Search This Blog

03/06/2016

'બીવી ઔર મકાન' ('૬૬)

ફિલ્મ : 'બીવી ઔર મકાન' ('૬૬)
નિર્માતા : હેમંત કુમાર
દિગ્દર્શક : ઋષિકેશ મુકર્જી
ગીતકાર : ગુલઝાર
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સ
થીયેટર : મૉડેલ ટૉકીઝ (અમદાવાદ)
કલાકારો : બિશ્વજીત, કલ્પના, મેહમુદ, શબનમ, આશિષ કુમાર, કેસ્ટો મુકર્જી, પદ્માદેવી, બિપીન ગુપ્તા, બદ્રીપ્રસાદ, કનુ રૉય, સરિતાદેવી, અજીત ,ચૅટર્જી, મોની ચૅટર્જી, જગદેવ, બ્રહ્મ ભારદ્વાજ, પદ્મા ખન્ના 

  

ગીતો
૧ ખુલ સિમસિમ ખુલ્લમ્ ખુલ્લા, ખિલખિલ ગાયે ગુલ્લા બુલા- મન્ના ડે, હેમંતકુમાર
૨ યાર કિસન યે હદ હો ગઇ હૈ... જબ દોસ્તી હોતી હૈ તો, - મન્ના ડે, હેમંત બલવીર
૩ રહેને કો ઘર દો, યા છત પે ફર્શ હો, યા ફર્શ પે છત હો.... ગુલામ મુહમ્મદ
૪ દુનિયા મેં દો સયાને, એક જૂઠ હૈ, એક સચ હૈ.... જયંત મુકર્જી, હેમંત, મન્ના ડે
૫ નહિ હોતા સુનો ઔર...'' થા જબ જનમ લિયા થા.... મન્ના-મુકેશ-હેમંત
૬ દબે લબોં સે કભી જો કોઈ પયામ લે લે.... આશા ભોંસલે-લતા મંગેશકર
૭ જાને કહાઁ દેખા હૈ, કહાઁ દેખા હૈ તુમ્હેં..... મુહમ્મદ રફી
૮ સાવન મેં બરખા સતાયે, પલપલ છિનછિન બરસે.... હેમંત કુમાર
૯ અનહોની બાત થી હો ગઇ હૈ.... તલત-મન્ના-જોગિન્દર-મૂકેશ-હેમંત
૧૦ ઐસે દાંતોં મેં ઊંગલી દબાવો નહિ, રાત જાગી હો.... આશા-ઉષા મંગેશકર

કલકત્તાનું ન્યુ થીયેટર્સ છોડીને બિમલ રૉય હિંદી ફિલ્મોમાં કરિયર બનાવવા મુંબઈ આવ્યા ત્યારે પોતાની સાથે એમના આસિસ્ટન્ટ દિગ્દર્શક અસિત સેન, લેખક નબેન્દુ ઘોષ, ઍડિટર અને માનિતા શિષ્ય ઋષિકેશ મુકર્જી, અભિનેતા નઝીર હુસેન અને કૅમેરામૅન કમલ બૉઝને સાથે લેતા આવ્યા હતા, એ પાંચે ય પોતાને પાંચ પાંડવો તરીકે ઓળખાવતા હતા. એક તો મુંબઇમાં મકાન ભાડે લેવાની માથાકૂટ અને એમાં ય કૂવારા લડધાઓને કોઇ મકાન આપે નહિ.

એ સંજોગોમાં ઋષિ દા ને આ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. વાસ્તવિકતામાં જરાક અમથી ગોલમાલ કરીને ફિલ્મને રંગબિરંગી બનાવવા એમણે, મકાન ભાડે મેળવવા એક પ્લોટ ઘડી કાઢ્યો, જેમાં પાંચમાંથી બે સ્ત્રીઓનો વેશ સજીને-બાકીના બે ની પત્ની બનીને મકાન-માલિક પાસે જાય અને એમ જ ગયા ને વાત બની ગઇ.

પોતાની ગંભીર છતાં અર્થપૂર્ણ ફિલ્મો 'સત્યકામ' કે 'આલાપ' બહુ ખરાબ રીતે પિટાઇ જવાને કારણે ઋષિકેશ મુકર્જીએ આત્મનિરીક્ષણ કર્યું અને અર્ક કાઢ્યો કે, ભારતીય પ્રેક્ષકોને હળવી ફિલ્મો જ વધારે ગમે છે. બહુ ભાષણબાજી કે ઉપદેશોવાળી ફિલ્મો જોવા રોજના કિંમતી ત્રણ કલાક કાઢવા આવતા નથી અને એ સત્ય લાધ્યા પછી ઋષિ દા એ કેવળ મનોરંજક-છતાં કંઇક મૅસેજવાળી ફિલ્મો બનાવવા માંડી, જેમાં હસતા હસાવતા કોઈ ગંભીર મૅસેજ આપી શકાય, એમાંની એક એટલે આજની ફિલ્મ 'બીવી ઔર મકાન.' ફિલ્મમાં હ્યુમરના પીસ છુટાછવાયા સુંદર ઢબે આવતા રહે છે. પાંચ પાંડવમાંના એક જગદેવ ચાવાળા છોકરાને જોઈને કહે છે, 'અગર તું લડકી હોતા, ન...! તો મેં તુમસે શાદી કર લેતા !' જવાબમાં ચાવાળો છોકરો કહે છે, ''આપ ભી ક્યા, સા'બ.....?' અગર મૈં લડકી હોતા, તો આપ સે શાદી થોડે હી કરતા ?'' ''તો ફિર....કિસ સે કરતે ?'' જવાબમાં પૅઇન્ટિંગના શોખિન અને ભારે શરમાળ પાંડવ (આશિષકુમાર)ને બતાવીને કહે છે, ''ઇન સે....!''

આ આશિષ કુમાર એટલે ડાન્સર-અભિનેત્રી બેલા બૉઝનો સ્વર્ગસ્થ પતિ, જેણે બ્લૉક-બસ્ટર ફિલ્મ 'જય સંતોષી માં' બનાવ્યું હતું અને એમાં હીરો પણ હતો. એની સાથે મજાક કરતા કસરતબાજ જગદેવને તમે ફિલ્મ 'સોલહવા સાલ'માં વહિદા રહેમાન સાથે ભાગી જતા પ્રેમીના રોલમાં જોયો છે. મેહમુદે અહીં પૂરબી ભાષામાં બોલીને પાત્ર ભજવ્યું છે. આ એક જ ઍક્ટર એવો હતો, જેણે ફિલ્મે ફિલ્મે અલગ ડાયલૅક્ટ સફળતાપૂર્વક બોલીને એક ઍક્ટર તરીકે બાકીના બધાને પાછા પાડી દીધા હતા. જ્હૉની વૉકર હોય કે અન્ય કોઇ પણ કૉમેડિયન, એ તમામના પહેરવેશથી માંડીને બોલીમાં ભાગ્યે જ કોઇ ફરક પડતો. આ ફિલ્મ દરમ્યાન મેહમુદની પોતાની ફિલ્મ 'પડોસન' બની રહી હોવાથી એને માથે ટેકો કરાવવો પડયો હતો, પણ બીજી ફિલ્મોના શૂટિંગો તો ચાલુ હોય, એટલે એવી તમામ ફિલ્મોમાં મેહમુદે માથે વિગ પહેરીને અભિનય કર્યો હતો, તેમાંની આ એક.

હેમંત કુમારને એક નિર્માતા તરીકે બિશ્વજીત ભારે ગમી ગયો હોવો જોઇએ. પહેલા ફિલ્મ 'બીસ સાલ બાદ,' પછી 'કોહરા' અને છેવટે આ ફિલ્મમાં એને હીરોનો રોલ આપ્યો. એ વાત જુદી છે કે, કન્વૅન્શનલી આ ફિલ્મનો હીરો ભલે વિશ્વજીત રહ્યો (કારણ કે, હીરોઇન કલ્પનાના પ્રેમમાં એને પડવાનું છે !) પણ ફિલ્મની વાર્તા ઉપરાંત અભિનયના ધોરણો અનુસાર ફિલ્મનો અસલી હીરો મેહમુદ છે.

વિશ્વજીત અને કૅસ્ટોને સ્ત્રી-પાત્રો બનાવાયા છે, એમાં વિશ્વજીતને વધારાના મૅઈક-અપની જરૂર નહિ પડી હોય, છતાં કહેવું પડશે કે, સ્ત્રી-વેષમાં એ ઘણો સુંદર લાગે છે. કેસ્ટો તે પુરૂષ પાત્રમાં ય એના શારીરિક વ્યક્તિત્વથી આંજી દઇ શકે એવો નથી, છતાં કમાલ મૅક-અપ આર્ટિસ્ટની કે કેસ્ટ-દા પણ આંખને જોવામાં ભલે મનોહર-મનોહર નહિ, પણ ચાલી જાય એટલા તો સુંદર લાગે છે.

ફિલ્મની હીરોઇનો સ્વ. કલ્પના મોહન (શમ્મી કપૂર સાથેની ફિલ્મ 'પ્રોફેસર') આવી ત્યારે ભૌચાલ મચાવશે, એવી ગ્લૅમરસ અને સુંદર દેખાતી હતી. વળી એણે કિરદારો પણ દેવ આનંદ (તીન દેવીયાં) શશી કપૂરની ફિલ્મ 'પ્યાર કિયે જા), જેવી બ્લૉક-બસ્ટર ફિલ્મમાં કર્યા હતા... રામ જાણે છેવટે શું થયું કે, સાવ હોલવાઇ ગઇ. એનું લગ્નજીવન ખાડે ગયું અને આ જ ફિલ્મ 'બીવી ઔર મકાન''ના પટકથા લેખક સચિન ભૌમિક સાથે લગ્ન કરી લીધા. ના ચાલ્યા એટલે નૅવીના કોઇ ઑફિસર સાથે ફરી મૅરેજ કર્યા... એ ય ના ચાલ્યા.... છુટાછેડા, જેનાથી એટલો આઘાત લાગ્યો કે એણે ફિલ્મો અને આખેઆખું મુંબઈ છોડી દીધા પછી પૂણેમાં વસવાટ કર્યો અને તા. ૪થી જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ એકલાં પણું જ નહિ, સારી દુનિયા છોડી દીધી. નહિ તો એ પંડિત જવાહરલાલ નેહરૂની લાડકી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં કોઇ વિદેશી મહેમાનો આવે, ત્યારે પંડિતજી અચૂકપણે નાનકડી કલ્પનાના કથ્થકના શો રાખતા. કલ્પના (મૂળ નામ અર્ચના મોહન) કશ્મિરી બ્રાહ્મણ હતી. પંડીતજીની જેમ !

સૅકન્ડ હીરોઇન શબનમ મૂળ તો બંગાળી 'ઝરણા બાસક' હતી અને ત્યાંના જ કલાકાર રોબિન ઘોષને પરણી હતી. પણ રોબિનનું મૃત્યુ થયા પછી એ બીજી વાર ન પરણી. લતા મંગેશકરનું ફિલ્મ 'ફરાર'નું 'પ્યાર કી દાસ્તાં, તુમ સુનો તો કહે, ક્યા કહેગા સુનકે જહાં, તુમ સુનો તો કહે' આ શબ્બો ઉપર ફિલ્માયું હતું. આપણે ત્યાં એની નોંધ લેવાઇ નથી પણ બાંગ્લાદેશી ફિલ્મોમાં એનો જમાનો શરૂ થઇ ગયો હતો અને ૫૦-૭૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલમાં એ બાંગ્લાદેશમાં જ રહે છે.

પચાસો ફિલ્મ બનાવવા છતાં ઋષિકેષ મુકર્જી પોતાની એકે ય ફિલ્મમાં મોંઢું બતાવવા દેખાયા નથી, સિવાય આ ફિલ્મના પહેલા ગીત, 'રહેને કો ઘર દો'માં મેહમુદ, કેષ્ટો અને જગદેવની સામે આપણને એ પીઠ બતાવીને દેખાય છે. નોર્મલી, ફિલ્મ પોતાની હોય એટલે આવી એકાદી લાલચ થઇ જાય, પણ ઋષિ દા ને નથી થઇ. અલબત્ત, આ ફિલ્મના આ કૅમિયો રોલમાં કોઇને ખબર પડે એમ નથી કે, આ ઋષિ દા છે. આલ્ફ્રેડ હિચકોકની આ પર્મેનૅન્ટ હૉબી હતી. એ પણ તમે બહુ ધ્યાનથી જોયું હોય તો જ પકડી શકો. રાજ કપૂરે ફિલ્મ 'બૂટ-પોલીશ'માં સંયમ તો બહુ રાખ્યો હતો, છતાં એ જમાનામાં એનો આવારા-લૂક વિખ્યાત બન્યો હતો, એટલે બૂટ-પાલિશ કરતા એ છોકરાઓને એક ટ્રેનમાં પોતાની સીટ પર બેઠેલો-સૂતો રાજ કપૂર જોવા મળે છે. નાની મુન્ની ખુશ થઇને એના થોડા નાનકડા ભાઈ (રતનકુમાર)ને કહે છે, ''ભૈયા... રાજ કપૂર !!!'' ભૈયો જરા ય ઇમ્પ્રેસ થયા વિના મોંઢું બગાડીને કહે છે, ''મુન્ની, ઐસે રાજ કપૂર તો બમ્બઇ મેં હજારોં મિલેંગે !''

હેમંત કુમારની પોતાની ફિલ્મ હોય એટલે બીજા બંગાળી વિશ્વજીતનું આ ફિલ્મમાં હોવું લાઝમી હતું, પણ હેમંત કુમારના સંગીતમાં મુહમ્મદ રફી હોય, તલત મેહમુદ હોય કે... ના રે બાબા... મૂકેશ તો ક્યાંથી હોય....? પણ આ ફિલ્મના ગીતોમાં હેમંત દા એ ત્રણેને લઇ આવ્યા છે. અલબત્ત, તલત-મૂકેશનો તો થાય એટલો કચરો થયો છે, પણ રફી પાસે એમને પોતાને ય ગમી જાય, એવું સુમધુર ગીત, 'જાને કહાં દેખા હૈ, કહાં દેખા હૈ તુમ્હેં....' ગવડાવ્યું છે. આશા-લતાનું 'દબે લબોં સે કભી જો કોઇ સલામ લે લે રે...' તો આપણા જમાનામાં રેડિયો ઉપર ઘણું સાંભળવા મળતું હતું. એક વાત હેમંત દા ની અગૅઇન્સ્ટમાં જાય એવી છે કે, આ ફિલ્મ માટે જરૂરી મોટા ભાગના ગીતો કૉમિક બનાવવાના હતા, જે નથી બનાવી શક્યા. પ્રકૃતિથી જ ગંભીર માણસ પાસે આવી આશા રાખવી જ વ્યર્થ છે.

વિશ્વજીત નિહાયત હૅન્ડસમ ઍક્ટર હતો. હાવભાવમાં પ્રદીપ કુમાર કે મનોજ કુમાર જેવો બોદો ય નહિ. યસ. થોડો ગર્લિશ દેખાતો હતો ને એટલે જ આ ફિલ્મમાં ઋષી દા એ એની પાસે સ્ત્રી-પાત્ર ભજવાવ્યું છે. એ ચરીત્રનો ય સારો માણસ હતો. કમનસીબે સાવ છેક પાછલી ઉંમરે પત્નીને છોડીને બીજી એક સ્ત્રીના પ્રેમમાં પડી, પોતાના ફૅમિલીને જાકારો આપી દીધો. એનો દીકરો પ્રસન્નજીત આમે ય બાંગલા-ફિલ્મોનો સુપરસ્ટાર છે, જે પિતાનું નામ પણ લેવા માંગતો નથી.

ઋષિ દા એ યકીનન ઉત્તમ કૉમેડી ફિલ્મો બનાવી છે, પણ આ ફિલ્મમાં એમણે દર્શકોને વધુ પડતા બેવકૂફ માની લીધા છે. હિંદી કૉમિક ફિલ્મોમાં હાસ્યરસિક સંવાદો તો અમથા ય હોય નહિ, પણ સિચ્યુએશન કૉમેડીથી ફિલ્મોને જાન આપી શકાય છે, એ અહીં મિસિંગ છે. મારીમચડીને પ્રેક્ષકોને હસાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.

પાંચ જીગરી દોસ્તોને શહેરમાં મકાન ભાડે મળતું નથી, એટલે પાંચમાંથી બે સ્ત્રીઓ બની જાય છે...આઇ મીન, પત્નીઓનો વેષ ધારણ કરી લે છે અને એક (વિશ્વજીત) આશિષ કુમારની પત્ની બને છે અને બીજો કેસ્ટો મુકર્જી મોટી બહુ બને છે. મેહમુદની તો એના ગામમાં પત્ની હોય છે જ. આ બહાના હેઠળ આ લોકોને બ્રહ્મ ભારદ્વાજનું મકાન ભાડે મળે છે, પણ દિલ્હીમાં ભણતી બ્રહ્મની બન્ને દીકરીઓ (કલ્પના અને શબનમ) ઘેર પાછી આવતા સામાન્ય સ્તરની હાસ્યાસ્પદ કૉમેડીઓ ઊભી થાય છે અને જેમ તેમ કરીને ફિલ્મ પૂરી કરવામાં આવે છે.

1 comment:

Anonymous said...

Prosenjit married 3 times at this age.