Search This Blog

28/07/2016

ટાંટીયો તૂટે છે ત્યારે.....

આપણામાંથી ઘણાને, હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા ગયા પછી શું કરવાનું હોય, તેની ખબર પડતી નથી. રૂમમાં દાખલ થઇએ, એટલે દર્દીની વાઇફ, એની બા કે એની દીકરી વીલાં મોંઢા કરીને બેઠા હોય. આપણે જઇએ એટલે, ‘કામધંધો લાગતો નથી, એટલે આ લોકો તો રહેવા આયા લાગે છે’, એવું સમજીને પરાણે થોડું હસીને, ‘આવો’ કહે. આપણ આવીએ પણ ખરા. પણ આવી ગયા પછી ક્યાં બેસવાનું, શું પૂછવાનું, ક્યાં ક્યાં નહિ અડવાનું તેમ જ કેટલી વાર બેસવાનું... એમાંથી એકેય વાતની ખબર હોતી નથી. દર્દીના તો હાથમાં ય પ્લાસ્ટર માર્યુ હોય, એટલે એના હાથનો કયો ભાગ દબાવીને કઇ નસ દબાવવાની, એની ય આપણને શું ખબર હોય ? (સામાન્ય રીતે ગુજરાતમાં શિરસ્તો છે કે, કોઈની ખબર કાઢવા ગયા હોઈએ, એટલે દર્દીના શરીરના કોઈપણ એક ભાગને દબાવીને પૂછવાનું હોય છે કે, ‘હવે કેમ છે ?’) આ તો એક વાત થાય છે. દર્દી સામે જોઇને થોડું હસાય કે ના હસાય, એનો આધાર એક યા મેળનો પડ્યો છે, એની ઉપર હોય છે, એટલે ટેકનિકલી આપણે સરખું હસી પણ શક્તા નથી. દર્દીનું મોઢું તરડાઈ ગયું હોય ને શરીરના ગમે તે ભાગમાંથી એ દુ:ખ દર્દ ભર્યા અવાજો કાઢતો હોય, ત્યારે આપણે હસવું ન જોઇએ. પછી, એ ઉંહકારા સાથે આપણી સામે જોઈને ફીક્કું હસતો હોય તો સામે થોડું હસવું પડે અને પેલો હસતો બંધ થાય, ત્યારે બંધ પણ કરી દેવું જોઇએ. એક શો પતી ગયા પછી આપણાથી હસવાનું ચાલુ ન રખાય. સુઉં કિયો છો ? વ્યવહારમાં તો જેમ થતું હોય, એમ જ થાય.

પણ, ઘણા તો રૂમમાં દાખલ થતાની સાથે, કેમ જાણે પેલો બે-ઘડી-ગમ્મત-ખાતર દાખલ થયો હોય, એમ દર્દીની સામે જોઇને હસવા માંડે છે. ‘પડ્યા પડ્યા ય કેવા મસ્ત લાગો છો... વાહ !’ એવા મેળનું હસો તો એના બા ખીજાય. એવું કોઈ ’દિ ન હસાય.

ખબર-કાઢુ તરીકે, દર્દીના રૂમમાં દાખલ થવાની પણ એક પધ્ધતિ હોય છે. ઘણા તો ભગવાન શ્રીરામ હોસ્પિટલના સ્ટાફને દર્શન દેવા આવ્યા હોય, એવા ચારે બાજુ સ્માઇલો આલતા-આલતા આવે છે. વળીજેની ખબર કાઢવા આવ્યા છો, એને હજી ‘કાઢી જવાનો નથી’, એ ખબર હોવી જોઇએ. જતાં વ્હેંત ઠૂંઠવા મૂકવાના ન હોય કે, ‘ક્યારે કાઢી જવાના છે... ? ભલે તમારો ઇરાદો, ‘ક્યારે ઘેર લઇ જવાના છે ?’’ એવું પૂછવાનો હોય, પણ પૂછવા-પૂછવામાં ફેર હોવો જોઇએ. ટ્રેનમાં બેઠા પછી બોલવાના ડાયલોગ્સ હોસ્પિટલમાં કદી વાપરવા ન જોઇએ કે, ‘બેન, આ તો પંખીનો માળો છે... ! કોણ, ક્યારે, ક્યાં ઊડી જશે, તેની ક્યાં કોઈને ખબર છે... ?’ આવું બોલો તો પેલો સેલાઈનના બાટલા ચઢાવેલો બેભાન-અવસ્થામાં ય મોટું ડચકું ખાય અને રૂમના બારી-બારણાં બંધ કરાવવા માંડે. અમે સમજીએ છીએ કે, તમારો ઇરાદો પંખી નડિયાદ ઉતરે છે, વડોદરે ઉતરે છે કે, ઠેઠ મુંબઇ સુધી પાંખો ફફડાવતો આવવાનો છે, એટલું પૂછવાનો હોય... પણ, પૂછવા-પૂછવામાં ફેર હોવો જોઇએ.

પણ બધાને બોલતા આવડતું નથી. મને યાદ છે, મારો ખભો ભાંગ્યો અને બોલવા જઉં તો, બન્ને હોઠ એકબીજાથી દૂર જતા રહેતા હતા. ભલે હું એ જમાનામાં કાંઈ ખભેથી હસતો નહતો, પણ મારૂં મોઢું ખૂલતું નહોતું અને મારાથી બોલાતું નહોતું, ત્યારે પૂછનારાઓ પૂછતા, ‘શું કરતા ભાંગ્યો ?’ કેમ જાણે, આપણે ખભા વડે સોફો ખસેડવા ગયા હોઈએ. પાછું, આશ્વાસન આપે છે કે જીવ બાળે છે તે ખબર ન પડે, ‘ચલો સારૂ થયું, ખભો જ ભાંગ્યો... ! અરે, કમરના મણકા ખસી ગયા હોત તો મરી રે’ત... ! ખભા ભાંગે એ તો બહુ સારૂં... !’ એને એટલી ખબર ન પડે કે, આમાં આપણને ખભાની કે મણકાની ચોઇસ નથી મળતી.

આ તો જેના ઘેર કે હોસ્પિટલમાં ખબર કાઢવા જાઓ, તો ત્યાં કેવી રીતે વર્તવું જોઇએ, એની તમને ટીપ્સ આપું છું. પણ અત્યારે આ બધું ડહાપણ હું કરૂં છું, પણ લાસ્ટ વીક હું જ એક મોટો લોચો મારીને આવ્યો છું.

અમે ફેમિલી સાથે મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા ગયા, પણ ત્યાં ગડદી બહુ હતી, એટલે મેં ’કુ...લાય... અશ્વિનીયાની ખબર કાઢી આઈએ. આપણી ભાવના સારી. (એમ તો અમારી ઉપરવાળાની ભાવના ય સારી... પગ થોડો ખોડંગાય છે....’) આપણે તો મનોરંજન સાથે કામ છે ને ? આ હમણાં કંઇ પહેલો વરસાદ પડ્યો, એમાં એના બિલ્ડિંગની ફૂટપાથ પાસે પાણી ભરાઈ ગયેલા. પાણીની વચ્ચે પગ મૂકીને ખાડો ક્રોસ કરી શકાય, એ માટે વચમાં કોઈ દયાળુએ પથરો મૂક્યો હતો, જેના ઉપર જમ્પ મારીને, પેલી બાજુ કૂદી જવાનું હોય. પણ આમાં શરત એટલી હોય છે કે, પહેલો જમ્પ માર્યા પછી, તમારૂં લેન્ડિંગ એક જ પગે, પથ્થરની બરોબર મધ્યમાં થવું જોઇએ. આવડત હોય તો પણ એક સાથે બન્ને પગે કૂદીને એટલા નાના પથરા ઉપર લેન્ડિંગ કરી શકાતું નથી.. નહિ તો પાણીમાં છ...મ્મ બોલે અને આપણે ભમ્મ થઇ જઇએ.

ઊંઝા-મેહસાણા બાજુ પાણીના ખાબોચીયામાં વર્ષોથી ભ...મ્મ થતા કેટલાક અનુભવીઓનું કહેવું છે કે, એ ઘડી અને એ અવસ્થા એવી હોય છે કે, આમાં કૂદતા પહેલા ટ્રાયલ પૂરતી, બે-ચાર વાર પ્રેક્ટિસ કરી જોવાતી નથી. ‘છૂ...છુ...છુ...’ કરતા દૂરથી રન લેતા પણ ન આવવાનું હોય. સ્કૂલમાં એ બધું બરોબર હતું કે, માપ બરોબર લેવું પડે. અશ્વિનીયો જરા ચીકણો, એટલે ઘરમાં વાઈફ સાથે બેલેન્સ જેવું અહીં પથ્થર ઉપર બેલેન્સ જળવાય, એ હેતુથી પગ અને પથ્થર વચ્ચેનું ડિસ્ટન્સ એણે અંદાજે માપી લીધું. સમજો ને, લગભગ સાડા ત્રણ ફૂટ થતું હશે... બે-ચાર ઇંચ ઓછા ય હોય ! બસ, એ બે-ચાર ઇંચ એના ગણવામાં ન આવ્યા અને પથ્થર બે-ચાર ઇંચ પાછળ રહી ગયો અને અશ્વિનીયો પડ્યો. યોગગુરૂઓ કહે છે કે, ભીનો ખાડો કૂદતાં પહેલા ઊંડો શ્વાસ લઇ, સહેજ નમીને બન્ને હાથ પહોળા રાખવા જોઇએ. ત્યાર બાદ, પહેલો પગ આગળ લઇ જઈ, એની ઉપર આખા શરીરનું વજન મૂકીને, ‘જય હનુમાનજી’ બોલીને જમ્પ મારવાનો હોય છે. વળી આ કોઈ ભવસાગર નહિ,પણ ભવખાડો પાર કરવાનો હોય છે. ફિલ્મો ગમે તેટલી જોઈ હોય, પણ આવા સ્થળોએ પાટલૂનની બાંય ઢીંચણ સુધી ચઢાવીને ઊભેલા કોઈ પલળેલા વટેમાર્ગુને માંઝી સમજીને, ‘માંઝી લે ચલ પાર, લે ચલ પાર...’ના મોઢે એની સામે જોવું ન જોઇએ.... લોકો વાતો કરે. આવામાં તો નૈયા જાતે જ પાર કરવાની હોય.

અશ્વિનીયો કૂદ્યો તો ખરો, પણ હાળો આમાં ય પાણી પી ગયો, બોલો !

દેખીતું છે, પડતા વ્હેંત પથ્થર એના શરીરના એ ભાગ પર ખૂંપી ગયો જ્યાં એ વર્ષોથી રૂમાલ પાથરીને બેસે છે. ધબાકો મોટો થયો એના કરતા, ‘ઓય મરી ગયો રે...’ નામની એની બૂમ બુલંદ નીવડી. પરમેશ્વરે એને બે કૂલા વાપરવા આપ્યા હતા, વેડફી નાંખવા નહિ... એમાંનો એક અત્યારે સપાટ થઇ ગયો.

હું તો ફેમિલી સાથે સરઘસાકારે અશ્વિનીયાની ખબર કાઢવા ગયો. શિસ્ત મને પહેલેથી ગમે. હાડકા ચકનાચૂર કરીને સૂતેલા દર્દીના પ્લાસ્ટરને સાચવવાનું હોય છે. ખૌફનાક એક્સિડેન્ટ પછી દર્દી પ્લાસ્ટરમાં આખો પગ લટકાઈને ઊંધે કાંડ પડ્યો હોય તો જતા વ્હેંત, યુધ્ધ ભૂમિમાં વીર રાજપુત મરેલો ઘોડો હલાવી જુએ એમ, એનો પગ હલાવીને, ‘શું હવે કેમ છે ?’ ન પૂછાય, પણ આપણે આ બધાના કાંઈ થોડા જાણકારો હોઇએ ? (જવાબ : ના જ હોઈએ. જવાબ પૂરો.) મેં બસ, એટલું જ પૂછવા, અશ્વિનીયાનો પગ ભૂલમાં હણહણાવ્યો. લાગણીના માર્યા, આપણને એ વખતે ખ્યાલ ન હોય કે, આપણે શું હલાવી રહ્યા છીએ. મને યાદ છે, કાળા માથાના કોઈ માનવીએ ન પાડી હોય, એવી બૂમ અશ્વિનીયાએ પાડી. મારા મોરપિચ્છ સમા સ્પર્શ છતાં એના હાડકાનું આખું સેટિંગ હલી ગયું હતું. કોઈ તો ગમે તે હલાવે ને ગમે તેવો સટાકો ઉપડ્યો હોય, દર્દીએ જે પગે પાટા બાંધ્યા હોય એને તો વેદનામાં આમ આડેધડ ન ઉછાળવો જોઇએ ને ? મને હસવું આવવું હતું, છતાં મેં ‘સોરી’ કીધું. થોડીવારમાં બધું શાંત પડ્યું ને અશ્વિનીયો જરી ઠંડો ય પડ્યો, ત્યાં મારી ત્રણ વર્ષની પૌત્રી ગઝલ અશ્વિનીયાના પ્લાસ્ટર ઉપર લપસણી ખાવા ચઢી ગઈ. ધ્યાન અમારૂં કોઈનું નહિ. ‘દાદાઆઆઆ...’ કરતી એ લપસી ને આ બાજુ અશ્વિનીયો રાડારાડ કરતો ભોંય પર આવ્યો. એને એટલી ખબર ન પડે કે, આ હોસ્પિટલ છે, એનું ઘર નથી, તે દર બબ્બે મિનિટે આવી ચીસો પાડે છે ! આમાં તો ડોક્ટરના બા ય ખીજાય...!

પ્લાસ્ટરમાં એનો આખો પગ પલંગથી છત તરફ બંધાયેલો હતો. માની ન શકાય એટલો દુ:ખાવો પગમાં થતો હતો ને એમાં ય, પગની નસોમાં લાંબા લાંબા લબકારા મારે, એ તો છત ફાડી નાંખે એવી ચીસો પડાવે. એવા દુ:ખતા પગ ઉપર નાની કીડી તો શું, નવી મૌસમ બેસે તો ય ગળામાંથી રાડ નીકળી જાય. અશ્વિનીયાને જોવાની મને મઝા આવતી હતી, પણ પછી કોઈને ત્યાં બહુ બેસાય બી નહિ ને... ? એ માંડ ઠેકાણે પડ્યો હતો, એટલે અમે નીકળવા રજા માંગી. આ ક્ષણની જ જાણે એનું ફેમિલી રાહ જોઇને બેઠું હોય, તેમ બધા એકી સાથે બોલી ઉઠ્યા, ‘બસ ત્યારે... ? આવજો’. ભ’ઇ, આપણે સમજીએ કે, આમ જલ્દી-જલ્દી ઊભા ન થઇ જવાયને આયા છીએ તો થોડું બેસવું જોઇએ, પણ બધાએ એક દિવસ તો ઊભા થવાનું જ છે ને... ? અમે ય થયા, એમાં આપણને સગી સાળી બનાવવી ગમે, એવી કોઈ કાતિલ નર્સ હાથમાં ટ્રે લઇને દરવાજામાં દાખલ થઇ,  હોસ્પિટલમાં તો હું ય રૂપાળો લાગતો હોઉં છું, તે એ બિચારી મને જોવા ગઈ, એમાં ગોથું ખાઈ ગઈ ને પડી સીધી અશ્વિનીયા ઉપર... !

સાલી ડોબીને ખબર હોવી જોઇએ કે, કોની ઉપર પડાય...! દર્દી બિચારો આવો ભાર સહન કરી શકવાનો હતો... ??

સિક્સર
- અમેરિકામાં પોતાના પ્રિય લેખકને મોંઘી કાર, બંગલો કે વર્લ્ડ ટુરની ફ્રી ટિકિટો એમના ચાહકો મોકલાવતા હોય છે.
અહીં કેમનું છે ?
- બીજાની તો ખબર નથી, પણ મારો એક ચાહક અઠવાડીયા માટે પોતાની સાસુ મારે ત્યાં સાચવવા મૂકી ગયો હતો... !

(Published on 16-06-2010)

No comments: