Search This Blog

17/06/2016

‘દીદાર’ (’૫૧)

ફિલ્મ : ‘દીદાર’ (’૫૧)
નિર્માતા: રાજેન્દ્ર જૈન
દિગ્દર્શન: નીતિન બૉઝ
સંગીત: નૌશાદ
ગીતો: શકીલ બદાયૂની
રનિંગ ટાઈમ: ૧૪-રીલ્સ: ૧૩૦-મિનિટ્સ
થીયેટર: સૅન્ટ્રલ ટોકીઝ (અમદાવાદ)
કલાકારો: અશોક કુમાર, નરગીસ, દિલીપ કુમાર, નિમ્મી, યાકુબ, પરિક્ષિત (અજય) સાહની, બૅબી તબસ્સુમ, મુરાદ, જાલ મર્ચન્ટ, બૅબી અનવરી, નિહારિકા દેવી, ઉમા દેવી, આગા મહેરાજ, સુરેન્દ્ર, હારૂન, મૂલચંદ અને મોતીલાલ.

ગીતો
૧. બચપન કે દિન ભૂલા ન દેના, આજ હંસે... લતા-શમશાદ
૨. ચમન મેં રહે કે વીરાના, મેરા દિલ હોતા... શમશાદ બેગમ
૩. હુએ હમ જીનકે લિયે બર્બાદ વો હમકો ચાહે... મુહમ્મદ રફી
૪. મેરી કહાની ભૂલનેવાલે, તેરા જહાં આબાદ... મુહમ્મદ રફી
૫. દેખ લિયા મૈંને કિસ્મત કા તમાશા દેખ લિયા... લતા-રફી
૬. નઝર ફેરો ન હમસે, કે હમ હૈ... શમશાદ-જી.એમ. દુરાણી
૭. લેજા મૈરી દુઆએં લેજા, પરદેસ જાનેવાલે... લતા મંગેશકર
૮. દુનિયા ને તેરી દુનિયાવાલે... લતા મંગેશકર
૯. તુ કૌન હૈ મેરા કહે દે બાલમ, પડું મૈં તોરે... લતા મંગેશકર
૧૦. બચપન કે દિન ભૂલા ન દેના, આજ હંસે... મુહમ્મદ રફી
૧૧. નસીબ દર પે તેરે આઝમાને આયા હૂં... મુહમ્મદ રફી

પૂરો ફખ્ર થાય આવી સુંદર ફિલ્મ જોઈને! આ ફખ્ર આ ફિલ્મના કલાકારો માટે થાય, દિગ્દર્શક માટે થાય, ગાયકો-સંગીતકાર-ગીતકાર માટે થાય કે.... આપણી પોતાની ઉપર થાય કે, આપણને આવી ફિલ્મો અસર કરે છે, ગમે છે એ ખાસ તો, ફિલ્મના ૬૫-વર્ષો પછી ય આ ફિલ્મ 'દીદાર' આજે રીલિઝ થઈ હોય એવી નવી લાગે છે. ભાવાત્મક ફિલ્મો જોઈને પસંદ કરનારાઓ એટલા કમનસીબ કે એ જમાનામાં વર્ષે-બે વર્ષે આવી તો એકાદ ફિલ્મ જવલ્લે આવતી. એમાં ય દિલીપ કુમાર માટે પૂરા સાષ્ટાંગ પ્રણામ કરવા પડે, આવી ભૂમિકા સ્વીકારીને એને પૂરતી ખીલવવા માટે. દાદામોની તો સર્વકાલીન સર્વોત્તમ હતા, તેમ છતાં આવી ફિલ્મોમાં દિલીપ કુમારને જોયા પછી ગર્વ થાય કે, આવો સર્વોકૃષ્ટ અભિનેતા આપણા દેશનો છે. અને આ જ લેવલની પ્રશંસા ફિલ્મના દિગ્દર્શક નીતિન બૉઝ કે સંગીતકાર નૌશાદઅલી માટે કરવી પડે... ચીરંજીવ ગીતો આપવા બદલ!

ફિલ્મ 'દીદાર' મારા ય જન્મ પહેલાં આવી હતી અને મેં એ રીપિટમાં આવી ત્યારે જોઈ હતી. આજની અને એ વખતની બંન્ને ઉંમરોએ એકસરખો ઉમળકો થયો, એ જ બતાવે છે કે, આ કૉલમમાં લગભગ તો ૮૦-ટકા ફિલ્મોને બુરી અને બહોત બુરી કહેવી પડે છે, ત્યારે 'દીદાર' જેવી એક ફિલ્મ હિંદી ફિલ્મો માટે ગર્વ કરાવી શકે છે.

એવું કેમ થતું હશે કે, દિલીપ કુમારે જે કોઈ ફિલ્મમાં કામ કર્યું, એમાંની મોટા ભાગની ફિલ્મોમાં આપણને દિલીપ જ છવાઈ ગયેલો લાગે? ફિલ્મ તમને ગમી હોય કે ન ગમી હોય, એ બનવાજોગ છે, પણ એના અભિનય માટે તો કોઈ ફરિયાદ ન હોય! અલબત્ત, એના માટે આપણે પ્રેક્ષકો નહિ, પણ એની ફિલ્મો સાથે સંકલાયેલા લોકો ફરિયાદ ચોક્કસ કરતા કે, ફિલ્મના દરેક વિભાગમાં એનો ચંચુપાત અકળાવનારો હતો. દિગ્દર્શક ગમે તે હોય, દિગ્દર્શન દિલીપ કુમારનું જ રહેતું. એક હવા એવી પણ ચાલી હતી કે, દિલીપ હોય ત્યાં ફિલ્મના તમામ ડીપાર્ટમેન્ટ્સમાં એની દખલગીરી હોય અને એ જ કારણ હતું કે, દિલીપની પોતાની ફિલ્મ 'ગંગા જમુના'માં દિગ્દર્શન નીતિન બૉઝનું હોવા છતાં બધા ઝંડા પોતે જ ફરકાવવાના દિલીપના સ્વભાવને કારણે નીતિન બાબુ અડધી ફિલ્મ છોડીને જતા રહ્યા હતા, એટલે ફિલ્મનું દિગ્દર્શન દિલીપે પોતે કર્યું હતું.

આ આક્ષેપને પૂરો સાચો માનવા છતાં ફિલ્મનગરીના શહેનશાહો ખુદ કબુલે છે કે, દિલીપ જે કરતો હતો, તે બરોબર કરતો હતો. આ ફિલ્મ 'દીદાર'માં દિલીપની સાથે કામ કરી રહેલા દાદામોની (અશોક કુમારે) કીધેલી વાત છે, ''યુસુફ જે ફિલ્મમાં કામ કરે, એને પોતાની સમજતો. એની સફળતા માટે એ ખૂબ મહેનત કરતો. પોતે જેમાં કામ કરે છે, એ બધી ફિલ્મો એક ઈતિહાસ બનવી જોઈએ. અને અનેકવાર એ નીતિનબાબુ સાથે આ ફિલ્મની ઝીણીઝીણી વિગતોની ચર્ચા કરતો.''

ફિલ્મ 'નયા દૌર' બનાવનાર બી.આર. ચોપરાએ કીધેલી વાત પણ આ વાતની સાહેદી પૂરે છે. ''મેં યુસુફને 'નયા દૌર'માં કામ કરવા સમજાવ્યો, તો એણે તરત ના પાડી દીધી, ''કૌન સી... વો ટાંગેવાલે કી કહાની...?'' ચોપરા પાસે બીજી કોઈ દલિલ નહતી, કારણ કે, ફિલ્મ 'નયા દૌર'ની સ્ક્રીપ્ટ રાજ કપુર, મેહબૂબખાન અને શશધર મુકર્જી પણ રીજેક્ટ કરી ચૂક્યા હતા. છેવટે દાદામોનીએ મને કહ્યું, ''હું યુસુફને સમજાવીશ.'' ચોપરા તો દાદામોની આ રોલ કરે, એટલા માટે ગયા હતા, પણ એમણે નિખાલસતાથી કીધું કે, હું આ રોલમાં વધુ પડતો શહેરી લાગીશ... બેસ્ટ રસ્તો એ છે કે, યુસુફ એકલો જ આ કિરદાર નિભાવી શકશે.'' અને એ પછી દાદામોનીએ દિલીપ કુમારને સમજાવ્યો અને દિલીપે 'નયા દૌર' સ્વીકારી.

દિલીપ કુમાર પોતાના સંવાદો ઘેરથી તૈયાર કરીને સ્ટુડિયો જતો અને એમાંય, પોતાને બોલવાના સંવાદો પહેલા ઊર્દુમાં, પછી ઈંગ્લિશમાં અને પછી હિંદીમાં બોલીને તૈયારી કરતો, જેથી ત્રણે ભાષાનો ભાવ પેદા કરી શકાય. ફિલ્મના કેટલાક સંવાદો સાહિત્યિક ઊંચાઈઓને અડી ગયા છે. અશોક કુમાર દિલીપ કુમારને પૂછે છે, ''અરે કવિરાજ... તુમ્હારી આંખે નહિ હૈ..?''  જવાબમાં સ્માઈલ સાથે દિલીપ કહે છે, ''આંખે રહે ગઇ હૈ સરકાર... રોશની જા ચૂકી હૈ.''

અલબત્ત, નવાઇઓ તો લાગે કે, દિલીપ આટઆટલું ધ્યાન રાખતો હતો છતાં ફિલ્મમાં પ્રજ્ઞાચક્ષુનો રોલ કરવામાં અધિકૃતતા કેમ લાવી ન શક્યો? અંધ વ્યક્તિ વાત કરતી વખતે બીજાની સામે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકતો નથી. મોટા ભાગે તો એની આંખો છત તરફ ઝપકતી રહે. અહીં તો, દિલીપ નામનો જ પ્રજ્ઞાચક્ષુ લાગે છે. એ તમામ પાત્રોની સાથે નોર્મલ વાતો કરી શકે છે. અલબત્ત, એના બચાવમાં એમ કહી શકાય કે, વાર્તા મુજબ એ અંધ છે, એટલું પૂરતું છે. વાસ્તવિકતા લાવવામાં એનો ચેહરો કદરૂપો લાગી શકે... અને કોઇ હીરોને એવા દેખાવવું તો કેમ પોસાય?

દિલીપ-નરગીસ અનુક્રમે તદ્દન ગરીબ અને વિરાટ સંપત્તિવાનના સંતાનો નાનપણથી એકબીજાને ચાહે છે, પણ દિલીપની ગરીબી એનું મકાન છોડાવે છે. ઘર છોડીને જતા જંગલમાં ગરીબ મા મૃત્યુ પામે છે અને આજુબાજુની 'બસ્તીવાલે' નાના દિલીપને બચાવી તો લે છે, પણ એક નાનકડા અકસ્માતે એ પોતાની આંખો ગૂમાવી બેસે છે. બસ્તીવાલોંમાં ગરીબ પરંતુ ચબરાક અને સુંદર નિમ્મી એની સંભાળ રાખતા દિલીપના વન-સાઈડેડ પ્રેમમાં પડી જાય છે. પૈસા કમાવવા અંધ દિલીપ હાર્મોનિયમના સૂરોથી ગીતો ગાઇને બે પૈસા રળે છે. આ બાજુ નાનપણની એની સખી નરગીસનું સગપણ આંખોના ડૉક્ટર બનેલા અશોક કુમાર સાથે થાય છે. જે ફરવા માટે હિલસ્ટેશન જાય છે, ત્યાં ગીત ગાતા દિલીપનો ભેટો થાય છે અને એનામાં દિલચસ્પી લે છે. પોતાની વાગ્દત્તા નરગીસને પણ અશોક ત્યાં બોલાવી લઈ આ ગીત ગાતા કવિરાજની ઓળખાણ કરાવે છે. નરગીસને દિલીપના દર્દભર્યા ગીતો કોકની યાદ અપાવે છે.

સરખામણી કરવા જઈએ તો નિમ્મી અને અશોક કુમારને જીવનભરની ફિલ્મોમાં કુરબાનીઓ જ આપવાની આવી છે. નિમ્મી માટે તો દરેક ફિલ્મમાં એક ગીત નક્કી હોય કે, એને છોડીને જતા હીરો માટે દર્દભર્યું ગીત ગાવા એ દોડતી મોટી ટેકરી ઉપર ચઢી જાય, જ્યાંથી હીરોની પૂરપાટ જતી ગાડી દેખાતી હોય ને ભારે કરૂણકંઠે નિમ્મી ગીતનો પોતાનો ક્વૉટા પૂરો કરે. એકવાર તો આપણને ય ડાઉટ પડે કે, ભારતભરની આવી ટેકરીઓ કેવળ નિમ્મીને કરૂણ ગીતો ગાવા જ બની હશે! એવું અશોક કુમારનું છે. મોટા ભાગની ફિલ્મોમાં હીરોઇન ફિલ્મના બીજા હીરોને મળતી હોય... ને આ ભ'ઈને એન્ટી-હીરો બનીને હોલવાઈ જવું પડે.

જલ્દી સમજ આ હિંદી ફિલ્મોમાં એટલે ન પડે કે, અમીરી અને ગરીબીના યુધ્ધમાં ગરીબો ઘર... આઇ મીન, ઝૂંપડી છોડીને મુંબઇ જેવા ભરચક શહેરોમાંથી નીકળી જાય, પછી એમની વાટમાં બિહામણા જંગલો કે ઊંચા પહાડો ચઢવાના શેના આવે? પાછા એવા થાક્યા પાક્યા અને દયામણે મોંઢે એ લોકો જતા હોય કે સિનેમા હૉલમાં બેઠા બેઠા આપણને લેવાદેવા વગરનું રડવું આવી જાય... હા ભઇ, આ મામલે હું બહુ ઢીલો!

એ સમજાય છે કે, પ્રેક્ષકોમાં દર્દ પેદા કરવા દિગ્દર્શકો આવી સીચ્યૂએશનો ઊભી કરતા હોય છે. (આજની ફિલ્મોમાં એવા દ્રષ્યો જોવા મળતા નથી... પ્રેક્ષકોને ઢીલા કરવા હોય તો ટીવી પરના બ્રેકિંગ-ન્યૂસ બતાવી દેખાય છે... ભલે ઘરે જઈને ઢીલા થાય!

લતા-રફી-શમશાદના ચાહકો માટે આ ફિલ્મના ગીતો જલસા છે. આપણને સમજો ને... બધા ગીતો કંઠસ્થ છે. 'ઓ બચપન કે દિન ભૂલા ન દેના...' જેવા આજપર્યંત લોકપ્રિય ગીતનો સ્થાયી તદ્દન ધીમા લયમાં શમશાદ બેગમ અને મુહમ્મદ રફીએ પણ ગાયો છે. એ જોઈ-સાંભળીને લાલચ એવી વધી જાય કે, રફી સાહેબના આપણે પડોસી હોત તો છેવટે ગયા બુધવારનું છાપું માંગવાને બહાને એમના ઘેર જઇને યાચના જેવી વિનંતીઓ કરત કે... ''સર-જી... કમ-સે-કમ, એક લાઇન ગુનગુનાવો ને...!'' અને એ તો સ્વભાવના હતા ય એવા કે, ના ન પાડત... પણ આપણા માટે તો જીવનભરનો એ યાદગાર પ્રસંગ થઇ જાત ને? (''ઓકે મેન... રફી સાહેબ નથી રહ્યા તો આવ મારા ડ્રોઈંગરૂમમાં... હું તને એ લાઈન સંભળાવું!'' એવી લાલચ કોઈ બતાવવા જાય તો ફૂલનું કૂંડુ એના ઘરનું, ફ્લૉર એનો અને ઊચકવાનું ય આપણે... બસ, પછાડીને આવતા રહીએ! સુઉં કિયો છો?

સિગારેટના ઍટ લીસ્ટ ત્રણ ચેઇન-સ્મોકરોને તો આપણે ઓળખીએ છીએ, જેઓ ૯૦-પ્લસની ઉંમર સુધી જીવ્યા. ખલનાયક પ્રાણ, ચરીત્ર અભિનેતા મુરાદ અને નૂતન-તનૂજાની મમ્મી શોભના સમર્થ. રાજ કપૂર કે મોતીલાલ જેવા દિગ્ગજોએ શરાબ, સિગારેટ અને સુંદરી... કદી પોતાનાથી દોઢેક ફૂટે ય આઘા રહેવા દીધા નહોતા. આ લખવાનો ઈરાદો ધૂમ્રપાનનો પ્રચાર કરવાનો નથી અને એવું કહેવાનો ય નથી કે, પેલા લોકોએ સિગારેટો ના પીધી હોત તો ૯૦-ને બદલે સવા સો વર્ષ જીવ્યા હોત! મને એટલી ખબર છે કે, હું પણ ક્રોનિક-સ્મોકર હતો, પણ બાયપાસ સર્જરી પછી સિગારેટ છોડી દીધી અને પહેલા કરતા વધુ સ્ફૂર્તિલો અને તંદુરસ્ત હોવાનું અનુભવું છું. દાદામોની એમની મોટાભાગની ફિલ્મોની જેમ અહીં પણ ચેઇન-સ્મોકર છે. આનંદ અને ગુસ્સો વ્યક્ત કરવા એ તો સિગારેટ પાસે ય અભિનય કરાવી શકતા.

આ ફિલ્મના એડિટર છે, બિમલ રૉય. ફિલ્મના નિર્દેષક નીતિન બૉઝની જેમ બિમલ દા પણ મૂળ તો કલકત્તાના ન્યુ થીયેટર્સનું ફરજંદ. સાયગલ સાહેબની ફિલ્મોના ય એ તો દિગ્દર્શક હતા. (ફિલ્મ 'દેવદાસ') આપણી હિંદી ફિલ્મોમાં પ્લેબેક-સીસ્ટમ રજુ કરવાનો પૂરો યશ નીતિન બાબુને આપવો પડે... સંગીતકાર રાયચંદ બોરાલ કે પંકજકુમાર મલિકે નીતિનબાબુનું માત્ર સૂચન માથે ચઢાવ્યું હતું. આજ સુધી પ્લેબેક શરૂ કરવાનો યશ બોરાલ બાબુને આપવામાં આવતો હતો, તે ગલત છે. આ ફિલ્મ 'દીદાર'ના સિનેટોગ્રાફર પણ ખુદ એ જ છે. મૂંગી ફિલ્મોના જમાનાથી એમણે કેમેરા અને દિગ્દર્શન સંભાળ્યા હતા, એમાં પંકજ મલિક અને સાયગલ અને કે.સી.ડે.ની કેવી ભવ્યતમ ફિલ્મો એમણે દિગ્દર્શિત કરેલી? ડાકૂ મનસૂર, ચંડીદાસ, ધૂપછાંવ (જેમાં હિંદી ફિલ્મોમાં પ્લેબેકની શરૂઆત થઇ) પ્રેસિડેન્ટ, જીવન-મરણ, દુશ્મન, કપાલ કુંડલા, લગન, નર્તકી... લિસ્ટ તો લાંબુ છે પણ એમની લગભગ છેલ્લી ફિલ્મ 'હમ કહાં જા રહે હૈ' ભલે બેકાર નીકળી, પણ એમાં આશા ભોંસલે-મહેન્દ્ર કપૂરનું 'રફ્તા રફ્તા વો મેરી, તસ્કીં કા સામાન હો ગયે, પહેલે દિલ, ફિર દિલરૂબા, ફિર દિલ કે મેહમાં હો ગયે...'

No comments: