાણ અને બુલંદી વધી, 'અસોક... હું તો મરી ગઈ રે... આ જુવો... ઓય માંબચાવો !'

મદદ માટે એ એની માં ને બોલાવતી હતી કે મનેએ તાત્કાલિક તો નક્કી કરી ન શક્યો કારણ કેબીજાના કામમાં માથું મારવાની આપણને આદત નહિ. ભલે ખુશીથી એની માં આંગળી કાઢી આપેપણ સાચો પુરૂષ એને કહેવાય જે આવે સમયે બીજું બધું ભૂલીને તાત્કાલિક મદદમાં આવે. મેં તરત મારી સાસુને ફોન કર્યો. અલબત્તએવા ટેન્શનમાં ઝટ યાદ પણ ન આવ્યું કેએને તો ગુજરી ગયે છ વર્ષ થયા છે... ! (અમારામાં સાસુઓ બહુ મોડી મરે... !!)

મેં પૂછ્યું, 'આ કેવી રીતે થયું ?'

'અસોક... ભાઈએ લનડનથી તમારા હાટું ચમ્પાગ્નેની બૉટલ મોકલાવી હતીતે મેં 'કુ... લાવખોલી દઉં-''

'ચમ્પાગ્ને...એ વળી શું ?'

'અરેઓલું બાટલો હલાવી હલાવીને જોરથી ફુવારા ઊડાડીને ચારે કોર નથી છાંટતા... ઇ બૉટલ-'

'ઓહયૂ મીનશૅમ્પેઇન... ?' ઇંગ્લિશમાં સ્પેલિંગ મુજબ, 'ચમ્પાગ્નેવંચાયએટલે એ ભોળીનો વાંકે ય નહતો. (સ્પેલિંગમાં ભલે Cognac 'કોગ્નેકવંચાતું હોયફ્રાન્સની બહુ ઊંચી ક્વૉલિટી અને બહુ મોંઘી બ્રાન્ડીનો ઉચ્ચાર 'કોન્યેકથાય છે.) વાંક એટલો જરૂર હતો કેમારી રાહ જોયા વિના એ ચમ્પાગ્ને-આઈ મીનશેમ્પેઇનની બૉટલ ખોલવા ગઇ... બધું ઊડાડી તો માર્યું પણ ઊભરો મોટો આવ્યોએ દાબવા બૉટલના મોંઢામાં પોતાની આંગળી નાંખી કે જેટલું બચ્યું એટલું સાચું ! અમારા પરિવારનો એ પહેલો સિધ્ધાંત છે કેજીવ નહિ તો આંગળી ભલે નાંખી દઇએપણ કાંઈ પણ ઢોળાવું ન જોઇએદુધની કોથળી ફાડતી વખતે અમને જોવા જેવા છે... એક ટીપું ય બહાર ન પડેબૉસ ! આખી કોથળી પડી જાય એનો વાંધો નહિ !

'અસોક... જોઇ સુઉં રિયા છો... મારી આંગળી કાઢો... બવ દુઃખે છે... ઓય મા રે !'

ઘટના ગંભીર હતી. પડોસીઓ બધા મારી સામે એ રીતે જોતા હતા કેકેવો જલ્લાદ ગોરધન છે કેવાઇફની આંગળી ભરાઇ ગઇ છેતો ય નથી બૉટલ કાપતો નથીઆંગળી કાપતો ! મને તો બૉટલમાંથી આંગળીઓ કાઢવાનો રોજનો અનુભવ હશેએવા અહોભાવથી મને જોનારા ય ઉભા હતા. આ બાજુ મને ચિંતા એ પણ ખરી કેઆંગળી તો ભલે એકાદ-બે દહાડામાં નીકળી ય જશે. પણ મોંઘા ભાવની શૅમ્પેઇનની બૉટલ રોજ રોજ તો કોણ લંડનથી મોકલાવે વળીઆંગળી કાઢવામાં જેટલું રિસ્ક હતું એટલું નહિ કાઢવામાં નહોતું. કાઢવા જતા ક્યાંક કાચ બાચ ફૂટી જાય કે આપણને ય વાગી-બાગી જાય એ તો ન પોસાય ને છતાંહું એક સારો પતિ છુંએટલે બૉટલવાળો હાથ મારા હાથમાં લઇને જોયું તો મહીં ફસાયેલી આંગળી ડટ્ટા જેવી ફૂલી ગઇ હતી. આ કોઈ મનુષ્યની આંગળી લાગતી જ નહોતી સહાનુભૂતિપૂર્વક મેં એની ઉપર ફૂંક મારી તો એ ખીજાણી. 'ફૂંયકું અંદર થોડી જાવાની છેતી ઘેલા કાઢો છો... ઓય વૉય... આમ ખેંચોમા ! બવ દુઃખે છે... !'

એને થતી વેદના હું સમજી શક્તો હતોપણ શૅ'ર કરી શક્તો નહતોએનું મને દુઃખ હતું. શાસ્ત્રોમાં લખ્યું છે કેપતિ-પત્નીએ સુખદુઃખના સરખા ભાગીદાર થવું જોઇએ. પણ શાસ્ત્રોમાં એ નહોતું લખ્યું કેજસ્ટ બીકૉઝ... એના દુઃખમાં ભાગ પડાવવા મારે એવી બીજી બૉટલમાં આંગળી નાંખી દેવી ! દુઃખ વધારવાનું ન હોય. ઘણીવાર તો આપણા શાસ્ત્રો ય હાવ ફેંકતા હોય છે... !

હું ઉપાય શોધવામાં ઘાંઘો થઇ ગયો કેઆંગળી બહાર કેમ કાઢવી એક વિચાર તો એવો ય આવ્યો કેબૉટલને નીચેથી ભમ્મ દઇને પછાડીને તોડી નાંખવી અને પછી બાકીનો ભાગ વૈજ્ઞાનિક ઢબે બહાર કાઢવો. આ બાજુપળેપળે એનો દુખાવો વધતો જતો હતોતો બીજી બાજુ હસવું ય આવે રાખે અને ત્રીજી બાજુ દુઃખ પણ થાય કેબિચારીને કેવો દુખાવો થતો હશે ! (ચોથી બાજુપસ્તાવો ય થતો હતો કેહવે એનો ભાઈ શૅમ્પેઇનની બૉટલ ક્યારે મોકલશે ! આ તો ભાઈ... વખત વખતના વાજાં છે ! બાકી તો એનો ભાઈ કપાળે ચોપડવાના બામની શીશી ય મોકલતો નથી. આ વખતે વળી એના રૂદીયામાં રામ વસ્યા ને ચમ્પાગ્ને-સૉરી. શૅમ્પેઇનની બૉટલ મોકલાવી... એ ય એની બેને ફોડી નાંખી !)

બૉટલમાં ફસાયેલી આંગળી બહાર કાઢવાના ઉપાયો જોવા માટે મેં ઇન્ટરનેટ પર યૂ-ટયૂબ જોયું. એક અછડતો ઉપાય દેખાણો કેબૉટલના ગળા નીચે મીણબત્તી સળગાવી તપાવવી અને પછી વૉશ-બૅસિનના નળ નીચે ધાર કરવી. ફટ્ટ દઇને એટલો ભાગ છૂટો પડી જશે. પણ એમાં એવું નહોતું બતાવ્યું કેઆંગળી છુટી પડશે કે નહિ ! ભગવદ-ગીતામાં શ્રીકૃષ્ણે કીધું છે કે... નાસૉરીબૉટલમાં ભરાયેલી આંગળી બહાર કાઢવા માટે તો એમણે ય કાંઈ કીધું નથી.

'એક કામ કરોઅશોકભાઈ... બેનની આંગળી ઉપર ધીમે ધીમે તેલ રેડો. રેડતા રેડતા બૉટલ ગોળ ગોળ ફેરવતા રહેવાનું. ચામડી લિસ્સી થશેએટલે ઢીલી પડીને નીકળી જશે... ! ન્યૂટને ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધ્યા પછીની આ સૌથી મોટી બીજા નંબરની શોધ હતીપણ આ શોધ ન્યૂટને નહોતી કરીએટલે તેલ રેડયું. એ બધું આંગળીની આજુબાજુમાંથી સરકી ગયું. દેખાવમાં સાયકલ-મીકેનિક જેવા લાગતા આયુર્વેદના એક શોખિન પડોશીએ કહ્યું, 'બૂનને રોજ હવારે નયણા કોઠે ગંઠોડા નાંખેલું દૂધ પીવડાવો. એ પીધા પછી કાળી જીરી અને સફેદ તલનો ફાકડો મરાવો... અઠવાડીયામોં ઓંગરી નેકરે નહિતો આપડું નોમ બદલી નાંખજો.કોઈ અન્ડરવર્લ્ડનો કેસ પતાવવાનો હોયએમ બાજુવાળાના યુવાન પુત્રે કહ્યું, 'આન્કલ... શીશીના મોંઢા ઉપર હળવે હળવે હથોડી મારી તોડી નાંખો. ધીમે ધીમે મારશો તો આંગળીમાં કાચ નહિ ઘુસે... બે મિનિટનું કામ છે...ઓ ભાઇઓમારે છુટાછેડા લેવાના હશેદસના છુટા નહિ એમ સમજીનેકદાચ આવી સલાહો અપાઇ હશે !

વાત વધતી જતી હતી. આંગળી જલ્દી નીકળે નહિ તો બહાર જવામાં ય તકલીફ. આમને આમ તો બૉટલ સાથે કેટલા દિફરે રાખવું એક સારા હસબન્ડ તરીકે મારી છાપ પણ બગડે જતી હતી... બીજી વાર પોતાની છોકરી મારી સાથે પરણાવતા કોઈ વિચાર કરે ! આપણે તો સમાજમાં મોઢું બતાવવા જેવું ન રહે. આ તો એક વાત થાય છે !

અંતેતો જેનો પ્રારંભ સારોએનો અંતે ય સારો. ભલે ચાર-પાંચ કલાક થયા ને મન ભરીને એણે રડી પણ લીધુંપણ ધીમે ધીમે સોજો ઉતરી ગયોએમ આંગળી આસાનીથી બહાર આવી ગઈ. પરમેશ્વરે મારી પ્રાર્થના સાંભળી લીધી... એના ભાઈએ તાત્કાલિક શૅમ્પેઇનની બીજી બૉટલ મોકલી આપી...

આજકાલ આવા સાળાઓ ક્યાં થાય છે... ! આ ચમ્પાગ્ને-આઈ મીનશૅમ્પેઇન તો પીવાઈ પણ ગઈ... હવે તોબીજી વાર એની આંગળી ભરાય ત્યારે વાત... !

સિક્સર
સૅલ્ફી-સ્ટિક તો જૂની થઇ ગઈ... કહે છે કેહવે તો પગ લંબાવીને પકડીને સેલ્ફી લેવાયએવા મોબાઇલ ફોનો માર્કેટમાં આવી રહ્યા છે. જો કેબીજો કોઈ આપણો સેલ્ફી લઇ આપેએવા ફોનોને માર્કેટમાં આવતા વાર લાગશે.

No comments: