Search This Blog

19/06/2016

ઍનકાઉન્ટર : 19-06-2016

*  નરેન્દ્ર મોદીએ અમેરિકાની પાર્લામેન્ટના સભ્યો પાસે દિલધડક ભાષણ કર્યું. આવું અસ્ખલિત ડૉ. મનમોહનસિંઘ કેમ નહોતા બોલી શક્યા ?
-એમણે તો પહેલી વાર વાઇફને 'પ્રપોઝ' પણ વાંચીને કર્યું હશે, એવું ડૉ. અશ્વિન હી. પટેલ કહે છે.
(પૂર્વિત પટેલ, કૅટ્સકીલ-ન્યુયૉર્ક)

*  આ દેશમાં ૩-જી રીચાર્જ ૨૯૯/- અને ૩-જી મોબાઇલ ૨૫૧/- માં !
-થોડી રાહ જુઓ. ૫૦/-માં વાત કરવા પાર્ટી તમારે ઘેર આવશે.
(મોહસિનખાન ઘાસુરા, ગણદેવી-નવસારી)

*  ગુજરાતી ભાષા પર તમને કેટલો પ્રેમ ?
-હું તો ગાળો ય ગુજરાતીમાં બોલું છું.
(અશોક વોરા, ભાવનગર)

*  અમેરિકા જેએનયૂ-માં ય દખલગીરી કરે, તે યોગ્ય છે ?
-છાપા-ટીવીવાળા તો ઠીક છે... ભારતીય તરીકે આપણે જ એના અસ્તિત્વનો સ્વીકાર કરવો ન જોઇએ.
(મધુકર મેહતા, વિસનગર)

*  ઘરડાં વગર ગાડાં ન ચાલે,તો યુવાનો વગર શું ન ચાલે ?
-ઘરડાં.
(ધવલ સોની, ગોધરા)

*  શિક્ષકો પાસે સોટી મૂકાવીને આપણે શું યોગ્ય કર્યું છે ?
-હવેની સોટીઓ વિદ્યાર્થીના માં-બાપને લાખો રૂપિયામાં પડે, એવી મારે છે!
(જયેશ અંતાણી, ભાવનગર)

*  મોબાઇલ સ્મરણશક્તિ ઘટાડે છે, એ વાત સાથે સહમત છો ?
-કઇ સ્મરણશક્તિ ?
(પ્રતિક અંતાણી, ભાવનગર)

*  આટલી નાની ઉંમરમાં બાયપાસ...? હજી હમણાં તો ૧૬મી વર્ષગાંઠ ઉજવી !
-એવી બીજી ૧૬મી વર્ષગાંઠો સુધી રાહો જોવાય એવું નહોતું !
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

*  નિર્દોષ સવાલ એટલે કેવો સવાલ ?
-જેનો જવાબ બદમાશીથી આપી શકાય.
(દિવ્યા સાણંદીયા, સુરત)

*  અર્જુન શ્રેષ્ઠ બાણાવળી કેમ બની શક્યા ?
-દ્રોણ-સરના ટયુશન-ક્લાસ નહિ...?
(વાહિદ સૈયદ, ધંધૂકા)

*  તમારી ગર્લફ્રેન્ડના લગ્ન થવાના હોય ને એની તૈયારીઓ કરવા તમારે જવાનું હોય તો શું કરો ?
-એમ કાંઇ રીસેપ્શનના સ્ટેજ પર કન્યાના ભાઇ તરીકે મોંઢા હસતા રાખીને બધાને આવકારવા ઊભું થોડું રહેવાય છે !
(સંદીપ બગુલ, વડોદરા)

*  તમે સૅલ્ફી લો છો ?
-પાસે કોઇ ઊભું હોય એને મારો મોબાઇલ આપીને મારી સૅલ્ફી લઉં છું.
(ધીમંત ભાવસાર, બડોલી)

*  મારી પત્ની મારા બદલે મોદીના મન કી બાત સાંભળે છે. શું કરવું ?
-મોદીના રસ્તે ચાલો. એમણે પત્નીને પોતાની પાસે રાખી છે ?
(લલિત આઇ. દોશી, કરજણ)

*  ઑલવૅયઝ હૅપી રહેવા શું કરવું ?
-સમટાઇમ્સ... અનહૅપી હો, એની મઝા પકડો.
(નીલેશ સી. શાહ, મુંબઇ)

*  'અચ્છે દિન જાયેંગે'. આ વાક્ય ક્યાં સુધી સફળ થયું ?
-આવી ચિંતા કોંગ્રેસ પોતાના માટે કરે છે.
(ડૉ. જાવેદ અલવાની, જામનગર)

*  આપશ્રી રાજકોટમાં 'ફર્માઇશ ક્લબ'ની સ્થાપના કરવાના છો ?
-ના.
(રશ્મિ પંડયા, રાજકોટ)

*  તમારો પરિચય એક વાક્યમાં આપવાનો હોય તો શું આપો ?
-એક ભારતીય.
(જયદીપ ગઢવી, બોખીરા-પોરબંદર)

*  સૌથી વધુ આનંદ આવ્યો હોય, એવો મારી લાઇફનો શ્રેષ્ઠ દિવસ કયો ?
-કારગિલ પર ભારતનો તિરંગો લહેરાયો એ.
(મૂકેશ ભટ્ટ, ભાવનગર)

*  તમારા મતે હૉલીવૂૂડ અને બૉલીવૂડ વચ્ચે શું ફરક છે ?
-એ લોકો આઇટમ-સૉન્ગ ઘુસાડતા નથી.
(ધવલ મેહતા, પોરબંદર)

*  તમે બાયપાસ કરાવ્યું, ત્યારે ભાભીની હાલત શું હતી ?
- 'સાલું... હૃદય હતું એના કરતા ય વધુ થનગનતું થઇ જશે !' એવી એને ચિંતા હતી!
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

*  ચરીત્ર શુધ્ધ કરવા માટે કોઇ ઉપાય ?
-મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો' અવશ્ય વાંચો.
(રામ ઓડેદરા, પોરબંદર)

*  ફાની દુનિયા એટલે શું ?
-ખાસ તો, એ છોડી જવાય માટે વપરાય છે.
(જીયા પટેલ, ભાવનગર)

*  સારા માણસો રાજકારણમાં કેમ આવતા નથી ? તમે જોડાશો ?
-એક બાજુ તમે સારા માણસોનું પૂછો છો ને બીજી બાજુ મને જોડાવવાનું કહો છો!
(ધવલ સોની, ગોધરા)

*  'ઍટેચમેન્ટ'માં સવાલ ન કેમ પૂછાય ?
-વાચકો સાથે ડીટૅચમેન્ટ થઇ ન જાય માટે.
(નીયતિ શાહ, અમદાવાદ)

*  ૨૬. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે, 'ધર્મો રક્ષતિ રક્ષિતઃ'ને તમે ધર્મોને દૂર કરવા માંગો છો. શું તમે શ્રીકૃષ્ણ કરતા વધુ સ્માર્ટ છો ?
-બે-ત્રણ વર્ષ સુધી દેશની સરહદો ઉપર ખતરા વધુ છે. એટલો સમય ભગવાનને બદલે દેશની સેવામાં લગાવવાથી શ્રીકૃષ્ણ નારાજ નહિ થાય. યાદ કરો, 'યદા યદા હિ ધર્મસ્ય...'
(ગીરિશ લખતરીયા, સુરત)

No comments: