Search This Blog

31/07/2016

ઍનકાઉન્ટર : 31/07/2016

* ગુજરાતીઓને હિંદી બોલવાના આટલા ધખારા કેમ છે ?
- મને ખ્યાલ છે, ત્યાં સુધી એ લોકો હિંદીમાં સાંભળી પણ શકે છે !
(ધ્રુવ પંચાસરા, વીરમગામ)

* કોંગ્રેસે આ દેશનું ઘણું ભલું કર્યું છે, છતાં તમે હંમેશા કૉંગ્રેસને ઈગ્નોર કેમ કરો છો ?
- બસ. આખા વર્ષમાં આખા દેશમાંથી કોઈ પણ એક જ કૉંગ્રેસી, દેશ માટે માત્ર એક વાત કરે...ભાજપની નહિ... તો મને વાંધો નથી ! પાકિસ્તાન કે આતંકવાદીઓ માટે એ લોકોને કાંઈ કહેવું નથી ?
(નિર્મલસિંહ પરમાર, મુંદ્રા)

* જો સ્માર્ટ ફોન ની હોય તો ?
- રીક્ષા કરીને એના ઘેર જઈ આવવું.
(વેદાંત સોની, નવસારી)

* તમે ભૂતપ્રેતમાં માનો છો ?
- આપણને કોઈની પર્સનલ લાઈફોમાં ડોકાં કરવાની આદત જ નહિ !
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* જન્માક્ષર/જ્યોતિષ હિંદુ ધર્મમાં જ કેમ ?
- જગતના કોઈ પણ ધર્મ કરતા હિંદુઓમાં ભગવાનનો સ્ટૉક સૌથી વધુ છે...૩૬ કરોડ દેવતા, ૧૨૫ કરોડની વસ્તીમાં !
(ધીમંત ભાવસાર, બડોલી)

* વિજય માલ્યા ક્યારે પાછો આવશે ?
- એ કોઈ ધૂળજી છે તે એના પાછા આવવાની ચિંતા કરો છો !
(હેમલ દેસાઈ, ગાંધીનગર)

* આજના યુવાનો માટે તમારો કોઈ સંદેશ ?
- એજ કે, કોઈને મફતમાં સંદેશ આપવો નહિ.
(ક્રિષ્ણા ભેસાણીયા, રાજકોટ)

* આ વખતે ભારત ટી-૨૦ વર્લ્ડ કપ કેમ ન જીતી શક્યું ?
- કારણ કે, હારી ગયું હતું.
(અર્પણ વિ. શાહ, સુરેન્દ્રનગર)

* જ્યોતિષની દ્રષ્ટિએ રાહુલબાબાનો લગ્નયોગ ક્યારે છે ?
- ચાલુ પાર્લામૅન્ટે ઊંઘવાનું બંધ કરે ત્યારે.
(જયેશ સુથાર, કણજરી)

* જ્યારે ટપુ જન્મ્યો નહોતો ત્યારે દયાભાભી જેઠાલાલને 'ટપુ કે પાપા'ને બદલે શું કહીને બોલવતા હશે ?
- 'આનેવાલેટપુ કે પાપા...!'
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* મારી દ્રષ્ટિએ નાથુરામ ગોડસે એક રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ હતો...
- રાષ્ટ્રપ્રેમમાં ખૂન કરવાનું ન આવે !
(કલ્પેશ પટેલ, કેનેડા)

* મહાલક્ષ્મી માતા સપનામાં આવીને તમને કહે, 'સાત દિવસમાં તને રૃા. ૧૦૦ કરોડ મળવાના છે.' તો તમારૂં શું રીઍક્શન હોય ?
- 'માતાજી...બોલીને ફરી તો નહિ જાઓ ને ?'
(હસમુખ બી. રાવલ, અમદાવાદ)

* લગ્ન પછી સામેનું પાત્ર બદલાઈ ગયું હોય, એવું લાગતું હોય તો ?
- એને જોયા પછી કહું.
(ભરત ડી. સાંખલા, ડિસા)

* કાગડા દેખાતા નથી, તો પછી શ્રાદ્ધ વખતે અગાસીમાં કાગવાસ કોને નાંખવો ?
- આવી વાતોમાં સ્ત્રી-પુરૂષના ભેદભાવો રખાય જ નહિ...કોઈ કાગડી પકડી લેવી !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* આ દવાદારૂમાં દવા તો સમજ્યા, પણ દારૂનું શું ?
- તમારી વ્યવસ્થા થાય તો મને ય કહેવડાવજો.
(અમરિશ બધેકા, ભાવનગર)

* મારે પણ 'તિતિક્ષા'ની બેન્કમાં ખાતું ખોલાવવું છે...શું કરૂં ?
- ઓહ...હવે સ્ત્રીઓ પણ...???
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* નવા અને જૂનામાંથી તમને કયા ગીતો વધારે ગમે ?
- ઑડિયન્સ તૈયાર હોય તો નવું/જૂનું...કોઈ બી ગીત વ્યાજબી ભાવે ગાઈ આપવામાં આવશે.
(શૈલેષ દરજી, અમદાવાદ)

* લંડનના મૅડમ તુસાડ્ઝ મ્યુઝીયમમાં તમારૂં પૂતળું હજી કેમ નથી મૂકાયું ?
- જોઇને ય હસવું આવે, એવું પૂતળું બનાવવા એ લોકો તૈયાર નથી !
(જયેશ જરીવાલા, સુરત)

* તમે ત્રણ દિવસની ત્રણ કૉલમ લખીને બીજા ચાર દિવસ શું કરો છો ?
- ચાર દિવસ તો એ ત્રણની રાહ જોવામાં જ નીકળી જાય છે !
(શીતલ ટર્નર, મુંબઈ)

* બ્રેથવૅઇટે બૅન સ્ટોક્સની ઑવરમાં ચાર છગ્ગા માર્યા, ત્યારે તમને કેવું લાગ્યું હતુ?
- ઉપાડી ઉપાડીને ઝીંકી દીધી કહેવાય !
(ફૈઝલખાન નેદરીયા, ગાંધીનગર)

* તમારો પંખો વારેવારે કોણ બંધ કરી જાય છે ?
- વીજળી ઘરવાળા.
(સતિષ ટર્નર, મુંબઈ)

* અરવિંદ કેજરીવાલ કોંગ્રેસે કરેલા ભ્રષ્ટાચારો વિશે કેમ બોલતા નથી ?
- એ માણસ પબ્લિસિટીનો ભૂખ્યો છે...એના નામનો સવાલ પૂછીને તમે ય એનું ધાર્યું કરાવો છો !
(મૂકેશ શાહ, વડોદરા)

* ગાંધીનગરમાં ચૂંટણી જેવું કાંઈ લાગતું જ કેમ નથી ?
-ઝપો ને !
(વીરેન્દ્ર મણીયાર, ગાંધીનગર)

* હવે...બિહારમાં પણ દારૂબંધી ?
- તે તમારે ક્યાં ત્યાં જઈને પીવો છે !
(મિલન પિપલીયા, અમદાવાદ)

* તમારા મતે રાજકારણ એટલે શું ?
- જેની રાહુલ ગાંધીને કાંઈ ખબર પડતી નથી એ.
(પ્રકાશ લછવાણી, આદિપુર-કચ્છ)

No comments: