Search This Blog

08/06/2016

...ઔર ચાબી ખો જાય!

મસ્તુભ'ઇને આજે કાનમાં ડિસમીસની માફક ટચલી આંગળી ઘુમાવીને ચલાવી લેવું પડયું. રોજ તો આદત મુજબ એ હિંચકે બેઠા બેઠા ઘરની ચાવી કાનમાં ફેરવતા, કાન ખોલવા માટે નહિ... ખોતરવા માટે. હલ્લુ-હલ્લુ મજા પડતી રહે, એવી એક મીઠડી આદત પડી ગઈ હતી, જીવનક્રમ થઈ ગયો હતો. મુલાયમ ગલીપચીઓ થતી રહે. એ કૃષ્ણના કાનમાં રાધા મોરપિચ્છ ફેરવતી હોય એવું સુંદર લાગે. આદતની વાત છે એટલે તમે દલિલ ન કરી શકો કે, એમાં શું? ખોતરવા માટે ચાવી નહિ તો બીજો ગમે તે પદાર્થ કેમ ન ચાલે? પણ આ એક પર્સનલ પ્રોબ્લેમ હતો, એટલે, એને માટે ટીવી પર ચર્ચાસભાઓ ન રાખી શકાય!

આજે દિવસ જ અશુભ ઊગ્યો હતો કે, કાન તો ત્યાંનો ત્યાં હતો, પણ ચાવી મળતી નહોતી. મસ્તુભ'ઇ ઘાંઘા થઈ ગયા. ઘરમાં દોડાદોડ કરી મૂકી. ગાદલાં-ગોદડાંથી માંડીને ટેબલ-ખુરશીઓ ઊંધાચત્તા કરી જોયા. આખા ફેમિલીએ ચાવી શોધવા માટે શું શું નહોતું શોધ્યું...! એટલે સુધી કે, જે ચાવીનું તાળું હતું. એ ય તોડી જોયું કે, ભૂલમાં મહીં તો રહી ગઈ નથી ને! પરેસાન બધા હતા કે, આમ મસ્તુભ'ઇની ચાવી રોજેરોજ ખોવાઈ જાય, એ ના પોસાય! ઠીક છે, મહિને-બે મહિને ચાવી તો શું, ખુદ મસ્તુભ'ઇ ખોવાઈ જાય, એ પોસાય, પણ આ તો રોજનું થયું. એમની ચાવી ખોવાઈ ન હોય એવો એક દિવસ તો ઊગવો જોઈએ ને! આ તો સારું હતું કે, મસ્તુભ'ઇ ઘરવાળાઓ પાસે રોજ ચાવી જ શોધવાતા હતા, કાન ખંજવાળી આપવાનું નહોતા કહેતા, પણ ફફડાટ તો રહે ને કે, આમને આમ ચાવી ખોવાતી રહેશે તો કાલે એવી નૌબતે ય આવશે! એક તબક્કે તો છાપામાં ટચુકડી જા.ખ. આપવાનું ય વિચારી જોવાયું (કાન ખોતરવા માટે નહિ... ચાવી શોધી આપવા માટે!) ''પપ્પા... તમે ક્યાં મુકી'તી... કશું યાદ આવતું નથી?'' પુત્રએ પૂછી જોયું

''જરા જોઇ તો જુઓ... કાનમાં જ રહી ગઈ નથી ને?'' એની વાઇફે મશ્કરીમાં ચકાસણી કરી.

મસ્તુભ'ઇ ખીજાયા. ''આ શું ગાડા જેવા સવાલો પૂછો છો..! કાનમાં ચાવીઓ રહી જતી હશે? અરીસો આડો રાખીને કાનનો તો મેં ખૂણેખૂણો તપાસ્યો હતો... ત્યાં ય ચાવી નહોતી!'' મસ્તુભ'ઇએ બચાવમાં કહ્યું. ''તારી બા દવાની ગોળીઓને બદલે ચાવી તો ગળી ગઈ નથી ને, એ પૂછો પહેલા!''

પછી તો અડોસપડોસમાં ઘણાના ઘર ખોલાવ્યા, એમની ચાવીઓથી એમના તાળા ખોલી જોયા અને શ્રધ્ધા બેઠી કે, પૉસિબલ છે, ભૂલમાં કોઇ આપણી ચાવી પોતાની સમજીને લઈ ગયું હોય ને આપણાવાળીથી એમનું તાળું ખૂલી ગયું હોય તો ચાવીના માલિકીહક્ક વિશે એમને ય શંકા ગઈ ન હોય!

ચાવી ન મળે એનો વાંધો નહિ, પણ વગર ચાવીએ કાન ખોતરવો શેનાથી? ઈમરજન્સી હથિયાર તરીકે ટચલી આંગળી ભલે વાપરીએ, પણ એ ય રોજેરોજ તો ન વપરાય ને! આમ પાછા એ ચોખલીયા બહુ. એમણે ઘરમાં બધાને કામે લગાડી દીધા. ઘરનો કોઇ ખૂણો બાકી રહી જવો ન જોઈએ... ડીપ-ફ્રીજમાં ય જોઈ લીધું!

ક્ષણેક્ષણે પરવશતા વધે જતી હતી. આમ અત્યારે ખંજવાળ નહોતી આવતી, છતાં વગર ચાવીએ બાકીની જીંદગી ખેંચી નાંખવાની હોય તો પ્રેક્ટીસ પાડવી સારી. એ ધોરણે મસ્તુભ'ઇએ વગર ખંજવાળે ટચલી આંગળી કાનમાં ખોસીને ફેરવી જોઈ. સરસ મજાની ગલીપચી થઈ. મોંઢું મુસ્કાયું. પણ જીવ ચાવીમાં હતો કે, ટચલી ગમે તેટલી મજા કરાવતી હોય, પણ રોજેરોજ તો કાનમાં ન ખોસાય ને! આમાં તો ચાવી જ જોઈએ! ચાવીને બદલે ટચલી વાપરો, એ પત્નીને બદલે સાસુને હસ્તમેળાપમાં બેસાડી દીધી હોય એવું લાગે. જગતમાં સૌથી વધુ ખોવાતી કોઈ ચીજ હોય તો તે ચાવી છે કારણ કે, ચાવી ફક્ત ઘરના દરવાજાની જ નથી હોતી. કબાટોની, ડ્રોઅરોની, સ્કૂટર-ગાડીની, બેન્કના લૉકરની, ફ્રીજની... પત્નીના મોંઢા સિવાય દરેક ચીજ બંધ કરવાની ચાવીઓ શોધાઈ છે.

એમને યાદ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો કે, ઘરમાં નહિ તો ગાર્ડનમાં રહી ગઈ હશે ખરી? એ રોજ સાંજે ત્યાં બેસવા જાય. અહીં વગર ડિસ્ટર્બન્સે ઈચ્છો એટલી વાર કાન ખોતરી શકો. એ તરત ગાર્ડનમાં ગયા. રોજ જે બાંકડે બેસતા, ત્યાં જઈને જોયું તો એમની જ ઉંમરનું એક વૃધ્ધ કપલ સૂનમુન બેઠું હતું. ઘાંઘા થઈને મસ્તુભ'ઇએ પૂછી જોયું, ''એક નાનકડી ચાવી જેવું કાંઇ મળ્યું છે??'' એ બન્ને ઑલમૉસ્ટ બહેરીયાં હતા. ડોહાએ પોતાના કાને આડો હાથ રાખીને બે-ત્રણ વખત ''હેંએએએ...?'' પૂછ્યું. મસ્તુભ'ઇએ કાલ્પનિક ચાવી હાથમાં ફેરવી જોઈને એ બન્ને હવામાં ચાવી ચીતરી બતાવી. ડોહાએ જરા ખમવાનો ઇશારો કરીને ઝભ્ભાના ખિસ્સામાં હાથ નાંખ્યો. આશા બંધાઈ હતી કે, ચાવી નીકળી રહી છે...!

...અને નીકળી જ!

...પણ એ ડોહાની પોતાની... મસ્તુભ'ઇની નહિ! બહુ મોટું ગુપ્તદાન કરવાનું હોય, એમ ડોહાએ પોતાની ચાવી આપતા પૂછ્યું, ''સુઉં કામ જોઈએ છે...?''

મસ્તુભ'ઇ ફાટયા. બોલી ન શક્યા પણ સમસમી ગયા. ''હટ...'' બોલ્યા વગર એવા જ ભાવથી, દુનિયા છોડીને જતા હોય એવા હાવભાવથી ઘટનાસ્થળ છોડી દીધું.

આમ કાંઈ મોટી વાત નહોતી. રોજ જે ચાવીથી કાન ખંજવાળતા હોઈએ, એમાં જ મજો પડે. મૂડલેસ થઈ જવાનું એ કારણ પણ ખરું કે, ચાવી જાય ક્યાં? જ્યોતિષીએ તો ગોળ-ભાત ખાઈને ૨૧-મંગળવાર કરવાની સલાહ આપી, પણ ત્યાં સુધી કાન ખંજવાળ્યા વિના શેં રહેવું? વાચકોને આ વાતમાં કાંઈ નવું તો નહિ, પણ બુદ્ધિ વગરનું લાગે, પણ એ તો 'કાન' બાણ વાગ્યા હોય એ જાણે! મસ્તુભ'ઇ એ પછી તો ઉદાસ રહેવા લાગ્યા. કાનમાં મીઠી ખંજવાળ આવે તો ય ખોતરવાનો સૉટો ન ચઢે. અને એ બહુ અઘરું છે કે, ખંજવાળ આવતી હોવા છતાં ખણવું નહિ... મોટું મન રાખીને બસ... જવા દેવું! રાત્રે અડધી ઊંઘમાં અને ભૂલમાં ટચલી કાન તરફ જૂના આકર્ષણને કારણે ખેંચાઈ જતી, તો એમને પોતાની ઉપર ક્રોધ ચઢતો, ''આટલો સંયમ કેમ ન રહે? ઠીક છે, આ વખતે ખણી લઉં છું, પણ રોજ તો નહિ ચાલે! એમણે બીજી ચાવીઓ પણ વાપરી જોઇ, પણ કોઇમાં રંગત ન આવે.

એમ કરતાં કરતાં આઠ મહિના વીતી ગયા. મસ્તુભ'ઇ એ ખોવાયેલી ચાવી ભૂલી ગયા હતા. હવે તો ટચલીને ય કામે વળગાડતા નહોતા. બહુ થયું હવે!

...અને એમ અચાનક એક દિવસ, જૂના સદરાના ખિસ્સામાંથી પેલી અસલી ચાવી મળી આવી. એ માની શકતા નહોતા. હાથમાં પકડીને આડીઅવળી-ઊંધીચત્તી ફેરવીને જોઈ લીધી...

...અને કાચી સેકન્ડમાં બારીની બહાર ફેંકી દીધી! હવે મસ્તુભ'ઇને એ ચાવી કે એ ખંજવાળવાનો કોઇ મોહ રહ્યો નહતો.

બહુ ગમતી ચીજ બહુ વધારે પડતી દૂર જતી રહે, તો તબક્કો એવો આવે છે કે, એનું કોઇ મૂલ્ય કે ઝૂરાપો ન રહે...

ભૂલાયેલા યારદોસ્તોનું ય એવું જ છે!

સિક્સર
- રોજ ખડખડાટ હસવા માટે હું રોજ યૂ-ટયૂબ પર 'ફની વિડીયોઝ' જોઉં છું... ને તો ય, રાહુલજી જેટલું એ હસાવી શકતા નથી!

No comments: